Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સપનાંનું ભારત, હકીકતોનું ભારત - કુલદીપ કારિયા

'ભારત કેવું હોવું જોઈએ?' એ વિશે પૂછવામાં આવે તો આપણા મનમાં તરત જ વિચારોનું ઘોડાપૂર ઊમટે છે. એ રીતે બંધારણના ઘડવૈયાઓએ પણ તેમની કલ્પના પ્રસ્તુત કરી હતી, જે ભાવિ નેતાઓએ હકીકતમાં પલટવાની હતી. રાષ્ટ્ર નિર્માતાઓએ જોયેલું સપનું આઝાદીના ૭૦ વર્ષ પછી કેટલું સાકાર થયું? આવો તપાસીએ...

૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસની આકરી મહેનત દરમિયાન સંવિધાન સભાએ ભારતનું બંધારણ રચ્યું ત્યારે દરેક સારા વિચારને કાયદામાં રૃપાંતરિત કરી શકાયો નહોતો. કેટલાક એવા વિચારો હતા કે જેના અમલીકરણ માટે તે સમયની જનતા તૈયાર નહોતી.

તો કેટલાક એવા હતા કે જેના અમલીકરણ માટે દેશ પાસે પર્યાપ્ત સંસાધનો નહોતા. આથી યોગ્ય સમય આવ્યે તે વિચારોને કાયદામાં રૃપાંતરિત કરવા માટે એક પ્રકરણ લખવામાં આવ્યું જેનું શીર્ષક છે,

'રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો'. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. ૧) સમાજવાદી સિદ્ધાંતો, ૨) ગાંધીવાદી સિદ્ધાંતો અને ૩) ઉદારવાદી સિદ્ધાંતો. તેમાંથી કેટલાક એવા સિદ્ધાંતો છે જે કાયદામાં પરિવર્તિત થઈ ચૂક્યા છે, અમુક એવા સિદ્ધાંતો છે જે કાયદામાં બદલાના બાકી છે તો વળી, ઘણા એવા છે જે કાયદો બન્યા પછી પણ તેનું યોગ્ય અમલીકરણ થઈ શક્યું નથી. ત્રણે પેટા વિભાગમાંથી મહત્ત્વના સિદ્ધાંતો એક પછી એક જોતા જઈએ.

સંપત્તિ તથા ઉત્પાદનના સાધનોનું ધુ્રવીકરણ રોકવું

જેમ દરેક માણસ પાસે એક સરખી પ્રતીભા ન હોય તેમ દરેક પાસે એકસમાન સંપત્તિ પણ ન હોય. નખશિખ સામ્યવાદી વિચારોમાંથી હવે આખું વિશ્વ બહાર નીકળી ચૂક્યું છે, પણ ક્યાંક તો બ્રેક હોય જ. ૧૦૦ ટકા સામ્યવાદી ન બનીએ એનો અર્થ એય નથી કે ૧૦૦ ટકા મૂડીવાદી બની જવું.  અમેરિકાને ૧૦૦ ટકા મૂડીવાદનો પરચો ૧૯૨૯માં જ મળી ચૂક્યો હતો.

ત્યાર પછી તે આજ સુધી નીતિઓમાં પરિવર્તન કરતું આવ્યું છે. અધિકારો માટે લડતા ઓક્સફામ જૂથનો ૨૦૧૭નો અહેવાલ કહે છે કે 'વિશ્વની ૫૦ ટકા સંપત્તિ માત્ર આઠ વ્યક્તિના હાથમાં છે. ભારતમાં ૫૮ ટકા સંપત્તિ એક ટકા ધનપતિઓના હાથમાં છે.' કોઈ પૈસાદાર બને એ સમાજ માટે સારું જ છે, કિન્તુ જો કોઈ સમાજમાં પૈસાદારો અને ગરીબ બે જ વર્ગ રહે તો તે ચિંતાકારક છે. 

દેશની ૨૬ કરોડથી વધુ પ્રજા અત્યંત ગરીબ છે, જ્યારે દેશનો મોટો વર્ગ પણ સાધારણ ગરીબ તો છે જ. એનો અર્થ એ થયો કે છેલ્લા ૭૦ વર્ષની સરકારી નીતિઓ તેમની આર્થિક સ્થિતિ પલટી શકી નથી. રાષ્ટ્રની નીતિ દેશના મહત્તમ સમુદાયને મધ્યમવર્ગ બનવા તરફ દોરી જનારી હોવી જોઈએ. આગામી દિવસોમાં સરકારે તે દિશામાં કેન્દ્રિત થવું પડશે.

મહિલા અને પુરુષને એક સમાન કામ માટે એકસમાન વેતન

૧૮મી સદીમાં જ્યારે ફ્રાન્સમાં મહિલા અધિકારની માગણી ઊઠી ત્યારે ત્યાં પણ એવી વાતો થતી કે 'સ્ત્રીઓ જો કમાવા જશે તો ઘરકામ કોણ કરશે? ઈશ્વરે સ્ત્રીનું સર્જન  બાળકો મોટા કરવા અને ઘર સંભાળવા માટે કરેલું છે.' આજે પશ્ચિમના દેશોમાં આપણે આર્થિક ક્ષેત્રે મહિલાઓનું ઊંચુ સ્થાન જોઈ શકીએ છીએ.

ભારતમાં પણ આઝાદી કાળથી લઈને આજ સુધીમાં સંન્નારીઓની ભૂમિકા ઘણી ઉત્ક્રાન્ત થઈ છે, પરંતુ આજની તારીખે પુરુષને એક કામના જેટલા પૈસા મળે છે એ જ કામના પૈસા સ્ત્રીઓને ઓછા મળે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ(યુએનડીપી) દ્વારા માપવામાં આવતા જેન્ડર ગેપ ઇન્ડેક્સ અંતર્ગત ઇકોનોમિક પાર્ટિસિપેશન ઇન્ડેક્સમાં ૨૦૧૬માં ભારતનું સ્થાન ૧૩૬મું છે. રાજકારણ અને શિક્ષણમાં મહિલાઓનો જે ઉત્કર્ષ થઈ રહ્યો છે તે તેટલી ઝડપે આર્થિક ક્ષેત્રમાં થઈ રહ્યો નથી.

સ્મારકો અને ઐતિહાસિક સ્થળો, કલાત્મક સ્થાપત્યોનું રક્ષણ

જૂના શહેરો કે રસ્તાઓના નામ બદલવા વિશે સરકાર જેટલો રસ દાખવે છે તેટલી ચિંતા ઐતિહાસિક સ્થળો કે કળાત્મક સ્થાપત્યોની જાળવણી બાબતે લેતી નથી. પુરાતત્ત્વ વિભાગ કોઈ સ્થળને રાષ્ટ્રીય કે રાજ્ય ધરોહર  ઘોષિત કરી દે છે.

એમ જ યુનાઇટેડ નેશન્સ સાંસ્કૃતિક વિરાસતો જાહેર કરે છે, પરંતુ એ પછી રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા પર્યાપ્ત કાળજી લેવાતી નથી.  પ્રાચીન સ્થળોની કિમતી ચીજવસ્તુઓ ચોરાતી જાય છે અને અધિકારીઓ પગારપંચની ગણતરી માંડતા રહે છે. જ્યારે જમીનમાંથી ગુપ્તકાળના સોનાના સિક્કા મળી આવે તો લોકો તેની લૂંટફાટ કરે છે.

પોષણ સ્તર ઊંચું લાવવું, જાહેર આરોગ્યમાં સુધારો

વર્લ્ડ બેન્કના આંકડા પ્રમાણે ભારત તેની જીડીપીના ૨.૫ ટકા સંરક્ષણ પાછળ ખર્ચે છે, પરંતુ આરોગ્ય પાછળ માત્ર એક ટકાથી જરાક વધારે. આર્થિક સર્વેક્ષણ૨૦૧૬-૧૭માં જણાવીને અફસોસ વ્યક્ત કરાયો છે કે 'વિશ્વના વિવિધ દેશોની સરકાર લોકઆરોગ્ય માટે પ્રતિ વર્ષ જીડીપીના સરેરાશ ૫.૯૯ ટકા ખર્ચે છે.' આર્થિક વિકાસ બેશક થયો છે, પરંતુ સામાજિક વિકાસ તો થવો જોઈએને. માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, પ્રતિ હજાર પુરુષે મહિલાઓની સંખ્યા આ બધામાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા પાછળ છે અને ભારત અન્ય દેશો કરતા.

