Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શક્તિના પૂંજ- હરસુખલાલ સી. વ્યાસ

હારેલા મનથી, અધુરા મનથી, તુટેલા મનથી, જ્યાં ત્યાં ડાફોળિયા મારતા મનથી આપણે કામ કરીએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ. જો આપણે આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મીક ફેલાવાને વિકેન્દ્રીત થતા- વેડફાઈ જતાં રોકીએ તો આપણે પણ શક્તિનાં પૂંજ બની શકીએ.

આપણામાંથી મોટાભાગની વ્યકિતઓની એક જ ફરિયાદ હોય છે કે ભગવાનની પૂજામાં, ધ્યાનમાં, જપમાં, કીર્તનમાં, સ્તોત્રનો પાઠ કરવામાં સદ્સાહિત્યના વાંચન કે સતસંગમાં મન લાગતું નથી. વિચારોમાં એકાગ્રતા આવતી નથી.

એકાગ્રતામાં સફળતા ન મળવાનું શું કારણ છે ? ક્યાં તકલીફ પડે છે ? કે પછી આ એક બહાનું છે ? ક્યાંક આપણી જાત સાથેની છેતરપીંડી તો નથી ને ? પરમાત્મા પ્રત્યે આપણી શ્રધ્ધા અને વિશ્વાસનો અભાવતો કારણ રૃપ નથી ને ?

હારેલા મનથી, અધુરા મનથી, તુટેલા મનથી, જ્યાં ત્યાં ડાફોળિયા મારતા મનથી આપણે કામ કરીએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ. જો આપણે આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મીક ફેલાવાને વિકેન્દ્રીત થતા- વેડફાઈ જતાં રોકીએ તો આપણે પણ શક્તિનાં પૂંજ બની શકીએ.

કોણ કોણ લક્ષ્યની પ્રાપ્તિ, એકાગ્રતા, શ્રધ્ધા અને વિશ્વાસનાં સહારે આ ધરતી પર, શક્તિનાં પૂંજ તરીકે અવતર્યા ? અસંખ્યમાથી કેટલાક નામ ઇતિહાસમાંથી યાદ કરીએ. દા.ત. નરસિંહ મહેતા, દાદુ દયાળ, સ્વામી રામદાસ, રામાનંદ, ગુરુ નાનક, ઇશુ, પયગંબર એકનાથ જ્ઞાાનેશ્વર, જલારામ, હનુમાન, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જનાભાઈ, સંત કબિર, રસખાન, બુધ્ધ, આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય વગેરે અનેક અનેક અનેક...

આપણને શક્તિનો આવો લાભ કેમ મળી શક્તો નથી ? બહું સીધી વાત છે. જો આપણને બે હજાર રૃપિયાની થોકડી આપી એમ કહેવામાં આવે કે અડધા કલાકમાં જેટલી ગણી શકો એટલી નોટો તમારી જો ભૂલ કરી તો બધા રૃપિયા પાછા લઈ લેવામાં આવશે ત્યારે આપણે શું કરીએ છીએ ? ઝડપથી નોટો ગણવાનું શરૃ કરી દઈએ છીએ.

રૃપિયા ગણ્યા કરીએ છીએ.. ગણ્યા કરીએ છીએ.. ગણ્યા... માખો, મચ્છર કરડે છે ભલે કરડે એટલામાં ત્રણ નોટ વધારે ગણી શકીશ... કેમ, મને કેવું લાગી ગયું ! એકાગ્રતા કેવી લાગી ગઈ ? એકાગ્રતા આવી ક્યાથી ?

આપણે રૃપિયાની કિંમત સમજીએ છીએ પણ ભગવાનની કિંમત સમજતા નથી આ કારણ છે, જે ચીજને આપણે નકામી સમજીએ છીએ, વાહિયાત સમજીએ છીએ એ ચીજમાં આપણું મન લાગતુ જ નથી, એકાગ્રતા આવતી જ નથી. જે ચીજની કિંમત જાણીએ છીએ તેને કામની સમજી પ્રાધાન્ય આપીએ છીએ. અને બધાં કામ છોડી એની પાછળ જ લાગી જઈએ છીએ !

મહાભારતના બે પ્રસંગ યાદ કરવા જેવા છે. પાંડવો અને કૌરવોની પરીક્ષા વખતે શિષ્યોમાંથી કોઈને આખુ પક્ષી દેખાયું. પણ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાણી અને ધનુવિદ્યામાં વિશિષ્ટ યોગ્યતા સાથે માત્ર અર્જુન પ્રથમ શ્રેણિમાં ઉત્તીર્ણ થયો.

બીજા પ્રસંગમાં દ્રૌપદી સ્વયંવરમાં માત્ર એજ અર્જુન માછલીની આંખ વીંધી લક્ષ્યવેધમાં સફળ થયો. આમ થવાનું કારણ ?

તમે સરકસમાં છોકરીને તાર પર ચાલતી જોઈ હશે. ઝૂલા હિંચકાનું કામ જોયું હશે. ખેલ કરનારો માણસ ઉછળે, ગુલાંટ મારે હિંચકો છોડી બીજો હિંચકો પકડી લે. જોનારા લોકો તાળીયો પાડે. અવાજ કરે. સંગીત વાગે છતાં પેલા ખેલાડીની ચૂક થતી નથી ! આ ક્યો ચમત્કાર ?

સૂર્યનું એક કિરણ આગ પ્રગટાવી શકે ? ઉર્જા ઉત્પન્ન કરી શકે ? એ શક્તિ એટલા કિરણમાં છે ખરી ? જો નહિ તો બીલોરી કાચના માધ્યમથી બધા કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરવાથી આગ પ્રગટી ઉઠે એ જાદુ કયો ?

દારૃગોળો જમીન પર ખુલ્લી જગ્યામાં ફોડવાથી કોઈ પરિણામ લાવી શક્તો નથી પણ એજ દારૃગોળાને બંદૂકની નળીમાં બંધ કરી છોડવામાં આવે તો હાથી કે સિંહનું કાળજું પણ ચિરી નાખે આ કઈ શક્તિ.

ફેલાયેલી વરાળમાં કોઈ તાકાત હોતી નથી. પણ પાણીની એ વરાળ રેલવેના એંજિનના પીસ્ટન પર છોડી દેવામાં આવે તો એંજિન સાથે ડબ્બાના સેંકડોટન વજનને આસાનીથી ખેંચી જાય આ કઈ કમાલ ?

અહીં કાચબા અને સસલા વચ્ચે દોડવાની થયેલી સ્પર્ધા યાદ કરવા જેવી છે. કાચબો હોડ જીતી ગયો અને સસલું હારી ગયું ! આવું આશ્ચર્યકારક અસંભવિત પરિણામ આવવાનું કારણ શું ?

પાંડવ વંશના રાજા પરીક્ષિતને  સાતમે દિવસે તક્ષક નામનો સાપ કરડવાથી મૃત્યુ થવાનો શૃંગીઋષિએ શાપ આપ્યો. પરીક્ષિતના આયુષ્યનો પોણો ભાગ તો વીતી ગયો હવે સાત દિવસમાં શું થઈ શકે ? છતા પરીક્ષિતે માત્ર સાત દિવસમાં મુક્તિ મેળવી લીધી ! આ અશક્ય અવસર શક્ય બન્યો કઈ રીતે ?

પૂજાના સ્થાનમાં શાલીગ્રામનો કાળો પથ્થર તો આપણા ઘરે છે અને મીરાંબાઈની પૂજામાં પણ હતો. મીરાંએ એ કાળા પથ્થરમાથી કનૈયાને પ્રગટ કરી દીધો આપણે કેમ નથી કરી શક્તા ? આ કૌતુક સર્જાયુ કેવી રીતે ?

પોતાના બળદનું ધ્યાન રાખવાનું કહેનાર ગોવાળ કોઈ ''વિર'' ના કાનમાં ખીલા ઠોકી દે તો એ ''વિર''માથી ''ભગવાન મહાવીર'' બની જાય આનાથી મોટો બીજો ક્યો ચમત્કાર શોધવાની જરૃર પડે ?

લોકમાન્ય તિલકના પગનું ઓપરેશન કલોરફોર્મ વગર થઈ શકે આ રહસ્ય તો વિજ્ઞાાને પણ સ્વીકારવું રહ્યું !

ઉપરના યાદ આવેલા દૃષ્ટાંતો ઇતિહાસ બન્યા છે એનું કારણ કોઈ કૌતુક નથી, કોઈ જાદુ- ચમત્કાર- ચાલાકી નથી, કોઈ ખેલ, મંત્ર શક્તિ કે આશ્ચર્ય- નવાઈ- ચમત્કાર નથી.  ચમત્કાર ગણવો હોય તો એક જ ચમત્કાર છે. અને એ ચમત્કારનું નામ છે વ્યકિતનું નિશ્ચિત લક્ષ્ય, પોતાની જાતમાં શ્રધ્ધા અને વિશ્વાસ તથા પોતાના મનના વિચારોની શક્તિની એકાગ્રતા. આ બધો પ્રતાપ અને પરિણામ એકાગ્રતાનો છે !

મનુષ્ય નરમાથી નારાયણ બની શકે, પુરુષમાંથી પુરુષોત્તમ, અણુમાથી વિભુ, માનવ માથી મહામાનવ, સંત, સંન્યાસી, સિધ્ધ ભક્ત અરે ભગવાન પણ બની શકે જો એના જીવનમાં લક્ષ્યની પ્રાપ્તિ, એકાગ્રતા, શ્રધ્ધા અને વિશ્વાસ પરમાત્માને પામવા માટે આવી જાય તો સૂર્ય પશ્ચિમમાં ઉગે એવો મોટો ચમત્કાર એ સર્જાય કે મળ અને મૂત્રથી ભરેલું અપવિત્ર માનવ શરીરનું પંચતત્વનું પુતળું વસુદ્યૈવ કુટુંબક્મની ભાવનાને, રામરાજ્યને પોતાની નરી આંખે નીરખી શકે !

પરમાત્માની બનાવેલી આ ધરતી પરથી જ્ઞાાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, ભગવાનને નામે ઉભા થતા કલહ-કંકાસ-કજીયા- ઝગડાનો કાયમ માટે અંત આવી જાય ! અને આ જ ધરતી પર ફરીથી સ્વર્ગનું અવતરણ શક્ય બની જાય !

આપણે સૌ સાથે મળી પ્રત્યક્ષ દેવ સવિતા દેવતા- સૂર્ય નારાયણને અંત:કરણથી પ્રાર્થના કરીએ,'' હે દેવ ! તમે અમોને સદ્બુધ્ધિ આપો જેથી અમે સન્માર્ગ તરફ ગતિ કરીએ, મનની એકાગ્રતાની શક્તિ પ્રાપ્ત કરી શક્તિના પૂંજ બની રહીએ - ॐ ભૂભુેવ :સ્વ : તત્સવિતુ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિં ધિયોયોન : પ્રચોદયાત્ ।।

ॐ અસતો મા સદ્ગમય

ॐ તમસો મા જ્યોતિર્ગમય

ॐ મૃત્યોર્મા અમૃતમ ગમય

ॐ સર્વે સન્તુ સુખન : સર્વે સન્તુ નિરામયા

સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુ:ખ માપ્નુયાત્ ।।ॐ શાંતિ


 

Post Comments