Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

મૂળ સલામત હોય તો વૃક્ષ લીલુંછમ રહે... ધર્મ સલામત હોય તો જીવન સુખમય રહે...

હસ્થ વ્યકિત જો ધર્મપુરુષાર્થથી વિમુખ બની જઇને માત્ર અર્થ કે માત્ર કામમાં ખૂંપી જાય તો એનાથી સ્વ-પરનાં જીવનમાં પારાવાર નુકસાન સર્જાય. જે વ્યકિતનાં જીવનમાં ધર્મભાવનાનો પાપ-પુણ્યનો દુર્ગતિ-સદ્ગતિનો વિચાર નહિ હોય એ વ્યકિત અર્થ માટે સંપત્તિ માટે સારું- નરસું કૃત્ય- અકૃત્ય કાંઈ જોયા વિના અર્થાધ બની જશે.' અન્યોનાં પેટ પર લાત લાગતી હોય તો ભલે લાગે, મારી કમાણીને આંચ ન આવવી જોઈએ.

નાનકડા ગામનું એક જ્ઞાાતિસંગઠન ગામના જરીપુરાણા જ્ઞાાતિભવનના આમૂલચૂલ પુનરુદ્ધારની વિચારણ કરવા એકત્ર થયું હતું. ભૂમિના ઘરખમ વધતા ભાવ- ફંડના અભાવે કાર્ય અપૂર્ણ રહી જાય તો સર્જાતી અવ્યવસ્થા ઇત્યાદિ વિવિધ પાસાઓન વિચાર કરી એણે એક ' નમૂનેદાર' ઠરાવ સર્વસંમતિથી પસાર કર્યો કે ' ભૂમિની કિંમતથી બચવા નવું ભવન પુરાણા ભવનની ભૂમિ પર જ બનાવવું અને કાર્ય અધૂરું રહે તો અવ્યવસ્થા ન થાય માટે નૂતન ભવન સંપૂર્ણ બની ન જાય ત્યાં સુધી પુરાણું ભવન જમીનદોસ્ત ન કરવું !!

આ કાલ્પનિક કથા અવાસ્તવિક- અવ્યવહારુ અભિગમ કેવો હોય એનું રમૂજી સચોટ દર્શન કરાવી જાય છે. પણ.. સબૂર ! માનવીય જીવનને મંગલમય બનાવવા તરફ લઈ જતું જૈન દર્શન અવાસ્તવિક- અવ્યવહારુ અભિગમ કદી નથી અપનાવતું. એ એવી બાબતોનો નિર્દેશ કરે છે કે જે  શક્ય હોય- યોગ્ય હોય. આની પ્રતીતિ કરાવતી અનેક બાબતો જૈન દર્શનની પ્રરૃપણાઓમાંથી મળી રહે છે. એ અનેક પૈકીની એક પ્રરૃપણા એટલે ' માર્ગાનુસારી'ના પાંત્રીશ પૈકીનો અઢારમો ગુણ. 

કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય' યોગશાસ્ત્ર' ગ્રન્થમાં એ અઢારમાં ગુણની વ્યાખ્યામાં આ પંક્તિ લખે છે કે ' અન્યોન્યાપ્રતિબન્ધન ત્રિવર્ગમપિ સાધયન્.' ભાવાર્થ કે માર્ગાનુસારીકક્ષાની ગૃહસ્થ વ્યકિત ધર્મ- અર્થ અને કામ : આ ત્રણ પુરુષાર્થ એ રીતે સાધે કે જે પરસ્પર એકમેકને અવરોધક- પ્રતિબંધક ન બને. ખાસ ખ્યાલમાં રહે કે આ નિર્દેશ વ્યકિતની અમૂક કક્ષા ધ્યાનમાં રાખીને ખુદ ધર્મશાસ્ત્રો કરે છે અને એજ જૈન ધર્મશાસ્ત્રના વાસ્તવિક-વ્યવહારુ અભિગમનો પરિચાયક છે.  જરા સમજીએ આ વાત.

સામાન્ય ધારણા એવી હોય કે ' ધર્મશાસ્ત્રો માત્ર ધર્મને જ પુરસ્કૃત કરે. અર્થ- કામને તો એ ત્યાજ્ય-હેય ગણે. એથી એ ધર્મપુરુષાર્થની જ વાત કરે.' પરંતુ માર્ગાનુસારીના અઢારમાં ગુણની પૂર્વોક્ત વ્યાખ્યા એમ સમજાવે છે કે અર્થ- કામન અનાદર કરીને માત્ર ધર્મપુરુષાર્થની વાત સંસારત્યાગી શ્રમણ- શ્રમણીવર્ગ માટે છે અને તેવા પ્રકારની ઉચ્ચ ભૂમિકાએ સ્થિત જવાબદારીનિવૃત્ત ગૃહસ્થ માટે જ છે. આ બેમાંથી એક પણ કક્ષામાં નથી તેવી જવાબદારી યુક્ત ગૃહસ્થ વ્યકિતએ તો ધર્મ- અર્થ- કામ : ત્રણેય પુરુષાર્થ પરસ્પર બાધા ન પહોંચે તેમ સાધવાના હોય.

તો જ તે વ્યકિત ઉચિત ધર્મસાધનાની સાથોસાથ સાંસારિક જવાબદારી સુખેથી અદા કરી શકે, અન્યથા નહિ. ઉદાહરણરૃપે ધારોકે એક ગૃહસ્થ વ્યકિતને ધર્મમાં રુચિ છે.  એથી એ વ્યવસાયની બધી જવાબદારી આવશ્યક જરૃરિયાતો માટે ય ફાંફા અનુભવે. સરવાળે આનાથી એની ધર્મપ્રવૃત્તિની નિંદા- પરિવારજનો દ્વારા એનો વિરોધ વગેરે અનેક અનિષ્ટો સર્જાય. ધારો કે એક વ્યકિતને દાન નામના ધર્મમાં રુચિ છે.

એથી એ લાખોનાં દાન બોલી દે અને પછી અર્થપુરુષાર્થ પ્રત્યે સાવ વિમુખ રહે તો એ ભયાનક આર્થિક સંકડામણ અનુભવે એવું ય બને, યા તો બોલેલ દાન ભરપાઈ ન કરી શકીને હાંસીપાત્ર બને તેવું ય બને. આવા આવા અનેક દૃષ્ટિબિંદુથી માર્ગાનુસારીનો અઢારમો ગુણ એ  વાસ્તવિક પ્રતિપાદન કરે છે કે જવાબદારીયુક્ત ગૃહસ્થે ત્રણે ય પુરુષાર્થ અંગે પ્રવૃત્તિ યથાવશ્યક પણે કરવાની હોય.

જૈન શાસ્ત્રોમાં પ્રભુ મહાવીરદેવના સમકાલીન પુણિયાશ્રાવકનો વૃત્તાંત મળે છે. ગૃહસ્થ જીવનમાં એમણે કરેલ ધર્મસાધના બેમિસાલ હતી, તો એમણે આરાઘેલ ' સામાયિક' નામે ધર્માનુષ્ઠાન સ્વયં ભગવાન મહાવીર દેવનાં મુખે પ્રશંસા પામ્યું હતું.

આવા શ્રાવકશ્રેષ્ઠ પણ પ્રતિદિન પોતાના દૈનિક જીવનનિર્વાહ માટેની કમાણીરૃપ અર્થપુરુષાર્થ કરતા હોવાની નોંધ જૈન ગ્રન્થોએ કરી છે. એ એમ દર્શાવે છે કે ગૃહસ્થનાં જીવનમાં ધર્મપુરુષાર્થ ભલે ચાહે તેવો પ્રબળ હોય, પરંતુ એ આવશ્યક અર્થપુરુષાર્થનો ભોગ લેનાર ન હોય. આવી જ સમ્યગ્ વિચારણા તે તે કક્ષાની ગૃહસ્થ વ્યકિત માટે કામપુરુષાર્થ અંગે ય કરવી.

હવે વિચારીએ એક નવી બાબત. ગૃહસ્થ વ્યકિત જો ધર્મપુરુષાર્થથી વિમુખ બની જઇને માત્ર અર્થ કે માત્ર કામમાં ખૂંપી જાય તો એનાથી સ્વ-પરનાં જીવનમાં પારાવાર નુકસાન સર્જાય. જે વ્યકિતનાં જીવનમાં ધર્મભાવનાનો પાપ-પુણ્યનો દુર્ગતિ-સદ્ગતિનો વિચાર નહિ હોય એ વ્યકિત અર્થ માટે સંપત્તિ માટે સારું- નરસું કૃત્ય- અકૃત્ય કાંઈ જોયા વિના અર્થાધ બની જશે.' અન્યોનાં પેટ પર લાત લાગતી હોય તો ભલે લાગે, મારી કમાણીને આંચ ન આવવી જોઈએ.

અન્યોનું શોષણ થાય કે એ રિબાય, મારી કમાણી યેન કેને પ્રકારેણ તગડી થતી હોય તો મને એ મંજૂર છે.' આવી કનિષ્ઠ વૃત્તિ- પ્રવૃત્તિ કેવલ અર્થપરસ્ત વ્યકિતોની હોય છે. કેમ કે એણે ધર્મથી- નીતિમત્તાના સામાન્ય માપદંડથી સાવ વિમુખતા કેળવી છે. ધર્મવિહોણી માત્ર અર્થાંઘ વ્યકિત કઈ હદે અન્યોનાં શોષણમાં- અહિતમાં પ્રવૃત્ત થઈ જાય એ જાણવું છે ? તો વાંચો આ સ્વાર્થથી- ભ્રષ્ટાચારથી ખદબદતી કથા :

નાનકડા ગામમાં દવાખાનું શરૃ કરનાર ડોક્ટરની સમસ્યા એ હતી કે ગામમાં ખાસ કોઈ દર્દીઓ મળતા ન હતા. એથી લગભગ નવરાધૂપ રહેવું પડતું. ચેકઅપ માટેના મશીન- થોડો સ્ટાફ વગેરેના ખર્ચ માથે પડતા હતા. એવામાં એક દિવસ કઈ ભેજાંબાજ વ્યાપારી ડોક્ટર પાસે આવી ચડયો. એણે ડોક્ટર પાસે પોતાની ' યોજના' રજૂ કરી કે ' જુઓ, તમારા દવાખાનાની ઘરાકી વધારી આપવાની કરામત મારી પાસે છે. ફક્ત તમારે મને કમાણીમાંથી ' કમિશન' આપવાનું રહે.

'ડોક્ટરને પેલાની વાતમાં રસ જાગ્યો. ભેજાંબાજ વ્યાપારી કહે : ' હું આ ગામમાં હોટલ શરૃ કરવાનો છું. મારી બધી વાનગીઓ ચટાકેદાર હશે. એથી ગ્રાહકો મારી હોટલમાં ટોળે ટોળા ઉમટશે  ખરા. પરંતુ મારી એ વાનગીઓની ગુણવત્તા એકદમ હલકી હશે. તેલ તબિયત બગાડે એવું હશે,

તો માવો- લોટ વગેરે એકદમ રદ્દી હશે. મારી વાનગીઓ વપરાયા પછી તમારે ત્યાં ઘરાકી ન વધે તો મને કહેજો. એટલે જ હું ' કમિશન'ની માંગ કરી રહ્યો છું .' ડોક્ટર આ ભેજાંબાજથી પ્રભાવિત થઈ ગયો. પરિણામ ધારણ મુજબનું મળે તો એણે ' કમિશન'ની તૈયારી બતાવી. અને ખરેખર પેલાં ભોજાંબાજનો તુક્કો આબાદ ચાલી ગયો. લોકોએ હોંશે હોંશે હોટલની વાનગીઓ આરોગી પૈસા ખર્ચીને આરોગ્ય ગુમાવ્યું અને પછી ડોકટરની સારવાર લઈ પૈસા ખર્ચી આરોગ્ય પુન: પ્રાપ્ત કર્યું !!

શું દર્શાવે છે આ વાત ? એજ કે ધર્મવિહોણી અર્થપરસ્તતા એ હદે વ્યકિતને અર્થાધ બનાવી દે કે જેનાથી એ અન્યોને નુકસાન પહોંચાડવામાં ય કોઈ છોછ ન અનુભવે. ઘણીવાર અખબારો વગેરે પ્રસાર માધ્યમોમાં એવા કિસ્સાઓ આપણને જોવા મળે છે કે જેમાં દર્દીઓની જીવાદોરી સમી દવાઓમાં ખતરનાક ભેળસેળ કરનારા પકડાયા હોય,

તો મકાનો ઓવરબ્રીજ વગેરેનાં બાંધકામોમાં હલકી ગુણવત્તાનો માલ વાપરી અનેકોને મોતનો શિકાર બનાવનાર ભ્રષ્ટ કોન્ટ્રેક્ટરો પકડાયા હોય. આવી આવી ઘટનાઓ નકરી અર્થાઘતાની કારમી નીપજ છે. એનાં બદલે હૈયે જો થોડી પણ ધર્મપરસ્તી હોય તો વ્યકિત ભયાનક ખોટાં કામ કરતાં ખચકાટ અનુભવે. માટે ધર્મપુરસ્કૃત અર્થપુરુષાર્થની વાત ગૃહસ્થ વ્યકિતનાં જીવનમાં હોવી જોઈએ.

આવી જ વાત કામપુરુષાર્થ અંગેની છે. સંસારનો ત્યાગ કર્યો ન હોવાનાં કારણે તે તે ગૃહસ્થ વ્યકિતનાં જીવનમાં કામપુરુષાર્થની હાજરી પ્રાય : રહેવાની જ. બહુ જ અલ્પ- વિરલ વ્યકિત કોઈ એવી મળે કે જે સંસારમાં વસવા છતાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે. વાસ્તવિકતા આ હોવા પછી ધારો કે વ્યકિત ધર્મથી સાવ વિમુખ- નિરપેક્ષ રહીને કામ પરસ્ત બની જાય તો ?

તો એ સ્વ-પર માટે મોટી આપત્તિરૃપ બની જાય. જયાં તક મળશે ત્યાં એ બેફામ- બેલગામ બની જઈ દુરાચાર સેવવા તૈયાર થઈ જશે. એ ગમે તે વિજાતીય પાત્રને પોતાની ભડકે બળતી વાસનાનો ભોગ બનાવી દેશે, તો ગમે તે વિજાતીય વ્યકિતનું જીવન રગદોળી નાંખી એને બધી રીતે તહસનહસ કરી નાંખવા તૈયાર થઈ જશે. એમાં એને ન પાપનો- દુર્ગતિનો ડર નડે કે ન સમાજનો- સજાનો ડર નડે. નિમ્ન સ્તરનું જીવન જીવતાં આવા કેટલાય પાત્રોનાં પરાક્રમ અવારનવાર પ્રસાર માધ્યમોમાં ચમક્તા હોય છે.

અરે ! નિમ્ન સ્તરની એ વ્યકિઓની ક્યાં વાત ? શિક્ષિત- જવાબદાર વ્યકિતઓ પણ ઘણીવાર પારસ્પરિક સમજૂતીથી યા 'હનીટ્રેપ'માં ફસાઈને દુરાચાર સેવતી હોય છે અને પછી આખરી અંજામમાં ઇજ્જત- કારકીર્દિ- સમૃદ્ધિ વગેરે બધું જ ગુમાવતી હોય છે. કારણ એક જ કે એમણે જીવનમાં કામપુરુષાર્થને નહિ, કામાંઘતાને સ્થાન આપ્યું હોય છે. એનાં સ્થાને ગૃહસ્થ વ્યકિત જો ધર્મને પુરસ્કૃત કરી કામપુરુષાર્થ ઉચિતપણે આદરે તો આવી કોઈ આપત્તિ ન આવે.

ધર્મને પુરસ્કૃત કરી કામપુરુષાર્થ કરનાર વ્યકિત સમાજસાક્ષીએ જેની સાથે વિવાહબંધનથી જોડાઈ હોય તેની સાથે જ સાહચર્યસંબંધ રાખે અને એ રીતે બ્રહ્મચારી જીવન નહિ, બલ્કે સદાચારી જીવન જીવે. એમાં એની પ્રતિબદ્ધતા એવી હોય કે ચાહે તેવાં પ્રલોભનના નિમિત્ત સામે આવે તો ય એ પોતાની આ પ્રતિબદ્ધતામાંથી જરાય વિચલિત ન થાય. આની પ્રતીતિ માટે આપણે યાદ કરીએ મહાન શ્રેષ્ઢી સુદર્શનનો આ જીવનપ્રસંગ :

પ્રભુ મહાવીરદેવના સમકાલીન આ શ્રેષ્ઢી સપરિવાર ચપાપુરીમાં વસતા હતા ત્યારની આ વાત. રાજરાણી અભયાએ શ્રેષ્ઢીને પ્રથમવાર કોઈ સાર્વજનિક સ્થળે નિહાળ્યા ત્યાંથી જ એ એમની સૌંદર્યમઢી દેહયષ્ટિ પર આકર્ષાઈ ગઈ હતી.

શ્રેષ્ઢીને પામવા માટે એણે છળથી કહેણ મોકલ્યું કે ' રાજાને અગ્ત્યનું કાર્ય છે માટે  અબઘડી રાજમહેલમાં આવી જજો.' સરલ શ્રેષ્ઢી રાજમહેલમાં પહોંચી ગયા. રાણીએ એવો સમય પસંદ કર્યો હતો કે મહેલમાં પૂર્ણ એકાંત હોય. રાજમહાલયના અભ્યંતર ભાગે  પહોંચ્યા પછી શ્રેષ્ઢી સમક્ષ રાણીએ અનુચિત પ્રસ્તાવ કર્યો ત્યારે શ્રેષ્ઢીને ખ્યાલ આવ્યો કે પોતે કપટનો ભોગ બન્યા છે.

પૂર્ણ એકાંત, રાજરાણીનું સામીપ્ય અને સામેથી ભોગપ્રાર્થના : છતાં શ્રેષ્ઢી જરા ય વિચલિત ન થયા.  એ પોતાના સદાચારમાં નિશ્ચલ રહ્યા કે ' પત્ની મનોરમા સિવાય કોઈની સાથે મારે આ સંબંધ ન જ હોય.' ઘણી સમજાવટ પછીય સુદર્શનશ્રેષ્ઢી દૃઢ જ રહ્યા ત્યારે વિફરેલી રાણીએ જાતે શરીર પર ઊઝરડા પાડીને શ્રેષ્ઢી પર બળાત્કારનો આરોપ મૂકવાની ધમકી આપી.

