Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે આકાશમાં પતંગોની રંગોળી પુરાશે

- ઉત્તરાયણના આગલા દિવસે દોરી-પતંગ ખરીદવા ભીડ ઉમટી

- ડીજેના તાલ સાથે વાનગીઓની લિજ્જત જામશે

આણંદ,નડિયાદ, તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

અબાલ-વૃધ્ધ સહિત યુવાધનમાં પ્રિય એવા મકરસંક્રાતિ પર્વની તા.૧૪મી જાન્યુઆરીને રવિવારના રોજ ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પર્વને લઈને શનિવાર બપોર બાદ જિલ્લાના બજારોમાં પતંગ-દોરીની ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. સાથે સાથે પર્વને અનુરૃપ ટોપી, ચશ્મા, પીપુડા, ફુગ્ગા સહિતની ચીજવસ્તુઓના વેચાણમાં પણ તેજી આવી હતી. રવિવારના રોજ ઉત્તરાયણ પર્વને લઈને આકાશ રંગબેરંગી પતંગોથી છલકાશે અને આકાશમાં પતંગો વચ્ચે પેચ જામશે. વહેલી પરોઢથી જ પતંગરસિયાઓ દ્વારા અગાશી ઉપર જઈ પતંગોનું આકાશી યુધ્ધ ખેલાશે. પતંગરસિયાઓ દ્વારા એકબીજાની પતંગ કપાતા એ લપેટ..., કાપ્યો છે.... એ હેડી... જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠશે. સાથે સાથે બજારમાં મળતા નીતનવા અવાજવાળા પીપુડાઓના શોરબકોરથી પતંગરસિયાઓ પતંગ કાપ્યાનો આનંદ વ્યક્ત કરતા નજરે પડશે. સાથે સાથે કેટલાક લોકો દ્વારા અગાશી ઉપર ડી.જે. તેમજ સાઉન્ડ સીસ્ટમ પણ ગોઠવવાનું આયોજન કરાયું છે. જેને લઈને લોકો અગાશી ઉપર ડી.જે. તેમજ સાઉન્ડ સીસ્ટમના તાલે ઝુમતા નજરે પડશે. પતંગ રસિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ઉતરાયણનું પર્વ  તા. ૧૪ જાન્યુઆરીના રોજ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાશે.નડિયાદ સહિત જિલ્લાભરમાં નાના-મોટા સૌએ પતંગના પર્વ એવા ઉતરાયણની ઉજવણી કરવાની તૈયારીઓ કરી લીધી છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણના રોજ આકાશ રંગબેરંગી પતંગો અને તુક્કલથી ઢંકાઈ જશે. પતંગના શોખીનો બીજાનો પતંગ કાપવાની મજા માણી જ્યારે પતંગ કપાય ત્યારે પિપૂડા વગાડી તથા ચિચિયારીઓ પાડી આનંદ મનાવશે.

ઉત્તરાયણ પર્વને લઈને અબાલ-વૃધ્ધો સહિત યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક પતંગરસિયાઓ તો એક અઠવાડિયાથી પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે. જો કે પર્વની આગલા દિવસે બપોર બાદ શહેર સહિત જિલ્લાના વિવિધ બજારોમાં તેમજ રાજમાર્ગો પર પતંગરસિયાઓ દ્વારા મન મુકીને પતંગ દોરીની ખરીદી કરાઈ હતી. આણંદ શહેરના જુના રસ્તા, જુના બસ મથક વિસ્તાર સહિત સરકારી દવાખાના વિસ્તારમાં પતંગરસિયાઓની પતંગ-દોરી સહિત ટોપી, ચશ્મા, પીપુડા તેમજ ફુગ્ગાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. જુના બસ મથક વિસ્તારમાંથી ટુવ્હીલર લઈને પસાર થવુ મુશ્કેલ બન્યું હતું. સાથે સાથે બજારમાં તૈયાર મળતી ચીક્કી, મમરાના લાડુ, તલસાંકડી, ગજક, સોનવડો સહિતની ચીજવસ્તુઓની ખરીદી પણ નીકળી હતી. જેને લઈને બજાર ગ્રાહકોથી ઉભરાઈ ગયા હતા. ઉત્તરાયણ પર્વના દિવસે એટલે કે રવિવારે વહેલી પરોઢથી જ અબાલ-વૃધ્ધ સહિત યુવાધન અગાશી ઉપર રંગબેરંગી પતંગો ઉડાડવાની મજા માણશે. એટલું જ નહીં અગાશી ઉપર તલસાંકડી, ચીક્કી, મમરાના લાડુ, તેમજ ઉંધીયુ તેમજ જલેબીની જ્યાફત માણતા નજરે પડશે.

રવિવારના રોજ મકરસંક્રાતિ પર્વને લઈને વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે અને પતંગરસિયા દ્વારા આકાશમાં પતંગોના પેચ ખેલાશે. જેને લઈને પતંગરસિયાઓ દ્વારા એકબીજાના પતંગો કાપીને એ કાપ્યો છે.... લપેટ..., એ હેડી સહિતની વિવિધ ચીચકારીયઓ પાડી વાતાવરણ ગુંજી દેવાશે. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં સમય ન બગડે તે માટે કેટલાક લોકોએ એડવાન્સમાં જ પતંગને કિન્ના બાંધી તૈયારીઓ કરી દીધી છે. વિવિધ અગાશી-ધાબા પર ફિલ્મી ગીતોની રમઝટ જામશે. ઉત્તરાયણ પર્વના દિવસે દાન-ધર્મનું પણ મહત્વ હોવાથી કેટલાક લોકો દાન-ધર્મ કરી પૂણ્ય કમાશે. સાથે સાથે અગાશી ઉપર ડી.જે તેમજ સાઉન્ડ સીસ્ટમના તાલે યુવાધન હીલોળે ચઢશે. આ વર્ષે સ્વાગ સે કરેંગે સબ કા સ્વાગત.., કચ્ચી ડોરીયાં...., કાલા ચશ્મા... , ડી.જે.વાલે બાબુ...., મેરે રસ્કે કમર... સહિતના ગીતોની બોલબાલા રહેશે. તહેવારોમાં પતંગના પર્વનો અનેરો મહિમા છે. નાનાથી માંડી મોટેરા સુધી અનેક લોકો પતંગ ચગાવવાનો શોખ ધરાવતા હોય છે. નડિયાદ સહિત જિલ્લાભરમાં ઠેરઠેર પતંગ અને દોરાના વેચાણ કેન્દ્રો પરથી લોકોએ આજે પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પતંગ અને દોરાની ખરીદી કરી હતી. ૧૪ જાન્યુઆરીએ સવારથી જ શોખીનો મકાનના ટેરેસ, છાપરા તેમજ ખુલ્લી જગ્યાએથી પતંગ ચગાવવાની મજા માણશે. આ વર્ષે અવનવી વેરાયટીમાં પતંગો તુક્કલ વેચાણ અર્થે બજારોમાં જોવા મળ્યા હતા. તા. ૧૪ જાન્યુઆરીએ ઉતરાયણ અને બીજા દિવસે વાસી ઉતરાયણના પર્વ પર શોખીનો પતંગ ચગાવવાની ભરપૂર મજા માણશે. યોગાનુયોગ આ વખતે ઉતરાયણ અને વાસી ઉતરાયણના બંન્ને દિવસોએ જાહેર રજા છે. તેથી આ બંન્ને દિવસોએ શોખીનો પતંગ ચગાવવાની મજા માણશે.

નડિયાદ સહિત જિલ્લામાં ઉંચી બાંધણીના મકાનો, બહુમાળી ફ્લેટો, છાપરા તથા ખુલ્લા મેદાન જેવી જગ્યામાંથી પતંગો અને તુકક્લ ચગાવવાની મજા માણશે. શહેરમાં ખરીદી અર્થે આવેલા પતંગબાજ એવા રાહુલ ચૌહાણ,અરવિંદ રાવલ તથા શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમે તો ઉતરાયણ પહેલાં પણ પતંગ ચગાવીએ છીએ. પણ ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે પતંગ ચગાવવાની મજા કંઈક ઓર હોય છે. આકાશમાં ખૂબ પતંગો ચગતી હોવાથી પેચ લડાવીને બીજાની પતંગ કાપવાની અથવા  આપણી પતંગ કપાય તો પણ  આનંદ આવે છે.  બાળકો અને યુવાનોમાં પતંગ ચગાવવાનો તથા બીજાની કાપી પિપૂડા વગાડી આનંદ માણવાનો ખૂબ ક્રેઝ હોય છે. જે મુજબ ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસોમાં શોખીનો પતંગના પેચ લડાવી બીજાની પતંગ કાપવાની  મજા માણશે. આવા વખતે પિપૂડા અને આનંદની ચિચિયારીઓથી વાતાવરણ ગૂંજી ઉઠશે.

દિવસ ઉપરાંત રાત્રિના સમયે પણ શોખીનો તુક્કલો ચગાવશે. જેને લઈ આકાશમાં અનેરો માહોલ સર્જાશે.

પવનની દિશા પર શોખિનોની નજર
નડિયાદ, તા. ૧૩
ઉતરાયણના તહેવારની ઉજવણી કરવા માટે સૌ કોઈ આતુર બન્યા છે, પણ પતંગ ચગાવવાની ખરી મજા પવન પર આધારિત છે. તેથી ૧૪મી જાન્યુઆરીએ કેવો પવન રહે છે તેના પર બધો મદાર છે. આમ તો છેલ્લા ત્રણ દિવસથી વરૃણદેવની કૃપા રહી છે. ઠંડા પવનોએ વાતાવરણને ઠંડુગાર કરી દીધું છે, પણ હવે ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે જો પ્રમાણસર પવન રહે તો શોખીનોની મજા બેવડાશે. પતંગના આ પર્વ પર અનુકૂળ પવન રહે તેવું લોકો  ઈચ્છે છે.

ધાબા પર ઉંધિયું અને જલેબીની જ્યાફત ઉડશે
નડિયાદ, તા. ૧૩
તા. ૧૪મી જાન્યુઆરીએ પતંગ અને તુક્કલ ચગાવવાની સાથે લોકો મકાનના ટેરેસ પરથી સુરતી ઉંધિયું અને જલેબીની જયાફત  માણશે. ઉતરાયણના પગલે નડિયાદ અને જીલ્લાના બીજા સ્થળોએ ઉંધિયા અને જલેબીની હાટડીઓ ધમધમવા લાગી છે. જ્યાં ર૦૦  રૃપિયાની આસપાસના ભાવે ઉંધિયું અને જલેબીનું વેચાણ થશે. આ ઉપરાંત અનેક લોકો પોતાના ઘરે પણ ઉંધિયું, પુરી અને જલેબી બનાવી કુટુંબીજનો અને મિત્રમંડળ સાથે ઉંધિયું, પુરી, જલેબી, શેઢી, બોર  તથા તલસાંકડી જેવી વસ્તુઓ ખાવાની મજા માણશે.  

Post Comments