Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રામ રહીમના સિરસાના ડેરામાં ઘૂસીને તપાસ કરવા પોલીસને લીલીઝંડી

- રાજ્ય સરકારની અરજી મુદ્દે હરિયાણા હાઈકોર્ટની ત્રણ જજની ખંડપીઠનો આદેશ

- ૮૦૦ એકરમાં ફેલાયેલા ડેરામાં કોર્ટ કમિશનરની દેખરેખ હેઠળ સર્ચ ઓપરેશન કરાશે, સમગ્ર તપાસની વીડિયોગ્રાફ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કરતી વખતે આવકવેરા અને અન્ય સુરક્ષા એજન્સીઓના નિષ્ણાતોને પણ સાથે રખાશે
રાધે મા સામે અત્યાર સુધી એફઆઈઆર નહીં નોંધવા મુદ્દે પણ હરિયાણા હાઈકોર્ટની પોલીસને ફિટકાર

(પીટીઆઈ) ચંદીગઢ, તા. 5 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજે ડેરા સચ્ચા સોદા કેસની તપાસ કરવા નિવૃત્ત સેશન્સ જજની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી હતી. ગુરમિત રામ રહીમ સિંઘના ડેરાની 'સંપૂર્ણ જ્યુડિશિયલ તપાસ' કરવા હરિયાણા સરકારે કરેલી અરજીનો ચુકાદો આપતી વખતે હાઈકોર્ટના ત્રણ જજની ખંડપીઠે આ નિર્ણય લીધો હતો. હવે ડેરામાં ઘૂસીને સર્ચ ઓપરેશન કરવાનો હરિયાણા પોલીસનો માર્ગ મોકળો થઈ ગયો છે.

સિરસામાં આવેલા ડેરાના વડા મથકની તપાસ કોર્ટ કમિશનર એકેએસ પવારની દેખરેખ હેઠળ થશે. આ તમામ તપાસની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે, જેથી ભવિષ્યના કોઈ પણ વિવાદને સહેલાઈથી ટાળી શકાય. ડેરાની તપાસ વખતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. આ તપાસનો અહેવાલ હાઈકોર્ટને સુપરત કરવાનો રહેશે.

સિરસાનો ડેરા ૮૦૦ એકરમાં ફેલાયેલો છે, જ્યાં રહેણાક વિસ્તાર સહિત ઈન્સ્ટિટયુશનલ અને કોમર્શિયલ બિલ્ડિંગો પણ આવેલા છે. આ જ્યુડિશયલ તપાસમાં આવકવેરા ખાતાના અધિકારીઓને પણ જોડીને ડેરાની આવકની તપાસ કરાશે. ડેરા સચ્ચા સોદાના અધ્યક્ષ વિપાસના ઈન્સાને જણાવ્યું હતું કે, અમે તો જિલ્લા તંત્રને કોઈ પણ સમયે ડેરાની તપાસ કરવાનું આમંત્રણ આપ્યું જ છે. અમારી પાસે જે કોઈ હથિયારો હતા તે બધાનું લાયસન્સ હતું. એ હથિયારો પણ અમે પોલીસ સમક્ષ જમા કરાવી દીધા છે.

આ દરમિયાન હરિયાણા હાઈકોર્ટે કપૂરથલાના રહેવાસી સુનિલ મિત્તલની અરજી પર સુનવણી કરતા સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને સવાલ કર્યો છે કે, અત્યાર સુધી સુખવિંદર કૌર ઉર્ફે રાધે મા સામે પોલીસે એફઆઈઆર કેમ નથી નોંધી? રાધે માએ મિત્તલને બોલતા રોકવા તેમને કૉલ કરીને ધમકીઓ આપી હતી. મિત્તલે રાધે મા સામે ધાર્મિક લાગણીઓ દુભાવવી, ધાકધમકી આપવા સહિતની ફરિયાદો કરી હતી.

નોંધનીય છે કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સોમવારે માહિતી આપી હતી કે, ડેરાની પ્રાથમિક તપાસમાં જ વાંધાજનક ચીજવસ્તુઓ, દસ્તાવેજો અને હથિયારો મળી આવ્યા છે. આ દરમિયાન ખટ્ટરે સંકેત આપ્યો હતો કે, અદાલતની મંજૂરી વિના ડેરામાં પોલીસ પ્રવેશી નહીં શકે કારણ કે, સરકાર નથી ઈચ્છતી કે, અમારી તરફ આવતીકાલે કોઈ આંગળી ચીંધીને કહે કે, સરકારે સુરક્ષાકર્મીઓને ડેરામાં જવાની મંજૂરી કેવી રીતે આપી?

નકલી બાબા જેલમાં, અસલી બહાર
ગુરમિત રામ રહીમ સિંઘનો એક ચોંકાવનારો વીડિયો બહાર આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં દાવો કરાયો છે કે, ડેરા સચ્ચા સોદાના નકલી બાબા જેલમાં છે, જ્યારે અસલી બાબા તો ફરાર થઈ ગયા છે. કોર્ટે પણ અસલી નહીં પણ નકલી બાબા સામે કાર્યવાહી કરી હતી. અસલી બાબા કોર્ટમાં ક્યારેય આવ્યા જ નથી. તેઓ તો વિદેશ જતા રહ્યા છે અને ત્યાંથી અનુયાયીઓ સાથે સંપર્ક કરતા રહેશે. આ વીડિયોમાં રામ રહીમના દેખાવ સામે છેડછાડ કરીને આ પ્રકારના દાવા કરાયા છે. જોકે, આ વીડિયો નકલી  હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

બાબાની ગેરહાજરીમાં ડેરાની ગાદી કોઈનેય નહીં સોંપાય
ગુરમિત રામ રહીમને વીસ વર્ષની જેલ થયા પછી સૌથી મોટો સવાલ એ હતો કે, હવે ડેરાની ગાદી કોણ સંભાળશે? જોકે, આ મુદ્દે એક મોટો ખુલાસો કરતા ડેરા મેનેજમેન્ટ કહ્યું છે કે, બાબાની ગેરહાજરીમાં ડેરાની ગાદી બોર્ડના સભ્યો જ સંભાળશે. આ ગાદીનો વારસો કોઈને પણ સોંપવામાં નહીં આવે.  આ મુદ્દે ડેરા સચ્ચા સોદાના અધ્યત્ર વિપાસના ઈન્સાને કહ્યું હતું કે, હવે ડેરાનો કોઈ ઉત્તરાધિકારી નહીંં નિમાય. ડેરાના ફક્ત અગ્રણીઓ રહેશે, જે ડેરાનું રોજિંદુ કામકાજ સંભાળશે. આજેય ડેરાના પાંચથી છ કરોડ અનુયાયીઓ છે. આ લોકો રોજેરોજ અહીં આવે છે. અમે ઘણી બધી કંપનીઓ, ફેક્ટરીઓ અને હોસ્પિટલ બનાવી છે, બિઝનેસ ઊભા કર્યા છે એ બધું જ અનુયાયીઓની મદદથી થયું છે. અહીં લોકો આવશે અને રોજગારી મેળવતા રહેશે.

Post Comments