Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

આઝાદી માટે વીરનું નેતૃત્વ મળે, પણ મહાત્માનું નેતૃત્વ મળવું તે તો મહાભાગ્ય !

પ્રજાના હક્કોનું ખતપત્ર એટલે રાજા, ધર્મગુરુ ને અમીરોનો મૃત્યુદંડ

હમને ઉન્હેં યે જિંદગી કી મિસાલ દી,
મુઠ્ઠીમેં ધૂલ લી ઔર હવામેં ઉછાલ દી.


અન્ય પ્રતિ અત્યાચાર અને અન્યાય આચરનારને એ ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પાછું મળે છે : એ દિવસે સમ્રાટનું મોત સામાન્ય માણસની દયાને પણ પાત્ર ન ઠર્યું

પાડ માનીએ પહેલો મહાત્મા ગાંધીજીનો, કે એમની આગેવાની મળી ને આપણે સ્વરાજ પામ્યા.

પાડ માનીએ અંગ્રેજોનો. દોસ્તોએ નાદાની દાખવી, ત્યારે દુશ્મને દાનાઈ દાખવી. નહિ તો સત્તાફેર સામાન્ય નથી. સત્તાપલટાનો ઇતિહાસ લોહિયાળ છે. એમાં ય આઝાદીનો જંગ તો પ્રજા પાસે કેટલીય કુરબાની માગે છે. આઝાદ થયેલા દેશ પર કાં સત્તાશોખીનો કે સેનાબળ ગીધની માફક પોતાના દેશવાસીઓ પર તૂટી પડે છે. આફ્રિકાના દેશોની આઝાદીનો ઇતિહાસ કેટલો બધો રક્તરંજિત છે ! એમાં ય રાજતંત્ર કરતાં પ્રજાતંત્ર ભારે કઠોર ! રાજહુક્મની તાબેદારી માગે પ્રજાતંત્ર પ્રજાની ભાગીદારી ચાહે.

સહુથી પહેલો લોકશાહીનો અરૃણોદય થયો યૂરોપખંડના ફ્રાંસ દેશમાં. અઢારમી સદીમાં એનો રાજા લૂઈ પંદરમો દેશની ગાદી પર બિરાજમાન હતો. વિલાસિતા સઘળે વ્યાપી ગઇ હતી. સામંતો અને પાદરીઓ પ્રભુના પહેલા ખોળાના દીકરા બની બેઠા હતા અને રાજા પોતાને પ્રભુ લેખતો. એ પોતાને પ્રભુ સિવાય કોઇને ય જવાબદાર લેખતો નહીં. એના વિહાર માટે બે હજાર કીંમતી ઘોડા અને બસો બગીચાઓ હાજરાહજૂર રહેતા.

ઘોડાઓને જેટલું સારું અને પૂરતું ખાવા મળતું, તેટલું પ્રજાના આમવર્ગના નસીબમાં નહોતું. પ્રજા ભૂખમરામાં સબડતી હતી. એક તરફ મિજબાનીઓની મહેફિલ થતી હતી. બીજી બાજુ ગરીબોને એક ટંક ખાવા માટે તરસવું પડતું. ભયંકર વિલાસિતામાં આળોટતો રાજા લૂઈ પંદરમો ગૂજરી જતાં લૂઈ સોળમો ગાદીએ આવ્યો.

પણ વિલાસ અને વૈભવ તો વિના અવરોધે ચાલ્ય કર્યા. બેકારી, બેહાલી અને ભૂખમરાએ ફ્રાંસની જનતા પર ભરડો લીધો. પ્રજાના અવાજને પાદરીઓ ધર્મથી, સામંતો શસ્ત્રથી અને રાજા કાયદાથી રૃંધી નાખતા. પ્રજા રોટલો માગવા જતી, તો બંડખોર ઠરીને મોત પામતી.

રોજ કાયદા બદલાતા, નવા નવા કર અને જકાતથી પ્રજાના ઘરમાં બચેલી છેલ્લી પાઈ તિજોરીમાં તાણી લાવવામાં આવતી. લાખો લોકોના પસીનાની એ કાળી કમાણી રાજા-રાણીની એશભરી એક રાતમાં કે એક રંગતભર્યા જલસામાં ખર્ચાઇ જતી.

