Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રપતિ ભવનમાં 'રામ રાજ્ય' : કોવિંદ૧૪મા રાષ્ટ્રપતિ

- રાષ્ટ્રપતિ તરીકે મારી પસંદગી ભારતની લોકશાહીની મહાનતાનું પ્રતીક : કોવિંદ

- કોવિંદના પત્ની સવિતાએ અભિનંદન આપવા ચાર કલાક ઇંતેજાર કરવો પડેલો

- મીરા કુમારને ત્રણ લાખ મતથી હરાવ્યા : કોવિંદને સાત લાખ મત

- રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બનનારા ભાજપના પ્રથમ નેતા : ૨૬મીએ શપથ

- કોવિંદને ૫૨૨ અને મીરાકુમારને ૨૨૫ સાંસદોના મત મળ્યા : કોવિંદને કુલ ૨૯૩૦ અને મીરાકુમારને ૧૮૪૪ મત મળ્યા : કોવિંદને ૬૫ ટકા અને મીરાકુમારને ૩૫ ટકા મત

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૦ ગુરુવાર, જુલાઈ 2017
રામનાથ કોવિંદ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ બનશે. તેમણે વિપક્ષના ઉમેદવાર મીરાકુમારને ૩,૩૪,૭૩૦ મતોથી હાર આપી છે. કોવિંદને ૭,૦૨,૦૪૪ મતો મળ્યા જ્યારે મીરાકુમારને ૩,૬૭,૩૧૪ મતો મળ્યા છે.  ૭૧ વર્ષીય કોવિંદ રાષ્ટ્રપતિ બનનારા બીજા દલિત નેતા છે. ચૂંટણી અધિકારી અનૂપ મિશ્રાના જણાવ્યા અનુસાર કોવિંદને ૨૯૩૦ મતો મળ્યા છે જેનું મૂલ્ય ૭,૦૨,૦૪૪ થાય છે. જ્યારે મીરાકુમારને ૧૮૪૪ મતો મળ્યા છે જેનું મૂલ્ય ૩,૬૭,૩૧૪ થાય છે. કોવિંદને વગભગ ૬૫ ટકા જ્યારે મીરાકુમારને ૩૫ ટકા મત મળ્યા છે.

કોવિંદ ભાજપના પ્રથમ નેતા છે જે રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને ધારાસભ્યો મત આપી શકે છે. આ વખતની ચૂંટણીમાં કુલ ૪૮૯૬ મતદારો હતાં. જેમાં ૪૧૨૦ ધારાસભ્યો જ્યારે ૭૭૬ સાંસદો હતાં. રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને આ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોતો નથી. એક સાંસદના મતનું મૂલ્ય ૭૦૮ હોય છે જ્યારે ધારાસભ્યના મતનું મૂલ્ય તેમના રાજ્યની વસ્તીને આધારે નક્કી કરવામાં આવે છે.  ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર કોવિંદને ૫૨૨ સાંસદો જ્યારે મીરાકુમારને ૨૨૫ સાંસદોના મત મળ્યા હતાં. આ ચૂંટણી માટે ૭૭૧ સાંસદો મત આપવા માટે લાયક ઠેરવવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૯૯ ટકા મતદાન થયું હતું.

સાંસદોના મતોનું કુલ મૂલ્ય ૫,૪૯,૪૦૮ હતું જ્યારે ધારાસભ્યોના કુલ મતોનું મૂલ્ય ૫,૪૯,૪૯૫ હતું.આમ કુલ ૧૦,૯૮.૯૦૩ મતો હતાં. રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ૫૦ ટકા એટલે કે ૫,૪૯,૪૫૨ મતો મળવા જરૃરી છે.

હવે ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી પાંચ ઓગસ્ટે થશે. ભાજપે ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વેંકૈયા નાયડુની પસંદગી કરી છે જ્યારે વિપક્ષે પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીની પસંદગી કરી છે.

કોવિંદને મળેલા મતની ટકાવારી ૧૯૭૪ પછી સૌથી ઓછી
ભલે રામનાથ કોવિંદ વિજેતા થયા હોય, પરંતુ તેમનો મત હિસ્સો ચાર દાયકામાં સૌથી ઓછો નોંધાયો છે. ચૂંટણી પંચે આપેલા આંકડા પ્રમાણે કોવિંદને ૬૫.૬૫ ટકા મત મળ્યા છે. કોવિંદને કુલ ૭,૦૨,૦૪૪ જ્યારે મીરાં કુમારને ૩,૬૭,૩૧૪ મત મળ્યા છે. બહુમતી છતાં મતની ટકાવારીની દૃષ્ટિએ કોવિંદ પાછા પડે છે. પ્રણવ મુખર્જીને ૬૯.૩૧ જ્યારે પ્રતિભા પાટિલને ૬૫.૮૨ ટકા મત મળ્યાં હતા. કે.આર.નારાયણનને સૌથી વધુ ૯૪.૯૭ ટકા જ્યારે અબ્દુલ કલામને ૮૯.૫૭ ટકા મત મળ્યા હતા. એ સિવાયના બધા રાષ્ટ્રપતિઓને મળેલા મતની ટકાવારી પણ ઊંચી હતી. ઈતિહાસમાં સૌથી ઓછા ૪૮ ટકા મત વી.વી.ગિરિને ૧૯૬૯માં મળ્યા હતા. પરંતુ એ વખતે કુલ ૧૫ ઉમેદવાર હતા અને એ બધામાં સૌથી વધુ મત ગિરિને મળ્યા હતા. માટે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા.


મોદીએ કોવિંદને અભિનંદન પાઠવી સાંસદો-ધારાસભ્યોનો આભાર માન્યો
રાષ્ટ્રપતિ તરીકે મારી પસંદગી ભારતની લોકશાહીની મહાનતાનું પ્રતીક : કોવિંદ

- વરસાદ જોઇને મને મારુ કાચુ મકાન યાદ આવ્યું, તેની છતમાંથી પાણી ટપકતું : કોવિંદની નિખાલસ કબૂલાત

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૦
રામનાથ કોવિંદે ચૂંટણીમાં વિજય મેળવ્ય પછી જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે મારી પસંદગી ભારતની લોેકશાહીની મહાનતાનું પ્રતિક છે. બીજી તરફ ચૂંટણી હારી ગયેલા વિપક્ષના ઉમેદવાર મીરકુમારે જણાવ્યું છે કે ભેદભાવ અને ધર્મનિરપેક્ષતા વિરુદ્ધની મારી લડાઇ ચાલુ જ રહેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોવિંદને અભિનંદન પાઠવી તમામ સાંસદો અને ધારાસભ્યોનો આભાર માન્યો હતો.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયી જાહેર થયા પછી લાગણીસભર નિવેદન આપતા રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે દિલ્હીમાં આજે થયેલો વરસાદ મને મારા ગામના કાચા ઘરની યાદ અપાવે છે. તેમણે જણાવ્યું હતું કે વરસાદના દિવસોમાં મારા ઘરની છતમાંથી પાણી ટપકતું હતું. હું અને મારી બહેન દિવાલના ટેકાથી ઉભા રહીને વરસાદ બંધ થવાની રાહ જોતા હતાં.

ભારતના આગામી રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે આજે જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આપણા દેશમાં આજે પણ અનેક રામનાથ કોવિંદ હશે જે વરસાદમાં ભીંજાઇને ખેતી કરી રહ્યાં હશે અને સાંજે જમવાનું મળી રહે તે માટે મહેનત કરી રહ્યાં હશે. આ પદ પર ચૂંટાવા અંગે મેં ક્યારેય વિચાર્યુ ન હતું અને મારો લક્ષ્યાંક રાષ્ટ્રપતિ બનવાનો ક્યારેય ન હતો. પરંતુ દેશની સેવા કરવાની વૃત્તિ મને આ પદ સુધી લઇ આવી છે. આ પદ પર રહીને બંધારણનું રક્ષણ કરવા અને તેની મર્યાદા જાળવી રાખવી મારું કર્તવ્ય છે. રાષ્ટ્રપતિ પદ પર મારી નિમણૂક ભારતની લોકશાહીની મહાનતાનું પ્રતિક છે. હું ભેદભાવ વગર દેશની સેવા કરતો રહીશ. કોવિંદે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે મારી પસંદગી એ લોકો માટે પ્રેરણારૃપ છે જેઓ પોતાની ફરજ પ્રમાણિક્તા અને નિષ્ઠા સાથે બજાવી રહ્યાં છે.

બિહારના પૂર્વ રાજ્યપાલ અને બે વખતના રાજ્યસભા સાંસદ કોવિંદે દેશના લોકો, સાંસદો અને ધારાસભ્યોનો આભાર માન્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોવિંદે અભિનંદન પાઠવ્યા હતાં અને રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ કોવિંદની પસંદગી કરવા બદલ તમામ સાંસદો અને ધારાસભ્યોનો પણ આભાર માન્યો હતો. ચૂંટણી પ્રચાર કરવા બદલ મોદીએ મીરાકુમારને અભિનંદન આપ્યા હતાં.

બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયેલા મીરાકુમારે જણાવ્યું હતું કે જે વિચારધારાની લડાઇ લડવા માટે હું આ ચૂંટણીમાં ઉભી રહી હતી તે લડાઇનો અંત આવ્યો નથી પણ ચાલુ જ રહેશે. ભેદભાવ વિરુદ્ધ ,પારદર્શકતા લાવવા અને ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ મારી લડાઇ ચાલુ રહેશે.

કોવિંદના દિલ્હી અને કાનપુરના ઘરમાં ઉજવણી
રાષ્ટ્રપતિની ચૂંટણીનું ફોર્મ ભર્યા પછી રામનાથ કોવિંદ દિલ્હીમાં ૧૦ અકબર રોડ પર આવેલા બંગલામાં રહે છે. ચૂંટણી પરિણામ જાહેર થયા પછી આ મકાનમાં આજે ઉજવણીનો માહોલ હતો. આ મકાનમાં અનેક લોકો પુષ્પગુચ્છ લઇને તેમને શુભેચ્છા પાઠવવા આવ્યા હતાં. કોવિંદનું બીજું મકાન કાનપુરમાં છે. કાનપુરના કલ્યાણપુરમાં આવેલી મહર્ષિ દયાનંદ વિહાર કોલોનીની બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઇઓ વહેંચવામાં આવી હતી.


જે દિવસે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદગી થઇ ત્યારે
કોવિંદના પત્ની સવિતાએ અભિનંદન આપવા ચાર કલાક ઇંતેજાર કરવો પડેલો
ગામનો પાણીપુરીવાળો પાડોશી શપથવિધિને દિવસે મફતમાં પાણીપુરી પીરસશે

કોવિંદના ભાઇઓ હજુ ગામડાની સાંકડી ગલીમાં રહે છે અને આઠ ફૂટની દુકાનમાં ધંધો કરે છે


નવી દિલ્હી, તા. ૨૦
રામનાથ કોવિંદ પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે જેમના નામની જાહેરાત થઇ ત્યારે તેમની દેશના સામાન્ય નાગરિકોને ઓળખ તો શું પણ નામની પણ જાણકારી ન હતી. દેશના અખબારો કે ન્યૂઝ ચેનલોમાં ચમક્યા પણ ન હતા આજે તેઓ રાષ્ટ્રપતિ જેવા શિખર હોદ્દા માટે ચૂંટાયા છે. તેમના વતન ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં ઉજવણીનો વહેલી સવારથી જ માહોલ હતો. રાષ્ટ્રપતિ તરીકેના ઉમેદવારની મહોર લાગી ત્યારે તેઓ બિહારના ગવર્નરના હોદ્દા પર બિરાજમાન હતા. ૭૧ વર્ષીય કોવિંદ ખૂબ જ લો પ્રોફાઇલ રહે છે અને આટલા વર્ષોમાં પબ્લિસીટીથી દૂર રહ્યા છે. તેઓના કોઇ શત્રુ પણ નથી. કોવિંદની સજ્જન અને ભલા વ્યક્તિ તરીકેની પ્રકૃતિને લીધે જ બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને તેમના રાજકીય સમિકરણ ઉપરાંત તેમને ટેકો આપવો ઉચિત લાગ્યું હતું.

એનડીએના પ્રવકતા રહી ચૂકેલા કોવિંદ સુપ્રીમ કોર્ટ સુધીના લોયર તરીકે પણ પ્રદાન આપી ચૂક્યા છે. બે ટર્મ રાજ્યસભાના સાંસદનો રેકોર્ડ પણ ધરાવે છે.
કાનપુર દેહાતના પરૌખ ગામના અતિ ગરીબ ગામડાના જે ઘાસના છાપરા ધરાવતી ઝૂંપડીમાં તેમનો જન્મ થયો હતો તેમાં કોઇ કારણસર જન્મ થતાં જ આગ લાગતા ઝૂંપડી તો સંપૂર્ણપણે સળગી ગઇ હતી પણ તેમની માતાનું મૃત્યુ થયું હતું. કોવિંદે આગળ જતા તે જ જગા પર બે રૃમ સાથેનું કમ્યુનિટી સેન્ટર બનાવ્યું હતું જેમાં તેમના ગામના લોકો શુભ પ્રસંગો યોજે છે.
રામનાથ કોવંદના મોટા ભાઇ ૭૬ વર્ષીય પ્યારેલાલ કોવિંદ આજે પણ આ જ ગામાં ગુડ મંડીની ચોથા નંબરની ગલીમાં આઠ ફૂટ લાંબી, સાત ફૂટ પહોળી કાપડની દુકાન ધરાવે છે. હજુ થોડા વર્ષો પહેલા જ તેઓ સાયકલ પર કાપડની ફેરી ચલાવતા હતા. કોવિંદના ભાઇઓ આ ગામની આજુબાજુ જ પતલી ગલીઓમાં વસ્યા છે. ભાઇઓ નજીક નજીક જ સંપથી રહે છે. તેઓના આવા ભંડકીયા જેવા ઘરની સામે જ પવન પાણીપુરીવાળાનું ઘર છે જે કોવિંદના શપથવિધિના દિવસે બધાને મફતમાં પાણીપુરી ખવડાવવાનો છે. જ્યારે ઘણા ગ્રામજનો નવા કપડા સીવીને નવી દિલ્હી જવાના છે. તેઓ દિવસભર ગાઇ રહ્યા છે ''મેરે બાબા કી ભઇ સરકાર''

કોવિંદની રાષ્ટ્રપતિ યાત્રાની એક મજેદાર વાત એ પણ છે કે જ્યારે તેમને એનડીએ ઉમેદવાર તરીકે જાહેરાત થઇ ત્યારે કોવિંદના પત્ની સવિતા દિલ્હીમાં આંખની સારવાર માટે આવ્યા હતા. તેમણે પતિનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું તે પછી તરત જ બિહારમાં પતિને ભારે ઉત્સાહમાં આવીને ફોન કર્યો પણ ચાર કલાક સુધી ફોન વ્યસ્ત જ આવતો હોઇ સવિતાએ શુભેચ્છા આપવા આટલા કલાકો ઇંતેજાર કરવો પડયો હતો.

૨૦૧૩માં ભાજપના રાષ્ટ્રીય પ્રવકતામાંથી તેમની ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક થતા પત્ની સવિતાએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે તેમના પતિના પ્રદાનની કદર નથી થઈ રહી.
ભાજપ પ્રમુખ અમિત શાહે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી વખતે ભાજપનો પ્રભાવ વધારવા ઉત્તર પ્રદેશના પક્ષ ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર તોમરના સ્થાને કોવિંદની નિયુકિત કરી હતી અને કોવિંદ અમિત શાહની નજીક આવ્યા. ઉત્તર પ્રદેશમાં દલિત મતો અને ટિકિટ ફાળવણીમાં કોવિંદનું પણ પ્રદાન હતું. કોવિંદની ઇચ્છા લોકસભાની ચૂંટણી લડવાની હતી પણ તેમને ટિકિટ નહોતી અપાઇ. પણ તેમને બિહારના ગવર્નર બનાવાયા હતા. કદાચ તે વખતે જ તેઓ રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે નજરમાં હતાં.

કોવિંદને સૌથી વધુ મત ઉ. પ્રદેશમાં, સૌથી ઓછા કેરળમાં
રામનાથ કોવિંદને સૌથી વધુ મત ઉત્તર પ્રદેશમાંથી જ્યારે સૌથી ઓછા કેરળમાંથી મળ્યાં હતા. દેશના સાંસદો અને વિધાનસભ્યો મળીને કુલ સંખ્યા ૪,૮૫૨ છે, જેમાંથી ૪૭૭૪ જન-પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. તેમાથી કોવિંદને ૨૯૫૦ મત મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાંથી કોવિંદને સૌથી વધુ ૩૩૫ મત મળ્યા હતા. વસતી વધુ હોવાથી ઉત્તર પ્રદેશના મતનું મૂલ્ય સૌથી વધુ ૬૯,૬૮૦ છે. બીજા નંબરે મહત્ત્વના મતો મહારાષ્ટ્રના છે, જેનું મૂલ્ય ૫૦,૨૨૫ છે. મહારાષ્ટ્રના કુલ ૨૮૫ મતદાતાઓ પૈકી ૨૦૮ મત કોવિંદને મળ્યા હતા. પશ્ચિમ બંગાળ અને કેરળે સૌથી ઓછા મત કોવિંદને આપ્યા હતા. બંગાળના ૨૮૪ પૈકી ૨૭૩ મત મીરાં કુમારને મળ્યાં હતા. કેરળના કુલ ૧૩૯ મતદાતા પૈકી ૧૩૮ મતદારોએ મીરાં કુમારને મત આપ્યા હતા. કોવિંદને માત્ર ૧ મત મળ્યો હતો.


સાત લાખથી વધુ ઇલેક્ટોરલ વોટ સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનારા
રામનાથ કોવિંદ ૧૯૯૧માં યુપીની ઘાટમપૂર લોકસભા બેઠક હાર્યા હતા
૨૦૦૭માં ભોગનીપૂર વિધાનસભા બેઠક પણ હારીને ત્રીજા ક્રમે રહયા હતા

નવી દિલ્હી,
ભાજપ અને સાથી પક્ષોના ઉમેદવાર રામનાથ કોવિંદ દેશના ૧૪ માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા છે.ઉત્તરપ્રદેશના કાનપુર(ગ્રામીણ) જિલ્લાના ડેરાપુર તાલુકાના પરોંખ ગામના રામનાથનું રાજકિય જીવન ખૂબજ સંઘર્ષથી ભરેલું રહયું છે.

તેઓ ૧૯૯૧માં દેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના ઘાટમપૂર (એસ.સી) લોકસભા બેઠક પરથી પહેલીવાર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા.સાદગી અને સરળતા માટે જાણીતા રામનાથનો જનતાદળના ઉમેદવાર કેસરીલાલ સામે પરાજય થયો હતો.આ ઇલેકશનમાં રામનાથને  માત્ર ૯૫૭૧૩ મત મળ્યા હતા.આમ તો ઉત્તરપ્રદેશની ઘાટમપૂર લોકસભા બેઠક બિન કૉગ્રેસી ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ રામનાથને સફળતા મળી ન હતી.જો કે ૧૯૯૬માં ભાજપના ઉમેદવાર કમલરાનીએ ઘાટમપૂર બેઠક જીતીને રામનાથની હારનો બદલો લીધો હતો.રામનાથનો જન પ્રતિનિધિ તરીકેની સીધી ચૂંટણીમાં બીજો પરાજય ૨૦૦૭ના યુપી ઇલેકશનમાં ભોગનીપૂર વિધાનસભા બેઠક પર પણ થયો હતો.આ બેઠક પર બસપાના ઉમેદવાર રઘુનાથપ્રસાદે, સપાના ઉમેદવાર અરુણ કુમારીને ૩૦૯૬ મતથી પરાજય આપ્યો હતો.જયારે ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદ ૨૬૫૫૦ મત મેળવીને ત્રીજા સ્થાને રહયા હતા. રામનાથે ૧૯૯૪ થી ૨૦૦૬ સુધી સતત બે ટર્મ સુધી રાજયસભાના ઉમેદવાર તરીકે સંસદમાં પ્રવેશ કર્યો હતો.પોતાના કાર્યકાળ દરમિયાન ટ્રાયબલ,હોમ અફેર,સામાજિક ન્યાય અને કાનુન જેવી અનેક સમિતિઓના મેમ્બર તરીકે સેવાઓ આપી હતી.તેઓ રાજયસભા હાઉસ કમિટીના પણ ચેરમેન રહયા હતા.

રામનાથનું જીવન સંઘર્ષ અને મહેનતથી ભરેલું રહયું છે
રામનાથ ૬ વર્ષના હતા ત્યારે માતાની છત્રછાયા ગુમાવી હતી.પિતાએ ખૂબજ મહેનત અને સંઘર્ષ કરીને શિક્ષણ અપાવ્યું હતું.ગામમાં સ્કૂલ ના હોવાથી તેઓ સંદલપુર તાલકાના ખાનપુર ગામની સરકારી શાળામાં દરરોજ ૧૩ કિમી ચાલીને ભણવા જતા હતા. કાનપુર યુનિર્વસિટીની ડીએવી કોલેજમાં કોર્મસ ગ્રેજયૂએટ થયા પછી લો નો પણ અભ્યાસ કર્યો હતો.તેમણે સનદી અધિકારી બનવા માટે દિલ્હી આવીને ત્રણ પ્રયત્નો કરીને યુપીએસસી એકઝામ પાસ કરી હતી.
જો કે કોઇ  સેવા વિભાગ જોઇન કરવાના સ્થાને વકિલાતના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું.આમ રાષ્ટ્રપતિ પદ માટે દેશનું સૌથી મોટું ઇલેકશન જીતનારા રામનાથનું જીવન સંઘર્ષ અને મહેનતનો પર્યાય રહયું છે.

 


રામનાથ-મોદી : ૨૦ વર્ષનો સબંધ

રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે વિજેતા જાહેર થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર આ બન્ને તસવીરો શેર કરી હતી. એક તસવીર ૨૦ વર્ષ પહેલાની છે, જ્યારે બીજી અત્યારની છે. બન્નેમાં રામનાથ કોવિંદનો પરિવાર અને સાથે નરેન્દ્ર મોદી છે. ૨૦ વર્ષ પહેલા મોદી ભાજપના કાર્યકર હતા અને હવે વડા પ્રધાન છે. બીજી તરફ બે દાયકા દરમિયાન કોવિંદ પરિવાર પણ વિસ્તર્યો છે.

 

 

 

 

 

 

 

Post Comments