Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ : ચંદ્રહાસ ત્રિવેદી

જે પળને પારખે છે અને ક્ષણને સાધી લે છે તે જ ખરેખર જીવન જીવી જાણે છે

સમસ્ત સંસાર ક્ષણે ક્ષણે જીર્ણ-શીર્ણ થઈને ખરતો જાય છે અને તેનું સ્થાન નવસર્જન થયેલ સંસાર લે છે. પડતો- બૂઝાતો અતીત, તેના સંસ્કાર ભાવિને આપતો જાય છે અને તે આપણી સમક્ષ વર્તમાન બનીને સામે આવે છે. આપણે તે વર્તમાન પકડીએ તે પહેલાં તો તે ખરી પડે છે અને ભૂતકાળ બની જાય છે. વળી નવો વર્તમાન ઉપસ્થિત થઈ જાય છે. પરિવર્તન સંસારનો સ્વભાવ છે.

ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે. કપિલવસ્તુનો રાજમહેલ છોડાયા પછી તેઓ માનવીના દુઃખ નિવારણનો માર્ગ શોધવા માટે આસપાસના પ્રદેશોમાં ભ્રમણ કરતા રહ્યા. તપસ્વી શ્રમણોને મળ્યા. થોડોક સમય તેમની સાથે સાધના કરી પણ તેમને સત્યનો સાક્ષાત્કાર થયો નહિ.

પછી તેમણે સ્વયં ધ્યાનપથ ગ્રહણ કરી બોધિની પ્રાપ્તિ કરી. સત્યનો આવિર્ભાવ થયા પછી તેમણે ઉપદેશ આપવાનું શરૃ કર્યું અને સંઘની સ્થાપના કરી. સમય જતાં કેટલાય લોકોએ તેમનો માર્ગ સ્વીકાર્યો. તેમણે ચીંધેલો માર્ગ દિવસે દિવસે પ્રચલિત થતો રહ્યો. અને કેટલાય માણસો શ્રમણ થઈને તેમની સાથે વિચારવા લાગ્યા.

બુદ્ધને એક વખત વિહાર કરતાં પોતાના નગર કપિલ- વસ્તુમાં આવવાનું થયું. આ સમાચાર કપિલ વસ્તુમાં પહોંચતાં તેમના પિતા શુદ્ધ- ધને તેમના સ્વાગતની તૈયારી કરીને આખા નગરને શણગાર્યું. સમસ્ત પ્રજાજનો ભિખ્ખુ બનેલા અને સંસારમાં આદરપાત્ર બનેલા પોતાના રાજકુમારને જોવા માટે આતુર થઈ ગયા હતા.

થોડાક સમયમાં બુદ્ધ- પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે નગરમાં પ્રવેશ કર્યો. અને મહેલના પ્રાગણમાં આવીને ઊભા રહ્યા. સાથે વિહાર કરીને આવેલ ભિખ્ખુઓએ ઃ બુદ્ધં શરણં ગચ્છામિ, સંઘમ્ શરણં ગચ્છામિ અને ધંમમ્ શરણં ગચ્છામિનો નાદ કર્યો. એકત્રિત થયેલ જનતાએ આ શરણમંત્ર વધાવી લીધો અને સૌએ તેનો પ્રતિધ્વનિ કરતાં આખું વાતાવરણ બુદ્ધં શરણં ગચ્છામિના નાદથી ગૂંજી ઊઠયું.

મહેલના પ્રાંગણમાં બુદ્ધને લેવા આવેલ પિતા શુધ્ધો ધનની આંખો પુત્રને જોતાં અશ્રુઓથી ઉભરાઈ ગઈ. થોડીક વાર પછી શુદ્ધોધને પુત્રને સંબોધીને કહ્યું,' મને ખાતરી જ હતી કે તું મોડો- વહેલો પાછો આવીશ. મને કહ્યા વિના તું મધરાતે જતો રહ્યો તે તેં સારું ન હતું કર્યું.

હવે તું આવ્યો જ છે તો આ રાજયને સંભાળી લે. આ તારો સાધુવેશ હવે ઉતારી નાખ, પગમાં ઉપપાદ ધારણ કરી લે, ભિક્ષાપાત્રને ફેંકી દે, રાજપોશાક પહેરી લે. અત્યારથી જ હું તને આ રાજદંડ સુપરત કરી દઉં છું. અને સાથે આવેલ આ ભિખ્ખુઓને સારા સિરપાવ આપીને વિદાય કરી દે.'

દરમિયાન મહેલનો પરિચારક ગણ અને પ્રજાજનો પિતા-પુત્રના આ અદ્ભુત મિલનને પ્રેમથી જોઈ રહ્યો હતો. શુદ્ધા-ધનની વાત સાંભળતાં જ પ્રજાજનોએ હર્ષના પોકારો કર્યા. ભગવાન બુદ્ધે એકત્રિત પ્રજાજનો અને લોકસમુદાય તરફ કરૃણાપૂર્ણ દૃષ્ટિ કરી અને પિતાશ્રીનો વિનય કરતાં  કહ્યું, 'પિતાશ્રી મેં અડધી રાતે મહેલ છોડયો, તમને સૌને છોડયા કારણકે બધે મને અગ્નિની જવાળાઓ દેખાતી હતી. તેના તાપથી હું દાઝતો હતો. હવે તે આગઠરી ગઈ છે.