એશિયામાં સૌથી વધુ કુપોષિત મહિલાઓ, બાળકો ભારતમાં છે એ વાત શું આપણા માટે ગૌરવશાળી છે? મોદીનું ગુજરાત મોડલ આરોગ્યની દૃષ્ટિએ ટીકાસ્પદ રહ્યું એમ કોંગ્રેસનું તો છેલ્લા ૭૦ વર્ષનું ભારત મોડલ વખોડવાલાયક રહ્યું છે. દેશ પર સૌથી વધુ શાસન તેમણે કર્યું છે તો દેશની સ્થિતિ માટે પણ તેઓ જ સૌથી વધુ જવાબદાર છે.

પર્યાવરણની જાળવણી અને વન્ય જીવોની રક્ષા

પ્રગતિની રાહ પર આડું આવતુ પર્યાવરણ સતત સંકોચાઈ રહ્યું છે. સુંદરવન હોય કે જીમ કોરબેટ નેશનલ પાર્ક, સરકારને ત્યાંના વન્યજીવ સંરક્ષણ કરતાં જંગલ કાપીને રોડ-રસ્તા તૈયાર કરવામાં વધુ રહ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે સરકાર વાઘ પાછળ ૪૦ રૃપિયા વાપરે ત્યારે સિંહ માટે માત્ર એક રૃપિયો ખર્ચે છે.

ઉત્તરાખંડમાં ચીડ અને દેવદારના વૃક્ષોમાં વારંવાર દવ લાગે છે તે ટર્પેઇન્ટાઇન મેળવવાની લાલસામાં જંગલનું વૈવિધ્ય ખતમ કરી નાખવાનો પ્રતાપ છે. કપાતા જંગલો જોતા જોન એલિયાનો એક કટાક્ષ યાદ આવે છે. 'હમલા હૈ ચાર સૂ દર-ઓ-દીવાર-એ-શહર કા, સબ જંગલો કો શહર કે અંદર સમેટ લો.'

સમાન નાગરિક ધારો

કોમન સિવિલ કોડની પરિકલ્પના આપણા બીનસાંપ્રદાયિક સંવિધાન સભાસદોની હતી. દુર્ભાગ્યે સમાન નાગરિક સંહિતાની માગણીને કાયમ સાંપ્રદાયિક માગ તરીકે જ મૂલવવામાં આવી. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાન નાગરિક કાનૂનનો મુદ્દો ઉદારવાદી સિદ્ધાંતોની સૂચિમાં છે. તેમ છતાં બિનસામ્પ્રદાયિક પક્ષોએ મતોની રાજનીતિને કેન્દ્રમાં રાખીને આ કાનૂનનો વિરોધ કર્યો. ૭૦ વર્ષ પછી પણ ભારત હજી તેના માટે તૈયાર નથી.

કેમ કે રાષ્ટ્ર કરતા ધર્મની પકડ આપણા માનસ પર વધારે મજબૂત છે. જ્યારે દેશની મહત્તમ પ્રજા કોઈ વ્યક્તિને ધર્મના અનુયાયી તરીકે જોવાનું બંધ કરી એક નાગરિક તરીકે જોતી થશે ત્યારે આ કાનૂન બહુ સહેલાઈથી લાગુ થઈ જશે. ઈશ્વર આપણને કોમી રાજનીતિમાંથી વહેલાસર મુક્તિ અપાવે એવી પ્રાર્થના.

રોજગારનો અધિકાર, શિક્ષણનો અધિકાર

મનરેગાએ રોજગારનો અધિકાર આપ્યો છે અને મફત અને ફરજિયાત શિક્ષણના કાનૂન(આરટીઈ)એ શિક્ષણનો અધિકાર આપી દીધો છે, પરંતુ કાયદા ઘડી કાઢવાથી માત્ર સમાધાન થઈ જતું નથી અથવા માત્ર યોજનાઓના આધાર પર બેસી રહેવાય તેમ પણ નથી. ઇન્ડિયાનો 'ગ્રોથ જોબલેસ ગ્રોથ' કહેવાય છે એ કલંક માથા પરથી ભૂંસવાની જરૃર છે. સારો પગાર મેળવવો હોય તો મોટા શહેરમાં જવું પડે છે અને એટલે જ નાના વિસ્તારો કાયમ સુશિક્ષિત અને સુસજ્જ નાગરિકોથી વંચિત રહે છે.

