Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

ટાઈટેનિક : એટલાન્ટિક પર તરતી કરૃણકથા

ડિરેક્ટર : જેમ્સ કેમેરોન

લંબાઈ : ૧૯૫ મિનિટ

રિલિઝ : નવેમ્બર, ૧૯૯૭

કલાકારો : લિઓનાર્દો કેપ્રિયો, કેટ વિન્સ્લેન્ટ, બિલી ઝેન, બિલ પેક્સ્ટન, વિક્ટર ગ્રેબર, બર્નાર્ડ હીલ, જોનાથન હાઈડ

 

વીસમી સદીની શરૃઆતમાં થયેલા ટાઈટેનિકના અકસ્માત પર ફિલ્મ સર્જવાનો વિચાર કેમેરોનને કેમ આવ્યો અને કઈ રીતે ફિલ્મ બનાવવા સુધી પહોંચ્યા તેની વાત ગયા અઠવાડિયે કરી. આ વખતે દરિયા પર ૩ કલાકની સફર કરાવતી ફિલ્મની ભવ્ય કથા માણીએ..

બ્રિટનના સાઉથમ્પટન બંદરે રેલવે સ્ટેશને હોય એવી ભાગ-દોડ ચાલી રહી છે. મુસાફરોને પોતાનું જહાજ પોતાને મુકીને નીકળી ન જાય એ ડર છે. મુસાફરોને વળાવવા આવેલા લોકો જહાજની ભવ્યતાથી અંજાયેલા છે.

ડોક એટલે કે બંદર પર કામ કરતા લોકોના અચંબાનો પણ પાર નથી. કેમ કે સૌ કોઈ નજર સામે, કેટલાક ફીટના અંતરે જ દુનિયાના સૌથી જાજરમાન જહાજ 'રોયલ મેઈલ શીપ (આરએમએસ) ટાઈટેનિક' જોઈ રહ્યા છે.

જહાજના વિવિધ વર્ગમાં વિવિધ પ્રકારના મુસાફરો ગોઠવાઈ રહ્યા હતા. ધનપતિઓ માટે ફર્સ્ટક્લાસની સુવિધા હતી, જ્યારે નીચે ભીડભાડવાળો વિસ્તાર થર્ડ ક્લાસના મુસાફરો માટે રખાયો હતો. થોડી વારે ધનપતિ કાલ હોકલીની સવારી આવી પહોંચી.

પોતાની સાથે મોંઘી કાર, નોકર-ચાકર સહિતનો તેમનો સામાન હતો. એ બધાથી પણ મોંઘી ચીજ હતી એ તેમનો અહંકાર. સાથે એક સુંદર કે પછી અતી સુંદર યુવતી હતી. રોઝ નામની એ કન્યા કાલની ભાવિ પત્ની હતી. યુવાનીમાં પ્રવેશી રહેલી રોઝનું ધ્યાન રાખવા માટે સાથે તેની માતા રૃથ પણ હતી.

બંદરકાંઠે કેટલાક લોકો પત્તા રમી રહ્યા હતા. એ રમતમાં જેક ડોવસન અને તેનો મિત્ર ટાઈટેનિકની ટિકિટ જીતી ગયા. માટે પોતાનો જેવો-તેવો થેલો લઈને જહાજ ઉપડી જાય એ પહેલા બન્ને દોડીને ટાઈટેનિકમાં ઘૂસી ગયા. એમને કંઈ અમેરિકા જવાનું આયોજન ન હતું.

પણ રમતમાં ટિકિટ જીતી ગયા તો અમેરિકા જવામાં વાંધો પણ ન હતો. આમેય ચિત્રકામ કરતો જેક ભલે દેખાવે મુફલિસ હતો, પણ જ્યાં-ત્યાં ફરેલો હતો. અગાઉ અમેરિકા પણ જઈ આવ્યો હતો. જિંદગી ક્યારે ક્યાં લઈ જાય એ તેને ખબર ન હતી, પણ જ્યાં લઈ જાય ત્યાં જવામાં વાંધો પણ ન હતો.

રોઝ-કાલની જોડી દેખાવે તો 'મેડ ફોર ઈચ-અધર' જેવી પણ, હકીકતમાં 'બેડ ફોર ઈચ-અધર' જેવી હતી. રોઝના પિતાના અવસાન પછી આર્થિક દોર-દમામ ટકી રહી એટલા માટે માતા રૃથે ઉતાવળે જ કાલ સાથે સગાઈ નક્કી કરી નાખી હતી. ૧૭ વર્ષની રોઝને કાલ ગમતો ન હતો, તેનાથી પણ વધુ નફરત તેને ધનપતિઓની રીતભાતથી હતો.

ખાસ પ્રકારે ચાલવું, ખાસ પ્રકારે જ ખાવું, ખાસ પ્રકારે જ વાત કરવી.. વગેરે નિયમો પાળવાના.. વગેરે વાતો ઊચ્ચવર્ગ માટે બહુ મહત્ત્વની હતી. એમ કરવામાં તેમને સતત દંભભર્યું જીવન જીવવું પડે. પણ રોઝને તલાશ સહજ રીતે જીવાતી જિંદગીની હતી.

એક રાતે રોઝે નક્કી કર્યું કે આ રીતે જીવવા કરતાં મરવામાં શું ખોટું? એ જહાજના ડેક પર જઈ એટલાન્ટિકના ટાઢાબોળ પાણીમાં કુદીવાની તૈયારી કરતી હતી. પણ જેકે તેને અટકાવી. પોતાની થનાર પત્નીને બચાવવા બદલ કાલે જેકને પોતાની સાથે જમવા આમંત્રણ આપે છે. બાકી થર્ડ-ક્લાસના મુસાફર જેકને ક્યારે ફર્સ્ટ-ક્લાસના ડાઈનિંગ રૃમમાં પ્રવેશ મળે?

હકીકતે કાલ એવુ ઈચ્છતો હતો કે જેક આવે તો આપણુ બે ઘડી મનોરંજન થાય! જેક આવે છે, મનોરંજન કરે છે અને પોતાનું મનોરંજન પણ મેળવે છે. કેમ કે એ પછી રોઝ સાથે તેની મુલાકાત વધતી જાય છે.

ચિત્રકળાની જાણકાર રોઝને ખબર પડી કે જેક તો ચિત્રકાર છે એટલે બન્નેની મૈત્રી ગાઢ બની. રોઝ જે પ્રકારની મુક્ત, કોઈ બંધન વગરની, મન પડે એ કરી શકાય એવી જિંદગીની કલ્પના કરતી હતી એ જેક તેની સામે જ જીવતો હતો. માટે રોઝ ધીમે ધીમે તેના તરફ ઢળતી ગઈ.

જેકે પણ રોઝને ગમે તેવું તેનું નિર્વસ્ત્ર ચિત્ર તૈયાર કરી આપ્યું. બન્ને વચ્ચે પ્રેમ થયો. દુનિયા શું કહેશે કે કરશે તેની પરવા કર્યા વગર જેક-રોઝ મળવા લાગ્યા. રોઝના થનાર પતિદેવ કાલને એ વાત ન ગમી એટલે પછી તેણે આખરી રાસ્તા તરીકે જેક ને ચોરીના ખોટા આરોપમાં ભંડકિયામાં કેદ કરાવી દીધો.

જહાજની અંદર પ્રેમકથાની ગરમી ચાલતી હતી, ત્યારે સપાટી પર એટલાન્ટિકની ઠંડી છવાઈ ગઈ હતી. હિમશીલાના વિસ્તારમાં જહાજ જેમ આગળ વધતુ જતું હતુ એમ તાપમાન ઘટતું જતું હતુ. જહાજના બનાવનારા વિક્ટર ગેબર, જહાજી કંપનીના ડિરેક્ટર પૈકીના એક બુ્રસ, છેલ્લી સફર પૂરી કરીને નિવૃત્ત થવા જઈ રહેલા કેપ્ટન એડવર્ડ સ્મીથ વગેરે આમ-તેમ આંટા ફેરા કર્યા કરતા હતા.

ડિરેક્ટર બુ્રસની ઈચ્છા એવી હતી કે જહાજ નક્કી કરેલા સમય કરતા વધુ ઝડપથી એટલાન્ટિક પાર ન્યૂયોર્ક પહોંચે. લેમન-ટી પીવાના શોખીન કેપ્ટન સ્મીથ જહાજની સ્પીડ વધારવાના સમર્થક ન હતા. પણ ડિરેક્ટરની ઈચ્છા સામે તેમણે ખાસ દલીલ ન કરી. જહાજે ગતી પકડી.

એટલાન્ટિકમાં એ સિઝન હિમશીલાની હતી, માટે ધ્યાન રાખવા બે નાવીકોને ઊંચે ટાવર પર બેસાડયા હતા. ઠંડીમાં ઠૂઠવાતા નાવિકોના ધ્યાને એક હિમશીલા ચડી. તેની માહિતી તત્કાળ કેપ્ટન સુધી, ત્યાંથી બોઈલર રૃમ સુધી, એન્જિન રૃમ સુધી પહોંચાડાઈ.

જહાજના એન્જિનો બંધ કરી દેવાયા, શક્ય એટલી શક્તિશાળી રીતે બ્રેક મારવામાં આવી, આખરી ઉપાય તરીકે જહાજને રિવર્સ ચલાવવામાં આવ્યું. પણ ૪૫ હજાર ટનથી વધુ વજન ધરાવતુ ટાઈટેનિક તુરંત તો ઉભી ન જ શકે ને!

જહાજ અને હિમશીલા વચ્ચે અથડામણ થઈ. જોકે એ જરાક ઘસરકો જ હતો, શીલા જહાજના પડખાને ઘસાઈને નીકળી ગઈ. ડૂબી ન શકે એવી ઓળખ ધરાવતા જહાજના પડખામાં તીરાડ પડી, પાણી ભરાવાની શરૃઆત થઈ.

એ વખતે મધરાત હતી, ઘણા મુસાફરો પથારીમાં હતા. ગંભીરતા પારખીને કેપ્ટને સૌ કોઈને લાઈફ-જેકેટ પહેરવાનો આદેશ આપી દીધો. જહાજ બનાવનારા ગેબરે તો ત્યાં સુધી કહી દીધું કે ૨ કલાકથી વધુ સમય તરતા રહી શકીશું નહી. ભલે થોડી વાર પહેલા આપણે સૌ આ કદી ન ડૂબે એવુ જહાજ છે, એવો ફાંકો મનમાં રાખતા હતા!

ફર્સ્ટ ક્લાસના મુસાફરોમાંથી મહિલા અને બાળકોને પહેલા જહાજ સાથે ગોઠવાયેલી લાઈફ-બોટમાં ગોઠવી દરિયામાં રવાના કરવાની શરૃઆત થઈ. જહાજનો આગળનો ભાગ સતત નમતો જતો હતો. કેટલાક મુસાફરો સમજી ગયા કે ગરબડ ગંભીર છે, જ્યારે ફર્સ્ટ ક્લાસના કેટલાક મુસાફરો તો હજુય પોતાની શાહુકારી પડતી મુકતા ન હતા.

એટલાન્ટિકનું ઠંડુ પાણી સતત જહાજમાં ઘૂસી રહ્યું હતુ અને એક પછી એક માળ, સ્વીમિંગ પુલમાં ફેરવાઈ રહ્યા હતા. એ વખતે જેક તો નીચેના કોઈ ખાનામાં હાથકડી પહેરાવેલી સ્થિતિમાં હતો. મહિલાઓની બોટમાં રોઝને સ્થાન મળતું હતુ, પણ તેણે એકલા બચી નીકળવા કરતા જેકને શોધવા ફરી જહાજના નીચેના ભાગમાં જવાનું પસંદ કર્યુ.

થર્ડ ક્લાસની કેબિનોમાં તો ઉંદરનો પાર નથી, એવી મજાક કરતા ફર્સ્ટ ક્લાસના મુસાફરો પણ હવે બચવા માટે થર્ડ ક્લાસના મુસાફરો જેવાં જ હવાંતિયા મારી રહ્યા હતા. મોતના ખૌફથી બધાનો દરજ્જો સમાન થઈ ગયો હતો.

કેપ્ટને બચાવ માટે સંદેશા રવાના કર્યા હતા, પરંતુ નજીકમાં રહેલી સ્ટીમર 'કાર્પેથિયા' આવે ત્યાં સુધીમાં ૪ કલાક તો જવાના જ હતા. અહીં સમય વધુમાં વધુ ૨ કલાકનો હતો. જહાજની ક્ષમતા પર વધારે પડતો વિશ્વાસ રાખીને 'વ્હાઈટ સ્ટાર લાઈન' કંપનીએ પૂરતી લાઈફ બોટ પણ ગોઠવી ન હતી.

મધરાતે એક સમય એવો આવ્યો, જ્યારે જહાજ દરિયામાં ઉભું થયું, પોતાના વજનથી બે ટૂકડામાં ફેરવાયુ અને બન્ને ટૂકડા ડૂબવા લાગ્યા. લાઈફ-બોટમાં સવાર લોકો શક્ય એટલા દૂર નીકળ્યા હતા. જહાજમાં હતા એ લોકો પોતાને મળ્યું એ તરણુ શોધીને તરી રહ્યાં હતા. એટલાન્ટિકના અત્યંત ઠંડા પાણીમાં તરવું કે ટકી રહેવું બહુ મુશ્કેલ હતું. રોઝે એ બધી મુશ્કેલી વચ્ચે પણ પોતાના પ્રેમી જેકને બંધનમાંથી છોડાવી લીધો હતો.

પણ હવે એ બન્ને એટલાન્ટિકના બંધનમાં બંધાઈ ગયા હતા. એક લાકડા પર રોઝ હતી, સાથે જેક તરતો હતો. બન્ને પ્યારભરી વાતો કરતાં હતા.. થોડી વારે ખાલી થયેલી બોટ તેમને બચાવવા આવી. ત્યારે રોઝને ખબર પડી કે પોતાના હાથમાં હાથ રાખીને તરી રહેલો જેક તો ક્યારનો પ્રાણ ગુમાવી ચૂક્યો છે.

એક તરફ વૈભવશાળી ટાઈટેનિક જહાજ ડૂબ્યું, તો બીજી તરફ રોઝને થોડા દિવસો માટે મળેલો જિંદગીનો તારણહાર પણ ડૂબી ગયો હતો.

૩ કલાક કરતા વધુ સમય સુધી ચાલતી હોવા છતા કથા કોઈને છટકવા નથી દેતી. એ ફિલ્મની વધુ વાતો હવે પછી..
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments