Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

જીવનસંગિનીને બદલે ભારતીય જવાનોને છેલ્લું પુસ્તક અર્પણ કર્યું !

દરિયાદિલી રાખીને 'દરિયાલાલ'ના સર્જક જિંદાદિલીથી જીવ્યા !

ભીડ મેં સબ લોગ અચ્છે નહીં હોતે, ઔર અચ્છે લોગોંકી કભી ભીડ નહીં હોતી.

ક્યારેક કેવાં કેવાં ચિત્તમાં સ્મરણો ઊભરાય છે, એની કોને ખબર હોય છે ? ગુજરાતના સમર્થ સાક્ષર ગુણવંતરાય આચાર્યની બંને પુત્રીઓ આજે ગુજરાતી સાહિત્યની આગવી મૂડી સમાન છે.

એક છે ઈલા અરબ મહેતા અને બીજા છે વર્ષા અડાલજા. લેખિકા વર્ષા અડાલજાને શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ અર્પણ થયો, ત્યારે મારા મનમાં આ સાક્ષરો સાથે કિશોરવયે માણેલી કેટલીય યાદગાર ક્ષણો જાગી ઊઠી. વર્ષો પછી પણ લેખકોના ડાયરાની મોજ આજે પણ એટલી જ જીવંત અને લીલીછમ છે.

એ જમાનામાં લેખકો મળે, એટલે આનંદની મહેફિલ હોય. કોઈ વાડા નહીં, કોઈ મોટાઈ નહીં, બધે જ દિલની દોસ્તીનો મહોબ્બતભર્યો માહોલ હોય. અમદાવાદના પાનકોર નાકા પાસે 'શારદા મુદ્રણાલય'માં આ ડાયરો યોજાતો.

એમાં 'ધૂમકેતુ'નો વિનોદ સાંભળવા મળે, ગુણવંતરાય આચાર્ય વિપુલ અનુભવનિધિમાંથી જાતજાતની રોમાંચપૂર્ણ કથાઓ મલાવીને કહેતા હોય. 'જયભિખ્ખુ' ગ્વાલિયર પાસેના શિવપુરીનાં જંગલોમાં વિતાવેલા પૂર્વજીવનની ઘટના વર્ણવતા હોય. ચિત્રકાર કનુ દેસાઈ ચલચિત્ર જગતની કોઈ પ્રેરક, રસભરી વાત કરતા હોય.

ડૉ. ધીરુભાઈ ઠાકર સાહિત્યની કોઈ ઘટના કે વાત વર્ણવતા હોય. મનુભાઈ જોધાણી, ચિત્રકાર રજની વ્યાસ અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ગોવિંદભાઈ અને શંભુભાઈની સૌમ્ય, વિદ્યાપ્રિય ઉપસ્થિતિ હોય. આ ડાયરાનું સંચાલન 'જયભિખ્ખુ' કરે. આ ડાયરામાં આવવાનો સહુ કોઈને અધિકાર. ચંદ્રવિલાસનો નાસ્તો આવે અને સાથે ચા-ઉકાળો 'મિક્સ' બધાને પીવા મળે.

આ ડાયરામાં બે બાબત સાવ નોખી તરી આવે. અહીં સહુ પોતપોતાની વાત કરે, પણ અન્યની કશી ટીકા-ટિપ્પણ નહીં. સાહિત્ય વિશે મોકળે મને વાત થાય, પણ સર્જકો પ્રત્યેના રાગદ્વેષને કોઈ સ્થાન નહીં. બીજી બાબત એ કે સહજભાવે એકબીજાને મદદ કરે કે હૂંફ આપે, પણ એકત્રિત થઈને કોઈ સાહિત્યિક જૂથ ઊભું કરવાનો આશય નહીં. નિર્વ્યાજ સ્નેહથી મન ભરીને મળવું અને ભિન્ન ભિન્ન વાતો એ જ મુખ્ય ઉદ્દેશ.

ડાયરામાં બેઠેલા ગુણવંતરાય આચાર્યની છબી જોવા જેવી. ચાનો બીજો કે ત્રીજો કપ પીતા હોય, કહે કે તમારે ચા કપમાં જોઈએ, મારે તપેલામાં જોઈએ. બીડીનો સટ લગાવતા હોય અને એમના વિપુલ અનુભવ-ભંડારમાંથી એક-એક કથા નીકળતી હોય.

એ ઈતિહાસકથા હોય, રજવાડાનું કોઈ દ્રષ્ટાંત હોય કે દરિયામાં દોટ મૂકનારની સાહસગાથા હોય. એમનો પડછંદ દેહ જુદો તરી આવે અને જુસ્સાદાર અવાજ ડાયરા પર છવાઈ જતો. લાંબી લાંબી આંગળીઓ પર વીંટી ચમકતી હોય. વાત જમાવે ત્યારે ચુટકી બજાવતા જાય.

આવા ગુણવંતરાય આચાર્યે પારાવાર જીવનસંઘર્ષો ઝીલ્યા, પરંતુ આ અલગારી સર્જકોને જીવનસંઘર્ષોનો કશો થાક કે આર્થિક ચિંતાનો કશો બોજ જણાતો નહીં. સાહિત્યરસિકો પાસેથી સાંપડતી અપાર ચાહનાના ગળાડૂબ આનંદસુખમાં મગ્ન રહેતા અને લેખનના ધોધની મસ્તીમાં વ્યવહાર-જીવનનાં દુ:ખો કદી અવરોધરૃપ બનતાં નહીં. હકીકતમાં એ મર્દની જેમ જીવતા અને જીવનની એ મર્દાનગીમાં ભળતો ઉત્સાહ અનેરો રંગે એમનાં સર્જનોમાં ધબકાર લેતો.

ગરીબી અને દરિદ્રતા વચ્ચે મોટો ભેદ છે. આ સર્જકો સહેજે દરિદ્ર નહોતા. માન, સન્માનનો કોઈ અભરખો એમને સ્પર્શતો નહીં. નિજાનંદમાં મસ્ત રહેવું એ જ જીવન. દરિયામાં સાહસ કરનારને જેમ સાગર-સાહસો દુ:ખમય લાગતા નથી, તેમ મસ્ત અને અલગારી સર્જક ગુણવંતરાય આચાર્યને જોતાં કે સાંભળતાં કોઈ દુ:ખી કે ચિંતાગ્રસ્ત વ્યક્તિનો નહીં, બલ્કે કોઈ જિંદાદિલ સર્જકનો સતત અનુભવ થતો.

આવા નિજાનંદમાં મસ્ત ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસર (કેમ્પ)માં ઈ.સ. ૧૯૦૦ના સપ્ટેમ્બર માસની નવમી તારીખે થયો હતો. તેમના માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ વડનગરા નાગર હતાં.

તેમના પિતા પોપટભાઈ આચાર્યે ઘણી ગરીબ સ્થિતિમાંથી સ્વાશ્રયે અભ્યાસ કરીને રસોઇયાની નોકરી કરતાં-કરતાં વકીલાતની પરીક્ષા પસાર કરી હતી. તેઓ મોરબી રાજ્યમાં ન્યાયાધીશ તરીકે નિમાયેલ અને ત્યાર પછી માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, જામનગર વગેરે સ્થળોએ પોલીસ-ઉપરી તરીકે નોકરી કરી.

આવા સમયમાં અને ખાસ કરીને બહારવટિયાઓ સાથેના ધીંગાણાના સમયમાં એમના પિતાને વારંવાર ગોચર-અગોચર સ્થળોએ રાતવાસા કરવા પડતા, ત્યારે રાત્રી સમયે મીરો, વાઘેરો, બારોટો એમની પાસે આવીને વાર્તાઓ કહેતા. ગુણવંતરાય આવા હંગામામાં પિતા સાથે બાળપણથી જ ફરતા. ઐતિહાસિક વાર્તાઓ અને દરિયાઈ કથાઓ સાથે એમને આ રીતે પ્રથમ પરિચય અને પ્રેમ થયો.

પિતાના અવસાન પછી પિતાની ઉત્તરક્રિયાના સંબંધે મતભેદ થતાં સત્તર વર્ષની વયે ઘર છોડીને નીકળી ગયા. મુંબઈમાં ફૂટપાથો પર ઘૂમી-ઘૂમીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો, પરંતુ કમાવાની જવાબદારીને કારણે ઈન્ટરમાંથી અભ્યાસ અધૂરો છોડવો પડયો. મુંબઈના અખબારી જગતે આ યુવાનમાં તેજસ્વિતા જોઈ. નોકરી તો પ્રૂફરીડરની મળી, પરંતુ ધીરે ધીરે કલમ ચલાવવા માંડી.

રાણપુરથી પ્રગટ થતા 'સૌરાષ્ટ્ર' પત્રના તંત્રી શ્રી અમૃતલાલ શેઠે રજવાડાં સામે જેહાદ આદરી હતી. ગુણવંતરાય આચાર્ય 'સૌરાષ્ટ્ર'ના લેખકમંડળમાં જોડાયા અને દીર્ઘ સમયપર્યંત ત્યાં કામ કર્યું. આ 'સૌરાષ્ટ્ર' પત્રે ઘણી તડકી-છાંયડી જોઈ. ગુણવંતરાય આચાર્ય એના સાક્ષી બન્યા. 'રોશની' અને 'ફૂલછાબ' જેવાં પત્રોમાં સંચાલનકાર્ય પણ કર્યું.

ઉર્દૂ અને હિંદી ભાષાના નિષ્ણાત એવા કંડલાનિવાસી શ્રી મણિશંકર શામજી ત્રિવેદીએ ગુણવંતરાય આચાર્યને લેખનપ્રવૃત્તિ તરફ દોર્યા. એ પછી 'બહુરૃપી'ના તંત્રી ચંદુલાલ જેઠાલાલ વ્યાસનો મેળાપ થયો. રાણપુરમાં શેઠના ડહેલામાંથી 'બહુરૃપી' સાપ્તાહિક પ્રગટ થતું. એ સમયે એની અર્ધો લાખ નકલ વેચાતી હતી. એમાં ગુણવંતરાય આચાર્યની રહસ્યકથાએ વાચકો પર અનેરું કામણ કર્યું હતું.

એ રહસ્યકથામાં બાહોશ ડિટેક્ટીવ વકીલ ચિત્રગુપ્ત એની 'સફેદ પરી' મોટર લઈને મરીનડ્રાઇવ પરથી પસાર થતો એવું આલેખન આવતું. આ રહસ્યકથાને એટલી બધી લોકચાહના મળેલી કે કોઈ-કોઈ વાચકો મરીનડ્રાઈવ પર જઈને એના રસ્તા પરથી 'સફેદ પરી' નીકળે એની રાહ જોતા. ચંદુલાલ વ્યાસને વિપુલ સર્જન કરે એવા લેખકની જરૃર હતી અને નસીબજોગે ગુણવંતરાય આચાર્ય મળી ગયા.

આ ચંદુલાલ વ્યાસે લોકપ્રકાશન લિમિટેડના પત્ર 'પ્રજાબંધુ'ના તંત્રી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ સાથે ગુણવંતરાય આચાર્યનો મેળાપ કરી આપ્યો. એ સમયે 'પ્રજાબંધુ'ના વાચકોને ભેટપુસ્તક આપવામાં આવતું હતું. ચુનીલાલ વર્ધમાન શાહે આ નવોદિત લેખકને ભેટપુસ્તક લખવા કહ્યું. ગુણવંતરાય આચાર્યે 'પ્રજાબંધુ' તરફથી 'પીરમનો પાદશાહ' નામનું પહેલું ભેટપુસ્તક લખ્યું.

એ જ 'પ્રજાબંધુ'ના ભેટપુસ્તક તરીકે એમણે લખેલી 'દરિયાલાલ' નવલકથાએ ગુણવંતરાય આચાર્યને ઉત્તમ નવલકથાકારની ખ્યાતિ સાથે રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવ્યો. ગુણવંતરાય આચાર્યની કલમ સડસડાટ વણથંભી ચાલતી. એકવાર એક રાતમાં આખું પુસ્તક લખી નાખેલું.

૧૯૩૭ના વર્ષમાં એક રાતે દસ વાગે કલમ લઈને બેઠા અને 'કોરી કિતાબ' નામની ૨૫૬ પાનાંની સામાજિક નવલકથા લખી નાખી. તે ખૂબ ઝડપથી લખી શકતા. ત્રણ ત્રણ કમ્પોઝીટર ઊભા ઊભા બીબાં ગોઠવતા હોય અને બાજુના ટેબલ પર ગુણવંતરાય લખી-લખીને પાનાં આપતા હોય. ક્યારેક તો કમ્પોઝિટર અને લેખકની હરીફાઈ જોવા મળતી. આ લેખક કમ્પોઝિટરને હરીફાઈમાં પાછા પાડી દેતા.

એમના ત્વરિત લેખન અંગે એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે. રાજકોટથી એક ભાઈએ સાપ્તાહિક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું.

