Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

ત્રિપુરા: ડાબાને ખબર ન પડે એ રીતે જમણો હાથ સત્તા સુધી પહોંચી ગયો, કેવીરીતે?

માણિક સરકારને મોબાઈલ ન વાપરવાનો ગર્વ હતો, જે તેની હારનું કારણ બન્યો!

૧૯ ટકા બેરોજગારી હોય, પગાર ન વધતો હોય તો શું વિચારધારાને ધોઈ પીવાની? આવું વિચારીને પબ્લિકે ભાજપને મત આપ્યો

નાગાલેન્ડ અને મેઘાલયમાં કમળ નથી ખીલ્યું: ગોદી મીડિયાની જાણ ખાતર

ચૂંટણી એટલે? પરિશ્રમ, વ્યવસ્થાપન, વિચારધારા, તડજોડ, આક્ષેપબાજી, મૂળભૂત પ્રશ્નો, પૈસાની કોથળી, મારામારી, જાતિગત સમીકરણો, ઉશ્કેરણી, સત્તા વિરોધી જુવાળ, અર્ધસત્ય અને ઘણું બધું. ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યોની ચૂંટણીમાં સઘળું જોવા મળ્યું. જો કે બે પરિબળો સૌથી અધિક અસરકારક રહ્યાં. ૧) સત્તા વિરોધ અને ૨) અર્ધસત્ય. સત્તા વિરોધ એ કે સામ્યવાદી ગઢ ધરાશાયી થયો અને અર્ધસત્ય એ કે એક જ રાજ્યમાં કમળ ખીલ્યું હોવા છતાં ત્રણેમાં ખીલ્યાનો દાવો કરવામાં આવ્યો.

માણિક સરકાર એટલે જીવતી-જાગતી દંતકથા. આપણે ત્યાં કોઈ કોર્પોરેટર બને ત્યાં તો ઘરે ગાડી આવી જાય. ચકાચક બંગલો બની જાય. બીજી ટર્મ મળે ત્યાં એકાદ-બે પ્રોપર્ટી બનાવી લે અને એમએલએ કે એમપી બને તો તો પેઢી તરી જાય.

માણિક સરકાર પૂરા ૨૦ વર્ષ સુધી ત્રિપુરાના મુખ્ય પ્રધાન રહ્યા પણ તેમના જીવનમાં આવી કોઈ ક્રાંતિ થઈ નહીં. સાઈકલ લઈને ઑફિસ જવાનું, સાઇકલમાં જ પરત ફરવાનું. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું ત્યારે દેશને જાણવા મળ્યું કે તેમની પાસે રૃા.૧,૫૦૦ રોકડા અને ખાતામાં ૨,૪૧૦ રૃપિયા છે. મિલકતમાંં એક મકાન છે. આટલી તેમની સંપત્તિ. ન ગાડી, ન સ્કૂટર, કંઈ નહીં.

ત્રિપુરાનાં પરિણામોને સમજવા પહેલા માણિક સરકારને સમજવા જરૃરી છે. ઉપર વર્ણવ્યો તે તેમનો એક ચહેરો હતો. તેમનો બીજો ચહેરો જોઈએ.

આને તેની ઉપલબ્ધિ પણ ગણવી પડે. તેઓ જ્યારે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ત્રિપુરામાં અલગાવવાદ ચરમસીમા પર હતો. નેશનલ લિબરેશન ફ્રંટ ઑફ ત્રિપુરા (એનએલએફટી)ના ઉગ્રવાદીઓ ટચૂકડા રાજ્યને અલગ દેશ બનાવવા લડત ચલાવી રહ્યા હતા. જેને ખાળવા એફસ્પા(આર્મ્ડ ફોર્સીઝ સ્પેશ્યલ પાવર્સ એક્ટ) લાગુ હતો. માણિક સરકારે સત્તામાં આવતા વેંત નિર્ધાર કરેલો કે રાજ્યનું નિયંત્રણ વિદ્રોહીને બદલે ખરા અર્થમાં સરકારના હાથમાં આવી જવું જોઈએ.

વિદેશનીતિ એ કેન્દ્રની સૂચિમાં આવતો વિષય છે. રાજ્યને તેની સાથે નિસબત હોય નહીં. તેમણે ત્રિપુરાની વિદેશ રાજ્ય નીતિ તૈયાર કરી. કેમ કે એનએલએફટીના ઉગ્રવાદીઓ બાંગલાદેશમાં છુપાઈને લડત ચલાવતા હતા. એ સમયે ત્રિપુરામાં રાતે નીકળવું અસંભવ હતું. માણિક સરકારે ગુપ્ત રાહે એક સૈન્ય અધિકારી અને શેખ હસીનાની મદદ લઈ એનએલએફટી પર રક્ષણાત્મક નહીં, આક્રમણાત્મક હુમલા શરૃ કર્યા. થોડા જ વર્ષોમાં તેને જડ  મૂળથી ઉખાડી નાખ્યું.

બીજું બંડખોર જૂથ ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ(એટીટીએફ) પણ હતું નહોતું થઈ ગયું. શાંતિ સ્થાપિત કરી. પોતે રોજ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના વોકિંગ કરવા નીકળતા એવી સલામતી સ્થાપિત કરી. (ગુજરાત સલામત કહેવાય છે, પણ શું એટલું સલામત છે કે મુખ્યમંત્રી કોઈપણ પ્રકારના સુરક્ષા કાફલા વગર સડક પર ટહેલી શકે?)

હવે માણિક સરકારના નકારાત્મક પાસા જોઈએ. કહેવાય છે કે ગમે તેવા સિદ્ધાંતવાદી અને ભ્રષ્ટાચાર મુક્ત હોય, પણ રાજકીય પ્રતિસ્પર્ધી કે વિરોધીઓને સહન કરી શકતા નથી. વિરોધી વિપક્ષમાં હોય કે સ્વપક્ષમાં તેના પ્રત્યે બિલકુલ નિર્દય અને ક્રૂર રહેતા. રાજકીય હિંસા પણ કરાવતા.

માણિક સરકારના ત્રણ ચહેરા તમારી સમક્ષ મૂક્યા પછી હવે એ જોઈએ કે ત્રિપુરામાં ભાજપને જીત શામાટે મળી. તેમાં માણિક સરકારની નિષ્ફળતાઓ આપોઆપ આવી જશે.

ભાજપની જીતનું પ્રથમ કારણ એન્ટી ઇન્કમબન્સી છે. સીપીએમ ત્યાં ૨૫ વર્ષથી લગલગાટ સત્તામાં હતો. માણિક સરકાર પોતે ૨૦ વર્ષથી મુખ્યમંત્રી હતા. એટલે પ્રજા તેના શાસનથી થાકી હોય એ નિશ્ચિત હતું. જોકે ભાજપને સત્તાની સીડી ડાબેરીઓનો નહીં, કોંગ્રેસનો વોટ શેર ધોવાવાથી મળી છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદીએ ત્રિપુરામાં જાહેરસભા કરી ત્યારે માત્ર ૭,૦૦૦ લોકો એકઠા થયા હતા. ત્યારથી આરએસએસ અને ભાજપે ગ્રાઉન્ડ વર્ક શરૃ કર્યું. શાખાની સંખ્યામાં ચાર ગણો વધારો કર્યો. ત્યાં તેમણે કરેલા ગ્રાઉન્ડ વર્કનો ફાયદો મળ્યો.

દક્ષિણપંથી રાજકીય પક્ષ ભાજપે ત્રિપુરામાં પોતાનો સપોર્ટ બેઇઝ ઊભો કરવા ડાબેરી મોડલ પ્રમાણે કામ કર્યું. મોહલ્લા અને બ્લોક સ્તર પર કમિટીઓ બનાવી. એ ઉપરાંત મહિલા, યુવા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વગેરે ભીન્ન-ભીન્ન મોરચાની રચના કરી.

એટલે નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે આ તેમની વિચારધારાની જીત છે તો ખોટી વાત છે. ઉત્તર-પૂર્વમાં વામપંથી પ્રણાલીથી સંગઠન બનાવીને જ તેમણે જીત હાંસલ કરી છે. મોદી-શાહની જોડીએ ૧૯ રાજ્યોમાં કેસરિયો ફરકાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી તેમની પાછળ તેમની વિચારધારામુક્ત અને ચહેરામુક્ત રાજનીતિ કામ કરે છે. તેઓ જ્યાં જે વિચારધારાની જરૃર પડે, જ્યાં જે ચહેરાની જરૃર પડે તે પહેરી લે છે.

