Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિનેમેજિક - અજિત પોપટ

વનરાજ ભાટિયાએ 'અંકૂર'માં ઓછાંમાં ઓછાં વાદ્યોથી કમાલ કરેલી

જયકિસન માટે એમ કહેવાતું કે જે તે દ્રશ્યમાં એક દોરોય આઘુપાછું થાય નહીં એટલી ચોક્સાઇથી જયકિસન બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરતા

આજે હયાત હોય એવા સિનિયર મોસ્ટ સંગીતકારોમાં જેમનું નામ ગૌરવપૂર્વક લઇ શકાય એવા વનરાજ ભાટિયાની વાત આપણે શરૃ કરી છે. એમનાં ગીતો માણીએ એ પહેલાં એક આડવાત જરૃરી બને છે. આજે મોટા ભાગની જાહેરખબરની જિંગલ્સ એકાદ બે પંક્તિની દસથી વીસ સેકંડની માંડ હોય છે.

દુર્ગાબાઇ ખોટે સાથે વનરાજ ભાટિયાએ શક્તિ સિલ્ક મીલ્સની જે એડ માટે જિંગલ બનાવી એ પૂરી ત્રણ મિનિટની હતી.

૧૯૫૦ના એ દાયકામાં લાખની કાળા રંગની જે રેકર્ડઝ્ બનતી એમાં બંને તરફ ત્રણ મિનિટના ગીત રહેતાં.રેકર્ડની બંને બાજુ પૂરી ત્રણ મિનિટ ભરવી પડે એટલે એક તરફ ગીત હોય તો બીજી તરફ ભરવા માટે જિંગલ પણ એ રીતે બનાવવી પડે. શ્યામ બેનેગલનું ધ્યાન વનરાજ પર પડવાનું એક કારણ આ પણ હતું કે શક્તિની જિંગલ ત્રણ મિનિટની હતી.

અન્ય એક મહત્ત્વનો મુદ્દો પણ સમજવા જેવો છે. એ સમયના ટોચના સંગીતકારો માત્ર ગીતની તર્જ બનાવીને પોતાના સહાયકને આપી દેતા. બાકીનું ઇન્ટરલ્યૂડ કે મ્યુઝિક એરેંજિંગનું કામ સહાયકો કરતા. સંગીતકાર નૌશાદના એરેંજર હતા શફી મુહમ્મદ, શંકર જયકિસનના એરેંજર હતા સેબાસ્ટિયન, ખય્યામના એરેંજર હતા એનોક ડેનિયલ...વગેરે.

વનરાજ ભાટિયાની ખૂબી એ હતી કે એ સ્ટાફ નોટેશનના ખાં હોવા ઉપરાંત પોતે ટોચના એરેંજર હતા એટલે એમને બીજા પર ભરોસો રાખવાની જરૃર પડતી નહોતી. આમ છતાં હકીકત એ છે કે એમના ફાળે મોટે ભાગે પેરેલલ ફિલ્મો આવી. આપણે જેને કમર્શિયલ ફિલ્મો અને બીગ બેનર્સ ફિલ્મો કહીએ છીએ એવી ફિલ્મો વનરાજના ફાળે ન આવી.

એને નસીબનો ખેલ ગણી શકાય. જો કે શ્રીમંત વેપારી પરિવારના હોવાથી એ પોતાની મોજ અને નિજાનંદ માટે કામ કરતા હતા, ફક્ત પૈસા કમાવાની એમની ઇચ્છા કે જરૃરિયાત નહોતી. એટલે પોતે ટોચના બેનર્સની કે કમર્શિયલ ફિલ્મો નથી કરતા એ વાતથી એમને કશો ફરક પડતો નહોતો. આટલી પૂર્વભૂમિકા પછી હવે આપણે એમનાં ગીત-સંગીતની વાત કરીએ.

વનરાજ ભાટિયાની સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ અંકુર યોગાનુયોગે શ્યામ બેનેગલની પણ ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી. પાછળથી ડાયરેક્ટર બનેલા ગોવિંદ નિહાલાની એના સિનેમેટોગ્રાફર હતા.

આજે ભૂલાઇ ગયેલો અભિનેતા અનંત નાગ એનો હીરો અને શબાના આઝમી એની હીરોઇન હતી. ૧૯૫૦ના દાયકામાં આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં બનેલી એક સત્યઘટના પર આ ફિલ્મની કથા આધારિત હોવાનું જણાવાયું હતું.

એને ત્રણ નેશનલ એવોર્ડ મળવા ઉપરાંત બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ગોલ્ડન બેરનું નોમિનેશન પણ મળેલું. ઊજળિયાત જમીનદાર અને દલિત યુવતી વચ્ચેના લગ્નબાહ્ય સંબધોની અને જમીનદાર દ્વારા ગુજારાતા અત્યાચારની વાત હતી.

એટલે એનું સંગીત એેક પ્રકારનો પડકાર હતો. પાછળથી જેને આર્ટ ફિલ્મ તરીકેની ઓળખ આપવામાં આવી એવી આ પહેલી ફિલ્મ હતી. એમાં શરાબનું વ્યસન, જ્ઞાાતિ-જાતિવાદ, અમીર-ગરીબ, બાળલગ્ન, લગ્નબાહ્ય સંબંધો, અનૌરસ સંતાન અને ધાર્મિક માન્યતાઓ જેવા મુદ્દા સમાવી લેવાયા હતા. આ પ્રકારની ફિલ્મમાં ગીત-સંગીતને ખૂબ ઓછો અવકાશ હતો.

ફિલ્મમાંજમીનદારનો પુત્ર (અનંત નાગ ) ૧૯૫૮માં રજૂ થયેલી સંગીત પ્રધાન ફિલ્મ સોલવા સાલના એક ગીત યહી તો હૈ વો...ની રેકર્ડ વગાડે છે એવું દ્રશ્ય ફિલ્માવાયું હતુંં. એ જોઇને આપણને કેતન મહેતાની મિર્ચમસાલા યાદ આવી જાય જેમાં નસીરુદ્દીન શાહ ગ્રામોફોન પર જૂનું હિટ ગીત વારંવાર વગાડે છે.

એ દ્રષ્ટિએ વિચારીએ તો આ ફિલ્મમાં કથા, લોકેશન અને પ્રસંગોને અનુરૃપ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરવાનું હતું.

ઓછામાં ઓછાં વાદ્યો દ્વારા પણ વનરાજે જે કમાલ કરી હતી એ તો તમે અંકુર ફિલ્મ જોઇ હોય તો જ તમને ખ્યાલમાં આવે. અગાઉ ૧૯૫૦ અને '૬૦ના દાયકામાં (શંકર ) જયકિસન માટે એમ કહેવાતું કે જે તે દ્રશ્યમાં એક દોરોય આઘુપાછું થાય નહીં એટલી ચોક્સાઇથી જયકિસન બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરતો.

એવીજ અણીશુદ્ધ ચોક્સાઇ ફિલ્મ અંકુરમાં આપણને વનરાજના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં જોવા મળે. ખરજનો ઘુંટાયેલો કંઠ હોવા છતાં અમિતાભ બચ્ચનને સુનીલ દત્તની રેશમા ઔર શેરામાં મૂગાનો રોલ ભાગે આવેલો એમ અહીં વનરાજ ભાટિયાને ગીતોના સ્વરનિયોજનને બદલે ફક્ત બેકગ્રાઉન્ડ સંગીતથી સંતોષ માનવાનો આવેલો.  

અહીં ઔર એક આડવાતથી આજનો એપિસોડ આટોપી લઇએ. આ ફિલ્મને ભલે આર્ટ ફિલ્મ તરીકે ઓળખાવાતી હોય. માત્ર પાંચ લાખ રૃપિયાના ખર્ચે નિર્માતા લલિત બિજલાનીએ બનાવેલી આ ફિલ્મે ૧૯૭૦ના દાયકામાં એક કરોડ રૃપિયાનો બિઝનેસ કરેલો.

એક તરફ અમિતાભ બચ્ચનનો એંગ્રી યંગ મેન ગર્જના કરતો હતો ત્યારે બીજી બાજુ શ્યામ બેનેગલની આ આર્ટ ફિલ્મે ધાર્યા કરતાં ખાસ્સો મોટો બિઝનેસ બોક્સ ઑફિસ પર નોંધાવ્યો હતો.                            

(ક્રમશઃ)


 

Post Comments