Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

સફળતાઓ પ્રાપ્ત કરવી હજુ આસન છે...
સફળતાઓ પચાવી જાણવી અતિ કઠિન છે...


સંપત્તિ ભાત-ભાતની અને અઢળક વ્યાપ ધરાવતી હોય છે. એની સામે આર્થિક સંપત્તિનું મહત્ત્વ બહુ મર્યાદિત રહે છે. આ તમામ સંપત્તિઓની - ઉપલબ્ધિની વિલક્ષણ ખાસિયત એ છે કે એને પ્રાપ્ત કરવી હજુ આસન છે, કિંતુ એને પચાવવી બહુ કઠિન છે.

જાણકારો કહે છે કે આ સૃષ્ટિમાં જે કેટલાક નિત્યવૈરી દ્વન્દ્વ હોય છે એમાંનું એક દ્વવ્દ્વ છે સર્પ અને નકુલ. કારણ અંશમાત્ર પણ ન હોય, તો ય બને છે એવું કે સર્પ-નોળિયો પરસ્પરને જોતાંવેંત આક્રમક- હિંસક બની જાય અને એકમેક પર જીવલેણ હુમલા કરે. એમાં સર્પ ખુંખાર- ઝેરીલો હોય તો પણ નોળિયો એને જોરદાર ટક્કર આપે અને લગભગ સર્પને ખતમ કરી વિજયી બને.

આ યુદ્ધ દરમ્યાન સર્પનું ઝેર પોતાના દેહમાં વ્યાપ્ત ન થઈ જાય એ માટે નોળિયો વારંવાર એક વનસ્પતિ સૂંઘવા દોડી જાય. નોળવેલ નામે ઓળખાતી આ વનસ્પતિનું સામર્થ્ય એવું અદ્ભુત હોય છે કે એનાં કારણે નોળિયાને સર્પના ઝેરની જરા પણ અસર- નુકસાની ન થાય. એ ઝેરમુક્ત રહીને સર્પ સાથેનાં સંઘર્ષમાં અડીખમ- અણનમ ટકી જઈને વિજ્યમાળા વરે.

અમને લાગે છે કે આ નોળિયાની જેમ વ્યકિતને ય જીવનમાં એવા જાતજાતનાં સંઘર્ષો આવતા હોય છે કે જે જોખમી હોય- ઝેરીલા ય હોય અને જીવલેણ પણ હોય.

અલબત્ત, વ્યકિતએ વ્યકિતએ સંઘર્ષના-દ્વન્દ્વના પ્રકારો અલગ અલગ હોય એ શક્ય છે. કિંતુ એ સંઘર્ષો એવા ઘાતક જરૃર હોય કે જે વ્યકિતને સર્પના ઝેર કરતા ય વધુ કાતિલપણે ભીતરથી ખતમ કરે. ઉદાહરણરૃપે વિચારીએ તો પુણ્યના દોરે-જોરે વિના મહેનતે મળી ગયેલ અનાપ- સનાપ સફળતા. પ્રથમ દૃષ્ટિએ ખૂબ મજાની લાગતી આ સફળતા વાસ્તવિક દૃષ્ટિએ ઝેરીલા વિષધર સાથેના સંઘર્ષ કરતાંય વધુ જોખમી- ખતરનાક છે.

કેમ કે પરસેવો પાડયા વિનાની-મફતની એ સફળતાના મદહોશ નશામાં માનવી એવો છાક્ટો- બેકાબૂ બની શકે કે ન એ કોઈ હિતસ્વી વ્યકિતનાં નિતાંત હિતકારી વચનો સાંભળે, કે ન કોઈ આદરણીય- વડીલ વ્યકિતને ગણકારે. આ એક એવી અવસ્થા છે કે જેમાં સંઘર્ષ પ્રત્યક્ષ ભલે ન જણાય, પરંતુ એનું પરિણામ તો કાતિલમાં કાતિલ સંઘર્ષના અંતિમ અંજામથી ય બૂરું હોય. માટે એ પણ એક વરવો- વિલક્ષણ સંઘર્ષ જ છે.

આવા સંઘર્ષમાં સહીસલામત ટકી રહેવા કાજે વ્યકિતને ય નોળવેલ જેવું આલંબન જરૃરી છે જે ઝેરનું મારણ બને- નુકસાનનું નિવારણ બને. આપણે કુલ બે લેખમાં અહીં પાંચ એવાં વૈચારિક આલંબનો પ્રસ્તુત કરીશું કે જે જીવનતરમાં અવનવા જાલિમ સંઘર્ષોના ઝેર છવાવા ન દે અને તન-મનને સ્વસ્થ- મસ્ત રાખવામાં સહાયક નીવડે :

(૧) સંપત્તિમાં સ્વસ્થતા : સંપત્તિ એટલે ? માત્ર રૃપિયા- સુવર્ણ કે જમીન : એટલો જ અર્થ અમને ઇષ્ટ નથી. રૃપિયા વગેરે સંપત્તિમાં ગણના પામે છે ખરા. પરંતુ અહીં અમે સંપત્તિનો અર્થ એ ઉપરાંતનો પણ વ્યાપક કરવા ચાહીએ છીએ. સંપત્તિ એટલે ઉપલબ્ધિ- પ્રાપ્તિ. જે જે સારી સારી બાબતો હોય તે તે તમામની પ્રાપ્તિને - ઉપલબ્ધિને કહેવાય સંપત્તિ.

શારીરિક આરોગ્યથી અઢળક કાર્યો થઈ શક્તા હોવાથી એ સારી બાબત ગણાય છે તો એની પ્રાપ્તિને કહેવાય છે શારીરિક આરોગ્યસંપત્તિ, પ્રભાવશાળી દેખાવ- રૃપનાં કારણે સામી વ્યકિત અનાયાસે પ્રભાવિત થઈ જતી હોવાથી એ સારી બાબત ગણાય છે તો એની પ્રાપ્તિને કહેવાય છે રૃપસંપત્તિ, સર્વત્ર પ્રશંસા- તારીફ થતી રહેવાથી લોકપ્રિયતા સારી બાબત ગણાય છે તો એની પ્રાપ્તિને કહેવાય છે યશ- કીર્તિસંપત્તિ, કઠિનમાં કઠિન સમસ્યાઓ- ગૂંચવણો આસાનીથી ઊકેલી શકવાનાં કારણે તીવ્ર બુધ્ધિમત્તા સારી બાબત ગણાય છે તો એની પ્રાપ્તિને કહેવાય છે બુધ્ધિસંપત્તિ.

આવી આવી રીતે સંપત્તિ ભાત-ભાતની અને અઢળક વ્યાપ ધરાવતી હોય છે. એની સામે આર્થિક સંપત્તિનું મહત્ત્વ બહુ મર્યાદિત રહે છે. આ તમામ સંપત્તિઓની - ઉપલબ્ધિની વિલક્ષણ ખાસિયત એ છે કે એને પ્રાપ્ત કરવી હજુ આસન છે, કિંતુ એને પચાવવી બહુ કઠિન છે. શારીરિક આરોગ્યસંપન્ન થવું સહેલું છે, પરંતુ એની તાકાતના ગલત ઉપયોગથી દૂર રહેવું મુશ્કેલ છે. ચકાચૌંધ કરી દે તેવું રૃપ પામવું હજુ સહેલું છે, પરંતુ પછી ઉન્મત્તતાથી- સ્વચ્છંદતાથી દૂર રહેવું મુશ્કેલ છે.

લોક પ્રિયતા હાંસલ કરવી હજુ આસાન છે, કિંતુ એ પછી ' હમ સબ કુછ હૈ' ની રાઈ મગજમાં ન ભરાવા દેવી આકરી વાત છે. ગહન બાબતો ઊકેલી શક્તિ બુદ્ધિ મળવી હજુ સરલ છે, પણ પછી કોઈને શીશામાં ન ઉતારવાની ન નડવાની તકેદારી ટકવી મુશ્કેલ છે. કલ્પનાતીત સફળતા અંકે કરી લેવી આસાન છે, પરંતુ પછી કોઈને ય ન ગણકારવાની ઘમંડી વૃત્તિથી દૂર રહેવું કાફી કઠન છે.

સંપત્તિમાં સ્વસ્થતા નામનું આ વૈચારિક આલંબન આપણને આ કઠિન બાબતો આત્મસાત્ કરવાનો મજબૂત અંગુલિનિર્દેશ કરે છે. એ કહે છે કે સંપત્તિઓ- ઉપલબ્ધિઓ- સિદ્ધિઓ ભલે ગમે તેવી ઉત્તુંગ- શ્રેષ્ઢ મળો, પરંતુ એ પછી ય વ્યકિતએ સ્વસ્થ- મર્યાદાશીલ રહેવું જોઈએ.

એમાં જ એ ઉપલબ્ધિઓની સાર્થક્તા છે ને તો જ એ સિદ્ધિઓ વરદાનરૃપ બને. એથી જ વિવેકી- વિચારશીલ વ્યકિત ટોચની સફળતાની ક્ષણેય સ્વસ્થતા ટકી રહે- સફળતા પચાવી જાણવાની પરિપક્વતા વિકસે એ માટે યોગ્ય ઉપાયો અજમાવે. કરવી છે આની પ્રતિતી ? તો વાંચો જૈન ધર્મગ્રન્થોમાં ઉલ્લેખાયેલ ચક્રવર્તી સમ્રાટ ભરતદેવની આ તકેદારીછલકતી પ્રેરણાદાયી ઘટના :

જૈન સાહિત્ય કહે છે કે ભગવાન ઋષભદેવનાં સાંસારિક સંબંધના જ્યેષ્ઢ પુત્ર ભરતમહારાજા આ અવસર્પિણીકાળના સર્વપ્રથમ ચક્રવર્તી સમ્રાટ હતા. સમગ્ર છ ખંડની પૃથ્વીના તેઓ એકમાત્ર અધિપતિ હતા. તત્કાલીન ગણનાનુસાર બત્રીશ હજાર દેશ અને છન્નું ક્રડ ગામોનો સમાવેશ એમનાં સામ્રાજ્યમાં થતો હતો.

એમનાં સામ્રાજ્યના સીમાડા પૂર્વ- પશ્ચિમ- દક્ષિણમાં ઠેઠ લવણમહાસમુદ્રને સ્પર્શે, તો ઉત્તરમાં હિમવંતમહાગિરિ સુધી પહોંચે. એક ગામ એવું નહિ કે જ્યાં ભરતચક્રવર્તીની આણ ન પ્રવર્તે. એમનો મહારાજદરબાર ભરાય ત્યારે બત્રીશ- બત્રીશ હજાર મુકુટબદ્ધ રાજાઓ એમને ઝૂકી ઝૂકીને 'ઘણી ખમ્મા' કરે. ગજદળ- અશ્વદળ- પાયદળની કોઈ સીમા નહિ, તો ઐશ્વર્યની કોઈ કલ્પના નહિ.

પુણ્યની પરાકાષ્ઢાએ સાંપડેલ આ સંપત્તિ- ઉપલબ્ધિ દિલ- દિમાગમાં કેફ ન જમાવી દે- કારમી આસક્તિ ન સર્જી દે એ માટે ચક્રવર્તી ભરતદેવે એક ઉપાય વિચાર્યો. એ મુજબ એમણે બે પ્રવૃત્તિ શરૃ કરાવી : (૧) પ્રતિદિન પ્રભાતે મંગલ પાઠકો આશીર્વાદરૃપે શુભ વચનો ઉચ્ચારે ત્યારે અંતમાં એ બોલે કે ' વર્ધતે ભયમ્.' મતલબ કે ચક્રવર્તી સમ્રાટ, તમારા શિરે પણ મોતનો ભય છે.

