Breaking News
ગુગલે ભારતમાં લોન્ચ કર્યા સસ્તા એન્ડ્રોઈડ વન ફોન * * * ભારતીયોને જલસાઃ જાપાનની 1 બુલેટ ટ્રેન સામે ચીન 2 આપવા તૈયાર * * * ચીન બેગ્લોર-ચેન્નઈ અને બેંગ્લોર-મુંબઈ માટે પાટા-પૈસા-ટ્રેન આપવા ઉત્સુક * * * મોદી અને જિનપિંગ માટે ત્રણ BMW ગાડીઓ વિમાન માર્ગે આવશે * * * સુરક્ષામાં કુલ ૩૨ અદ્યતન ગાડીઓનો કાફલો તૈનાત રહેશે * * * બીએમડબલ્યુ કાર બુલેટપ્રૂફ અને અત્યાધુનિક સુવિધાઓ અને ઉપકરણોથી સજ્જ હશે

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવાજૂની - ઉર્વીશ કોઠારી

મલેશિયાનું ખોવાયેલ વિમાન ખોજ અને ખતરો

- ઉપગ્રહોની ચાંપતી નજર અને સંદેશા વ્યવહારની જડબેસલાક સુવિધાઓ છતાં ૨૦૯ ફૂટ લાંબું અને ૨૦૦ ફૂટ જેટલી પાંખોની પહોળાઇ ધરાવતું તોતિંગ બોઇંગ ૭૭૭ વિમાન જાય ક્યાં? લેેટેસ્ટ ટેક્નોલોજી છતાં નિષ્ણાતોને દિવસો સુધી માથું ખંજવાળવાનો વારો કેમ આવ્યો? અને કેવી રીતે ચાલી તેની શોધખોળ?

૮ માર્ચ,૨૦૧૪. રાત્રિના ૧૨ઃ૪૦ વાગ્યે મલેશિયાના પાટનગર કુઆલાલુમ્પુરથી ૨૨૭ ઉતારુઓ અને ૧૨ ક્રુ મેમ્બર સાથે ફ્લાઇટ નં.એમએચ ૩૭૦ ધરાવતું બોઇંગ ૭૭૭ વિમાન આકાશે ચડયું. એ વખતે વિમાન જોનારાને અંદાજ સુદ્ધાં નહીં હોય કે ઉડતા ઘર જેવું લાગતું આ તોતિંગ વિમાન માંડ એકાદ કલાક પછી, ઘાસની ગંજીમાં ખોવાયેલી સોયની જેમ અદૃશ્ય થઇ જશે.
દસ દિવસ પછી આ લખાય છે ત્યારે અમેરિકા અને ભારત સહિત નવ દેશોની ટુકડીઓ મલેશિયન એર લાઇન્સના ગુમ થયેલા વિમાનની ભાળ મેળવવા મથી રહી છે. આ લેખ તમારા સુધી પહોંચે ત્યારે શક્ય છે કે વિમાનનો પતો મળ્યો પણ હોય. છતાં, સ્ટેજ પરથી હાથી ગુમ કરી દેતા ચબરાક જાદુગરની માફક કોણે આ વિમાનને ગુમ કરી દીધું અથવા કેવી રીતે એ પહેલાં મૂંગું અને પછી ઓઝલ થઇ ગયું તેનું સસ્પેન્સ દિલધડક છે. વિમાન ઓચિંતું ગાયબ થયા પછી વ્યક્ત થયેલી પહેલી શક્યતા અકસ્માતની હોય. આ કરુણ સંભાવનાની ચકાસણી કરવાનું સહેલું નથી. કુઆલાલુમ્પુરથી ઉપડેલું વિમાન થાઇલેન્ડનો અખાત પાર કર્યા પછી, આશરે ૪,૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને ચીનના પાટનગર બેજિંગ  પહોંચી જવાનું હતું. પરંતુ અફાટ જળરાશિમાં વિમાન ખાબક્યું હોય તો પણ તેના ભંગારનો પત્તો મેળવવો અઘરો પડે. એટલે તપાસટુકડીઓએ હિંમત હાર્યા વિના પ્રયત્ન ચાલુ રાખવો પડે.
બીજી અને કરુણ નહીં પણ કાતિલ શક્યતા ત્રાસવાદની હતી.  એ સીધુંસાદું અપહરણ હોય તો વિમાનનો કન્ટ્રોલ ટાવર સાથેનો સંદેશાવ્યવહાર ચાલુ હોય. કારણ કે અપહરણકર્તાઓને ઉતારુઓના સાટામાં પોતાની માગણીઓ મૂકવાની હોય. પરંતુ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી, આખેઆખું બોઇંગ વિમાન ગુમ થઇ જાય અને ગુમ થતાં પહેલાં તેના સંદેશાવ્યવહારની સ્વિચ પણ બંધ કરી દેવામાં આવે, ત્યારે ઘણા દેશોના પેટમાં તેલ રેડાય. અમેરિકા ઉપરાંત ભારતને પણ ચિંતા થઇ શકે. અમેરિકાના ભૂતપૂર્વ નાયબ ગૃહમંત્રી (ડેપ્યુટી સેક્રેટરી ઑફ સ્ટેટ્સ) સ્ટ્રોબ ટાલ્બોટે ટ્વીટર પર એવો મમરો મૂક્યો હતો કે '(અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જેમ) ભારતનું કોઇ શહેર વિમાની હુમલાનું નિશાન હોઇ શકે છે.'
મલેશિયાના વડાપ્રધાનની સ્થિતિ કફોડી થઇ. વિરોધાભાસી અટકળો-અનુમાનો અને નિષ્ણાતોના અભિપ્રાયો વચ્ચે દસ દિવસ સુધી પ્રયાસ કર્યા પછી તેમણે જાહેર કર્યું કે વિમાનના નિશ્ચિત પ્રવાસમાર્ગ પર તપાસકાર્ય બંધ કરવામાં આવે છે. દરમિયાન, લેટેસ્ટ ટેક્નોલોજી ધરાવતાં ઉપકરણોને લીધે ગુમ થયેલા વિમાન વિશેની માહિતીના થોડાઘણા ટુકડા ઇધરઉધરથી મળી રહ્યા હતા. જેમ કે, મલેશિયાના એર ટ્રાફિક કન્ટ્રોલના રડાર પર છેલ્લે બપોરે ૧ઃ૩૦ વાગ્યે દેખાયેલા આ વિમાને મલેશિયાના લશ્કરી રડાર પર બપોરે ૨ઃ૧૨ વાગ્યે પોતાની છેલ્લી હાજરી નોંધાવી હતી. થોડા આશ્ચર્યની વાત એ પણ હતી કે વિમાનમાંથી આફતનો સંકેત આપતો કોઇ સંદેશ પ્રસારિત થયો નહીં.
આશરે ૩૫ હજાર ફીટની ઊંચાઇએ ઉડતાં બોઇંગ જેવાં વિમાનના ચાલકો સતત કન્ટ્રોલ ટાવર સાથે સંપર્કમાં રહેતા નથી. 'રીપોર્ટિંગ પોઇન્ટ્સ' એટલે પ્રવાસમાર્ગમાં નક્કી થયેલા અંતરે તે ટાવરને વિમાનની ઊંચાઇ, ઝડપ અને તેના સ્થાન જેવી ઔપચારિક વિગત આપી દે છે. ગુમ થયેલા વિમાનના કિસ્સામાં કન્ટ્રોલ ટાવર સાથે સંવાદ સાધતાં ટ્રાન્સ્પોન્ડરની સ્વિચ બંધ થઇ ગઇ અને વિમાન મૂંગું બની ગયું. ત્યાર પછી સંદેશાવ્યવહારનાં બીજાં સાધન પણ મોજુદ હતાં. હાઇ ફ્રિકવન્સી રેડિયો સિગ્નલ ઉપરાંત બોઇંગ વિમાનમાં ACARS તરીકે ઓળખાતી અદ્યતન પ્રણાલિ પણ કાર્યરત હતી. 'એરક્રાફ્ટ કમ્યુનિકેશન એડ્રેસિંગ એન્ડ રીપોર્ટિંગ સિસ્ટમ' તરીકે ઓળખાતી આ ટેક્નોલોજી વિમાનના મેઇન્ટેનન્સ-જાળવણીનું ધ્યાન રખાતું હોય ત્યાં આપોઆપ સંદેશા મોકલી આપે. પરંતુ એને પણ બંધ કરી દેવામાં આવી. બોઇંગ કંપનીનાં વિમાનોની હાજરી ઉપગ્રહો થકી પણ નોંધાતી રહે એવી વ્યવસ્થા હોય છે. તેના થકી જાણવા મળ્યું કે વિમાને મૌન સાધી લીધા પછી પણ ચારેક કલાક સુધી તે ઉડતું રહ્યું હતું અને ઉપગ્રહ થકી તેની હાજરી પુરાઇ હતી.  મલેશિયાના વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે વિમાનનો સાવ પાંખો સિગ્નલ તેની ઉડાન શરૃ થયાના સાડા સાત કલાક પછી ઉપગ્રહે નોંધ્યો હતો. (અલબત્ત, તેમાં વિમાનનું સ્થાન જાણવા મળી શકે એવી વ્યવસ્થા હોતી નથી. )
વિમાનની ફ્લાઇટ મેનેજમેન્ટ સીસ્ટમનાં કમ્પ્યુટરમાં અગાઉથી ફ્લાઇટનો પ્રવાસમાર્ગ આંકેલો હોય છે. અપહરણના સંજોગોમાં વિમાનને બીજા રસ્તે લઇ જવું હોય તો તેને મેન્યુઅલી, કમ્પ્યુટરની સહાય વિના, પાયલટે ચલાવવું પડે. મલેશિયાના વિમાનના કિસ્સામાં આઠ-નવ દિવસની તપાસ પછી એવું જાહેર થયું છે કે તેની ફ્લાઇટ મેનેજમેન્ટ સીસ્ટમમાં જ પ્રવાસમાર્ગને બદલી નાખવામાં આવ્યો હતો. એટલે કે વિમાનના માર્ગનું પ્રોગ્રામિંગ જ એવું કરી નાખવામાં આવ્યું કે તે બેજિંગને બદલે બીજા રસ્તે જાય. અમેરિકાથી પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, ફ્લાઇટ મેનેજમેન્ટ સીસ્ટમમાં થયેલો આ ફેરફાર ACARS માં નોંધાયો અને તેના થકી ભૂમિમથક સુધી પહોંચ્યો. એટલે કે, ACARS બંધ કરી નાખવામાં આવ્યું તે પહેલાં ફ્લાઇટ સીસ્ટમ સાથે ચેડાં કરીને કે ઇરાદાપૂર્વક પ્રવાસમાર્ગ બદલી નાખવામાં આવ્યો હતો.
જે સલુકાઇથી અને ટેક્નિકલ આંટીઘૂંટી સમજીને વિમાનને ગુમ કરવામાં આવ્યું એ જોતાં તેના પાયલટો સામે તપાસ ચાલુ થઇ. તેમાંથી એકના ઘરે ફ્લાઇટ સિમ્યુલેટર- ઉડ્ડયનની તાલીમ અને એની અનુભૂતિ માટે વપરાતું યંત્ર- મળી આવતાં નવો ફણગો ફૂટયો.  
૧૫૪ ચીની મુસાફરો ધરાવતું આ વિમાન આ લખાય છે ત્યારે કોઇ અકસ્માતને બદલે ગંભીર કાવતરાનો ભાગ કે ભોગ બન્યું હોય એવી આશંકા વધારે રહે છે. સંદેશાવ્યવહારની ચૂપકીદી સાધ્યા પછી તેનો ઉડ્ડયનસમય જોતાં તે પાકિસ્તાન-અફઘાનિસ્તાન કે ચીનમાં કોઇ ઠેકાણે હોઇ શકે. આડેધડ આંગળીઓ ચીંધવાનો પ્રશ્ન નથી, પણ અકસ્માતની કરુણ શક્યતા કરતાં કાવતરાની કાતિલ સંભાવના સલામતીની દૃષ્ટિએ વધારે અગત્યની અને ગાંઠે બાંધવા જેવી છે.
બીજી અને ઓછી જોખમી સંભાવના એ છે કે આ સસ્પેન્સ કથા પરથી ટૂંક સમયમાં હોલિવુડ કે મુંબઇના કોઇ ઉત્સાહી એકાદ મસાલા ફિલ્મ બનાવવાની જાહેરાત કરે.

Post Comments