Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ : આચાર્ય વિજયરાજરત્નસૂરિ

યાં સાપ- વીંછી વગેરે ઘાતક પ્રાણીઓનો વારંવારનો ઉપદ્રવ હોય એવાં સ્થાનનો અને જયાં વારંવાર ભૂકંપ આવતા હોય એવાં સ્થાનનો ત્યાગ કરવો. સાપ- વીંછી વગેરેના ઉપદ્રવયુક્ત સ્થાનમાં રહેવાથી પરિવારજનોમાં ક્યારેક પ્રાણ ગુમાવવાનો વારો આવે તો તે ય નુકસાન છે અને એ સાપ વગેરેને મારી નાંખવાની હિંસક વૃત્તિ- પ્રવૃત્તિ કરીએ તો એ ય નુકસાન છે.

નિ હાળ્યા છે કદી શ્રીમંત વ્યકિતઓના બંગલા ? એમાં એક બાબત લગભગ અવશ્ય જોવા મળશે કે એનાં પ્રવેશસ્થાને ' સીક્યોરીટી' માટેનું સ્થાન હશે. એટલા માટે એ સ્થાન હોય છે કે પરિવારની સલામતી રહે, અનિષ્ટ ગુંડા-ચોર વગેરે તત્ત્વો બંગલામાં પ્રવેશી ન જાય.

અરે ? બંગલાની કયા વાત ? ગગનચુંબી ઇમારતો ફલેટમાં વસતી વ્યકિતઓ પણ સલામતી માટે આનાથી જરા અલગ પ્રકારની તકેદારી રાખે છે. તેઓ ફલેટના દરવાજાની આગળ મજબૂત જાળી ધરાવતું વધારાનું એક દ્વાર રાખે છે. એટલા માટે કે ફલેટનું દ્વાર ખોલીએ તો ય આગંતુક વ્યકિત એકાએક ફેલટમાં પ્રવેશી ન શકે.

વધારાના દ્વારમાંથી અને જોઈ શકાય , એની સાથે વાત કરી શકાય અને વિશ્વાસ બેસે તો જ અંદર પ્રવેશ આપી શકાય. સલામતી એમાં કેન્દ્રસ્થાને છે... હજુ એક ડગલું આગળ જઈએ તો, સીમમાં ખેતરોની ચોતરફ પણ મજબૂત થોરની વાડ હોય છે. પશુ કે ચોર ખેતરમાં દાખલ થઈ જઈને ઊભા પાકનું ભેલાણ ન કરી જાય એ માટે આ સઘન થોરની વાડ હોય છે. ત્યાં પણ સુરક્ષાની બાબત જ કેન્દ્રસ્થાને છે.

બસ, આ ' સેફ્ટી ફર્સ્ટ'ના સિદ્ધાંત પર આવી રહ્યો છે માર્ગાનુસારીકક્ષાના  જીવોનો આજનો દશમો ગુણ.' યોગશાસ્ત્ર' ગ્રન્થમાં કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્યે આ દશમા ગુણ અંગે પંક્તિ લખી છે કે ' ત્યજન્નુપપ્લુતં સ્થાન.'' ભાવાર્થ કે માર્ગાનુસારી પુણ્યાત્મા ઉપદ્રવકારી સ્થાનનો ત્યાગ કરે.

આ ગુણ એ દર્શાવવા સક્ષમ છે કે જિનશાસન જેમ વ્યકિતના પરલોકની ચિંતા કરે છે એમ આ લોકની પણ ચિંતા કરે છે. સ્વોપજ્ઞા ટીકામાં એ ઉપદ્રવકારી સ્થાનની વ્યાખ્યાઓ બાદ તેઓએ માર્મિક વાત જણાવી છે કે 'જો ઉપદ્રવકારી સ્થાનનો ત્યાગ ન કરાય તો ઉપાર્જિત કરેલ ધર્મ- અર્થ- કામ વિનાશ પામે છે અને તે પુરુષાર્થ નવા ઉપાર્જિત ન થતાં બન્ને લોક બગડે છે.