બિલાડી જ્યારે ચારે તરફથી ઘેરાઈ જાય, ત્યારે વરુનું રૃપ લે છે. કરવેરાથી વધુને વધુ કચડાતી આમજનતાએ આખરે હુંકાર કર્યો. પ્રજા પહેલાં મૂંગે મોંએ સિતમ સહન કરે છે. છડેચોક થતા જુલમનો ભોગ બને છે, પણ જ્યારે એના મુખમાંથી ચીસ નીકળે છે, ત્યારે તે ભલભલા સામ્રાજ્યોને ધુ્રજાવી દે છે. રાજા, પાદરી અને અમીરના સ્થાપિત હક્કો સામે બળવો પોકાર્યો. સ્થાપિત હક્કો પ્રજાના હક્ક અને અધિકારને ટૂંપો દેવાનું કામ કરે છે. ફ્રાંસની આમ જનતાને રાષ્ટ્રીય સભા સ્થાપી. આ સભા પ્રજાના હક્ક માટે લડવા લાગી. વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે પોકાર કરવા લાગી.

રાજા પોતાની તાકાત ચાલે ત્યાં તેને નમાવતો, ન ચાલતી ત્યાં ખુદ નમી જતો. આખરે રાષ્ટ્રીય સભા કંટાળી. પેરિસમાં એકાએક બળવો ફાટી નીકળ્યો. બેસ્ટાઇલ નામનો રાજકીય કેદીઓને રાખવાના મજબૂત કિલ્લાનો ૧૭૮૯ની ૧૪મી જુલાઈએ રાષ્ટ્રીય સેનાએ કબજો કર્યો. લોકોમાં અજબ ઉત્સાહ વ્યાપ્યો. જ્યાં જ્યાં ખબર પહોંચ્યા, ત્યાં રાજાશાહી અને સામંતશાહી સામે બળવો થયો. રાષ્ટ્રીયસેના સ્થાપવામાં આવી. ૧૪મી જુલાઈ ફ્રાંસનો સ્વાતંત્ર્યદિન બન્યો.

ચોથી ઑગસ્ટે રાષ્ટ્રીય સભા મળી. એક ઉમરાવે પોતાના હકોને તિલાંજલિ આપી.બીજાએ પણ તેમ જ કર્યું. સમાનતાનો સિધ્ધાંત સ્વીકારાયો, પણ રાજાની દાનત બૂરી હતી. લોકોએ ફરી વર્સાઇલના મહેલ પર હલ્લો કર્યો. રાજા રાણીને પકડીને પેરિસમાં લાવ્યા. ફ્રાંસ ટુકડાઓમાં વહેંચાયેલું હતું તેને એક કર્યું. અમીરોનાં ઘર બાળ્યાં. જાગીર પ્રથા ઉડાવી દીધી.

રાષ્ટ્રીય સભાએ માનવ હક્કોનું ખતપત્ર તૈયાર કર્યું. આ ખતપત્ર એટલે રાજા, ધર્મગુરુ અને અમીરોનો મૃત્યુઘંટ. અમીરો દેશ છોડીને અસ્કયામત સાથે અન્ય દેશોમાં ચાલ્યા જવા લાગ્યા. અને બીજા દેશોને ફ્રાંસ પર ચડી જવા સમજાવવા લાગ્યા.દેશદ્રોહ કરનારા માધવ દરેક દેશોમાં સરખી રીતે જન્મ લે છે. રાજા પણ ગુપ્ત રીતે તેમાં મદદ કરવા લાગ્યો. પાદરીઓ લોકોને ધર્મને નામે વર્તમાન શાસન સામે ઉશ્કેરવા લાગ્યા.

એક દિવસ રાજા અને રાણી વેશપલટો કરીને નાસી છૂટયા. તેઓની નેમ દેશની બહાર નીકળી જઈ બહારની મદદ લાવી પ્રજાશાસનને કચડી નાખવાની હતી, પણ આખરે જનતાના હાથમાં પકડાઈ ગયા. કેદી બનીને પાછા આવ્યા. પ્રજાને રાજામાંથી સાવ શ્રધ્ધા ચાલી ગઈ. લોકોને એવું લાગ્યું કે રાજાની હસ્તી પ્રજાશાસન માટે હિતકર નથી, બલ્કે ખતરનાક છે.

