Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા- દેવેશ મહેતા

પુરુષાર્થને જીવનમંત્ર બનાવી કર્મસાધના કરનારા જેમ્સ ગારફિલ્ડ
'ઓ ભાગ્યનિયત ! અપના અસ્તિત્વ સંભાલો તુમ,
હમ અબ અપના ઇતિહાસ બનાનેવાલે હૈ ।
નિર્માણભરે ઇન હાથો કે છૂ લેને સે,

જૈસે તકદીરેં અપને આપ બદલતી જાતી હૈ ।
ઇન ફૌલાદી કદમો કે ઉઠતે હી,

જૈસે રાહે અપને આપ નિકલતી જાતી હૈ ।'

કર્મયોગીને માટે કશું પણ કઠિન નથી. ભાગ્યનિયંતાને કરવામાં આવેલો આ પડકાર કર્મયોગીના આત્મબળની છડી પોકારે છે. પ્રબળ પુરુર્ષાથ તો એ પારસમણિ છે જે મંદ ભાગ્યના લોખંડને સુવર્ણમાં પરિવર્તિત કરી છે.

સંસ્કૃત સુભાષિત કહે છે - 'ઉદ્યોગિનં પુરુષસિંહમુપૈતિ લક્ષ્મી, દૈવં દૈવંઇતિ કાપુરુષા વદન્તિ । દૈવ નિહત્ય પૌરુષં કુરુ આત્મશકત્યા, યત્ને કૃતે યદિ ન સિધ્યતિ કોડત્ર દોષ ઃ।। સિંહ જેવા ઉદ્યમી મનુષ્યને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ભાગ્ય, ભાગ્ય એવું તો કાયર લોકો બોલે છે. ભાગ્યને હણીને પૂરેપૂરી આત્મશક્તિથી પુરુષાર્થ કરો. આટલું કર્યા પછી પણ સિદ્ધિ ન મળે તો પછી વિચારો કે એમાં કોનો દોષ છે.''

કર્મ સાધના કરનાર અને પુરુષાર્થને જીવનમંત્ર બનાવનાર અડગ મનનો મનુષ્ય ગમે તેટલી નિષ્ફળતા મળે તોય ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકતો નથી. 'ન નિશ્ચિતાર્થાત્ વિરમન્તિ ધીરા ધૈર્યવાન મનુષ્યો જ્યાં સુધી નક્કી કરેલ વસ્તુ મળે નહીં કે કાર્યસિદ્ધ થાય નહીં ત્યાં સુધી અટકતા નથી.'

અમેરિકાના વીસમાં પ્રેસિડેન્ટ જેમ્સ અબ્રામ ગારફિલ્ડ કહે છે - ' જો કપાળ પર કરચલીઓ પડે તો પડવા દો, પણ તમારા હૃદય કે મન પર ક્યારેય કરચલીઓ પડવા દેશો નહીં. તમારી શક્તિને કદાપિ ઘરડી થવા દેશો નહીં. તમારા જોમ અને જુસ્સાને ક્યારેય ઠંડો પડવા દેશો નહીં.'

'સત્ય તમને મુક્તિ આપશે, પણ પહેલાં તો તે તમને દુઃખ અને તકલીફમાંથી પસાર કરશે.' જેમ્સ ગારફિલ્ડના આ શબ્દો એમના પોતાના જ જીવન સંઘર્ષના અનુભવોમાંથી પ્રક્ટ થયેલા છે. જેમ્સ ગારફિલ્ડ (૧૯-૧૧-૧૮૩૧/૧૯-૯-૧૮૮૧) એમના પિતાના પાંચ સંતાનોમાંના સૌથી નાના હતા. બાળપણથી તેમને ભારે ગરીબીનો સામનો કરવો પડયો હતો અને કામ માટે દરબદર ભટકવું પડયું હતું. યુવાન વયે બધી જગ્યાએ ભારે મજૂરી કરી. પછી એક નાટક કંપનીમાં કામ મળ્યું.

બે-ત્રણ નાટકોમાં કામ કર્યા બાદ કંપનીના ડાયરેક્ટરે મુખ્ય એકટરની ભૂમિકા આપી, પણ  થોડા દિવસો પછી કોઈ કારણસર વાંકુ પડતાં એમને કાઢી મૂક્યા. વારંવાર કામમાંથી રુખસદ મળવાના લમણે લખાયેલા ભાગ્યથી એ ટેવાયેલા હતા. પણ વિધાતાના લેખ સામે ટક્કર લેવા પૂરતા સક્ષમ હતા. પુરુષાર્થના પૂજારી પ્રારબ્ધ સામે હારીને બેસી જાય એવું બને ખરું ?

કલીવલેન્ડના બંદરના એકમાત્ર જહાજમાં નોકરી મેળવવા અરજી કરી પણ પસંદગી ના થઈ. બીજે પ્રયત્ન કર્યો. કેનલ બોટમાં સામાન્ય કામ મળ્યું. પણ છ મહિના પછી બીમારી આવતાં એ છોડી દેવું પડયું. એ પછી ચોકીદાર તરીકે કામગીરી કરી.

એમાંથી પણ એમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું. નોકરીની ફરી પાછી શોધ ચાલુ થઈ. શાળામાં શિક્ષક બનવાનો નિર્ધાર કર્યો. એના માટે બહુ ભટકવું પડયું. શાળામાં શિક્ષક બનવાનો શોધવાની કામગીરીને પોતાના જીવનનો કાયદો (ધ લો ઓફ માય લાઈફ' તરીકે ગણાવે છે. અથાગ પ્રયત્નો બાદ એમાં સફળતા મળી.

શીખવાડવાની સાથે જાતે શીખવાનું કામ પણ કરતા. થોડા સમય પછી સેનામાં જોડાવાની ઇચ્છા થઈ. આ વખતે એમણે જાતે રાજીનામું આવ્યું. શાળાના આચાર્યએ પ્રમાણપત્ર આપ્યું ' નિષ્ઠાવાન, દયાળુ, મહેનતુ અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ નિર્ભય રહેનાર યુવાન.' એ પછી તે સેનામાં જોડાયા અને કેપ્ટન બન્યા.

ત્યાંથી તેમણે એમના એક મિત્રને પત્રમાં લખ્યું હતું. ' પુરુષાર્થ તો વડના વૃક્ષનું બીજ છે. આરંભમાં દેખાવમાં નાનું હોય છે, એને થોડા ઊંડાણમાં વાવવામાં આવે છે અને એને અંકુરિત થતાં થોડી વાર લાગે છે. પછી તો તેમાંથી વિશાળ વૃક્ષ બને છે. મારા પુરુષાર્થે અંકુરિત થવાનું શરૃ કરી દીધું છે. વિકસિત થશે પછી તો આખા અમેરિકાને છાંયડો આપશે.'

સાચે જ એમનું સ્વપ્ન સત્ય થયું. તે સેનામાંથી લોકસેવાના ક્ષેત્રમાં આવ્યા. રાજનૈતિક અભિરુચિ, જન સંપર્ક, વ્યવહાર કુશળતા બધાએ એકત્રિત થઈ ગારફિલ્ડને પ્રેસિડેન્ટ બનાવ્યા. પ્રબળ પુરુષાર્થે જ એમને મજૂરથી રાષ્ટ્ર પ્રમુખના પદ સુધી પહોંચાડયા.

ઇશ્વર પરત્વે શ્રદ્ધા રાખવા ઉપરાંત તે માનવતાના પણ પૂજારી હતા. તેમણે એકવાર કહ્યું હતું- 'હું મારી જાતને મનુષ્ય બનાવવા કૃત નિશ્ચય છું. જો હું એમાં સફળ થઉં તો હું બાકીના બધામાં જરૃર સફળ  થઈશ.'

- દેવેશ મહેતા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

Post Comments