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જેટલી અરજીઓ આવે છે તેમાંથી જૂજ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. બાકીનાઓનો શું વાંક? બીજી બાજુ આમ વિદ્યાર્થી માટે શિક્ષણ એટલું મોંઘુ થતું જાય છે કે માતાપિતાઓએ માત્ર પેટે નહીં આખા શરીરે પાટા બાંધવા પડે છે. શિક્ષણમાં ન કમાવું એવું હરગીઝ નથી. પણ તે માત્ર નફાખોરીનું માધ્યમ બની જાય તે કેટલું વાજબી?

દૂધાળા પશુઓની બલિ પર રોક અને નસ્લમાં સુધાર

દૂધાળા પશુઓની બલિ અટકાવવામાં આવે તો અનેક સમસ્યાઓનું સામટું નિરાકરણ થઈ શકે છે. એક તો દેશની મહત્તમ જનતાની લાગણી છે કે ગાયની હત્યા ન થાય. બે, દૂધાળા પશુઓની હત્યા બંધ થઈ જાય તો દૂધનું ઉત્પાદન વધી જાય અને દૂધમાં ભેળસેળ થવાના કિસ્સા ઓછા થાય. વધુમાં વધુ લોકોને સારી ગુણવત્તાવાળું દૂધ મળે તો કૂપોષણનો પણ આપોઆપ છેદ ઊડી જાય. પશુ સંરક્ષણ માટે કદાચ સમાન કાયદો આખા રાષ્ટ્રમાં લાગુ ન થઈ શકે તો કંઈ નહીં પરંતુ જેમ ગુજરાતમાં લાગુ થયો તેમ રાજ્યવાર અમલી બને તોય તબક્કાવાર સુધાર આવી શકે છે.

શ્વેત ક્રાન્તિ થયા પછી પણ દૂધની ભેળસેળ તો ઘટવાને બદલે વધી છે. તેનો અર્થ એ થયો કે સામે વસ્તી પણ ઘણી વધી છે. વધુ દૂધ આપતી હાઇબ્રીડ નસલોનું સંવર્ધન બીજી શ્વેતક્રાન્તિ લાવી શકે છે. ગૌહત્યા વિરુદ્ધ જેટલા આકરા કાનૂન બને છે તેવા કડક કાયદા ગાયમાતાને રસ્તે રખડાવવા સામે કેમ નથી બનતા?

ગ્રામપંચાયતોને શક્તિવાન બનાવવી

ગાંધીજીના સ્વપ્ન પ્રમાણે ગ્રામ પંચાયતોની સ્થાપના થયાને દાયકાઓ વીતી ચૂક્યા છે, પરંતુ તાજેતરમાં સરપંચ પાસેથી સત્તા લઈને તલાટીને સોંપી દેવાઈ તે મહાત્માના નિર્દેશિત સિદ્ધાંત સાથેની બાંધછોડ દર્શાવે છે. પંચાયત લેવલનું રાજકારણ અત્યંત નિમ્ન કક્ષાનું અને કાવાદાવાથી ભરેલું છે એ વાત અલબત્ત સાચી છે, પણ તેનું સમાધાન સરપંચની સત્તા તલાટીને સોંપી દેવામાં નથી. ગામડાંમાં શિક્ષણ અને રોજગારીનું સ્તર ઊંચું લાવવામાં છે. અકસ્માત થાય તો વાહન પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ, રસ્તા પહોળા કરવા જોઈએ.
    
આ સિવાય પણ ઘણા-બધા નીતિ નિર્દેશક સિદ્ધાંતો છે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એમ.સી. ચાગલાએ એક વખત કહેલું કે 'જો તમામ નીતિ નિર્દેશક તત્ત્વોનું યથાર્થ પાલન કરવામાં આવે તો આપણો દેશ પૃથ્વી પરનું સ્વર્ગ બની જાય.' મહાત્મા ગાંધી કહી ગયા છે કે 'એ જ સાચી સ્વતંત્રતા છે,

જેમાં તમને ભૂલ કરવાની પણ સ્વતંત્રતા હોય.' ૭૦ વર્ષમાં આપણા નેતાઓએ ઘણી બધી ભૂલો કરી અને ઘણું બધું જાણી જોઈને પણ કર્યું. જનતા તરીકે આપણે પણ જાણતા-અજાણતા તેમાં ભાગીદાર રહ્યા. આપણા મહાપુરુષો શું વિચારતા હતા તે સમજીએ અને આત્મ નિરીક્ષણ કરીએ તો અવશ્ય ઉજ્જ્વળ આવતીકાલનું નિર્માણ કરી શકીશું. જય હિન્દ.
 

Post Comments