' અલબત્ત, આ ગુણમાં મુખ્યત્વે પારિવારિક- સામાજિક- આર્થિક દૃષ્ટિના ઉપદ્રવોનો નિર્દેશ છે. આમ છતાં ઉપરોક્ત કથનમાં ધર્મનો પણ નિર્દેશ છે. એથી આપણે આ ગુણના વિશ્લેષણમાં છેલ્લે ધાર્મિક દૃષ્ટિબિંદુને પણ આવરી લઈ ક્રમશ : વિશ્લેષણ કરીશું :

૧) જયાં વારંવાર યુદ્ધો- કોમી રમખાણો- આતંકવાદી હિંસાઓ થતી હોય એવાં સ્થળે ન રહેવું. ભલેને ત્યાં કમાણીની ઉજ્જવલ તકો હોય, તો ય આવાં સ્થાનો ઉપપ્લુત અર્થાત્ ઉપદ્રવપીડિત ગણાતાં હોવાથી એ પારિવારિક અને આર્થિક દૃષ્ટિએ ખૂબ જોખમી પુરવાર થાય છે.

તાજેતરના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરીએ તો યાદ આવે ઇરાક-સીરિયા જેવા અખાતી દેશો. ઘણા ભારતીયો ત્યાં આર્થિક સમૃદ્ધિની લાલચથી વ્યવસાય માટે ગયા હતા અને આઈ.એસ.આઈ. જેવી કટ્ટરવાદી આતંકી સંસ્થાએ ભરડો લીધો હોવા છતાં એમણે ત્યાં વ્યવસાય- નોકરી ચાલુ રાખી હતી. એમાં કેટલાક ભારતીયો  ફસાઈ ગયા ત્યારે અહીં એમના સ્વજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આખર વિદેશ મન્ત્રીના સઘન પ્રયત્નો બાદ તેઓ માંડ સહીસલામત પરત આવ્યા હતા.

અન્વેષણ કરીશું આ ઘટનાનું તો સ્પષ્ટ સમજાશે કે જો આતંકી ચુંગાલમાંથી એમને બચાવવાનો પ્રયાસ સફળ ન થયો હોત તો એમનાં સો વર્ષ ત્યાં જ તરત પૂર્ણ થઈ જાત, એ મરણના ખપ્પરમાં હોમાઈ જાત. એનાથી એમના સ્વજનોને  મોટું પારિવારિક નુકસાન થાત. એ બચીને સ્વદેશ પરત આવ્યા તે પૂર્વે આર્થિક નુકસાન કેટલું થયું હશે એ તો તેઓ જાણે.

આ કે આવા આવા અન્યત્ર દેશોના આતંકપ્રભાવિત- કોમી રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં આર્થિક જેવા કારણસર રહેતી વ્યકિતઓને જ્યારે જાન બચાવવા હવાતિયાં મારતી  જોઈએ ત્યારે પ્રતીતિ થાય કે 'યોગશાસ્ત્ર'ની આ ઉપદ્રવકારી સ્થાનના ત્યાગની વાત કેવી મહત્ત્વની છે.

એક વાત ખબર છે ? શાણા- ડાહ્યાજનો એમ કહેતા હોય છે કે 'જયાં ઝઘડો ચાલતો હોય ત્યાં ઉભા ન રહેવું ?' આશય આ કથનનો એ છે કે ઝઘડો જોવા ઊભા રહીએ તો ક્યારેક ત્યાં અકારણ નુકસાન વેઠવાની નોબત આવે. ખબર છે પેલી રમૂજકથા ?

બે પાગલ જેવી વ્યકિતઓ સાવ નાખી દેવા જેવા મુદ્દે પરસ્પર ઝઘડી રહી હતી. ત્યાંથી પસાર થતી એક વ્યકિત કુતૂહલથી ક્ષણિક આ ઝઘડો જોવા ઉભી રહી. હજુ એકાદ-બે ક્ષણ હશે ત્યાં પેલા બન્ને ઝઘડતા ઝઘડતા આની પાસે આવીને બોલવા માંડયા :  'અમારા બે વચ્ચે વિખવાદ થયો છે કે અત્યારે આકાશમાં સૂર્ય છે કે ચન્દ્ર ? રાત થઈ ગઈ છે એટલે હું કહું છું કે આકાશમાં સૂર્ય છે.'' ત્યાં બીજો બોલી ઊઠયો : '' હજુ તો સવાર છે. માટે હું કહું છું કે ચન્દ્ર છે. પણ આ અક્કલનો ઓથમીર સમજતો નથી.'' બન્નેની વદતા વ્યાઘાત જેવી ભાષા અને પાગલ જેવી વર્તણૂંક જોઈને પેલી શાણી વ્યકિતને ખ્યાલ આવી ગયો કે આ સ્થળે ઝઘડો જોવા ઉભા રહ્યો એ જ મારી ભૂલ છે.

અહીં જો સાચી વાત સમજાવવા જઈશ તો ય માર  ખાવાની ક્ષણ આવી જશે. એણે ચતુરાઈ પૂર્વક ટાઢે પાણીએ ખસ કાઢી કે ' જુઓ, આ ગામમાં હું હજુ આજે જ આવ્યો છું. એટલે મને આ ગામની કોઈ વાતની ખબર જ નથી. તમારે પૂછવું હોય તો આ ગામની કોઈ અનુભવી વ્યકિતને જ પૂછી લેજો ને ?'

જો ઝઘડો ચાલતો હોય ત્યાં ઉભા રહેવાથી ય આવા આવા જોખમ સર્જાતા  હોય તો જ્યાં વિશાલ ફલક પર લગભગ કાયમી આતંકવાદી સંઘર્ષો- કોમી રમખાણો ચાલતો હોય એવાં સ્થાને રહેવામાં ઘણા બધા ચિરસ્થાયી નીવડે તેવા નુકસાનો થવાની પાકી શક્યતા રહે જ રહે. માટે એવાં પ્રકારનાં ઉપદ્રવકારી સ્થાને ન રહેવાનો નિર્દેશ કરાવ્યો છે.

૨)જયાં રાજા- અધિકારી વર્ગ તરંગી રીતે- મનસ્વી પણે શાસન કરતો હોય એવાં સ્થાને ન રહેવું. આજે તો અહીં લોકશાહી છે. કાયદાનું શાસન છે એટલે અધિકારીવર્ગ દ્વારા તરંગી કનડ-ગતની સંભાવના અલ્પ રહે. પરંતુ જ્યાં સરમુખત્યારી છે ત્યાં તરંગી- મનસ્વી શાસકના અવિચારી તરંગોથી ન દ્વેષીલી વૃત્તિથી મોટા નુકસાનો સર્જાઈ શકે. દાયકાઓ પૂર્વે ગુજરાતી શાળાના પાઠય પુસ્તકોેમાં એક પદ્યમય- કાવ્યમય કથા આવતી હતી. એનું મુખડું- પ્રથમ કડી આ હતી કે : 'પુરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા..''

આ ગંડુરાજા જેવા અવિચારી - મનસ્વી શાસકના રાજયમાં 'ટકે શેર ખાજા' મળવાનો લાભ થઈ જતો હોય તો ય એ લાભ નજરઅંદાજ કરીને એનાં રાજયમાંથી વિદાય થઈ જવું જોઈએ. નહિ તો એક દિવસ વિના વાંકે શૂળીએ ચડવાનો વારો એના રાજમાં આવશે એમ એ પદ્ય કથા કહે છે.

આ કાલ્પનિક કથાના ગંડુરાજા જેવું સ્વરૃપ સાકાર થયું હતું લગભગ ત્રણ- સાડાત્રણ દાયકા પૂર્વે યુગાન્ડામાં. આ ટચુકડા દેશમાં એ સમયખંડમાં ઇદી અમીન નામે એક સરમુખત્યાર શાસક એવો થયો હતો કે જે એના મનસ્વી- તરંગી- અવિચારી મિજાજ માટે કુખ્યાત હતો. એનો એક પ્રસંગ કાંઈક આવો જાણવા મળ્યો હતો :

સ્થાનિક પ્રજાની બેહદ- અન્યાયી તરફદારી કરવા એ ક્રૂર- તરંગી શાસકે બહારના સ્થળેથી આવીને વ્યાપાર કરતા પરિવારો પર ખુલ્લી માર-ધાડ જેવો દમનનો કોરડો વીંઝયો હતો. જે જે પરિવારોને એ 'ટાર્ગેટ' બનાવે એને ત્યાં એના સૈનિકો પહોંચી જાય.

વ્યાપારીને પુછપરછના નામે ઉઠાવી જાય. પછી એ પાછો ઘેર ન આવે. એને ત્યાંથી સીધો જેલમાં ઘકેલી દેવાય. એની સંપત્તિ હડપ કરી લેવાય ને પરિવારે પહેરેલ કપડે ભાગવું પડે. કાયદાકીય પ્રક્રિયાનું ત્યાં નામનિશાન ન મળે. એનાં આ દમનનો ભોગ કેટલાય ગુજરાતી પરિવારો બન્યા હતા.

એમાં એક વાર એક ગુજરાતી વ્યાપારીને આ રીતે ઉઠાવી ઇદી અમીન પાસે રજૂ કરાયો. વ્યાપારીને ખ્યાલ હતો કે અહીં ઇદીનો તરંગ એ જ કાયદો છે.' હવે મરવું જ પડશે' એ એની ઘારણા હતી. ત્યાં અચાનક એના દિમાગમાં ઝબકારો થયો. એક 'ચાન્સ' લઈ લેવાની બુદ્ધિથી એણે સાથેની ફાઈલમાંથી અખબારી કટીંગ કાઢી ઇદીને બતાવ્યું.

એ કટીંગમાં એ વ્યાપારીએ સ્થાનિક પ્રજાની કોઈ સ્કૂલમાં આપેલ દાનનો ઉલ્લેખ હતો. એ જોતાં જ ઇદીનો તરંગ- મિજાજ બદલાયો. એણે સૈનિકોને કહી દીધું : ' આ સારો માણસ છે. એની સંપત્તિને કે એને હાથ ન લગાડશો. જાવ, એને પરત મૂકી દો.' એ ભલી બચી ગયો, પણ ઇદીનો મનસ્વી તરંગ આમાં સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે.

આવા તરંગી- અવિચારી શાસકોનાં દમનનો ભોગ બની જવાય તો  ધનોત-પનોત નીકળી જાય. માટે એવા સરમુખત્યારોના રાજમાં અઢળક કમાણી હોય તો ય ન રહેવાનો નિર્દેશ છે...

૩) જયાં સાપ- વીંછી વગેરે ઘાતક પ્રાણીઓનો વારંવારનો ઉપદ્રવ હોય એવાં સ્થાનનો અને જયાં વારંવાર ભૂકંપ આવતા હોય એવાં સ્થાનનો ત્યાગ કરવો. સાપ- વીંછી વગેરેના ઉપદ્રવયુક્ત સ્થાનમાં રહેવાથી પરિવારજનોમાં ક્યારેક પ્રાણ ગુમાવવાનો વારો આવે તો તે ય નુકસાન છે અને એ સાપ વગેરેને મારી નાંખવાની હિંસક વૃત્તિ- પ્રવૃત્તિ કરીએ તો એ ય નુકસાન છે. એકમાં બાહ્ય નુકસાન છે, તો બીજામાં અભ્યંતર નુકસાન છે..

કેટલાક સ્થાનો હોય છે ભૂકંપ પ્રભાવિત. આવાં સ્થાનોમાં થોડાં થોડાં વર્ષે ભૂકંપ આવ્યા કરતો હોય છે. ક્યારેક કોઈક ભૂંકપ એવી પાયમાલી સર્જી દે  કે એનાં નુકસાનો જીવનભર સરભર ન થાય. માટે આવા ઉપદ્રવકારી સ્થાનનો ત્યાગ કરવો.

મુખ્યત્વે આ બધામાં નુકસાનો આર્થિક- પારિવારિક હોવાથી એને અર્થ- કામપુરુષાર્થના ઘાતક ઉપપ્લુત સ્થાનો કહી શકાય. હવે વિચારીએ ધર્મપુરુષાર્થના ઘાતક ઉપદ્રવકારી સ્થાનનો ત્યાગ :

૪) અનાયતન ત્યાગ : અનાયતન એટલે એવાં સ્થાન કે જ્યાં રહેવાથી વ્યકિતનાં સંસ્કારોના- ધર્મવૃત્તિના ભુક્કા બોલાઈ જાય. જ્યાં જુગારી- દારુડિયા- વેશ્યા વગેરેના નિવાસ હોય એની આસપાસના ઘરોમાં વાસ, એ અનાયતન છે. આવા વર્ગની નિકટ વસવાથી વ્યકિતના એના પરિવારનાં સંસ્કારો- ધર્મભાવના ઝડપથી ખતમ થવા માંડે અને દેખાદેખી વગેરેથી પેલા વર્ગનાં દૂષણો આમનામાં પ્રવેશવા માંડે.

અરે ? ક્યાંક પેલા જુગારી વગેરે વર્ગની આસપાસનો નિવાસ ન હોય અને છતાં નિમિત્તવશ- કારણવશ પરિવારમાં સંસ્કાર ખતમ થવાનું વાતાવરણ સર્જાય તો તે સમયે તે સ્થાનને ઉપદ્રવકારી સમજી- અનાયતના સમજી એનો પણ ત્યાગ કરવો. ખબર છે પેલા શ્રેષ્ઠીની વાત ?

સંપત્તિ- સંસ્કાર અને સમજણ, ત્રણેય થી સમૃદ્ધ શ્રેષ્ઠીના પરિવારની એકની એક યુવાન પુત્રવધુ. સમૃદ્ધ પરિવાર એટલે ઘરમાં કાંઈ ખાસ કામકાજ નહિ. એને એક આદત થઈ ગઈ કે સમય મળે એટલે ઝરુખે ઊભી રહે. યોગાનુયોગ એવું બન્યું કે શ્રેષ્ઠીની બરાબર સામેના ઘરમાં એક રૃપાળો.

આકર્ષક યુવાન રહેતો હતો. એકવાર એ એના ઘરની અટારીએ હતો અને બન્નેની નજરો મળી ગઈ. યુવાન વય અને આકર્ષણની પ્રબળતા, એટલે પુત્રવધૂ એ યુવાનને નીરખવામાં લટ્ટુ બની ગઈ. સમયે- કસમયે  મોડી રાતે- વહેલી સવારે એ ઝરૃખે પહોંચી જાય.

ચકોર શ્રેષ્ઠીનાં ધ્યાનમાં સમગ્ર પરિસ્થિતિ આવી ગઈ. એ સમજદાર હતા. એમણે માપી લીધું કે આમાં સમજાવટ કારગત નહિ થાય. કોઈ હોબાળો કરવાના બદલે, પરિવારમાં વ્યભિચારનું સંભવિત પાપ પાંગરતું અટકી જાય તે માટે શેઠે વ્યવસાયમાં નુકસાન આવ્યાનો દેખાવ કરી એ ઘર બદલી નાંખ્યું. દૂર નાના ઘરમાં રહેવા જવા દ્વારા એમણે પ્રથમ પગલું પુત્રવધૂ માટે અનાયતનરૃપ બની ગયેલ એ સ્થાનને ત્યાગવાનું ભર્યું.

બીજું પગલું એમણે એ લીધું કે નુકસાનીના નામે નોકર- ચાકરોને છૂટા કર્યા. આની સીધી અસર એ થઈ કે ગૃહકાર્યમાં ગળાડૂબ ડૂબી ગયેલ પુત્રવધૂનાં મનમાંથી પેલો યુવાન નીકળી ગયો. ફલસ્વરૃપે સદાચારરૃપ સંસ્કારનો અગ્નિસંસ્કાર થતો બચી ગયો.

દશ વૈકાલિક આગમમાં શ્રમણો માટે ધાર્મિક દૃષ્ટિબિંદુથી અનાયતનત્યાગની વાત કરતાં આ ગાથા પ્રસ્તુત કરાઈ છે કે :

અનાયણે ચરંતસ્સ, સંસગ્ગીએ અભિક્ખણં ;
હુજ્જ વયાણં પીલા, સામણ્ણંમિ અ સંસઓ..'

ભાવાર્થ કે જે શ્રમણ ધર્મદૃષ્ટિએ વર્જ્ય અનાયતન સ્થાનોમાં પરિભ્રમણ કરે- કુશીલ વ્યકિતનો સંસર્ગ કરે તો એના મહાવ્રતોમાં ઠેસ પહોંચે, એનાં શ્રમણપણામાં ય સંશય સર્જાય. અલબત્ત, શ્રમણનાં અનાય- તનસ્થાનો અલગ છે. પરંતુ તે છતાં એટલું જરૃર વિચારી શકાય કે જો શ્રમણને પણ એમનાં  અનાયતનસ્થાનો વર્જ્ય છે તો આપણને આપણા અનાયતનસ્થાનો કેમ વર્જ્ય ન હોય ?

છેલ્લે એક વાત : જો સંપત્તિ લુંટાય એવાં સ્થાને વસવું જોખમી છે, તો સંસ્કાર લુંટાય તેવાં સ્થાને વસવુંય જોખમી છે..


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments