Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સદ્ધધર્મ પ્રવર્તક શ્રી મુક્તજીવન સ્વામીબાપા- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

ભારતીય સંસ્કૃતિ ઉપર સદીઓથી પ્રહારો થતાં રહ્યા છે, મંદિરો અને શાસ્ત્રોને પણ મિટાવી દેવાના પ્રયત્નો થયાં છે.

  છતાં પણ આપણી સંસ્કૃતિ કડકભૂસ થઈને તૂટી પડી નથી. એવી કઈ સંજીવની તેની પાસે છે જે આ સંસ્કૃતિની હસ્તી ક્યારેય મટતી નથી ? એ સંજીવની છે- આ ધરતી પર પ્રગટેલા સાધુ-સંતો. ગુજરાતમાં અને સારાય ભારતમાં ચારિત્ર્ય ઘડતર કરવામાં અનેક સંતો અને સંપ્રદાયનો ફાળો છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો પણ આ ભગીરથ કાર્યમાં મહત્વનો રહ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજથી ૧૧૦ વર્ષ પૂર્વે ખેડાની ધરતી ઉપર પ્રગટેલા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સદ્ધર્મના પ્રવર્તનમાં શિરતાજ રહ્યાં છે. સંવત્ ૧૯૬૩ના ભાદરવા વદ અમાસ. તા.૭-૧૦-૧૯૦૭ના રોજ તેમનું પ્રાગ્રટય થયું હતું. વચનામૃતના આચાર્ય સદ્ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીએ તેમને ૨૩ વર્ષની ઉંમરે દીક્ષા આપી ''મુક્તજીવનદાસજી'' નામ પાડયું હતું.

મુક્તજીવન સ્વામીબાપા એટલે સર્વજનના હિતનું વિચારે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચારને પસાર કરવા માટે આફ્રિકા, યુરોપ ને અમેરિકાની ધરતી ઉપર સૌ પ્રથમ તેઓ પધાર્યા અને સૌના સદાચારના પીયુષ તેમણે પાયા હતા.

શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ અખિલ ભારત સાધુ સમાજના કાયમી ઉપાધ્યક્ષપદે તથા ગુજરાત શાખાના અધ્યક્ષપદે રહી, સતત વિચરણ કરી, જનસંપર્ક આંદોલનો કરી, સદાચાર સપ્તાહો યોજી ધર્મને વધુ સમાજલક્ષી બનાવ્યો છે. માટે જ દરેક સંતો- મહંતો કહેતા કે,'' શ્રી મુક્તજીવનદાસજી સ્વામી ભારત કે સકલ સાધુ સમાજ મેં અનુપમ રત્ન હૈ.'' તેમણે શાળા, કોલેજો, છાત્રાલય, ગૌશાળા, હોસ્પિટલ, સદાવ્રત, આદિની સ્થાપના કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમાજસેવા કરવાની પહેલ પાડી છે.

તથા ધરતીકંપ, દુકાળ, જેવી કુદરતી આફતોના સમયે તે હંમેશાં લોકોની મદદે સૌ પ્રથમ દોડી જતા. આવા સમાજના અનેક કાર્યો તેમણે કર્યા છે અને સાથે- સાથે આધ્યાત્મિક માર્ગે સૌ આગળ વધે તે માટે તેમણે અનેક મંદિરો સ્થાપ્યા છે અનેક શાસ્ત્રો રચ્યા અને રચાવ્યાં છે.

પોતાના જીવનકાળ દરમ્યાન શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સૌ પ્રથમ દીક્ષા આપીને ત્યારબાદ તેમણે કુલ ૧૨૯ જેટલા ત્યાગી સંતો અને હજારોની સંખ્યામાં સત્સંગી ભક્તો પણ બનાવ્યા છે. આવા વિરલ સંતનું જીવન કવન આલેખવા માટે બેસીએ તો અનેક ગ્રંથો ભરાય. પરંતુ આપણી પાસે અત્રે સિમિત જગ્યા છે. તેથી અહિંયા તેમના જીવન અંગે વિરામ પામવું જ રહ્યું.

આ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આપણી આધ્યાત્મિક કેડીને કંડારવા સરળ ભાષામાં સદ્ઉપદેશ પણ આપ્યો છે. તેમણે આપેલ સિંધુસમ ઉપદેશમાંથી અત્રે બિંદુનું આચમન કરીએ.

આહાર શુદ્ધિ

''જીવનમાં હંમેશા આહાર શુદ્ધિ હોય તો સત્ત્વ શુદ્ધિ થાય અને અંત:કરણ નિર્મળ થાય. તે આહાર શુદ્ધિ એટલે ફક્ત અનાજમાં શુદ્ધિ જાળવવી તેમ નહિ, પણ પાંચે જ્ઞાાન ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા.

ભગવાનના માર્ગે ચાલનારને આટલું તો જરૃર કરવું પડશે. તે સિવાય અંત:કરણમાં શાંતિ નહિ થાય.જો આહાર શુદ્ધ ન હોય તો અંત:કરણમાં ડચૂરા ભરાઈ જાય છે. જેમ કોઈ સિનેમાં જોઈ આવીને ધ્યાન કરવા બેસે તેને તો જે જોયું હોય તે જ દેખાય, પણ શ્રીજીમહારાજની મૂર્તિ ન દેખાય. તેમ દરેક ઇન્દ્રિયોના આહાર માટે સમજી લેવું. માટે દરેક ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા પણ સૂતાં સૂતાં કૃપા માગીએ તો મૂર્તિની પ્રાપ્તિ ન થાય ને સુખ પણ ન આવે.''

ભગવાનની ભક્તિ કરી લેવી

''આહાર, નિદ્રા, ભય ને મૈથુન તો મનુષ્ય અને પ્રાણીઓમાં સમાન હોય છે, પરંતુ મનુષ્યમાં આત્મા અને પરમાત્માનું જ્ઞાાન હોય માટે તેને અધિક કહ્યો છે. જો આત્મા પરમાત્માનું જ્ઞાાન ન હોય તો માણસ પણ પશુ સમાન છે.

પશુ ઘડતાં નર ઘડયો, ભૂલ્યો શિંગ ને પૂછ,
તુલસી હરિ કી ભક્તિ બિના, ધિક્ દાઢી ધિક્ મૂછ.

જો ભગવાનની ભક્તિ ન હોય તો તે મનુષ્ય પણ શિંગડાં અને પૂછડાં વિનાના પશુ જ છે અને તેમની દાઢી મૂછને ધિક્કાર છે. તેથી આપણને ભગવાને કેવળ કૃપા કરીને આવો દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો છે. તો આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને તેને સાર્થક કરી લેવો.

આવા, વિરલ સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના હિન્દુ સંસ્કૃતિ ઉપર અને આપણા સહુ ઉપર અનેક ઉપકારો છે તે ઉપકારોનું ઋણ તો આપણે શું ચુકવી શક્વાના હતા ? પરંતુ આવા જીવનપ્રાણ સ્વામીબાપને પ્રગટ થયે ભાદરવા વદ- અમાસ તા. ૨૦-૧૦-૨૦૧૭ના રોજ ૧૧૦ વર્ષ પૂર્ણ થાય છે તો આપણે તેમના ચરણમાં બે હાથને ત્રીજું મસ્તક મૂકી એમને આપણે સહુ કોટિ કોટિ વંદન કરી કૃતાર્થ બનીએ અને તેમના પ્રથમ પટ્ટ શિષ્ય શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ના અધ્યક્ષપદે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ- મણિનગર- અમદાવાદ દ્રારા તા. ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર સુધી કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે ભવ્ય મહોત્સવ ઉજવાશે તેમાં લાભ લઈને કૃતાર્થ બનીએ.

 

Post Comments