આ બધી ઝાકઝમાળમાં જો તમે આસક્ત થઈને ડૂબ્યા રહેશો તો દુર્ગતિનો ય ભય તમારા પર ઝળુંબશે. (૨) પોતે જ્યારે રાજસિંહાસનારૃઢ થવા જાય ત્યારે ભરીસભામાં વિદ્વાન પંડિતો ચક્રવર્તીને ત્રણ વાર કહે કે ' માહણ..માહણ..માહણ..' ભાવાર્થ કે તમે કોઈની હિંસા- હત્યા કરાવશો નહિ. હિંસાખોરીમાં ઊતરી જશો તો શક્તિશાળી હોવા છતાં તમારું સત્યાનાશ નીકળી જશે.'

પુણ્યોદયે પ્રાપ્ત થયેલ અપ્રતિમ સંપત્તિઓની-ઉપલબ્ધિઓની વચ્ચે ય સ્વસ્થ- જાગૃત રહેવાની આ તકેદારીનું પરિણામ એ મજાનું આવ્યું કે 'રાજેશ્વરી સો નરકેશ્વરી' આ ઉક્તિ ભરતચક્રવર્તી માટે મિથ્યા ઠરી. એ ચક્રવર્તી અવસ્થામાં જ આરીસાભવનમાં કેવલજ્ઞાાન પામ્યા અને અંતે તે ભવમાં મોક્ષે સિધાવ્યા.. સંપત્તિઓને- ઉપલબ્ધિઓને વ્યકિત જો પચાવી જાણે તો અંજામ આવો ઉત્તમ આવે અને જો વ્યકિત એ પચાવી ન શકે તો જીવન બદીઓ- દુરાચાર- ઐય્યાશીમાં ખૂંપી જવા સાથે અનેક અનિષ્ટોનું કારણ બની જાય. એથી જ આપણે નોળવેલની ભૂમિકા સારે એવાં સશક્ત વૈચારિત આલંબનરૃપે પ્રથમ બાબાત એ દર્શાવી કે સંપત્તિમાં સ્વસ્થતા...

(૨)આપત્તિમાં સહિષ્ણુતા : આપત્તિ એટલે તકલીફ- મુશ્કેલી- સમસ્યા. કોનાં જીવનમાં આપત્તિ નથી આવતી, ભલા ? પ્રબળ પ્રતાપી સૂર્યનું પણ ભરબપોરે ગ્રહણ થઈ શકે છે, તો સહુ કોઈને શીતલતા બક્ષતા ચન્દ્રનું ય રઢિયાળી શરદ પૂનમની મધ્યરાત્રિએ ગ્રહણ થઈ શકે છે, રામચન્દ્રજી જેવા મર્યાદાપુરુષોત્તમને ય ચૌદ વર્ષનો વનવાસ આવી શકે છે, 

તો મહાપ્રતાપી પાંડવોને પણ દાસત્વના દિવસો આવી શકે છે, પ્રભુ મહાવીરદેવ જેવા ત્રિલોકબંઘુને કાનમાં ખીલા ઠોકાઈ શકે છે, તો પ્રભુ આદિનાથ જેવા તીર્થંકર ભગવંતને ભિક્ષાનો અંતરાય વર્ષપર્યંત આવી શકે છે. આ અને આવી આવી અગણિત ઘટનાઓ એ પુરવાર કરે છે કે આપત્તિઓ ભલભલા માંધાતાઓનાં જીવનમાં ય આવી શકે છે. તો પછી આપણે એમાંથી બાકાત રહી શકીએ એ કેમ બને ? આપત્તિ આપણાં જીવનમાં ય ગમે ત્યારે ગમે તે રૃપે આવી શકે જ છે.

પણ... એ સ્થિતિમાં આપણો અભિગમ બહુધા નકારાત્મક હોય છે. વ્યવસાયમાં અણધારી પછડાટ મળે ત્યારે આપણે દિઙમઢ થઈ નાસીપાસ થઈ જઈએ છીએ તો પુરી નિષ્ઢાભરી મહેનત પછી ય ઉપરાઉપરી નિષ્ફળતા મળે ત્યારે આપણે હતાશ થઈ જતા હોઈએ છીએ, રોગોથી ઘેરાઈ જવાનાં કારણે આપણે 'ડીપ્રેશન'માં ખૂંપી જઈએ છીએ, તો પરીક્ષામાં નાપાસ થવા માત્રથી આત્મહત્યાના વિચારો કરી બેસીએ છીએ. આવો નકારાત્મક અભિગમ જીવનમાંથી આપત્તિઓ- સમસ્યાઓ દૂર નહિ કરે, બલ્કે એમાં વધારો કરશે. એથી જ આપણે સશક્ત વૈચારિક આલંબનરૃપે બીજી બાબાત આ લીધી છે કે આપત્તિમાં સહિષ્ણુતા.

આપત્તિમાં નાસીપાસ થવાનાં સ્થાને જો સહિષ્ણુતા કેળવીએ તો આફતમાં ટકી રહેવાની શક્તિ મળી રહે છે. એમાંથી જ એક આશા પણ બંધાય કે 'આપત્તિ ચાહે તેવી આકરી હોય, આખરે એનો ય અંત હોય છે. મારે માત્ર એ અંત સુધી ઉત્સાહપૂર્વક ટકી રહેવાનું છે. તો બાજી મારા હાથમાં છે. આ સહિષ્ણુતાનો- ટકી રહેવાનો અભિગમ કેવી સકારાત્મક વિચારણા કરાવે એ જાણવા કાજે વાંચો આ મજાનો પ્રસંગ :

અમેરિકાના પ્રમુખપદ સુધી પહોંચેલ  અબ્રાહમલિંકન એક વાર મિત્રો સાથે ચાલતા જઈ રહ્યા હતા. એવામાં એકાએક અણધાર્યું ભયાનક વાવાઝોડું આવ્યું. માનવી ઊડીને ફેંકાઈ જાય એવો પ્રચંડ સપાટો એ વાવાઝોડાનો હતો. એમાં વળી ગાજવીજ સાથે સખત વરસાદ ભળ્યો. મિત્રો ગભરાઈને મૂઢ- બાધા બની ગયા. પરંતુ લિંકન જરાય નાસીપાસ થયા વિના વૃક્ષને વળગી રહ્યા. ક-મને મિત્રોય એ રીતે વૃક્ષના આધારે ટકી રહ્યા. અર્ધા કલાક બાદ એ ભયંકર વાવાઝોડું શમી ગયું ત્યારે મિત્રોના જીવમાં જીવ આવ્યો.

એકે લિંકનને પૂછયું : '' આટલા જાલિમ તોફાન વચ્ચે તમને ભય ન લાગ્યો ?'' લિંકને સસ્મિત ચહેરે આકાશ તરફ આંગળી ચીંઘતા કહ્યું : ''તમે સહુ તોફાનને જોતા હતા, હું એ તોફાન વચ્ચે ય આકાશમાં ચમકતા તારાઓ જોતો હતો. એનાથી મને એવો અહેસાસ થતો હતો કે હું પણ આ તારાઓની જેમ ચમક તો રહીને આબાદ બચી જઈશ.''

છેલ્લે આપત્તિઓ સામે ટકી રહેવા માટે શૌર્યસભર પ્રેરણા કરતી ઝીંદાદિલ શાયરી દ્વારા આપણે આ લેખનું સમાપન કરીશું કે :-

સંકટભરી આ જિંદગીથી હારનારો હું નથી,
સાગર ડુબાડી દે એવો કિનોરો હું નથી,
મારે સદા અજવાળવા અંધારધેર્યા પંથ સહુ,
ચમકી અને તૂટી પડે એવો સિતારો હું નથી..

 

Post Comments