Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બે પુંઠા વચ્ચે એક થયેલું વિભાજનનું સાહિત્ય -ઈશાન ભાવસાર

મૌર્ય સામ્રાજ્ય દરમ્યાન પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પૂર્વમાં આસામ સુધી ફેલાયેલા અને કાળક્રમે ભૌગોલિક રીતે સંકોચાતા રહેલાં ભારત માટે વધુ એક વખત વસમી ઘડી આવી પહોંચી હતી. એ ઘડી એટલે ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭. વિભાજનની કરૃણાંતિકાને ઈતિહાસમાં બહુ ઓછુ સ્થાન મળ્યું છે, પણ સાહિત્યકારોએ વિભાજન પર ઘણુ સર્જન કર્યું છે

રેવન્યુ સ્ટેમ્પ

રેવન્યુ સ્ટેમ્પ એ અમૃતા પ્રિતમની આત્મકથાનું નામ છે. વિભાજન સમયે ીઓ પર થયેલા પાશવી અત્યાચારો સામેનો રોષ, દુ:ખ,પીડા વ્યક્ત કરતું એક કાવ્ય 'અજજ અખાં વારિસ શાહનું'  નામનું કાવ્ય અમૃતાએ લખ્યું હતું :
 

આજે વારિસ શાહને કહું છું કબરમાંથી બોલો
અને પ્રેમની કિતાબનું કોઈ નવું પાનું ખોલો
પંજાબની એક દીકરી રડતી હતી, તમે લાંબી કથા લખી
આજે લાખો દીકરીઓ રડી રહી છે, વારિસ શાહ!
તમને કહી રહી છે,
હે દર્દભર્યાનાં દોસ્ત! તમારાં પંજાબને જુઓ
વન લાશોથી છવાઈ ગયાં છે, ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

હીર-રાંઝાની પ્રેમકહાણીનાં કર્તા અને હીરનાં દર્દને વાચા આપનાર અઢારમી સદીનાં પંજાબી સૂફી કવિ વારિસ શાહને ઉદ્દેશીને લખેલી અમૃતાની આ કવિતા એટલી તો મર્મસ્પર્શી હતી કે પાકિસ્તાનમાં અહમદ ફૈઝનાં પુસ્તકની પ્રસ્તાવનામાં અહમદ નદીમ કાસમીએ લખ્યું કે લોકો આ કવિતાને ખિસ્સામાં રાખે છે, બહાર કાઢીને વાંચે છે અને રડે છે. બાદમાં પાકિસ્તાનનાં મુલ્તાનમાં યોજાતા 'જશ્ન-એ-વારિસ શાહ' નામનાં વાષક સમાંરભનો આરંભ અમૃતાની આ નઝમથી થતો હતો.

તમસ

વિભાજન સમયનાં લોકમાનસ અને હેવાનિયતનો સાહિત્યિક દસ્તાવેજ એટલે સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત હિંદી નવલકથા 'તમસ'. એક અંધારી ઓરડીમાં સૂવર કાપવાની અને તેને મસ્જીદ આગળ ફેંકવાની વાતથી નવલકથા શરુ થાય છે અને પરસ્પર અવિશ્વાસ, ગાંધીવાદીઓની ઓસરતી પ્રસ્તુતતા, કટ્ટરપંથીઓનું વધતું જોર કોમી હિંસાનાં  અંધકારમય ભાવિ તરફ દોરી જાય છે.

પોતાની આત્મકથા 'આજ કે અતીત'માં ભીષ્મ સાહની લખે છે : 'મને બરોબર યાદ નથી કે ક્યારે મુંબઈની નજીક, ભિવંડી નગરમાં હિંદુ-મુસ્લિમ રમખાણો થયા. પણ મને એટલું યાદ છે કે એ રમખાણો પશ્ચાત મેં તમસ લખવાનું શરુ કર્યું. ભિવંડી વણકરોનું નગર હતું. શહેરમાં ઠેકઠેકાણે વણાટકામનાં સંચા આવેલાં હતા.

એમાંથી ઘણાં સંચા વિદ્યુત સંચાલિત હતા. પણ ઘરો આગમાં હોમાઈ જવાથી એ સંચાઓમાંથી ધાતુ પીગળી ગઈ હતી. એ ગલીઓમાં ફરતા જાણે એવું લાગતું કે આપણે કોઈ પ્રાચીન નગરનાં ખંડેરોમાં ફરી રહ્યાં છે... મેં   વૃક્ષો પર બેઠેલાં ગીધ અને સમડીઓ જોયા. રુંવાડા ઉભાં કરી દેતી ચીસો સાંભળી હતી, અને ધર્માંધ લોકોનાં નારા પણ સાંભળ્યા હતા.'

વિભાજનની વ્યથા-કથા

ગુજરાતી સાહિત્યનાં પ્રાધ્યાપક અને જાણીતાં વિવેચક ડા. શરીફા વીજળીવાળાએ વિભાજન પર ઘણુ કામ કર્યું છે. 'વિભાજનની વ્યથા' અને 'વ્યથાની કથા', 'વિભાજનની વાર્તાઓ', મન્ટોની વાર્તાઓ અને અસગર વજાહતનાં ઉર્દૂ નાટક 'જેણે લાહોર જોયું નથી' નાં અનુવાદ જેવાં પુસ્તકો આપ્યાં છે.

'વ્યથાની કથા' પુસ્તક એ રીતે વિશિષ્ટ છે કે હિન્દુસ્તાનનાં વિભાજન વિશે વિચારનારા અને એ ઘટનાનો સીધો ભોગ બનનારો લોકો સાથેનો સંવાદ રજૂ થયો છે. વિભાજન જેવાં સંવેદનશીલ વિષય અંગે લોકો ખુલીને વાત કરી શકે એ માટે ભોપાલમાં મુસ્લિમોનાં ઇન્ટરવ્યું કરતી વખતે શરીફાબહેનને કપાળ પરથી ચાંદલો કાઢી નાખવો પડેલો તો સિંધીઓનાં ઇન્ટરવ્યું વખતે તેમણે પોતાનું નામ છુપાવવું પડેલું!

એક્શન રીપ્લે

આત્મકથામાં તારક મહેતાએ લખ્યું છે : હું અપરાધી ભાવે એ (આઝાદીનો) અવસર ઊજવી રહ્યો હતો. આઝાદીની લડતમાં હું કશો ફાળો આપી શક્યો નહોતો, તે તો ઠીક, પણ નડીયાદની શાળાઓમાં હડતાલ ચાલતી હતી ત્યારે સરકારી અમલદારના દોહિત્ર ભનિયાએ (તારક મહેતાનું મોસાળનું હુલામણું નામ) ઘોડાગાડીનાં પડદાઓ પાડીને નિશાળે જવું પડતું હતું.

અમારી ગાડી શેરીઓમાં પસાર થતી ત્યારે છોકરાઓ ગાડી સાથે દોડતા અને પડદો ઉંચો કરી બૂમ મારતા, 'સરકારી ખાંધિયાઓ, ડૂબી મરો. જમાના પહેલાં જેલના કેદીઓની છાતીના ઉપર એમના નંબરનો ડામ દેવામાં આવતો. મારી છાતી પર ખાંધિયો શબ્દ છપાઈ ગયો છે. જયારે જયારે અમદાવાદનાં મિત્રો વાનરસેનાની લડતનાં પરાક્રમો વર્ણવતા ત્યારે મારી છાતી ઉપર પેલો ડામ ઉબળી આવતો. મારે માટે તો હું દેશદ્રોહી  છું એવું યાદ કરાવતો એ ડામ હતો.

બક્ષીનામા

હિંદુ-મુસ્લિમ યુદ્ધ પાલનપુર સુધી આવી ગયું. ઘરમાં હું, બા, બકુલ અને મારા દાદી (જેમને હું મા કહેતો) હતા. એ દિવસેય તોફાનો થવાની અફવા હતી. કેટલાંય દિવસોથી હિંદુ-મુસ્લિમ ઝેર ફેલાઈ ચૂક્યું હતું. અમે ત્રણે પહેલે માળે બારીઓ બંધ કરીને બેસી ગયાં હતા અને બકુલ કદાચ સૂતો હતો. પાસે ત્રણ મોટી બારીઓ હતી જે દરવાજાઓ જેટલી મોટી હતી અને ઈંટોનો ઢગલો હતો.

એક મુસ્લિમ ટોળું મશાલો લઈને ખોડા લીમડા પર આવ્યું. અલ્લાહો અકબરની ખૂંખાર ચીસો અને પથ્થરો ફેંકાવાનાં અવાજો અને અંદર રહેતાં માણસોની દયાજનક અરજના દબાયેલા અવાજો. મુસ્લિમ ટોળું બક્ષીવાસ સુધી આવી ગયું હતું.  મા નવકારમંત્ર ગણી રહી રહ્યાં હતા, બા પણ નવકારમંત્ર ગણી રહ્યાં હતા.  બક્ષીવાસમાં અમારાં ત્રણ ઘર શરૃમાં જ હતા. એટલે પહેલો હુમલો અમારા પર જ થવાનો હતો. હું બાને અંધારામાં કહેતો હતો : 'તમે મને પથરા આપજો. હું મારીશ. સાલો, એક પણ અંદર નહિ આવે.'

પણ અમારાં સદભાગ્યે મશાલોવાળું ટોળું જીવા મહેતાનાં ચકલા તરફ થઈને પથ્થર સડક ઉતરી ગયું કે મોટી બજાર તરફ ચાલ્યું ગયું. રાજ્યનાં એક ઉચ્ચ જૈન અધિકારીને માર્ગમાં છરો મારવામાં આવ્યો. એ મરતા બચી ગયાં. એક જ દિવસમાં નવાબ તાલેમહંમદખાન મુંબઈથી પાછાં પાલનપુર આવ્યા. સ્ટેશનેથી સીધા જ હોસ્પિટલ ગયાં. જીવનભર રિયાસતે-પાલનપુર અને બાબી ઘરાણાની સેવા કરનાર નમકહલાલ ઉચ્ચાધિકારીને પથારીમાં બેહોશ જોઈને નવાબ રડી પડયા. પાલનપુરની મુસ્લિમ પોલિસ નિષ્ફળ ગઈ હતી એનું નવાબને દુ:ખ હતું. એ પછી પાલનપુરમાં આઝાદી સુધી હુલ્લડ થયું નહિ.

જિગરના ચીરા : હિંદના ભાગલા અને ગાંધીજી

નારાયણ દેસાઈનું પુસ્તક 'જિગરના ચીરા' ગાંધીજીના જીવનના આખરી તબક્કા - હિન્દના ભાગલાથી ગાંધી હત્યા પર પ્રકાશ પાડે છે. આઝાદી વખતે ગાંધીજી હિંસાની આગમાં લપટાયેલા કલકત્તાના બેલિયાઘાટ રોડ પર આવેલા ખખડધજ મકાન હૈદરી હાઉસમાં હતા.

૧૫મી આગસ્ટ ૧૯૪૭નો દિવસ ગાંધીજીને મન મહાદેવ દિન હતો. કારણ એ દિવસે એમના મહાદેવની છઠ્ઠી પુણ્યતિથિ હતી. ગાંધીજી ઉજવણી વખતે દિલ્હીમાં આવે એટલા માટે તેને વારંવાર તેડાં આવતા હતા અને દર વખતે ગાંધીજી ના પાડતા હતા. કેમ કે તેઓ પહેલા જ કહી ચૂક્યા હતા કે 'આવતી કાલે આપણે બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થઈશું, પણ આજની મધરાતથી હિન્દુસ્તાનના બે ભાગલા પડશે. એટલે આવતીકાલે એ ઉજવણીની જેમ શોકનો દિન પણ હશે.'

દિલ્હીથી આવેલા એક તેડાગરે તો એટલે સુધી કહી નાખ્યું કે , 'આપ નહીં આવો તો ખૂબ ખોટું થશે.' એક નિસાસા સાથે ગાંધીજીએ એટલું જ કહ્યું કે, 'ખોટું થતું હોય તો થવા દો.'

કોઈકે કહ્યું કે ' છેવટે એક અભિનંદનનો તાર તો કરો!' ગાંધીજીએ પૂછયું, ' અભિનંદનનો કે આશ્વાસનનો?'
    
આ માત્ર કેટલાક નામો છે, દેશની વિવિધ ભાષામાં આઝાદી-વિભાજન અંગે વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે. જોકે જેટલી પ્રસિદ્ધિ ઈતિહાસને મળી એટલી સાહિત્યને નથી મળી. આ યાદીમાં દોમેનીક લેપીયર અને લેરી કોલિન્સની 'ફ્રીડમ એટ મિડનાઈટદોમેનીક લેપીયર અને લેરી કોલિન્સની 'ફ્રીડમ એટ મિડનાઈટ' તથા કનૈયાલાલ મુનશીએ લખેલા સંભારણા, 'એક યુગનો અંત : સંસ્મરણો હૈદરાબાદના'નો પણ સમાવેશ કરવો રહ્યો.

મૂળ સોતાં ઉખડેલાં

૧૯૪૭નાં કોમી રમખાણોમાં પંજાબમાં અપહરણ કરાયેલી ીઓને પાછી મેળવવાના કામમાં મૃદુલાબહેન સારાભાઈનાં મદદનીશ કમળાબહેન પટેલે સક્રિય ભાગ લીધો હતો. પોતાની અનુભવ કથા તેમણે 'મૂળ સોતા ઉખડેલા' નામે શબ્દબદ્ધ કરી છે. શું લખ્યું છે તેમાં? :

પૂર્વ પંજાબમાંનાં હિંદુ અને શીખોના ઘરમાંય રહેલી મુસ્લિમ ીઓને પુન:પ્રાપ્ત કરી અમૃતસરની વચગાળાની છાવણીમાં લઇ આવવામાં આવે ત્યારે તેમની પાછળ તેમની તપાસ કરતા અપહરણ કરનારાઓ અમારાં કાર્યાલયમાં આવી પહોંચે. ઉંચા ઉંચા લાંબી દાઢીવાળા આઠ-દસ પુરુષોનું ઉશ્કેરાયેલું ટોળું ધસી આવે, ભારત સરકારને ગાળો દેવા લાગે અને કહે : 'પાકિસ્તાનમાંથી તો બરબાદ થઈને આવ્યા, અને જાણે બાકી હતુ કે તેમ હવે અમે અમારું ઘર ભાંગવા તૈયાર થયા છો! અમારી ઔરતને પોલીસ ઉપાડી લાવે છે અને હવે તેનું મોં સુધ્ધાં જોવાની રજા આપતાં નથી.'

પછી તો આ પડછંદ પુરુષો મોટે મોટેથી રડવાનું શરુ કરે. હું તેમને સમજાવું : 'આ ી મુસલમાન છે એ વાત સાચી ને! એ તમારી પાસે કેવી રીતે આવી?'

મારા સવાલનો જવાબ દરેકની તરફથી એકસરખો જ મળતો : 'હા, એ પહેલાં મુસલમાનની હતી, પણ એને અમૃત છાંટીને હિંદુ બનાવ્યા પછી તેની સાથે રીતસરની શાદી કરી છે.'

અમે લપ છોડાવવા કહેતાં : 'આ ીને પાછી સોંપવાનું અમારાં અધિકારની બહાર છે.'

મોટા ભાગનાં લોકો અમારી આ વાતનો ખૂબ સહજતાથી જવાબ આપતાં : 'બીબીજી, આપી હમકો યહ ઔરત વાપસ નહી દે સકતે હૈ, લેકિન હમને સુના હૈ કી પાકિસ્તાન સે બહોત હી હિંદુ ીયાં આપકે પાસ આતી હૈ. યહ ી હમકો વાપસ ન દે સકો તો પાકિસ્તાન સે આઈ હુઈ કોઈ એક ી દે દો!'

ખોલ દો

ટૂંકી વાર્તાના કસબી એવા મન્ટોની 'ટોબા ટેકસિંહ' જેવી વાર્તા વિભાજન પરનો જબરદસ્ત કટાક્ષ છે તો 'ઠંડા ગોશ્ત'  અને 'ખોલ દો' જેવી વાર્તાઓ વિભાજનની કાળી બાજુ ઉજાગર કરે છે. વિભાજન વખતે અપહરણ બાદ ભયંકર શારીરિક-માનસિક યાતનાઓ જેની પર ગુજરી હોય એવી યુવતીની હચમચાવી દેતી વાર્તા છે 'ખોલ દો'

ચોતરફ આગ, લૂંટફાટ, નાસભાગ અને ગોળીબાર વચ્ચે બુઢ્ઢો સિરાજુદ્દીન ઉભો થઈને પાગલની માફક ત્રણ કલાક સુધી માણસોની ભીડથી પોતાને સંભાળતો રહ્યો. તેની સત્તર સાલની બેટી સકીનાને તે સાદ દેતો હતો. તેની પત્નીનું શબ બાજુમાં પડયું હતું. એનાં આંતરડા બહાર નીકળી ગયાં હતા.

છ દિવસ પછી બૂઢાએ સિપાઈઓને કહ્યું કે મારી દીકરી રંગે ગોરી, અત્યંત સ્વરૃપવાન છે. મોટી આંખો, કાળા વાળ, જમણા ગાલ પર તલ છે. મારી એકમાત્ર પુત્રી છે. શોધી આપો, ખુદા તમારું ભલું કરશે. દિવસો પસાર થતાં ગયા. સિરાજુદ્દીનને સકીનાની ભાળ મળી નહી.

એક સાંજે આસપાસ શોરબકોર થવાં માંડયો. તેણે જોયું તો ચારેક માણસો કોઈકને ઉપાડીને લઇ જતાં હતા. પૂછપરછ કરતા તેને જાણવા મળ્યું કે એક છોકરી રેલવેના પાટા પાસે બેભાન પડી હતી. લોકો તેને ઇસ્પિતાલ લઇ જાય છે. સિરાજુદ્દીનને  સકીના યાદ આવી ગઈ. એ લોકોની પાછળ પાછળ ચાલવા લાગ્યો. એ બધા છોકરીને હોસ્પિટલવાળાઓને સોંપીને રસ્તે પડી ગયા. તે ધીરેથી અંદર ગયો. રૃમમાં કોઈ નહોતું. સ્ટ્રેચર પર એક છોકરી શબવત્ત પડી હતી. છોકરીના ગાલે તલ જોઈને સિરાજુદ્દીને ચીસ પાડીથ 'સકીના!' ડોક્ટરે રૃમમાં લાઈટ કરી, સિરાજુદ્દીનને પૂછયું, 'શું છે?'

'જી, હું તેનો બાપ છું...' ડોક્ટરે સ્ટ્રેચર પર પડેલ લાશ સામે જોયું. નાડી તપાસીને ડોક્ટરે સિરાજુદ્દીનને કહ્યું : 'ખોલ દો...' સકીનાના નિશ્ચેતન શરીરમાં પ્રાણનો સંચાર થયો. પોતાનાં પ્રાણહીન હાથથી નાડું ખોલી તેણે પોતાની સલવાર નીચે સરકાવી. સિરાજુદ્દીને આનંદથી ચિચિયારી પાડી : 'મારી દીકરી જીવે છે...' ડોક્ટર નખથી શીખ સુધી પરસેવે રેબઝેબ થઇ ગયો હતો.
 

Post Comments