રાજા સામે પ્રજાની અદાલતમાં કામ ચાલ્યું. રાજા લૂઈને ફાંસીની સજા થઇ. જે ચબૂતરા પર એના પિતાની ભવ્ય મૂર્તિ હતી, ત્યાં જ રાજા લૂઈને ફાંસી આપવામાં આવી. એ દિવસે એને લાગ્યું કે અન્ય પ્રતિ અત્યાચાર અને અન્યાય આચરનારને એ ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પાછું મળે છે.

કુહાડાના એક ઘાથી રાજાનું મસ્તક જુદું કરવામાં આવ્યું. એ કપાયેલું મસ્તક પ્રચંડ માનવમેદનીને 'પ્રજાતંત્ર ચિરંજીવ હો'ના નાદ સાથે બતાવવામાં આવ્યું ને જાહેર કરવામાં આવ્યું કે ન્યાયાનુસાર ફ્રાંસનો સમ્રાટ મર્યો છે. પ્રજાતંત્ર કાયમ થયું છે.

એ દિવસે સમ્રાટનું મોત સામાન્ય માણસની દયાને પણ પાત્ર ન ઠર્યું. ફ્રાંસમાં માણસો તો શું, કૂતરું પણ ન રડયું. એ દિવસ તે ઈ.સ. ૧૭૯૩ના ૨૧મી જાન્યુઆરીને સોમવારનો ! રાજા લૂઈના મૃત્યુ સાથે આખું યૂરોપ ફ્રાંસની સામે આવીને ખડું થયું. સત્તા બૂરી બલા છે.

એ એવી ખીર છે, જેને પચી એને પચી. આમજનતાના નેતાઓ સત્તા પામી હવે ઘેલા બન્યા. એમના હાથ રક્તપાત ભણી વળ્યા, જરા પણ દ્રોહી જાણવા મળ્યો કે એને ફાંસી આપવા લાગ્યા. રાજાની ગુલામીમાંથી મુક્ત થનારી પ્રજા સત્તાધારીઓની ચુંગાલમાં ફસાઈ ગઈ.

બળવાખોરોમાં પણ બે પક્ષ મોજૂદ હતા. એક શાંતિથી રાજપલટો ચાહનાર પક્ષ હતો. પહેલો પક્ષ નબળો પડયો. બીજા પક્ષનું ચઢી વાગ્યું. બીજા પક્ષના નેતા રોબેસ્પિયરે રાણી પર રાજદ્રોહનો આરોપ મૂક્યો ને કેસ ચલાવી ફાંસીની સજા કરી. જે સ્થળે કૂહાડાથી રાજાનું માથું કપાયું હતું, ત્યાં જ રાણીનું સુકોમળ મસ્તક કુહાડાના ઘાથી ઉડાવી દેવામાં આવ્યું. કપાયેલું મસ્તક પ્રજા સમક્ષ રજૂ કર્યું, ત્યારે સહુએ કહ્યું, 'પ્રજાતંત્ર ચિરંજીવ હો.'

દેશમાંથી રાજશક્તિ ચાલી ગઈ, પણ હવે પ્રજાના બે પક્ષ આપસઆપસમાં લડવા લાગ્યા. એક પક્ષે બીજા પક્ષની સત્તા આંચકી લીધી. ને જે સ્વાધીનતાના પૂજારીઓ હતા, તેઓના પર જ રાજદ્રોહનો કેસ ચાલ્યો. ગુનો એ હતો કે આ બધા રક્તપાતના શોખીન ન હતા. શાંતિમાં માનતા હતા.

બાવીસ વ્યક્તિઓ સામે આરોપ ઘડાયો. એક વ્યક્તિએ તો ત્યાં જ ઝેર ખાઈને મોતને વહાલું કરી લીધું. પ્રજાશાસનની ઝાલરો વગાડનાર મહાન વક્તાને ગુનેગાર ઠેરાવ્યો. બોર્નિયોએ ત્યાં પોતાનું અંતિમ ભાષણ આપ્યું. એણે કહ્યું કે મારા સાથીઓની જેમ મારી પાસે પણ ઝેર છે, પણ તે રીતે મોતની સજામાંથી છટકી જવું એ કાયરતા છે.

