Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

ડાયાબિટીસ મારો પાળેલો કૂતરો છે. એ ભસે છે, પણ કરડતો નથી !

દયા અને દાન એ ગુજરાતી સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે !

યે દુનિયા ભી કિતની બેગાની હૈ,
વક્ત કા કિતના અજીબ કિસ્સા હૈ,
કિસીકા કભી કટતા હી નહીં,
કિસી કે પાસ કભી હોતા હી નહીં.


'આંખએ તો મારો દીવો છે' એમ પોતાના વાસરિકાના એક પૃષ્ઠ પર નોંધનારા સાહિત્યકાર 'જયભિખ્ખુ'ને જીવનભર આંખના ઓછા તેજે પરેશાન કર્યા હતા. નબળી આંખોને કારણે બાળપણથી જ ચશ્માં પહેરવા પડયા. બાળપણમાં ગોઠિયાઓની 'ચશ્મિશ' મજાક સહેવી પડી હતી. વળી જેમ જેમ ઉંમર વધતી ગઈ, તેમ તેમ ચશ્માના નંબર વધતા ગયા. જાડા કાચવાળાં એમના ચશ્માં એમની આંખોના વધુ નંબરોની ચાડી ખાતાં હતાં.

૧૯૬૭ના ગાળામાં એમની આંખમાં કાળા મોતિયાએ ઘેરો ઘાલ્યો. બીજા મોતિયા પાકે, જ્યારે કાળો મોતિયો પાકે નહીં, તેથી એ સમયે કાળા મોતિયાનું ઑપરેશન જોખમી અને મુશ્કેલ ગણાતું હતું. અમદાવાદના નિકટના સ્નેહી ડૉક્ટરોને બતાવ્યું, પરંતુ એમાંથી કેટલાક આવી જાણીતી વ્યક્તિ અને તે પણ સાહિત્યના લેખન પર નિર્ભર વ્યક્તિની આંખના ઑપરેશનમાં કંઈ મુશ્કેલી આવે તે ભયને કારણે તૈયાર થયા અને કેટલાકનો મત એવો પણ હતો કે, આવું ઓપરેશન કરવા જતાં આંખનું રહ્યુંસહ્યું અજવાળું પણ કદાચ ચાલ્યું જાય તો શું !

એ સમયે લેખક જયભિખ્ખુને એમની આંખોની દુનિયામાં અંધારાના વાદળો ઊમટી રહ્યા હોય એવો અનુભવ થતો હતો.

પ્રકાશના કિરણો રૃંધાતા જાય છે અને રોશની સતત આછી- ઓછી થતી જાય છે. આંખની ચિંતા પજવતી હતી. ક્યારેક કોઈ વૈદ્યરાજ કોઈ ચૂર્ણ આપે તો એને પાણીમાં નાંખીને આંખે છાંટતા. એ સમયે ફ્રાંસથી આવતી 'પેપિન' નામની દવાનાં ટીપાં રોજ નિયમિતપણે નાખે. વળી વાચન અને લેખનની પ્રવૃત્તિ જ એમનું જીવન-સર્વસ્વ હતી, તેથી સ્વાભાવિક રીતે આંખની ચિંતા તેમના મનને સતત ઘેરી વળેલી હતી.

હવે કરવું શું ? દિવસો ચિંતામાં અને રાત્રિઓ મૂંઝવણમાં પસાર થતાં હતા. ક્યારેક આંખમાં એકાએક કોઈ 'સ્પાર્ક' દેખાતો અને એ આંખમાં થતો તણખાનો ચમકારો જયભિખ્ખુના મનને વિક્ષુબ્ધ કરી દેતો. એમ થતું કે કદાચ આંખનું રહ્યુંસહ્યું અજવાળું પણ એકાએક લુપ્ત થઈ જશે તો શું થશે ? નૃત્યાંગનાના પગે લકવો લાગે, વક્તાની જીભે પક્ષાઘાત થાય કે ગાયકનો કંઠ બેસી જાય એવી સ્થિતિ પોતાની થશે એની ફિકર આ કલમજીવી લેખકને થવા લાગી.

આંખનું ઝાંખુ પડતું તેજ હતું તેથી કાળા મોતિયાનું ઓપરેશન કરાવવાનું મન વિચારતું હતું; પણ બીજી બાજુ આવું કોઈ ઓપરેશન થાય અને આંખોના તેજ સદાને માટે ચાલ્યા જાય, તે કલ્પના પોતિકી મસ્તી અને નિજાનંદે જીવનારા આ લેખકને ભયાવહ દુ:સ્વપ્ન સમાન લાગતી હતી.

ગુજરાતના એક નેત્ર ચિકિત્સકે આને માટે સીતાપુરનો રાહ ચીંધ્યો. કહ્યું કે, 'સીતાપુર એ નેત્રપીડિતો માટે મુક્તિનું દ્વાર છે; ત્યાં પહોંચી જાવ.' તેમણે જિજ્ઞાાસા અને ઉત્સાહ સાથે સીતાપુરની તપાસ શરુ કરી. પહેલાં તો જાણ થઈ કે દેશમાં ત્રણ સીતાપુર આવેલાં છે. એક સીતાપુર સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા શહેરની નજીક હતું, બીજું સીતાપુર સેન્ટ્રલ પ્રોવિન્સમાં હતું અને ત્રીજું સીતાપુર ઉત્તર પ્રદેશમાં હતું. પછી ખબર પડી કે ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લામાં આવેલા સીતાપુરમાં જ નેત્રપીડિતો માટેનું વિખ્યાત ચિકિત્સાલય છે.

એ પછી જયભિખ્ખુએ એમની રીત પ્રમાણે સીતાપુરની તપાસ કરવા માંડી. ઉત્તર પ્રદેશની ભૂગોળની પુસ્તિકાઓ મંગાવી, પણ ક્યાંય સીતાપુરની આંખની હૉસ્પિટલની કોઈ જરૃરી કે ઉપયોગી માહિતી જડે નહીં. પણ એક કામ લીધું એટલે એમાં પૂરેપૂરા ઊંડા ખૂંપી જવું. એ ટેવને કારણે એમણે લાંબી શોધ ચલાવીને સઘળી માહિતી મેળવી.

એક દિવસ જયભિખ્ખુને સીતાપુરની ભાળ મળી ગઈ ! અમદાવાદથી દિલ્હી પહોંચવું, દિલ્હીથી લખનઉં એક્સપ્રેસમાં બેસીને સીતાપુરના સિટી સ્ટેશને ઊતરવું, નિયત ભાડાની રિક્ષામાં સીતાપુરના ચક્ષુ મંદિરે પહોંચવું. એ રીતે સીતાપુર પહોંચવાનો આખોય નકશો એમની નજર સમક્ષ તૈયાર થઈ ગયો. હવે કરીએ કૂચ કદમ !

સાવ અજાણ્યા શહેરમાં પહોંચવાના માર્ગની જાણકારી તો મળી ગઈ, પણ પહોંચ્યા પછીની પરિસ્થિતિની ચિંતાઓ સતાવવા લાગી. આથી એ શહેરથી કે સગવડથી સર્વથા અજ્ઞાાત હોઈએ, ત્યારે કરવું શું ? રસોઈ માટેનાં તમામ વાણસો સાથે લીધાં, નાસ્તાઓથી ખીચોખીચ ભરેલા ડબ્બાઓ તૈયાર થયા. ખાખરા અને અથાણાં તો કેમ ભૂલાય ? કદાચ ગુજરાત જેવી રસોઈ ભોજનમાં ન મળે, તેથી આખું રસોડું સાથે લીધું !

આમ કુલ છ વ્યક્તિઓનો કાફલો, સામાનના પિસ્તાળીસ મુદ્દાઓ સાથે સીતાપુર જવા નીકળ્યા. કોઈ નવી ભૂમિમાં જતા હોઈએ, એ રીતે આંખો સઘળાં દ્રશ્ય જોતી હતી. સીતાપુર સ્ટેશનેથી આઇ-હૉસ્પિટલ સુધીનો માર્ગ સાવ બિસ્માર અને ફૂટપાથના બદલે કચરાઓથી ભરેલો હતો. મનમાં એમ થયું પણ ખરું કે પંચાવન હજારની વસ્તીવાળું જિલ્લાનું મુખ્ય શહેર આવું કંગાળ અને વેરાન !

ગામ હોય કે નગર હોય, આપણે ત્યાં ક્યારેય કોઈ પ્રવાસીના પ્રવેશની ચિંતા કરે છે ખરું ? નગર-પ્રવેશ એ જ નગર વિશેની પહેલી મહત્ત્વની છાપ પાડે છે, પણ એની કોઈને ફિકર છે ખરી ? સીતાપુરના આવા પ્રાવેશિક દ્રશ્યથી પ્રવાસીઓમાં ઘણાં ભ્રમ ઊભા થઈ જાય, પરંતુ જ્યારે સીતાપુરના ભર્યા ભર્યા બજારને જુએ અને વસ્તીથી ઊભરાતા એનાં હાટ (બજાર) જુએ, ત્યારે આ શહેર વિશે બાંધેલી ધારણા માટે વ્યક્તિને સ્વયં હસવું આવે !

એ દિવસોમાં દશેરા અને દિવાળીના ઉત્સવો સમીપમાં હતા. તુલસીકૃત 'રામચરિત માનસ'નાં પઠન- પાઠનમાં અહીને પ્રજાને 'શ્રીમદ્ ભગવદ્ગીતા' જેટલી શ્રદ્ધા. રામલીલા અને રાવણ વધની ઉજવણીની તૈયારીઓ થતી હતી. ચોતરફ થતી હતી. ચોતરફ પર્વો અને તહેવારોનો માહોલ હતો, પણ જયભિખ્ખુના ચહેરા પર એ સમયે આંખોના ઉપચાર વિશેની ચિંતાની રેખાઓ ઉપસેલી હતી.

સીતાપુરના પ્રખ્યાત સર્જનોમાંના એક સર્જન 'પદ્મશ્રી' ડૉ. જગદીશચંદ્ર પાહવાને આ જવાબદારી સોંપાઈ. સીતાપુરની હૉસ્પિટલની પાસે આવેલા દર્દીઓને રહેવાના મકાનમાં અમે ઉતારો કર્યો. સામાનના પિસ્તાળીસ મુદ્દાઓનો માંડ માંડ સમાવેશ થયો. પછી બાજુની બીજી રૃમ પણ લીધી.

આ સમયે એક સુખદ અનુભવ થયો. એકાદ રૃમ પછી ભાવનગરના કાંતિભાઈ લલ્લુભાઈ શાહ (ડેરીવાળા) એમની આંખની ચિકિત્સા માટે અહીં આવ્યા હતા. અમારો કાફલો આવ્યો કે તરત જ એમનાં પત્ની પ્રભાબહેન આવ્યાં અને એમણે કહ્યું કે, તમારે રસોઈ કરવાની નથી. થોડો આરામ કરો.

એકાદ કલાકમાં રસોઈ આપી જાઉં છું. ગુજરાતીનો ગુજરાતી પ્રત્યે કેવો પ્રેમ હોય છે, એનો અનુભવ ગુજરાતની બહાર હોઈએ ત્યારે થાય. માયાળુ અને લાગણીશીલ પ્રભાબહેનના ઉષ્માભર્યા આગ્રહ આગળ અમારે નમતું જોખવું પડયું. પછી તો બીજા બે દિવસ એમણે જ અમને ભાવપૂર્વક જમાડયા.

મધ્ય પ્રદેશમાં પોતાની યુવાની વિતાવનાર જયભિખ્ખુને ઉત્તર પ્રદેશ આવતાં પેંઠા અને દાલમૂઠનું સ્મરણ થયું ! એમણે એમના લઘુબંધુ જયંતિભાઈને કહ્યું, 'જાવ, જરા બજારમાં જઈને સરસ મજાના પેંઠા લઈ આવો.'

લઘુબંધુ ખચકાયા. નિષ્ણાત ડૉક્ટર સી. કે. શેઠે કહ્યું, 'તમને ડાયાબિટીસ છે, માટે પેંઠા ખાવ તે બરાબર નથી. વળી તમારી આંખોનું નજીકના સમયમાં ઑપરેશન પણ કરવાનું છે ત્યારે ડાયાબિટીસ અંકુશમાં હોય તે જરૃરી છે.' જયભિખ્ખુએ એમની વાતનો દેખીતો સ્વીકાર કર્યો, પણ એમના ગયા પછી ફરી લઘુબંધુને કહ્યું, 'શું વિચાર કરો છો ? જાવ, પેંઠાં લઈ આવો.'

કુટુંબની રીતરસમ એવી કે મોટા ભાઈની આજ્ઞાા સહેજે ઉથાપાય નહીં. જયંતિભાઈ સીતાપુરની બજારમાં ગયા અને પેંઠા લઈ આવ્યા. જયભિખ્ખુએ એને પ્રેમથી ન્યાય આપ્યો !

એ દિવસોમાં જયભિખ્ખુના જુદા જુદા બ્લડ-ટેસ્ટ કરવામાં આવ્યા અને એમાં ડાયાબિટીસ વધુ માલુમ પડતાં ત્રણેક દિવસ ઓપરેશન મુલતવી રાખવાનો ડો. પાહવાએ વિચાર કર્યો. ચોથા દિવસે ફરી ડાયાબિટીસનો રિપોર્ટ આવ્યો. ડો. પાહવાએ રિપોર્ટ વાંચીને જયભિખ્ખુને હસતા હસતાં કહ્યું, 'મુઝે લગતા હૈ કિ સીતાપુર કે પાનીમેં સક્કર કુછ જ્યાદા હૈ; આપકા ડાયાબિટીસ કમ નહી હોતા હૈ.'

