Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત-પાકિસ્તાનનું 'ક્રિકેટ કનેક્શન' બહુત 'યારાના' લગતા હૈ...-ચિંતન બુચ

'ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલા' આ નાનકડું અમથું વાક્ય ભારત અને પાકિસ્તાન એમ બંને દેશના નાગરિકોના દિલમાં રોમાંચ અને દિમાગમાં જનૂન જગાવવા માટે પૂરતું છે. આઝાદી પછી બન્ને દેશોએ ક્રિકેટમાં દુશ્મનીની પરંપરા જાળવી છે. આજે વાત કરીએ બન્ને દેશના ક્રિકેટ કનેક્શનની..

ભારત-પાકિસ્તાન બંને ટીમ માટે રમ્યા!

આંતરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ૧૪ ક્રિકેટર્સ એવા છે જેઓ એક નહીં પણ બે ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.આ પૈકી ત્રણ ક્રિકેટર એવા છે જે ભારત અને પાકિસ્તાન એમ બંને ટીમ માટે રમ્યા છે.

વાત જાણે એમ છે કે  ૧૯૩૨ના વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ સૌપ્રથમ વખત ટેસ્ટ મેચમાં રમી હતી. આ પછી ૧૯૩૨થી સ્વતંત્રતા મળી ત્યાં સુધી ભારત કુલ ૧૦ ટેસ્ટ મેચમાં રમી ચૂક્યું હતું. આ સમયગાળામાં ત્રણ ક્રિકેટર એવા હતા કે જેઓ સ્વતંત્રતા અગાઉ ભારત અને ત્યારબાદ પાકિસ્તાન માટે રમ્યા હતા, જેમાં ગુલ મોહમ્મદ-અબ્દુલ કારદાર-આમિર ઇલાહીનો સમાવેશ થાય છે.

૧૯૨૧માં લાહોરમાં જન્મેલા ડાબોડી બેટ્સમેન ગુલ મોહમ્મદે માર્ચ ૧૯૪૭માં હોલ્કર સામે રણજી ટ્રોફીની ફાઇનલમાં બરોડા માટે રમતી વખતે ૩૧૯ રન ફટકારી દીધા હતા. જેમાં તેમણે વિજય હઝારે સાથે ૫૭૭ રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી. ગુલ મોહમ્મદે ભારત માટે ૧૯૪૬થી ૧૯૫૨ દરમિયાન ૮ ટેસ્ટમાં ૧૬૬ રન નોંધાવ્યા હતા. ૧૯૫૨માં ગુલ મોહમ્મદ પાકિસ્તાનમાં સ્થાયી થયા.

આ પછી તેમને ૧૯૫૬માં પાકિસ્તાન માટે એકમાત્ર ટેસ્ટમાં રમવા તક મળી અને જેમાં કુલ ૩૯ રન નોંધાવી શક્યા હતા.૧૯૪૬-૪૭માં રણજી ટ્રોફીની જે ફાઇનલમાં હઝારે-મોહમ્મદે ૫૭૭ રનની વિક્રમી ભાગીદારી નોંધાવી તેમાં બરોડા ટીમના કેપ્ટન તરીકે લેગસ્પિનર આમિર ઇલાહી હતા. આમિર ઇલાહી ભારત માટે એકમાત્ર ટેસ્ટ મેચ ૧૯૪૭માં સર ડોન બ્રેડમેનની ઓસ્ટ્રેલિયન ટીમ  સામે રમ્યા હતા. આ પછી તેઓ ૧૯૫૨માં પાકિસ્તાન સામે પાંચ ટેસ્ટમાં રમ્યા હતા.

અન્ય એક ક્રિકેટર અબ્દુલ કારદાર ભારત માટે ૧૯૪૬માં ૩ ટેસ્ટમેચ રમ્યા હતા અને જેમાં તેમણે કુલ ૮૦ રન નોંધાવ્યા હતા. ભાગલા પડતા જ તેઓ પાકિસ્તાનમાં સ્થાયી થયા. પાકિસ્તાન માટે કારદારે ૧૯૫૨થી ૧૯૫૮ દરમિયાન ૨૩ ટેસ્ટમાં ૮૪૭ રન કર્યા હતા. અબ્દુલ કારદાર પાકિસ્તાનના સૌપ્રથમ ટેસ્ટ કેપ્ટન પણ હતા. રસપ્રદ રીતે કેપ્ટન તરીકેની પ્રથમ ટેસ્ટમાં જ તેમની ટક્કર ભારત સામે થઇ હતી.  ૧૯૯૬માં વર્લ્ડકપની મેચ ટીવીમાં જોતાં-જોતાં તેમનું અવસાન થયું હતું.

જન્મભૂમિ ભારત, કર્મભૂમિ પાકિસ્તાન

'લીટલ માસ્ટર' આ સંબોધન સાથે જ  સુનીલ ગાવસ્કર કે સચિન તેંડુલકર જ યાદ આવે તે સ્વાભાવિક છે. પરંતુ 'લિટલ માસ્ટર'નું તરીકે સૌપ્રથમ કોઇ ઓળખાયું હોય તો તે હનિફ મોહમ્મદ છે. હનિફ મોહમ્મદનો જન્મ ડિસેમ્બર ૧૯૩૪માં જૂનાગઢ ખાતે થયો હતો. હનિફ મોહમ્દને ક્રિકેટની ટ્રેનિંગ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીના પિતા અબ્દુલ અઝિઝે આપી હતી. હનિફ મોહમ્મદ ૧૯૫૭-૫૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે બ્રિજટાઉન ટેસ્ટમાં ૯૭૦ મિનિટની મેરાથોન ઇનિંગ્સમાં ૩૩૭ રન નોંધાવ્યા હતા. હનિફ મોહમ્મદે ૧૯૫૨થી ૧૯૬૯ દરમિયાન પાકિસ્તાન માટે ૫૫ ટેસ્ટમાં ૩૯૧૫ રન કર્યા હતા.

હનિફ મોહમ્મદના બંધુઓ વઝિર મોહમ્મદ,મુશ્તાક મોહમ્મદ, સાદિક મોહમ્મદનો પણ જન્મ જૂનાગઢમાં થયો અને તેઓ પાકિસ્તાન માટે રમ્યા હતા. આ પૈકી સાદિક મોહમ્મદે ૪૧ ટેસ્ટમાં ૨૫૭૯, વઝિર મોહમ્મદે ૨૦ ટેસ્ટમાં ૮૦૧, મુશ્તાક મોહમ્મદે ૫૭ ટેસ્ટમાં ૩૬૪૩ રન નોંધાવ્યા હતા. ૧૯૭૦ સુધી ભાગ્યે જ કોઇ એવી ટેસ્ટ હશે કે જેમાં એકપણ મોહમ્મદ બ્રધર્સ પાકિસ્તાનની ટીમમાં હોય નહીં.

પાકિસ્તાન તેની પ્રથમ ટેસ્ટ મેચ ડિસેમ્બર ૧૯૫૨માં ભારત સામે રમ્યું ત્યારે અબ્દુલ કારદાર, હનિફ મોહમ્મદ, આમિર ઇલાહી એવા ક્રિકેટર હતા જે કોઇને કોઇ રીતે ભારત સાથે નાતો ધરાવતા હતા. આ ઉપરાંત જાવેદ મિયાંદાદનો ૧૯૫૭ની સાલમાં ભલે કરાચીમાં થયો હોય પણ તેમના મૂળિયા પાલનપુરમાં છે.ભાગલા અગાઉ મિયાંદાદના પિતા અમદાવાદમાં નોકરી કરતા હતા. મિયાંદાદ યુવાન થયા ત્યાં સુધી તેમના ઘરમાં ઉર્દુ બાદ સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી હતી. આવી જ રીતે 'એશિયન બ્રેડમેન' તરીકે ઓળખાતા ઝહિર અબ્બાસના પિતા ગોધરાના હતા.  

પાાકિસ્તાનની ટીમમાં હિંદુ ક્રિકેટર : મિયાંદાદે ઋણ ચૂકવ્યું

આ અંગે વાત કરતા અગાઉ ૧૯૪૭ના ભાગલાના ફ્લેશબેકમાં જવું પડશે. ભાગલા વખતે જાવેદ મિયાંદાદનો પરિવાર પહેરેલે કપડે જ પાકિસ્તાનમાં સ્થાયી થઇ ગયો. આ દરમિયાન જાવેદ મિયાદાદના પરિવારની મુલાકાત કરાચી ખાતે હિંદુ ધર્મના દલપત પરિવાર સાથે થઇ. દલપત પરિવારે જાવેદ મિયાંદાદના પરિવારને આશરો આપ્યો હતો.

આ પછી દલપત-મિયાંદાદ પરિવાર વચ્ચે કૌટુંબિક સબંધ થઇ ગયા હતા. '૮૦ના દાયકામાં જાવેદ મિયાદાદનો પાકિસ્તાનની ટીમમાં દબદબો હતો ત્યારે તેણે  દલપત પરિવારનું ણ ચૂકાવવા માટે પોતાની વગ વાપરીને વિકેટકીપર અનિલ દલપતને ટીમમાં સમાવી દીધો હતો. જાવેદ મિયાંદાદ પોતાનાથી ઉંમરમાં ૬ વર્ષ નાના અનિલ દલપતને નાના ભાઇ સમાન ગણતા હતા.

અનિલ દલપતે ૧૯૮૪માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સાથે ડેબ્યુ કર્યું હતું. જેની સાથે જ અનિલ દલપત પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારા પ્રથમ હિંદુ ક્રિકેટર બન્યા હતા. જોકે, આંતરિક રાજકારણને કારણે બે વર્ષમાં જ અનિલ દલપતની કારકિર્દીનો અંત આવી ગયો. અનિલ દલપત તેની કારકિર્દી અકાળે ખતમ કરવા માટે ઇમરાન ખાનને જવાબદાર ઠેરવે છે. ૨૦૦૦ના વર્ષમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ વખથે લેગસ્પિનર દાનિશ કાનેરિયાનો પાકિસ્તાનની ટીમમાં  સમાવેશ કરાયો હતો.

આ સાથે દાનિશ કાનેરિયા પાકિસ્તાનની ટીમ માટે રમનારો બીજો હિંદુ ક્રિકેટર બન્યો હતો. રસપ્રદ રીતે દાનિશ કાનેરિયા અને અનિલ દલપત બંને પિતરાઇ ભાઇ થાય. કાનેરિયાએ પાકિસ્તાન માટે ૧૦ વર્ષની કારકિર્દીમાં ૬૧ ટેસ્ટમાં ૨૬૧, ૧૮ વન-ડેમાં ૧૫ વિકેટ ખેરવી હતી. આમ, આ બંને સિવાય હજુ સુધી કોઇ પણ હિંદુ ક્રિકેટરને પાકિસ્તાનની ટીમમાં તક મળી નથી.

સચિન પાકિસ્તાનની જર્સી પહેરીને રમ્યો છે!

સચિન તેંડુલકરે પાકિસ્તાન સામે રમીને ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો તેનાથી તો દરેક ક્રિકેટપ્રેમી વાકેફ છે. પરંતુ એ વાત જાણીને નવાઇ લાગશે કે ટેસ્ટ ડેબ્યુના બે વર્ષ અગાઉ ૧૯૮૭માં પાકિસ્તાનની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો  હતો. ૧૯૮૭માં પાકિસ્તાનની ટીમ વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત સામે એક્ઝિબિશન મેચ રમવા આવી હતી.

લંચ બાદ જાવેદ મિયાંદાદ-અબ્દુલ કાદિર ગ્રાઉન્ડમાં પરત નહીં ફર્યા હોવાથી એક્સ્ટ્રા તરીકે રમી રહેલા સચિન તેંડુલકરને પાકિસ્તાનની ટીમ તરફથી ફિલ્ડિંગ ભરવાની સૂચના અપાઇ હતી. ઇમરાન ખાને સચિનને લોંગ ઓનમાં ફિલ્ડિંગ માટે ઉભા રહેવા કહ્યું હતું. બેટિંગ કરી રહેલા કપિલદેવે એ જ દિશામાં ઊંચો શોટ ફટકાર્યો હતો. જોકે, ૧૫ મીટર દોડવા છતાં સચિન તેંડુલકર કેચ પકડી શક્યો નહોતો.

મોટેરામાં પાકિસ્તાનના ફિલ્ડર્સ હેલ્મેટ પહેરીને ઊતર્યા

ભારત-પાકિસ્તાન ટેસ્ટ મેચમાં કુલ ૫૯ વખત ટકરાયા છે અને તેમાંથી ૩૮ ટેસ્ટ ડ્રો રહી છે. આ પાછળનું કારણ એ છે કે બંને ટીમને તેમના ચાહકોને એટલો ભય લાગતો કે તેઓ પરિણામ નહીં પણ ડ્રો માટે જ રમતા હતા. ટેસ્ટ ડ્રોમાં ખેંચવાનો આવો જ પ્રયાસ પાકિસ્તાને ૧૯૮૭માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ખાતે કરી જોયો હતો અને તેની સાથે જ દુર્લભ નજારો જોવા મળ્યો.

પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં ૩૯૫ રન નોંધાવ્યા હતા. જેમાં રમિઝ રાજાએ ૧૩૫ બોલમાં ૪૧, સલિમ મલિકે ૧૩૬ બોલમાં ૨૦ રન સાથે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. જવાબમાં ભારતની બેટિંગ આવી ત્યારે પ્રેક્ષકો એટલા કંટાળી ગયા હતા કે તેમણે ગ્રાઉન્ડ પર પથ્થર-બોટલ ફેંકવાનું શરૃ કર્યું. જેના કારણે ૧ કલાક સુધી મેચ અટકાવવી પડી હતી.

સમજાવટ બાદ ઇમરાન ખાનની આગેવાનીન હેઠળની પાકિસ્તાનની ટીમ મેદાનમાં ઉતરી પણ ખરી પરંતુ તેમના છ ફિલ્ડરોએ હેલ્મેટ પહેરી હતી. લોંગ ઓન કે મિડ ઓનમાં ઉભેલો ફિલ્ડર પણ ત્યારે હેલ્મેટ સાથે જોવા મળ્યો હતો. આવો નજારો ક્રિકેટમાં ક્યારેય જોવા મળ્યો નથી.  અપેક્ષા અનુસાર ડ્રો રહેલી આ ટેસ્ટ સાથે જ સુનીલ ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજાર રન કરનારા સૌપ્રથમ બેટ્સમેન બન્યા હતા.

 

Post Comments