એકવીસ ક્રાંતિકારીઓનાં મસ્તકો ઉડાવી દેવામાં આવ્યાં. ક્રાંતિકારીના નિર્જીવ શબ પરથી પણ મસ્તક ઉતારી લેવામાં આવ્યું. એક પક્ષ ખતમ થયો. રોબેસ્પિયર અને તેનો પક્ષ રાજકર્તા બન્યો. સ્વતંત્રતાને નામે લોહીની નદીઓ વહી રહી ! રોબેસ્પિયરનો મિત્ર દાંતો હતો, પણ હવે એની ભાવના પલટાતી હતી. તે પણ શાંતિ સ્થાપવાનો હિમાયતી બન્યો.

મૃત્યુનું ચક્ર તેના પર પણ આવ્યું. લોકોએ દાંતોને નાસી જવા કહ્યું. દાંતોએ કહ્યું, શું હું મારી માતૃભૂમિને મારી સાથે લઇ જઇ શકીશ ?

૩૧મી માર્ચ,૧૭૮૪ના દિવસે ક્રાંતિની આત્મારૃપ દાંતો અને તેના મિત્રોને પકડવામાં આવ્યા ને અદાલતી નાટક બાદ તેને ફાંસી થઈ.

હિંસા-પ્રતિહિંસાનું ચક્ર ફરતું ફરતું ધીરે ધીરે રોબેસ્પિયર પર આવ્યું. એણે હજારોને ફાંસી આપી હતી.

મોટા ભાગનાં લોકો એના દુશ્મન બન્યા હતા. આખરે એસેમ્બલીમાં વિદ્રોહ ફાટી નીકળ્યો. રોબેસ્પિયર અને એના મિત્રો પકડાઈ ગયા. ફાંસીના તખ્ત પર ચઢાવી દેવામાં આવ્યા.જે રસ્તેથી રાજા લૂઈની સ્મશાનયાત્રા નીકળી હતી, જે રસ્તેથી રાણી અને શાંતિચાહક નેતાઓનાં મૃતદેહો પસાર થયાં હતાં, તે જ રસ્તા પરથી અત્યાચારી પક્ષના નેતા રોબેસ્પિયરની પણ સ્મશાનયાત્રા નીકળી.

આમ ફ્રાંસનું પ્રજાશાસન રૃપી પારણું યાદવાસ્થળી અને યુરોપિય વિગ્રહ વચ્ચે ઝુલતું હતું. ત્યારે ફ્રાંસને નેપોલિયન નામનો નવો નેતા મળ્યો.

નેપોલિયને ફ્રાંસ જાળવી રાખ્યું. એ ૪૦ યુદ્ધો લડયો અને જીત્યો. એ જેવો યોદ્ધો હતો. એવો કાયદાશાસ્ત્રી હતો. એણે જગતમાં રાષ્ટ્રવાદ સ્થાપ્યો. અમીરોની સત્તા ખલાસ કરી. વર્ગ-વર્ગ વચ્ચેના ભેદ ટાળ્યા. માણસની શક્તિ ને લાયકાતને મહત્ત્વ મળ્યું. એણે વરાળ જેવા થઇ ગયેલા ધર્મને જાળવી લીધો. એણે કહ્યું, રાજકારણમાં ધર્મની અગત્ય છે. રાજનીતિ માટે ધર્મ સાધનારૃપ છે. રાજના કાબૂમાં ભલે એ જીવે !

દસ વર્ષમાં નેપોલિયને ફ્રાંસને અજોડ સર્જ્યું. પણ સત્તા સ્થાને ચીટકી રહેવાની વૃત્તિએ ફરી જોખમ ઊભું કર્યું. એ આખોય એક જુદો ઇતિહાસ છે.

આધુનિક પ્રજાશાસનનું આ પહેલું પ્રભાત પગટયું. સરખામણી કરવી હોય એ કરે ! નેપોલિયન જેવા વીરોનું નેતૃત્વ રાજકારને અનેકવાર મળ્યું છે, પણ ગાંધીજી જેવા મહામાનું નેતૃત્વ જ્વલ્લે જ રાજકારણને મળે છે. ભારતમાં આઝાદીનું પ્રભાત ઊગ્યું અને લોકતંત્રની સ્થાપના થઈ, તે ઇતિહાસની કેટલી મોટી અને વિરલ ઘટના કહેવાય !