ત્રિપુરાની ૬૦માંથી ૨૦ બેઠકો એવી છે જ્યાં આદિવાસીઓનું વર્ચસ છે. આ વિસ્તારોમાં ભાજપે ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (આઇપીએફટી)ની મદદ લીધી. પરિણામ શું આવ્યું? દર વખતે અહીંની ૨૦માંથી ૧૮ બેઠકો સીપીએમને મળે છે. આ વખતે તેનાથી ઉલટું થયું. કેવળ બે મળી. આદિવાસીઓના મહત્તમ મત ભાજપ અને આઇપીએફટીને ગયા.

માણિક સરકારને દેશના સૌથી ગરીબ મુખ્ય પ્રધાન કહેવામાં આવે ત્યારે તેઓ પોરસાતા હતા. આજની તારીખ સુધી તેઓ મોબાઈલ વાપરતા નહોતા. એટલે જ તેઓ ત્રિપુરાની યુવાપેઢી અને શિક્ષિત વર્ગથી ડિસકનેક્ટ રહ્યા.

માણિક સરકાર પ્રમાણિક છે, પણ તેઓ બે દાયકા સુધી સત્તામાં રહેવા છતાં નિમ્ન સ્તરમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર ખતમ કરી શક્યા નહીં. સીપીએમનું શાસન જોતા-જોતા જ મોટી થયેલી પેઢી તેમનાથી કંટાળી હતી. યુવાઓ અને શિક્ષિતો સોશિયલ મીડિયા સાથે કનેક્ટ હતા. ભાજપે આકર્ષવામાં સફળતા મેળવી. માણિક સરકાર તો મોબાઇલ જ નથી વાપરતા એટલે સીપીએમ આ સેન્ટિમેન્ટને કઈરીતે સમજી શકે!

ત્રિપુરામાં નાથ સંપ્રદાયના અનુયાયીઓનો મોટો હિસ્સો છે જે ઓબીસીમાં આવે છે. તેમના મત ખેંચવા માટે બીજેપીએ યોગી આદિત્યનાથની સહાયતા લીધી. સાત બેઠકો પર યોગીની સભા યોજાઈ હતી. તેમાંથી છ પર બીજેપી અને એક પર તેના સાથી પક્ષ આઇપીએફટીએ વિજય પતાકા ફરકાવી. ત્રિપુરાનો વિજય ભાજપે કરેલા સોશિયલ એન્જિનિયરિંગનો વિજય છે. આગળની દલીલ આ દાવાને વધુ મજબૂત આધાર આપશે.

ઘરધણીને ઉપવાસ હોય એટલે મહેમાનનેય ભૂખ્યા રાખવાના? માણિક સરકાર સાદગીથી રહેતા હતા. પણ રાજ્ય સરકારના કર્મચારીઓનો શો વાંક? તેમને સાતમાને બદલે ચોથા પગારપંચ મુજબ પગાર મળી રહ્યો હતો.  સરકાર પાસે પૈસા નથીની લાચારી જણાવી સરકાર (માણિક) આગળ ધરી દેતા. ત્રિપુરાના રાજ્ય સરકારના કર્મચારી અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ વચ્ચેના પગારમાં અડધો-અડધ ફરક પડે છે.

ભાજપને અહીં જીતવા માટેનો ગેપ મળી ગયો. તેમણે તરત જ દુ:ખતી દબાવી. કહ્યું કે અમે સત્તામાં આવશું તો સાતમું પગારપંચ આપીશું. રાજ્ય સરકારના કર્માચારીઓની સંખ્યા ચાર લાખ. દરેકના ઘરના ત્રણ-ત્રણ મત ગણો તોય ત્રિપુરાની કુલ વસ્તીના ૩૩ ટકા એટલે કે ૧૨ લાખ થાય.  આટલા નહીં તોય આમાંથી ઘણા બધા મત ભાજપને મળ્યા.

માથાદીઠ આવકમાં ત્રિપુરા દેશમા ૨૨મા ક્રમનું રાજ્ય છે. વાર્ષિક માથાદીઠ આવક રૃા.૭૧,૬૬૬ છે. મહિને રૃપિયા છ હજાર કરતા પણ ઓછી. આટલામાં શું થાય? માનવતાની દૃષ્ટિએ ડાબેરી વિચારધારા ઉત્તમ પણ જો આર્થિક સદ્ધરતા ન આપી શકે તો શું ધોઈ-પીવાની? ડાબેરી અને જમણેરી વિચારધારાના સારા-નરસા પાસાઓની ચર્ચા બૌદ્ધિકો, વિદ્વાનો, રાજકીય સમીક્ષકો, પત્રકારો અને સાહિત્યકારો કરતા હોય છે. આમ આદમીને તો સુખ-શાંતિવાળું જીવન જોઈએ છે. ગરીબીમાંથી છૂટકારો જોઈએ છે. તેમને આ બધી સંભાવનાઓ જેમાં દેખાય તેને તે મત આપી દે છે. એટલે સીપીએમના નિરાશાજનક શાસનથી છૂટવા મતોનો પ્રવાહ ભાજપ તરફ વહ્યો.

દેશમાં બેરોજગારીનો દર ૪.૯ ટકા છે. ત્રિપુરામાં ૧૯.૪ ટકા. આમાં લોકો વિચારધારાને ક્યાં સુધી ચીપકેલા રહે? એટલે જ તેમની બેઠકો ૪૯માંથી ખાબકીને ૧૬ પર આવી ગઈ. ભાજપની બેઠકો ૧૬થી વધીને ૩૫ થઈ ગઈ.

ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસનો વોટશેર ૩૬.૫ ટકા હતો. તે ઘટીને ૧.૮ ટકા થઈ ગયો. ત્રિપુરિયન પ્રજા કોંગ્રેસને વિકલ્પ તરીકે જોતી હતી, તેના બદલે ઓપ્શનમાં કાઢી નાખી. સીપીઆઇએમના નેતા માણિક સરકારની નિષ્ફળતા કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નિષ્ફળતાએ ભાજપની સફળતામાં મોટી ભૂમિકા ભજવી છે.

ભાજપે સોશિયલ એન્જિનિયરિંગની સાથોસાથ પોલિટિકલ એન્જિનિયરિંગ પણ કર્યું. ડાબેરી, મધ્યમ માર્ગી કે કોઈપણ વિચારધારાના જેટલા પણ શક્તિશાળી હરીફ ઉમેદવારો મળ્યા તેમને પ્રલોભન આપીને પોતાના પક્ષમાં જોડયા. એટલે દેખીતી રીતે પક્ષની જીત લાગે, પણ બોટલની અંદર તો એ જ લેફ્ટિસ્ટ-સેન્ટ્રીસ્ટ માલ છે.

રાણીના ઘરે પુત્ર જન્મ થતા હરખ ઘેલી થતી દાસીઓની જેમ મીડિયાએ ચલાવી દીધું કે ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યોમાં કમળ ખીલ્યું. ગોદી મીડિયા અને દરબારી મીડિયાની સાથોસાથ આમને દાસી મીડિયા તરીકે પણ ઓળખી શકાય. વાસ્તવમાં એક ત્રિપુરામાં જ કમળ ખીલ્યું છે.

નાગાલેન્ડમાં વિજેતા પક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટ છે, ભાજપ નથી. એનપીએફને ૨૭ અને તેમના સહયોગી બીજેપીને કેવળ ૧૧ બેઠક મળી છે. નેશનલ ચેનલ મીડિયા પરિણામ દેખાડતી વખતે જ્યારે નાગાલેન્ડમાં વિજય તરફ આગળ વધતા ગઠબંધન માટે બીજેપી પ્લસ દર્શાવી રહ્યું હતું ત્યારે એનપીએફના નેતાઓ અકળાઈ રહ્યા હતા. આ તો એવું થયું કે અમિતાભની ફિલ્મમાં પહેલું નામ જ્હોની વોકરનું આવે.

