Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં યોજાયેલું ૧૯૦૨નું ઔદ્યોગિક પ્રદર્શન:

- પરાધીન ભારતની આશાઓ, અરમાનો અને કલ્પનાઓનો પડઘો પાડતું હતું

એક સમયે હિંદની પ્રજા ધનવાન હતી અને કારીગરો તથા વેપારીઓનાં મંડળો તંદુરસ્ત હતા

આજે આપણે સો વર્ષ પહેલાંના આવાં સ્ત્રીપુરૃષોનાં ખભા પર બેસીને પ્રગતિ કરી રહ્યા છીએ. જે જમાનામાં અંગ્રેજો ભારત માતારૃપી દૂઝણી ગાયને ઈન્ડસ્ટ્રીયલ મશીનથી દોહીને દૂધનું છેલ્લું ટીપું કાઢીને ઈંગ્લેન્ડનાં ગોરા બાળકોને ખવડાવતા રહ્યા હતા તે જમાનામાં અમદાવાદમાં યોજાયેલા ઔદ્યોગિક પ્રદર્શને કરોડો ભારતવાસીઓને આશાનું કિરણ બતાવ્યું હતું. જાણે કે ''ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી !'' આપણાં વડવાઓ અત્યંત ગરીબ હોવા છતાં સ્વમાની હતા.

તેમની મહેનતથી આજે આપણે સુખસગવડ ભોગવી રહ્યા છીએ. જો કે તેનો લાભ વંચિતો સુધી પહોંચ્યો નથી. સયાજીરાવે આર્થિક વિકાસ અંગે કરેલાં વિધાનોમાં કહ્યું હતું કે ''જ્યાં સુધી આર્થિક રાષ્ટ્રવાદ અને વિકાસનો લાભ ગરીબો, વંચીતો અને સર્વહારાઓ સુધી પહોંચે નહીં ત્યાં સુધી વિકાસનો શો અર્થ છે !'' મહારાજાએ ઔદ્યોગિક પ્રદર્શનમાં તેમજ અન્યત્ર આપેલા વ્યાખ્યાનોમાં કેટલાક અંશો નીચે ટાંક્યા છે :

''આજે આપણાં દેશમાં ઉત્તરોત્તર દુકાળો અને દરિદ્રતા વ્યાપક રીતે પ્રગટી રહ્યા છે. તેનો પ્રતિકાર કરવા માટે દેશભક્તિની તેમજ તેની સાથે સાથે ખેતી અને ઉદ્યોગોમાં નવી નવી પધ્ધતિઓ અપનાવવાની તાતી જરૃર છે. માત્ર 'સ્વદેશીભીમાન' અને 'આર્થિક રાષ્ટ્રવાદ'ની ભાવનાને વાગોળવાથી દેશનો કશો શક્કરવાર નહીં વળે.

જે રીતે બ્રિટનમાંથી ઢગલેબંધ માલ હિંદના બજારોમાં ઠલવાય છે તે જોઇને આપણે આપણાં ગૃહઉદ્યોગોમાં સુધારાવધારા કરીને તેને તંદુરસ્ત કરવાની ભારે જરૃર છે અને નવી ટેકનોલોજીની મદદથી નવા નવા ઉદ્યોગો શરૃ કરવાની જરૃર છે... આપણે આપણી શક્તિઓનો ઉપયોગ ધર્મ, અધ્યાત્મ અને ફિલોસોફીનાં જ ઉત્થાન માટે જ ક્યાં સુધી કરીશું ! ખરેખર તો પ્રારબ્ધવાદનાં ઉપદેશોથી અને સંસારમાંથી વિરક્તિ પામવાનાં બોધથી આ દેશની પ્રજાનાં ચેતનમાં ઘણી શિથિલતા આવી છે. આપણે ત્યાં પારસીઓ સાહસ ખેડનારી, ઉદ્યોગ કરનારી શક્તિશાળી કોમ તરીકે કેમ વિકસી છે તેનો તમે વિચાર કર્યો છે ખરો ?

વળી ઉદ્યોગ અને પરદુ:ખભંજનવૃત્તિના કામમાં કર્મવીર અને દાનવીર ટાટા જેવા મહા પુરુષ જે કોમ ઉત્પન્ન કરી શકે છે તેનો વિચાર કર્યો છે ખરો ? તેમજ ભાટીઆ, ખોજા અને સિંધનાં વ્યાપારીઓમાં સાહસ અને ઉદ્યોગો ખીલવવાની ભારે શક્તિ કેવી રીતે આવી તેનું પણ ચિંતન કરવાની જરૃર છે... એક સમયે હિંદની પ્રજા ધનવાન હતી અને કારીગરો તથા વેપારીઓનાં મંડળો તંદુરસ્ત હતા. આપણાં બંદરો યુરોપ, અરબસ્તાન, ઈરાન અને ચીન સાથે વેપાર કરતા.

પણ ત્યાર બાદ કંપની બહાદુરે આપણાં દેશને તારાજ કેવી સીફતપૂર્વક કર્યા તેની જાણકારી પ્રાપ્ત કરીને જ્યાં સુધી આપણે આત્મનિર્ભર નહીં થઇએ ત્યાં સુધી આપણે ગુલામની સ્થિતિમાં જ રાચ્યા કરીશું... કુદરતની બક્ષીસોમાં આપણો દેશ ગરીબ નથી. આ દેશ ઉપર ઈશ્વરની કૃપા છે. આપણે નવાં નવાં ઓજારો અને ઉત્પાદન પધ્ધતિઓ દ્વારા આપણા પોતાનો વિકાસ કરવાનો છે. આ બાબતમાં વિદેશી સત્તા કાંઇ જ નહીં કરે. આપણે જ આપણાં તારણહાર બનવાની જરૃર છે.''

મહારાજા સયાજીરાવનાં નિખાલસ ઉદ્ગારોની દેશભરમાં વ્યાપક અસર પડી હતી. સયાજીરાવે કોઇપણ જાતની શેહશરમમાં મૂકાયા વગર અમદાવાદનાં શેઠીયાઓ અને મીલમાલીકોને ચીમકી આપી હતી કે ''સુતરાઉ કાપડની મીલોનાં ભૂંગળા જ શું વધાર્યા કરવાનાં છે ?! તે સિવાય ફાર્માસ્યુટીકલ, કેમીકલ, સીમેન્ટ, લોખંડ અને પોલાદ, રંગરસાયણ અને સાયકલ જેવા ઉદ્યોગોનું કાંઇ જ સૂઝતું નથી ?!

અમદાવાદમાં યોજાયેલું૧૯૦૨નું ઔદ્યોગિક પ્રદર્શન પરાધીન ભારતની આશાઓ, અરમાનો અને કલ્પનાઓનો પડઘો પાડતું હતું. આ પ્રદર્શન આજના અમદાવાદનાં વર્લ્ડ સીટી હેરીટેજ માટેની એક ગૌરવભર્યો તથા ઉમંગભર્યો વારસો છે. તે અનેક પદાર્થપાઠો અને ચેતવણીઓથી ભરેલો છે. તેનો મેસેજ આ છે : ''સૌથી પહેલો દેશ પછી ભલે ભજવો વેશ અનેક'' !
 

Post Comments