પ્રસંગકથા

મંદિરમાં સેવા ને દુકાનમાં શોષણ !

ધર્મોપદેશક પાસે આવીને વેપારીએ ગળગળા અવાજે કહ્યું, 'મહારાજ, હવે આવા જીવનથી હું થાક્યો છું. ઘણાં કાળાં કામ કર્યાં, ઘણાં કૂડકપટ કર્યાં. હવે મને આમાંથી બચાવો.'

ધર્મોપદેશકે કહ્યું, 'ભાઈ, તને જો સાચા દિલનો પશ્ચાત્તાપ થતો હશે, તો જરૃર તારું જીવન સુધરશે. મનમાં કરેલાં પાપો યાદ કર અને ઇશ્વર પાસે જઈને એ પાપો માટે ક્ષમા માગ.'

વેપારીએ કહ્યું, 'મહારાજ, એવી તો ક્ષમા ઘણીવાર માગી છે, કોઈ લુચ્ચાઈ કે છેતરપીંડી કરું એટલે તરત ભગવાનની ક્ષમા માગવા દોડી જતો હતો. જેટલાં પાપ કર્યાં છે, એથી વધુ વખત ક્ષમા માગી છે!'

'ખેર, તો હવે તારી ઈચ્છા શી છે?'

'મારી ઇચ્છા સજ્જન વ્યક્તિ તરીકે જીવન જીવવાની છે. મારા મૃત્યુ બાદ પણ લોકો મને યાદ કરે તેવાં કામ કરવાં છે.'

મહારાજે કહ્યું, 'એમાં વળી શી મુશ્કેલી? બસ, ધર્મ કર. સારાં કામ કર. દયાદાન કર.'

વેપારીએ કહ્યું, 'મહારાજ, દાન કરવાનું બહુ મન થતું નથી. ધન છોડવું ગમતું નથી.'

મહારાજ વેપારીનો મનોભાવ પારખી ગયા અને બોલ્યા, 'તો ભાઈ ઓછામાં ઓછું એટલું કર કે જેની પાસેથી તેં પૈસા ઊછીના લીધા હોય, એમને પાછા આપી દે. તારે માટે આ પણ મોટો ધર્મ ગણાશે.'

વેપારીએ કહ્યું, 'સાહેબ, આ તો વ્યવહારની વાત થઈ. મને તો તમે ધર્મની વાત કરો. વ્યવહાર તો ચાલે છે તેમ ચાલે. મારે તો ધર્મ શીખવો છે.'

મહારાજ વેપારીની આ મનોવૃત્તિ જોઈને મનોમન હસી રહ્યા.

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે ધર્મમાં જે કહ્યું હોય, તે વ્યવહારમાં આચરવામાં આવતું નથી. ઘીનો વેપારી ભગવાનને ચોખ્ખા ઘીનો દીવો કરે અને પછી ભગવાનની તસવીર પર કપડું ઢાંકીને ચોખ્ખા ઘીના નામે બનાવટી, ભેળસેળવાળા ઘીનો વેપાર કરે. ધર્મમાં વ્યક્તિ એક વાત કરે અને વ્યવહારમાં સાવ જૂદું વર્તન કરે. આથી મંદિરનો માણસ અને દુકાનનો માણસ સાવ જુદા જોવા મળે છે. મંદિરમાં એ સેવાની વાત કરે છે અને દુકાનમાં એ શોષણનું કામ કરે છે.

ધર્મ અને વ્યવહાર વચ્ચેની આ ખાઈ દૂર થશે, તો જ ધર્મની ભાવનાઓનું યોગ્ય આચરણ થશે અને વ્યક્તિનો વ્યવહાર શુદ્ધ થશે.

આજની વાત

બાદશાહ : ભારતના શા ખબર છે?

બીરબલ : ભારતની ગાયોમાં બેંકો એ સૌથી વધુ દુધાળી ગાય છે.

બાદશાહ : ક્યા ખૂબ!

બીરબલ : જહાંપનાહ, જેને ગમતી સરકારી ફેવર મળે અને અધિકારીની ફાવટ મળે, એ ઉદ્યોગપતિ આ દેશમાં બેંકોને દોહવાનું કામ કરે છે.
 

Keywords int,ane,imarat,08,march,2018,

Post Comments