મેઘાલયમાં ભાજપને માત્ર બે સીટ મળી છે. ૧૯૯૮માં ત્રણ મળી હતી. એટલે તેના કરતાય એક ઓછી. પણ શું કરવાનું? ખોટી માહિતી પ્રચારિત કરવાનો જમાનો છે. અંધકાર યુગમાં માહિતીના અભાવે લોકો જેમ અંધશ્રદ્ધામાં સરી જતા હતા અને દંતકથાઓને સાચી માની લેતા તેમ અતિ-માહિતીના યુગમાં લોકો સાચી માહિતીથી વંચિત રહીને અધૂરા સત્યને જ પૂર્ણ સત્ય માનવા લાગ્યા છે. વાયકાને વાસ્તવિકતા સમજી તેનું વિશ્લેષણ કરી રહ્યા છે.

અત્યાર લગીનો ટ્રેન્ડ એવું પણ કહે છે કે કેન્દ્રમાં જેની સરકાર હોય તેને સેવન સિસ્ટર્સમાં રાજકીય સફળતા મળવાની સંભાવનાઓ બળવતર છે. કારણ કે આ પછાત રાજ્યોમાં ચાલતી યોજનાઓમાં ૯૦ ટકા ફંડિંગ કેન્દ્ર સરકારનું હોય છે. આશા રાખીએ કે ત્રિપુરામાં પાંગરેલું કમળ ત્યાંની જનતાને શાંતિ, સુખાકારી અને સૌહાર્દથી મઘમઘ કરે.

હોય નહીં!

વેસ્ટ જતી ગરમીનો ઉપયોગ કરી શકે એવું મટિરિયલ બનાવાયું

આ દુનિયામાં કશું જ નકામું નથી. આપણને તેની ઉપયોગીતા ખબર ન હોય એટલે આપણે તેને વેસ્ટનું લેબલ મારી દઈએ છીએ. કેમિકલ, થર્મલ, સ્ટીલ પાવર પ્લાન્ટ અને બીજી અનેક એવી જગ્યાઓ છે જેના ક્રિયાન્વયન દરમિયાન પૂષ્કળ ગરમી ઉત્પન્ન થતી હોય છે. આ ગરમી બિલકુલ વ્યર્થ જાય છે. આપણો સમાજ હજુ પ્લાસ્ટિકને પણ ઠીકઠાક રીસાઇકલ કરતા નથી શીખ્યો ત્યારે વિજ્ઞાાનીઓ આ વેસ્ટ જતી ગરમીને ખપમાં લેવાનું વિચારી રહ્યા છે. કેવીરીતે?

વિજ્ઞાાનીઓએ સિલ્વર(ચાંદી), કોપર (તાંબુ)  અને ટેલુરિયમ આ ત્રણ તત્ત્વોનો ઉપયોગ કરીને એક એવું મટિરિયલ બનાવ્યું છે જે ગરમીનું મંદ તથા વીજળીનું ઝડપથી વહન કરે છે. અણુ કોષ્ટકમાં ૫૨મા નંબરનું ટેલુરિયમ અર્ધધાતુ છે. વિજ્ઞાાનની ભાષામાં કહીએ તો નવું શોધાયેલું મટિરિયલ ઊંચું થર્મોઇલેકટ્રિક પરફોર્મન્સ ધરાવે છે.

નવ સંશોધિત દ્રવ્યને ત્રણે તત્ત્વોના લેટિન નામના પ્રથમ બબ્બે અક્ષર એજી, સીયુ અને ટીઈને જોડીને એગક્યુટ નામ આપવામાં આવ્યું છે. એગક્યુટના આઠ એમએમ લાંબા સળિયાના એક છેડે અત્યંત ઊંચુ તાપમાન હોય ત્યારે બીજો છેડો બિલકુલ ઠંડો રહે છે. મોટરકારમાં ઉત્પન્ન થતી ગરમી પણ એગક્યુટની મદદથી ઉપયોગમાં લઈ શકાશે. ઊર્જાની વધતી જરૃરિયાતના જમાનામાં આનાથી વીજળી વધુ સસ્તી અને અધિક સુલભ બનશે.

આજની નવી જોક

લીલી (છગનને): લગ્ન પછી તમે મને જરાય પ્રેમ નથી કરતા.

છગન: પાગલ, પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે?
 

Keywords network,08,march,2018,

Post Comments