જયભિખ્ખુએ કહ્યું, 'ડૉક્ટર સાહબ, આપ ઇસ કી ચિંતા મત કીજિયે યે ડાયાબિટીસ તો મેરા પાલતુ કૂત્તા હૈ; વો ભોંકતા હૈ, મગર કાટતા નહીં !'

જયભિખ્ખુની ખુમારી જોઈને એ વિખ્યાત ડૉક્ટર ક્ષણભર તો આશ્ચર્ય પામ્યા. આજ સુધી એમણે ઘણા દર્દીઓને જોયા હતા. ઘણાં શહેરોમાં 'ઑપરેશન કેમ્પ' કર્યા હતા, પણ આવો ઉત્તર એમને ક્યાંય મળ્યો નહોતો !

ડૉ. પાહવાએ હસીને વિદાય લીધી અને સાથોસાથ કહ્યું પણ ખરું કે હવે બે-ત્રણ દિવસમાં ઓપરેશન કરવાનો વિચાર છે, માટે જરા પરેજી પાળજો. ત્રણેક દિવસ બાદ ઑપરેશન કરવામાં આવ્યું.

જયભિખ્ખુને એમ લાગ્યું કે જે કામ હિમાલયના પહાડ જેવું અત્યંત કપરું લાગતું હતુ અને જેને માટે અનેક લાલ સિગ્નલોની ચેતવણી મળી હતી કે, એ કાળો મોતિયો કાઢવાનું કામ પગમાંથી કાંટો કાઢવા જેવું સરળ બની રહ્યું. જયભિખ્ખુની સાથે આવેલ એમના એમના ડોક્ટર મિત્ર સી. કે. શેઠ તો વીજળીના ઝબકારાની જેમ શરુ થઈને પૂરી થયેલી શસ્ત્રક્રિયા જોઈને એકાએક બોલી ઊઠયા... 'વંડરફૂલ, વંડરફૂલ !'
સીતાપુરમાં દીર્ઘ સમય આરામ કરવાનો હતો.

એવામાં દિવાળીનો અવસર આવ્યો. ઉત્તર પ્રદેશમાં તો નવું વર્ષ ફાગણ વદ એકમનું શરુ થતું હતું, પણ હૉસ્પિટલમાં સારવાર માટે આવેલા ગુજરાતી દર્દીઓ અનેે એમનાં સ્વજનોએ કારતક સુદ એકમનું વિક્રમનું નવું વર્ષ ઊજવવાનો નિર્ણય કર્યો અને એ ખુશનુમા સવાર ગુજરાતી ભાઈબહેનોના સાલમુબારકના અવાજોથી કિલકિલાટ હસવા લાગી. બગીચામાં ઊગેલા ગુલાબ ચૂંટવાની મનાઈ હતી, પણ ખાસ અનુમતિ મેળવીને ગુજરાતી સન્નારીઓએ અંબોડામાં નાંખેલા ગુલાબ ચોપાસ રંગ અને સુગંધની વર્ષા કરી રહ્યાં.

અહીં મુંબઈના એક શ્રીમંત મણિભાઈ કિલાચંદ પણ હતા. પોતાની આંખનું નૂર ગુમાવીને સીતાપુર આવ્યા હતા અને અહીં તદ્દન નવી દ્રષ્ટિ પામ્યા હતા. એમણે સહુને કહ્યું, 'આ નવા વર્ષે કંઈક દાન કરવા હું ચાહું છું.'

જયભિખ્ખુએ પ્રત્યુત્તર આપતા કહ્યું, 'હું પણ એવા જ વિચારમાં છું. દયા અને દાન એ ગુજરાતી સંસ્કારિતાનું સર્વપ્રથમ લક્ષણ છે.'            

(વધુ આવતા અંકે)

પ્રસંગકથા

વેન્ટિલેટર પર છે આપણી 'બિમાર' આરોગ્ય સેવા !

મહેશ એક દુકાને ગયો અને એણે પ્લાસ્ટિકની એક સરસ આઇટમ જોઈ. આંગળી ચીંધીને દુકાનદારને પૂછ્યું, 'અરે ભાઈ, આ શું છે ? જિંદગીમાં પહેલીવાર આવી આઇટમ જોઉં છું.'

દુકાનદારે કહ્યું, 'અરે, આ તો થર્મોસ છે.'

મહેશે આશ્ચર્ય પ્રગટ કરતા કહ્યું, 'થર્મોસ એટલે શું ? એનો ઉપયોગ શું ?'

દુકાનદારે કહ્યું, 'સાહેબ, આમાં તમે ગરમ ચીજ નાંખો તો હંમેશાં ગરમ રહે અને ઠંડીચીજ નાખો તો હંમેશાં ઠંડી રહે છે.'

મહેશે થર્મોસ ખરીદી લીધું અને ઑફિસમાં જઈને સહુને બતાવીને વટ પાડવાનો વિચાર કર્યો. એ ઑફિસમાં ગયો અને થર્મોસ ટેબલ પર મૂકીને બોલ્યો, 'જુઓ આ એક અદ્ભુત ચીજ છે. તમે ક્યારેય જોઈ છે ખરી ?'

કોઈએ થર્મોસ જોયું નહોતું, આથી બધાએ જિજ્ઞાસાવશ મહેશને પૂછ્યું, 'ના. આવી કોઈ વસ્તુ અમે જોઈ નથી. આ શું સાધન છે ? એનાથી શું થાય ?'

'અરે દોસ્ત, આમાં કોઈ ઠંડી વસ્તુ નાંખી હોય તો ઠંડી રહે અને ગરમ વસ્તુ નાખી હોય તો ગરમ રહે.'

બધા આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, 'આમાં તમે શું ભર્યું છે ?'

'ગુલાબનું ઠંડુ શરબત અને ત્રણ કપ ગરમાગરમ ચા.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી છે કે મહેશે જેમ થર્મોસમાં ગુલાબનું ઠંડુ શરબત અને ત્રણ કપ ગરમાગરમ ચા એક સાથે ભર્યા હતા, એ જ રીતે આજે આપણા દેશમાં એકબાજુ વિકાસની હરણફાળ ભરવામાં આવે છે, તો બીજી બાજુ દેશ વધુ ને વધુ 'બિમાર' પડતો જાય છે.

દેશના વિકાસનો માપદંડ એની આરોગ્યસેવા છે. ક્યૂબા જેવા દેશને એની ઉત્તમ આરોગ્ય સેવા માટે દુનિયા આખી સલામ ભરે છે, જ્યારે વિશ્વનું વિશાળ અર્થતંત્ર ધરાવતું ભારત, બ્રિટ્સ દેશોમાં પણ એટલ કે બ્રાઝિલ, રશિયા, ચીન, વગેરે દેશો કરતાં આરોગ્ય સેવાઓ પાછળ સૌથી ખર્ચ કરતો દેશ છે.

જરા નજર કરીએ આપણા દેશની આરોગ્ય સેવાની સ્થિતિ પર ! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના છેલ્લા આંકડાઓ મુજબ દેશમાં દર એક મિનિટે પાંચ વર્ષથી નાનાં બે બાળકોનું મરણ થાય છે. દેશમાં જન્મતાં દર એક હજાર બાળકે એકતાલીસ ટકાનું બાળમરણ થાય છે. એથી ય આગળ વધીને જોઈએ તો સ્વાસ્થ્ય સેવાની બાબતમાં ૧૯૫ દેશોમાં ભારતનો ૧૫૪મો ક્રમ છે. બાંગ્લાદેશ અને લાઇબેરિયા કરતા પણ ભારત પાછળ છે.

ગામડાઓમાં મળતી આરોગ્ય સેવાઓની વાત તો હચમચાવી નાખે તેવી છે. તાજેતરના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે ભારતનાં ગામડામાં કાર્યરત પાંચ ડૉક્ટરોમાંથી માત્ર એક જ ડૉક્ટર મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની જરૃરી યોગ્યતા ધરાવે છે. એકત્રીસ ટકા ડૉક્ટરોએ તો ફક્ત બારમા સુધીનો અભ્યાસ કર્યો છે અને ડૉક્ટરી કરે છે.

ગામડાનાં ૫૭ ટકા ડૉક્ટરો પાસે જરૃરી મેડિકલ ડિગ્રી જ નથી. આ સ્થિતિમાં તમે વિચારો કે ડોક્ટરો સાથે દવાઓની કંપનીઓનું ગઠબંધન હોય, બનાવટી પૅથોલોજી લેબોરેટરીઓ કામ કરતી હોય, ત્યારે આપણને લાગે કે આપણી આરોગ્ય સેવાઓ સાચે જ આખરી શ્વાસ લઈ રહી છે !
 

Post Comments