Breaking News
નકલી મૂર્તિઓ વેચવાના આરોપસર ભારતીયને અમેરિકામાં જેલ * * * * ભાજપ મહારાષ્ટ્રમાં ૧૦૦થી વધુ બેઠકો જીતનારો ૨૪ વર્ષમાં પહેલો પક્ષ * * * * મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાશે, જીત કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગેકૂચ ઃ અમિત શાહ * * * * મુંબઇમાં સિંગાપૌર એરલાઇન્સના વિમાનને ઉતરાણ વખતે અકસ્માતઃ ૨૨ ગાયલ

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

લોકસભાની ચૂંટણી થકી માંદા અર્થતંત્રને રૃા. ૩૦,૦૦૦ કરોડનું ઇંજેકશન

- ટી.વી.-અખબારોમાં વિજ્ઞાાપનોથી લઈને વાહનો કે વિમાન- હેલિકોપ્ટર ભાડે ફેરવાનારા, પોસ્ટર, સ્ટિકર, માસ્ક, ટોપી બનાવનારા કે હોટેલિયરો, ચાની રેંકડી કે નાળિયેર પાણીવાળા જેવા અનેક નાના ધંધાદારીઓને બખ્ખા થઈ ગયા છે

લોકસભાની ચૂંટણી માથે આવી ગઈ. પરંતુ આ ચૂંટણીએ મંદીના માહોલમાં તાણગ્રસ્ત બનેલા અનેકોના જીવનમાં 'લક્ષ્મી'નો સંચાર કર્યો છે. મંદીના મારથી પડી ભાંગેલા ઇવેન્ટ મેનેજમેન્ટના બિઝનેસમાં કશો રસકસ ન રહ્યાનો વસવસો કરનારા બેંગ્લોરના રવિશંકર થોડા મહિના પૂર્વે કંપની બંધ કરવાનું વિચારતા હતા. પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમણે માસ્ક બનાવવાનું કામ હાથ ધર્યું અને માસ્કની સાથે લીલી નોટો પણ છપાવા લાગી.  ઊલ્ટું તેમના કારણે અનેક ફોટોગ્રાફરો, ગ્રાફિક ડિઝાઈનરો અને માર્કેટીંગ એક્ઝિક્યુટીવોને કામ મળી ગયું. કર્ણાટકના ભાજપના નેતાઓ અને આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ્  પક્ષના નેતાઓએ તેમને મોટા પાયે માસ્કના ઓર્ડર આપ્યા છે.
મોદીના ચહેરા જેવો માસ્ક બનાવવા પાછળ ભાજપના નેતાઓ લખલૂટ ખર્ચ કરી રહ્યાં છે તો કેજરીવાલનો પક્ષ 'આપ' પણ તેમના ચૂનાવ ચિહ્ન 'ઝાડુ'ને પ્રસિદ્ધિ અપાવવા છુટા હાથે ઝાડુનું વિતરણ કરે છે. એકાએક ટોપી અને ઝાડુની જબરદસ્ત મોટી ડિમાન્ડ નીકળી છે. એકલા અમદાવાદમાં આમઆદમી પાર્ટીએ ૪૫ લાખ રૃપિયામાં પાંચ લાખ સાવરણા ખરીદ્યા છે!
નોકરી ન મળવાને કારણે ટ્રાવેલિંગ એજન્સીનો ધંધો શરૃ કરનારા બેંગલોરના રજનીશને મંદીમાં આવો વ્યવસાય હાથ ન ધરવાની સલાહ મિત્રો અને સગાંઓએ આપી હતી. પણ ચૂંટણી આવતાં જ રજનીશનો ધંધો ધમધમવા લાગ્યો છે. ચૂંટણીપ્રચાર માટે રજનીશના રોજના ૧૫થી ૨૦ વાહનો ભાડે ફરે છે. આ જ સ્થિતિ દક્ષિણ ભારતમાં પણ અનેક સ્થળે જોવા મળે છે. અને ઘણી ટ્રાવેલિંગ કંપનીઓએ તો માગને પહોંચી વળવા અન્યો પાસેથી ભાડૂતી વાહનો લેવા પડયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર છેલ્લા એક મહિનામાં જ મહેન્દ્રા ઓટોએ ૨૦,૦૦૦થી વધુ વાહનો વેચ્યા છે. જેમાં ૩,૧૭૧ નવી ઝાયલો પણ વેચાઈ છે. ગામેગામ ચૂંટણી પ્રવાસ ખેડવા નેતાઓને ઇનોવા, ઝાયલો જેવી એસયુવી સારી કામ આવે છે.
આ વખતની ચંૂટણીમાં નેતાઓ અને અભિનેતાઓ હવાઈ માર્ગનો પણ મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે.  દિલ્હીની સારથી એરવેઝના ૧૫ વિમાન - હેલિકોપ્ટરને ભાજપે ચૂંટણી કાર્ય માટે રોકી લીધા છે. અને જરૃર પડે તો તેઓ ફ્રીલાન્સ પાઈલટની સેવા પણ લેવાના છે. ચાર્ટર્ડ વિમાન કે હેલિકોપ્ટર માટે કલાક દીઠ રૃા ૪૦થી ૮૦ હજારનો ચાર્જ વસુલવામાં આવે છે અને પાઈલટને એક મહિનામાં રૃા. ત્રણ લાખ જેટલી આવક થશે.
૨૦૧૨માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પાછળ ૭ અબજ ડોલરનો ખર્ચ થયો હતો, પણ ભારતમાં યોજાયેલી આ વખતની ચંૂટણીમાં રૃા. ૩૦ હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે અને આમાં કાળા નાણાંની ગણતરી તો થઈ જ નથી. ચૂંટણી પંચે બીજા રૃા. ૧૫૦૦ કરોડ ખર્ચશે.  મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચની કુલ રકમમાંથી ૩૦ ટકા વાહનો, ઈંધણ અને કાર્યકરો તથા ૨૦ ટકા મિડિયા પબ્લિસિટી પાછળ ખર્ચવાની  છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં  આશરે ૧૫૦૦૦ કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ મૂકાયો હતો.
વિરોધપક્ષોએ પણ આડકતરી રીતે કબૂલ્યું છે કે ચંૂટણી ભારતીય અર્થતંત્રને બચાવી લેશે. અલબત્ત હંગામી ધોરણે જ. ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીનું સંબોધન કરતાં વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, આપણે ડિફલેશનનો ભય રાખવાની જરૃર નથી. ત્યારે માર્કસવાદી પોલીટબ્યુરોના સભ્ય સીતારામ યેચુરીએ કટાક્ષમાં કહ્યું હતું કે, 'ચુંટણીમાં અધિકૃત રીતે રૃા. ૩૦  હજાર કરોડ અને અનધિકૃત રીતે હજારો કરોડનું નાણંુ વપરાશે. આનાથી અર્થતંત્રને ઉત્તેજન મળશે. આ જ કારણે મનમોહન સિંહે વિશ્વાસપૂર્વક આ વાક્ય કહ્યું હોવું જોઈએ.'
વાસ્તવિકતા પણ આ જ છે. ચૂંટણી ખર્ચને કારણે આર્થિક વ્યવહારોમાં ઘણા પૈસા આવ્યા છે. આ અંગે કોઈ આંકડાકીય પુરાવા નથી. પણ આનાથી અર્થતંત્રને, ભલે થોડા સમય માટે, પણ ઉત્તેજન સાંપડયું જરૃર છે. કેટલીક રાજ્ય સરકારોએ  તો ચૂંટણીના લાંબા સમય પહેલાં જ તેમની તિજોરી ખુલ્લી મૂકી દીધી હતી. જેમ કે ચૂંટણીનું પરિપત્ર બહાર પડયાના સપ્તાહો અગાઉથી કરવામાં આવતી જાહેરખબર પાછળ મહારાષ્ટ્ર, ગુજરાત, યુ.પી.ની  સરકારે રૃા. ૫૫૦ કરોડ ખર્ચી નાંખ્યા હતા.
૧૫મી લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ વિજ્ઞાાપન પાછળ રૃા. ૧૦૦૦ કરોડનું આંધણ કર્યું હતું. જાહેરખબર ઉદ્યોગના જણાવ્યા પ્રમાણે વિડિયો, ઓડિયો, કેબલ, સિનેમા, એસએમએસ અને ટીવીમાં તમામ પક્ષોએ વિજ્ઞાાપનો આપ્યાં હતાં. પહેલાં તો કોંગ્રેસ, ભાજપ જેવા મોટા રાજકીય પક્ષો જ ટીવી પર જાહેરખબર આપતા હતા, પરંતુ આ વખતે વ્યક્તિગત રીતે પણ ઘણા ઉમેદવારો ટીવીમાં જાહેરખબર આપવાના છે.  આથી ચૂંટણી દરમિયાન ટીવી ચેનલોની આવકમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થશે.
એવું નથી કે માત્ર મિડિયા હાઉસને જ લાભ થશે,  પણ ચૂંટણીને કારણે જાહેરખબરના પાટિયા, પોસ્ટર, બેનર સ્ટીકર બનાવનારાને પણ ઘણો ફાયદો થશે. મંદીના કારણે સામાન્ય લોકો હાથ સંકોરીને બેઠા હતા પણ રાજકીય પક્ષોએ ખોબલે ખોબલે પૈસાની લ્હાણી કરી  તેમાં વળી આ વખતે ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોની સંખ્યા વધારે છે એટલે તો પોસ્ટર અને સ્ટિકર બનાવનારાઓને તડાકો પડયો છે.
પશ્ચિમ બંગાળમાં મોટેભાગે તો ગામડાઓમાં જ ચૂંટણી પ્રચાર વધારે કરવાની પ્રથા ચાલી આવે છે. આ કારણે સસ્તા ભાવે ડાઈ વેચનારાઓ ટૂંક સમય માટે ન્યાલ થઈ ગયા છે. ઘણા નાના ડાઈ વેચનારાઓએ રૃા. ૨૦-૩૦ હજાર રૃપિયાનું રોકાણ કરી રંગીન પોસ્ટરો થકી સારો નફો રળી લીધો છે.
ચૂંટણીમાં લગભગ ૩૫૦૦ કરોડ રૃપિયા જાહેરસભાઓ અને રેલી પાછળ ખર્ચ થશે. આના લીધે હોટેલ માલિકો, ટ્રક-ડ્રાઈવરો, પંડાળ બનાવનારા, તથા સભાના સ્થળે બેસતાં કે રેલીના માર્ગમાં આવતાં તમાકુ વેચનારા, ચાની રેકડી ધરાવનારા કે દારૃની દુકાનો વાળાને ચાંદી થઈ જશે. અરે,  થિરુવનંતપુરમ્ના બાલારામપુરમ્ ખાતેના ચા વાળાની આવક ૩૦ ટકા વધી ગઈ છે. જ્યારે તામિલનાડુમાં લીલા નાળિયેર વેચનારા થંગમે પણ કબુલ્યું હતું કે, ચૂંટણી અને ઉનાળાને કારણે મારો ધંધો ખૂબ વધી ગયો છે.
મોદીએ શરૃ કરેલી 'ચાય પે ચર્ચા'ને કારણે પણ દેશભરના ચાની રેકડીવાળાને સારો વકરો થવા લાગ્યો છે. તો મોદી, રાહુલ ગાંધી અને  કેજરીવાલના  નામ જોડીને તૈયાર થયેલી અવનવી વાનગીઓ  વેંચી રેસ્ટોરાં-ધાબાવાળા ચૂંટણી-જ્વરનો લાભ લઈ રહ્યાં છે.
તામિલનાડુમાં ડીએમકેએ પોતાનો સંદેશ સામાન્ય લોકો સુધી પહોંચાડવા લોકકલાકારોની મદદ લીધી છે. આથી આ કલાકારોને સારું એવું વળતર  મળે છે. બિહારમાં ચૂંટણીના ઘણા ઉમેદવારોએ પ્રચારકાર્ય માટે અનેક યુવાનોને રાખ્યા છે, જે પહેલાં બેકાર હતા.