તો ય શ્રેષ્ઢી ન ડગ્યા ત્યારે એણે ધમકીનો અમલ કરી બતાવ્યો અને શ્રેષ્ઢીને બદનામ કરી પ્રાણાંત કષ્ટમાં  નાંખ્યા. આખર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને શ્રેષ્ઢી આ જાલિમ કસોટીમાંથી અણિશુધ્ધ બહાર આવ્યા. એમના માટે કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યે ' યોગશાસ્ત્ર'માં આ પ્રશંસાપંક્તિ લખી છે કે ' સુદર્શનસ્ય કિં બ્રૂમ, સુદર્શનસમુન્નતે.'' મતલબ કે' સુદર્શનગિરિ- મેરુ પર્વત જેવા સમુન્નત સુદર્શનશ્રેષ્ઢીના સત્ત્યની- દૃઢતાની અમે ક્યા શબ્દોમાં પ્રશંસા કરીએ ?''

સારાંશ આ ઘટનાનો અને આ ચર્ચાનો એ છે કે ગૃહસ્થનાં જીવનમાં અર્થ- કામ હોય ખરા, પરંતુ એ ધર્મથી નિયન્ત્રિત હોવા જોઈએ. જ્યાં ધર્મથી નિયન્ત્રિત અર્થપુરુષાર્થ હશે ત્યાં વધુ પડતી લુચ્ચાઈ- ભ્રષ્ટાચાર- નિષ્ઢુરપણે અન્યોનું શોષણ વગેરે દૂષણ નહિ હોય. એજ રીતે જ્યાં ધર્મથી નિયન્ત્રિત કામપુરુષાર્થ હશે ત્યાં લંપટતા- દુરાચાર સેવન- અન્યોનું જાતીય શોષણ વગેરે અનિષ્ટો નહિ હોય.. પૂર્વે ભલે ત્રણેય પુરુષાર્થ પરસ્પરને બાધક ન બને તે રીતે આદરવાનું જણાવાયું હોય,

પરંતુ આ હમણાં જણાવી તે અપેક્ષાએ ધર્મપુરુષાર્થને ત્રણેયમાં પ્રધાન-મુખ્ય પણ ગણવામાં આવ્યોો છે. આ અપેક્ષાએ જ ' સિંદૂર પ્રકર' ગ્રન્થમાં આ પંક્તિ લખાઈ છે કે ' તત્રાપિ ધર્મ પ્રવરં વદન્તિ' અર્થાત્ ત્રણમાંથી જ્ઞાાનીજનો ધર્મપુરુષાર્થને જ પ્રવર- પ્રધાન ગણે છે.

આ અનુસંધાનમાં યોગશાસ્ત્રટીકામાં જણાવાયેલ એક વિધાન યાદ કરીએ કે જો વિષમ પરિસ્થિતિ હોય અને ત્રણમાંથી કોઈ એક પુરુષાર્થનો ભોગ આપવો જ પડે તેમ હોય તો ગૃહસ્થે કામ પુરુષાર્થનો ભોગ આપી અર્થને અને ધર્મને સાચવી લેવા. જો સંયોગવશ ત્રણમાંથી બે પુરુષાર્થનો ભોગ આપવો પડે તેમ હોય તો અર્થ- કામનો ભોગ આપી ધર્મને સાચવી લેવો.

કેમકે ધર્મ વિનાના અર્થ- કામનું કોઈ મૂલ્ય નથી, એ તો નુકસાનકર્તા છે. પેન્ટ બનાવવા માટે લવાયેલ કાપડમાંથી પેન્ટ અને થેલી બન્ને બનતા હોય તો વિચક્ષણ વ્યકિત બન્ને બનાવી લે. પરંતુ થેલીનો આગ્રહ રાખવા જતાં જો પેન્ટ- ટૂંકો માપ વિનાનો થઈ જતો હોય તો થેલી જતી કરીને પેન્ટ જ સાચવવો પડે. ધર્મપુરુષાર્થ પેન્ટના સ્થાને છે અને અર્થ- કામ થેલીનાં સ્થાને છે.

છેલ્લે એક વાત : મૂળ સલામત હોય તો વૃક્ષ લીલુંછમ રહે ને ધર્મ સલામત હોય તો જીવન સુખમય રહે...
 

Post Comments