આ અંગે ગુણવંતરાય આચાર્યને મળવા આવ્યા અને એમના સાથ-સહયોગની માગણી કરી. ગુણવંતરાયે કહ્યું કે તમને જરૃર પ્રોત્સાહન આપીશ. તંત્રીએ કહ્યું કે જો આપની નવલકથા મળે તો મારા સાપ્તાહિકને પ્રારંભે જ ઘણી લોકચાહના સાંપડે. ગુણવંતરાયે આ વાતનો સ્વીકાર કર્યો. થોડા દિવસ બાદ એ તંત્રી ગુણવંતરાયને મળવા મુંબઈ આવ્યા અને કહ્યું કે સાપ્તાહિકની બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે.

માત્ર આપની નવલકથાના પ્રકરણની રાહ જોવાય છે. ગુણવંતરાય આચાર્યને આપેલું વચન યાદ આવ્યું. એમણે તંત્રીશ્રીને કહ્યું, 'તમે જરા ચા-નાસ્તો કરો, એટલી વારમાં હું આવું છું.' થોડીવારમાં ગુણવંતરાય પાછા આવ્યા અને હાથમાં નવલકથાનું પહેલું પ્રકરણ હતું. વચ્ચેના સમયગાળામાં એમણે એ લખી નાંખ્યું ! કહ્યું કે 'આ તું લઈ જા. બીજું મેટર પછી મોકલીશ.'

એ સમયે 'ગુજરાત સમાચાર'માં ધારાવાહી નવલકથામાં બે લેખકો વિશેષ ચાહના પામ્યા હતા : ગુણવંતરાય આચાર્ય અને શિવકુમાર જોશી. એક લેખકની નવલકથા પૂર્ણ થાય, એટલે તરત જ બીજા લેખકની ધારાવાહી નવલકથાનો પ્રારંભ થતો.

ગુણવંતરાય આચાર્યે રાણપુરમાં હુસેનઅલી વોરા નામના પ્રકાશકને 'સોરઠી સમશેર' નામની નવલકથા લખીને આપી. આ એમની પહેલી નવલકથા હતી. એ સમયે એમને મુખ્યત્વે ઈતિહાસ પર વિશેષ રુચિ હતી.

દરિયાઈ શ્રેણી અને વિજયનગર શ્રેણી એમની પ્રખ્યાત નવલકથાઓ. આ ઉપરાંત સામાજિક નવલકથાઓ, રહસ્યકથાઓ, નવલિકાસંગ્રહો, ચરિત્રો, બાળસાહિત્ય અને નાટકો પણ તેમણે લખ્યાં છે. 'દરિયાઈ સાહસ શ્રેણી' અને 'અલ્લાબેલી' નાટક એ ગુણવંતરાયનું ગુજરાતી સાહિત્યને ચિરંતન અર્પણ. વેગવંત અને પ્રાણવાન નવલકથાઓના આ લેખક પ્રવાહી અને બલિષ્ઠ ગદ્યશૈલીને કારણે સાહિત્યરસિકોના હૃદયમાં સદાને માટે સ્થાન પામ્યા છે.

પોતાના દિલમાં દરિયાદિલી રાખીને તેઓ જિંદાદિલીભર્યું જીવન જીવ્યા. વાણી કે વર્તનમાં ક્યાંય દ્વેષ જોવા ન મળે. ઉત્સાહનો ફુવારો અને અનેકદેશીય બહુશ્રુતતા ધરાવનારા અખૂટ ઝરા જેવા હતા. ગુણવંતરાય આચાર્ય સાથે એક વાર કેમેરા વિશે વાત નીકળી. કેમેરા કઈ કઈ જાતના, એના ક્યા ભાગ બનાવવા મુશ્કેલ - જેવી બાબત પર એમણે અર્ધો કલાક સુધી વિગતો આપી. એમની વિગત રજૂ કરવાની શૈલી એવી કે શ્રોતા સહેજે ખસે નહીં.

કોઈ પણ સમકાલીન બનાવ માટેનું યોગ્ય દ્રષ્ટાંત એમની પાસે હાજરાહજૂર રહેતું. વળી કથનશૈલી એવી તાજગીભરી કે શ્રોતા સમય અને સ્થળ ભૂલી જતા. સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે એમણે નિષ્કામ પુરુષાર્થ કર્યો. વિવેચકો કે ચર્ચાકારોની પરવા કર્યા વિના પોતાને પ્રિય લાગે તેવું સાહિત્ય તે સર્જતા રહ્યા હતા.

સભા અને મંડળોથી ગુણવંતરાય આચાર્ય દૂર રહેતા. માન-સન્માનની બહુ ચાહના નહીં. ૧૯૪૭ની બીજી માર્ચે અમદાવાદમાં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે તેમણે આત્મપ્રશંસા કે લેખનની કેફિયત રજૂ કરવાને બદલે શૂરવીરના ખમીરની અને સ્વાતંત્ર્યની વાતો કરી હતી. જીવનની વિપદા સામે એમણે કદી ફરિયાદ કરી નથી અને પોતાના સાહિત્યની સમીક્ષા થાય તે માટે કદી કોઈને કશું સૂચન કર્યું નથી.

ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જક 'ધૂમકેતુ'નું અવસાન થતાં એમની ગુપ્તયુગની નવલ-ગ્રંથાવલિમાં 'ધુ્રવદેવી' નવલકથા અપૂર્ણ રહી. ગુણવંતરાયે પોતાના મિત્રની એ નવલકથાનું અધૂરું પુસ્તક પૂર્ણ કરવાની વાત કરી. ૧૯૬૫ની ચોથી ડિસેમ્બરથી 'ધુ્રવદેવી'નાં બાકીનાં પ્રકરણો મળતાં રહેશે એવો ગુણવંતરાયે વાયદો આપ્યો. પણ એ વાયદો જ રહ્યો ! તેમને ઓચિંતુ અગમનું તેડું આવ્યું. છેલ્લે છેલ્લે એક બ્રાહ્મણની અદાથી પત્ની નીલાબહેન સાથે બદ્રિકેદારની યાત્રા કરીને આવ્યા હતા. એના હિમખંડોની વાત એમણે કરી હતી.

તેમણે લખેલાં કેટલાંક નાટકો ભજવાયાં અને એનું ફિલ્મરૃપાંતર પણ થયું. એમની એક નવલકથા પરથી તૈયાર થયેલી ફિલ્મ ખૂબ પ્રસિદ્ધિ પામી, પણ એ ફિલ્મ-નિર્માતાએ આ કથાનકનો ઉપયોગ કરવા માટે ગુણવંતરાય આચાર્યની મંજૂરી સુધ્ધાં માગી ન હતી. ફિલ્મક્ષેત્રમાં પણ લેખક તરીકે એમણે સારી એવી નામના મેળવી હતી.

ગુણવંતરાયે ૧૯૬૫ની ૨૪મી નવેમ્બર બુધવારે સવારે 'ગુજરાત સમાચાર'ના રવિવારના અંક માટે 'ધરાગુર્જરી' કોલમ લખ્યું. એમાં વાચાળ શ્રૌતાઓ અંગેની વર્તમાન પરિસ્થિતિ પર ટીકા કરતાં લખ્યું, ''ભાષણખોરોનો યુગ પૂરો થયો છે. હવે તો વ્યવહારદક્ષતાનો યુગ બેસવો જોઈએ... પંખીઓની દુનિયામાં વાચાળમાં વાચાળ પ્રાણી પોપટ છે ને કમજોરમાં કમજોર ઊડી શકનારું પ્રાણી પણ એ જ છે.''

એ દિવસે સાંજે સાતેક વાગ્યે ગુણવંતરાય આચાર્યે એમની નવલકથા 'સરમત સંઘાર'નું છેલ્લું પ્રકરણ પૂર્ણ કર્યું. નવલકથા પૂર્ણ થતાં એમણે એમનાં પત્ની નીલાબહેનને કહ્યું, ''નીલુ, આ પુસ્તક તને અર્પણ કરવાની ઈચ્છા હતી,

પણ અત્યાર સુધીમાં તને ઘણાં પુસ્તકો અર્પણ કર્યાં છે અને આ પુસ્તક માભોમની રક્ષા કરી રહેલા નરવીર જવાનોને અર્પણ કરવાનું છે !'' આમ પત્નીની સંમતિથી છેલ્લું પુસ્તક ભારતીય જવાનોને અર્પણ કર્યું. જેમના સાહિત્યના શબ્દેશબ્દમાં ખમીરનાં દર્શન થતાં હોય, તે વિદાયવેળાએ ખમીરનું જ સ્મરણ કરે ને !

આજની વાત

બાદશાહ:બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ :જહાંપનાહ, હવે દેશમાં એક જ જાતના પથ્થર બે જુદા જુદા નામે ઓળખાય છે.

બાદશાહ : ક્યા ખૂબ !

બીરબલ :જહાંપનાહ, જો એ પથ્થર નેતાની ગાડી પર પડે તો લોકતંત્ર પરના ઘાતક હુમલો કહેવાય છે અને જો એ ભારતીય સેનાના જવાનો પર પડે તો મુક્ત અભિવ્યક્તિની આઝાદી કહેવાય છે.

 

Post Comments