મને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યાં તમે મને ફરીથી તે આગની લપટોમાં આવવાનું આમંત્રણ આપો છો ને હું કેમ સ્વીકારું ? હું તો તમને પણ કહું છું કે આ રાજ્ય છોડી ધર્મનો આશ્રય કરી તમારો જન્મ સફળ કરી લો.'

બુદ્ધની વાત સાંભળીને ક્ષુબ્ધ બની ગયેલ પિતાએ ગૌતમ સામે ઠપકાભરી નજર નાખતાં કહ્યું, ' હું તને બાળપણથી ઓળખું છું. તું મને શું સમજાવે છે ? ભલે તું દુનિયાને ગમે તે કહે પણ એ બધું હવે હું નહિ ચલાવી લઉં. હું તારો પિતા છું. તારે ખરી આજ્ઞાાનું પાલન કરવું પડશે.''

બુદ્ધે-પિતાશ્રીને સમજાવતાં કહ્યું, 'તમે જરા ધ્યાનથી જુઓ. મહેલ છોડીને ગયો હતો તે તમારો પુત્ર હવે હું નથી અને તમે પણ હવે તે રહ્યા નથી. તમને જે દેખાય છે તે વાસ્તવિકતામાં તેમના સંસ્કાર છે. પૂર્વના સંસ્કારોને કારણે તમે માનો છો કે આપણે તેના તેજ છીએ. પળે પળે બધું બદલાઈ રહ્યું છે.  નવું જુનુ થાય છે અને જુનું થયેલ ખરતું જાય છે અને તેના સંસ્કારમાંથી નવું જન્મે છે. સર્વ ક્ષણિક બધું ક્ષણિક છે.'

શુધ્ધો - ધન બુદ્ધ બનેલા પોતાના પુત્ર તરફ જોઈ રહ્યા. તેઓ એ જ ન સમજી શક્યા કે બુદ્ધ બનેલો પુત્ર શું કહી રહ્યો છે. ત્યાં તો બુદ્ધની સાથે આવેલ ભિક્ષુ ગણે પોકાર કર્યો. બુદ્ધમ શરણમ્ ગચ્છામિ, ધમંમ્ શરણં ગચ્છામિ. અને એકત્રિત થયેલ જનમેદનીએ પ્રતિઘોષ કર્યો સંઘં શરણં ગચ્છામિ. અને શુધ્ધ- ધનનું મસ્તક સૌની સાથે બુધ્ધ થયેલ પુત્ર સામે ઝૂકી ગયું.

ભગવાન બુદ્ધનું કથન દેખાય છે એટલું સરળ નથી. તેમાં ઊંડાણ ઘણાં છે. પ્રગાઢ ચિંતન અને ઊગ્ર તપશ્ચર્યા પછી ધ્યાનની ધારાએ ઊર્ઘ્વારોહણ કરતાં થયેલ સાક્ષાત્કારની તેમાં વાત રહેલી છે.

સમસ્ત સંસાર ક્ષણે ક્ષણે જીર્ણ-શીર્ણ થઈને ખરતો જાય છે અને તેનું સ્થાન નવસર્જન થયેલ સંસાર લે છે. પડતો- બૂઝાતો અતીત, તેના સંસ્કાર ભાવિને આપતો જાય છે અને તે આપણી સમક્ષ વર્તમાન બનીને સામે આવે છે.

આપણે તે વર્તમાન પકડીએ તે પહેલાં તો તે ખરી પડે છે અને ભૂતકાળ બની જાય છે. વળી નવો વર્તમાન ઉપસ્થિત થઈ જાય છે. પરિવર્તન સંસારનો સ્વભાવ છે. ક્યાંય કશું સ્થિર નથી. જો આપણે આ સત્યને આત્મસાત કરીને જીવીએ તો આપણને કોઈ રીતનો સંકલેશ ન રહે અને પ્રસન્ન રહી શકીએ. આપણે દુઃખી છીએ,  સંસાર આપણને સમસ્યા જેવો લાગે છે કારણકે આપણે તેના સ્વભાવને ઓળખ્યો નથી અને જાણ્યો છે તો તેને સ્વીકાર્યો નથી.

સતત પરિવર્તન થતા સંસારમાં આપણે વસ્તુઓને સ્થિર માનીને વ્યવહાર કરીએ છીએ અને તેને સ્થિર રાખવા મથીએ છીએ તે આપણી મોટામાં મોટી ભૂલ છે. એકવાર જો આ વાત સમજાઈ જાય અને તે આત્મસાત થઈ જાય તો જીવન આપણે માટે પ્રશ્ન જેવું ન રહે. જે પળને પારખે છે અને ક્ષણને સાધી લે છે તે જ ખરેખર જીવન જીવી જાણે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments