Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાધા કોઈ મળે ન મળે, ના મળે ભલે ; એ આપણી ફરજ છે કે વેણુ વગાડીએ

નવોઢાના ઝાંઝરના ઝણકાર સાંભળી વરરાજાના હૈયામાં જે ગુદગુદી થાય તેનું વર્ણન શબ્દોમાં ના કરી શકાય, નવરાત્રિમાં ગુજરાતણોને ગરબા ગાતાં રોકી ના શકાય,- બસ- એ રીતે માણસને ગાતાં કોઈ રોકી શક્તું નથી

'સંગીત'- શબ્દ ત્રણ અક્ષરનો છે પણ ત્રણેય લોકને ડોલાવવાની તાકાત ધરાવે છે. પહેલો અને બીજો અક્ષર છે સંગી અર્થાત્ જે કોઈ સંગીત સાંભળે છે એનો એ પરમ સાથી બની જાય છે. બીજો- ત્રીજો અક્ષર મળી ગીત બને. આપણું જીવન પણ એક ગીત છે, પહેલો- છેલ્લો અક્ષર મળી સંત બને છે માણસને સંગીત સંત પણ બનાવી શકે છે. ગીત ગાવાનું અને સાંભળવાનું જીવનનું અદ્ભૂત નજરાણું છે.

સંગીત ક્યાં નથી ? અત્ર તત્ર સર્વત્ર છે. વૃક્ષોનાં પવનમાં લહેરાતાં પાંદડાંનો મધુર મર્મર ધ્વનિ ; કોયલનો ટહુકો, મોરનો ગહેંકો, દેડકાનું ડ્રાઉં ડ્રાઉં, ચકલીનું ચીં ચીં, હોલાનું પ્રભુ તું , પ્રભુ તું, કલકલ વહેતું ઝરણું, પાણીનો ધોધ, દરિયાનાં ઘૂઘવતાં મોજાંનો ઘૂઘવાટ, પવનનો સૂસવાટ, ગાયોનું ભાંભરવું, બકરીનું બેં બે, બિલ્લી માસીનું મ્યાઉં મ્યાઉં, તમરાંનાં અતૂટ તીણો અવાજ- આ સંગીતનો ખજાનો કુદરતે છુટ્ટા હાથે છૂટો મૂકી દીધો છે. જે કુદરતી સંગીત માણવા વિદ્વાન હોવું ફરજિયાત નથી. લૂંટ શકો તો લૂંટ લો, કર લો દુનિયા મુઠ્ઠીમાં.

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં ;
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની.
 

ગુજરાતમાં ગુજરાતણો આસો માસની નવરાત્રિમાં સળંગ નવ દિવસ ગરબાની રમઝટ બોલાવી આખા વિશ્વને ઘેલું ગાંડુ કરી દે છે એ સંગીતની સૂરાવલિથી ભલા કોઈ અજાણ ખરૃ કે ? નવજાત શિશુનું ઉઆં ઉઆં કેટલી ખુશીઓ લઈને આવે છે ! લગ્નગીતો, ફટાણાં તો જાનડીઓ ગાતી હોય એ જોયા પછી તો ભલભલાને બીજીવાર વરઘોડે ચડવાના અભરખા થઈ જાય છે ! ભગવદ્ કથામાં ગોપીગત સૌને ગમે અને પેલો આપણો જૂનાગઢનો નરસૈયો રાસલીલા સાંભળવામાં એટલો મશગૂલ- તલ્લીન થઈ જાય કે પકડેલી મશાલ સાથે હાથ સળગી જાય છતાં ખબર પણ ના પડે... ઘણી ખમ્મા. ઘણી ખમ્મા...

ભારતીય સંગીતના આકાશમાં શ્રી. બિસ્મિલ્લાખાંનું શહનાઇવાદન, શ્રી.હરિપ્રસાદ ચોરસિયાનું બંસરી વાદન, શ્રી. ઝાકીરહુસેનનું તબલાવાદન, શ્રી.બડે ગુલામઅલીખાનું શાસ્ત્રીય સંગીત- કોનાં નામ દેવાં અને કોનાં નામ ન લેવા ? આ બધા ચમક્તા સિતારા છે.

ભજન, રાસ, ગરબા, છંદ, દુહા, સોરઠા, ચોપાઈ, ગીત, આખ્યાન, ફિલ્મ સંગીત, સુગમ સંગીત, ડાયરો, ગઝલ, આ બધામાં સંગીતની ઘેરી અસરો અને સંગીતનાં કુલ છત્રીસ વાદ્યો- માનવ જિંદગીને સરળ બનાવે છે. મન તડપત હરિ દર્શનકો આજ, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહિ તો ટળે, કહું છું જવાનીને પાછી વળી જા, તારી આંખનો અફીણી, મુને એકલી જાણીને કાને છેડી રે ! લીલી લેમડી રે લીલો નાગરવેલનો છોડ- આ એવરગ્રીન ગીતો આજે પણ સંગીત સભામાં વન્સ મોર વન્સ મોર બોલવા મજબૂર કરે છે.

સંગીતના ત્રણ આધારસ્તંભો છે : ગાયન, વાદન, અને નૃત્ય. શ્રીકૃષ્ણની રાસલીલા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાનાની વાંસળી વાગે એટલે ગોપીઓ ભાન ભૂલી જતી. એક દિવસના ચોવીસ કલાકમાં ફક્ત ચોવીસ મિનિટ જો માણસ પોતાના પ્રિય સંગીતનું શરણું લઈ લે તો પછી તેને બીજા કોઈને શરણે જવું પડતું નથી.
વાદનમાં વીણાવાદન, રાવણહથ્થો, હારમીનિયમ, વાંસળી, તબલાવાદન, મંજીરા, શહનાઈ, ભૂંગળ, સંતૂર- એક એકથી ચડિયાતાં વાદ્યો દિલ ડોલાવી દે છે.  આ સંગીત શારીરિક- માનસિક- આધ્યાત્મિકનો ત્રિવેણી સંગમ છે.

આકાશની ક્ષિતિજે મેઘધનુષ્ય દેખાય કે તુરત જ તે બીજાને બતાવવાની જે હોંશે જાગે છે તેવું સંગીતનું પણ છે. નવોઢાના ઝાંઝરના ઝણકાર સાંભળી વરરાજાના હૈયામાં જે ગુદગુદી થાય તેનું વર્ણન શબ્દોમાં ના કરી શકાય, નવરાત્રિમાં ગુજરાતણોને ગરબા ગાતાં રોકી ના શકાય,- બસ- એ રીતે માણસને ગાતાં કોઈ રોકી શક્તું નથી. જે માણસને સંગીતમાં લેશમાત્ર રસ નથી. તેવા માણસનો પણ લેશમાત્ર ભરોસો કરતા નહિ. અંતમાં તાનસેન અને તાનારીરીને દિલથી યાદ કરી ચાલો સંગીતમાં ડૂબી જઈએ.

રાધા કોઈ મળે ન મળે, ના મળે ભલે ;
એ આપણી ફરજ છે કે વેણુ વગાડીએ.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments