Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા- દેવેશ મહેતા

મૃત્યુ તો ધન્ય જીવનને ઉજવવાનો ઉત્સવ છે !

અહન્યહનિભૂતાનિ ગચ્છંતીહયમાલયમ્ ।
શેષા : સ્થાવરમિચ્છંતિ કિમાશ્ચર્યમત : પુરમ્ ।।
પ્રાણીઓ સતત મૃત્યુના મુખમાં જઈ રહ્યા છે,

પરંતુ બાકીના પોતાને સ્થિર એટલે કે મૃત્યુથી બચેલા સમજે છે. આ કેટલા મોટા આશ્ચર્યની વાત છે.'

મહાભારત, વનપર્વ ૩૧/૩/૧૧૬.

મહાભારતના વનપર્વમાં મહર્ષિ વ્યાસે લખેલો આ શ્લોક દર્શાવે છે કે વારંવાર પોતાની આસપાસ મૃત્યુ પામતા લોકોને જોતો હોવા છતાં માનવી પોતાના મૃત્યુ પ્રત્યે સભાન થતો નથી. એનું અજ્ઞાન અને એનો જીવન પરત્વેનો મોહ ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવી બાબત છે.

યુધિષ્ઠિરને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે હમેશાં બીજાને મરણ પામતા જોઈને પણ માનવી પોતાના મૃત્યુનો વિશ્વાસ કરવા તૈયાર નથી થતો. તે સમજે છે કે બીજા બધા ભલે મરે પરંતુ તે પોતે તો હમેશાં આ ધરતી પર રહેશે.

જ્ઞાની મનુષ્ય એ છે જે મરણને અવશ્યંભાવિ છે એ રીતે સ્વીકારી લે છે. એ આત્માના સ્વરૃપને અને શરીર ને જાણી લે છે. આત્મા જન્મતો નથી કે મરણ પણ પામતો નથી. કેવળ મરણના સમયે એનું સ્વરૃપ જ બદલાય છે. રામાયણમાં પ્રસંગ આવે છે કે દશરથ અને એમની રાણીઓ જીવન-મરણ, સંયોગ- વિયોગથી વ્યથિત થયા ત્યારે મહર્ષિ વસિષ્ઠે એમને સમજાવ્યું હતું- ' જે રીતે નદીમાં વહેતાં કેટલાક લાકડાં એકઠા થઈ જાય છે.

છૂટાં પડી ગયેલાં લાકડાં ફરી બીજાની સાથે ભેગા થઈ જાય છે. કોઈ એમને બાંધીને નાવના રૃપમાં વહેતા કરી દે છે. જે લાકડા પહેલાં જેની સાથે હતાં તેનાથી અલગ થઈને બીજાની સાથે જોડાઈ જાય છે. અને જળના પ્રવાહમાં તરવા લાગે છે.

સંસારની નિયતિ પણ આવી જ છે. પ્રાણીઓ જન્મે છે, એકબીજાને મળે છે, થોડો સમય એકબીજાની સાથે રહે છે અને સમય- સંજોગો- સ્થિતિ અનુસાર છૂટા પણ પડી જાય છે. મરણ એમને છૂટા પાડે છે. પછી બીજા નામ રૃપથી ફરી પાછા જન્મે છે. અને નવા કુટુંબરૃપી નાવમાં જોડાઈ જાય છે. આ સંયોગ વિયોગની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. આમાં હર્ષ શેનો મનાવવો કે શોક શેનો કરવો ?'

શરીર મરણધર્મી હોવાથી મરણતો આવવાનું જ. બાળપણ, યૌવન, પ્રૌઢ, વૃદ્ધ જેવી એ એક શરીરની અવસ્થા છે. તે પ્રકૃતિ અને પદાર્થોને પરિવર્તિત કરવા આવતી અનિવાર્ય અવસ્થા છે. એ પરિવર્તન ગતિ અને વૃદ્ધિનો એક ભાગ છે જેના વિના જીવનમાં રસમયતા આવતી નથી. જીર્ણ અને જૂનું મટે નહી. ત્યાં સુધી તાજું અને નવું મળતું નથી.

શરીરનું મરણ પણ આ જ હકીકત છે. આ પરિવર્તનની સ્વાભાવિક, સરળ, પ્રક્રિયા જ છે મરણ ! એટલે મરણ અનિચ્છનીય ઘટના નથી. એનો ડર રાખવાની જરૃર નથી. એને ધન્યતા બોધથી સ્વીકારવાની ઘટના છે. જેમ જન્મનો ઉત્સવ ઉજવીએ એમ મરણનો પણ ઉત્સવ ઉજવીએ એ રીતે જીવન જીવવું જોઈએ.

સોક્રેટિસે સત્યને માટે હસતાં હસતાં ઝેરનો કટોરો પીવાનું પસંદ કર્યું અને સજગતાપૂર્વક મોતને માણ્યું. જર્મન કવિ ગેટે પણ મરણને જાગરુકતાથી અનુભવવા માંગતા હતા. મરણ આવ્યું ત્યારે તેમને ચોમેર પ્રકાશનું દર્શન થયું. એમના અંતિમ સમયના શબ્દો હતા... પ્રકાશ ! પ્રકાશ ! અનંત  પ્રકાશ !! ફ્રાંસના મહાન લેખક, ઇતિહાસકાર અને તત્વજ્ઞાાની વોલ્ટેર ૮૩ વર્ષની વયે પેરિસમાં ૩૦ મે ૧૭૭૮ના રોજ પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમની આજુબાજુ અનેક સગા- સંબંધીઓ- મિત્રો એકત્રિત થઈ ગયા હતા.

એમાંના કેટલાક એમના સ્વાસ્થ્ય સંબંધી ચર્ચા કરી રહ્યા હતા તો કેટલાક વાતો પણ કરી રહ્યા હતા. આ જોઈને વોલ્ટેર બોલી ઉઠયા હતા- 'તમે લોકો શોરબકોર ના કરો. એકદમ શાંતિ જાળળીને મૌન બેસો. હું મૃત્યુની પળોને શાંતિથી જોવા, જાણવા, માણવા માગું છું. હું મૃત્યુને વધાવવા માંગું છું. તમે શાંતિ જાળવશો તો જ હું એકાગ્રતા રાખી શકીશ.

હું ધ્યાનની જાગૃતિ સાથે મરણ પામવા માગું છું.' આ સાંભળી એમના સ્વજનો અને મિત્રો એકદમ શાંત થઈ ગયા હતા અને વોલ્ટેરે પરમ શાંતિથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. આજ રીતે વિલ્સને પણ મૃત્યુની અંતિમ પળો દરમિયાન હસતાં હસતાં કહ્યું હતું- 'હે મૃત્યુ, તને આવકારું છું. આવ તારી જ પ્રતીક્ષા કરું છું. હું તો બિલકુલ તૈયાર છું.' આટલું બોલીને તેમણે સદાય માટે આંખો મીંચી લીધી હતી.

ભગવાન બુદ્ધ જ્યારે પોતાના પ્રાણ ત્યજી રહ્યા હતા ત્યારે વિલાપ કરતા એમના શિષ્ય આનંદને કહેવા લાગ્યા હતા - ' આ શોક કરવાનો પ્રસંગ નથી. આ આનંદ કરવાનો પ્રસંગ છે. મૃત્યુ તો ધન્ય જીવનને ઉજવવાનો ઉત્સવ છે. આ તો જીવનદેવની ઉપાસનાનું વરદાન છે. મૃત્યુ તો મુક્તિધામમાં જવાની આનંદમય યાત્રાનો આરંભ છે.

 

Post Comments