જોકે ચૂંટણી પંચે પ્રતિબંધ મૂક્યો હોવાથી પોસ્ટર, બિલ્લા, ટોપી, પક્ષના ઝંડા કે સુતરાઉ થેલીની વહેંચણી વધારે નથી થઈ. છતાં અપક્ષ ઉમેદવારો પાસે અત્યંત મર્યાદિત નાણાભંડોળ હોવાથી તેમણે આવી વસ્તુઓ દ્વારા જ પ્રચાર કર્યો છે. પક્ષના સાહિત્યએ પણ પ્રિન્ટરોને સારો એવો લાભ અપાવ્યો છે. અમદાવાદમાં ભાજપનું પ્રતિક ધરાવતી ટોપી, સ્કાર્ફ, સેલફોન કવર, સ્ટિકર, બિલ્લા, બેનર અને પોસ્ટર વેચનારા દુકાનદારે કહ્યું હતું કે, આ તો લોકસભાની ચૂંટણી છે એટલે ભાજપના માત્ર ૨૬ ઉમેદવારો જ છે. વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ ઉમેદવારો હોય છે એટલે વેચાણ અનેકગણું વધી જાય છે.
ઉમેદવારો અને તેમના રસાલાને રહેવાની સગવડ પૂરી પાડનારી હોટલોને પણ સારો એવો નફો થયો છે. તે જ પ્રમાણે ત્રાસવાદીઓ અને નકસલવાદીઓના હુમલાનો ભય હોવાને કારણે સુરક્ષા ઉદ્યોગમાં પણ ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦ બુલેટપ્રૂફ જેકેટ વેચાયા છે. રૃા. ૪૦ હજારથી ૧.૨ લાખ સુધીની કિંમતના આ જાકીટની માગ ગઢચિરોલી ્અને ઝારખંડ જેવા નકસલવાદીઓનો ભય ધરાવનારા વિસ્તારમાં વધારે છે. જોકે આવા જાકીટ બનાવીને આપનારા રાહુલ મોરેએ સલામતીની જરૃરિયાત હોય તેમને જ બુલેટપ્રુફ જેકેટ બનાવી આપ્યા હતા.
અરે, આ બધામાં કંઈ સામાન્ય મતદાતા કોરોધાકોર નથી રહી ગયો. ગ્રામ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વસતાં લોકોને ચૂંટણીને કારણે સારો એવો લાભ થઈ રહ્યો છે.  તામિલનાડુના થિરુમંગલમ્ ખાતે યોજાયેલી એક રેલીમાં  ડીએમકેએ પ્રત્યેક પરિવારને પૈસા આપ્યા હતા.  અનેક મોટા નેતાઓની રેલીમાં ભીડ ઊમટી છે એ દર્શાવવા પૈસા આપી માણસોને બસો-ટ્રકોમાં ભરીને સભાસ્થળે લાવવામાં આવે છે.
ચૂંટણી પંચે પોસ્ટર, તોરણો, બેનરો વગેરેના વપરાશ પર મર્યાદા મૂકી દીધી હોવાથી ચૂંટણી પ્રચારમાં કાળા નાણાં વધુ વપરાતાં હોવાનો આક્ષેપ ડાબેરીઓએ  કર્યો છે.  કપડાનાં બેનરો, તોરણો, ચોપાનિયાંને લીધે ઓછા ખર્ચે ચૂંટણી પ્રચાર થતો હતો, પરંતુ આ ચૂંટણીમાં તેના બદલે ફલેક્સી બોર્ડ, એસએમએસ અને ઈલેક્ટ્રોનીક પદ્ધતિનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. વોટ્સ એપ,  ફેસબુકનો પણ પ્રચૂરમાત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે.
વૈશ્વિક મંદીની સ્થિતિમાં ચૂંટણી આવતાં નાના ધંધાદારીઓને થોડા સમય માટે ઘી-કેળાં થઈ ગયા છે. પણ મંદીને લીધે પક્ષો અને ઉમેદવારોને ચૂંટણી ભંડોળ મેળવતાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. પહેલાં તો મોટી-મોટી કંપનીઓ ચૂંટણી ભંડોળનું મુખ્ય સ્ત્રોત ગણાતી હતી. પરંતુ મંદીને લીધે રાજકીય પક્ષોએ નાની કંપનીઓ પાસે પણ હાથ લંબાવવો પડયો છે. રાષ્ટ્રીય ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ તેમની પાસેથી ભંડોળ મેળવવાના તાગમાં હોવાથી અનેક કંપનીઓ દબાણ અનુભવતી રહી છે. આ દબાણ વચ્ચે પણ અર્થતંત્રને એક મોટો ડોઝ મળવાને  કારણે વાતાવરણમાં ગરમાવો આવશે ખરો.

Post Comments