Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

સિકારીઓ : સિદ્ધાંતોને વળગી રહીશું તો ગુનેગાર પકડાશે?

ડિરેક્ટર : ડેનિસ વિલનાવ

લંબાઈ : ૧૨૧ મિનિટ

રિલિઝ : સપ્ટેમ્બર, ૨૦૧૫

કલાકારો : બેનિસિઓ ડેલ તોરો, એમિલી બ્લન્ટ, જોશ બ્રોલિન

 

મેક્સિકોની સરહદેથી અમેરિકામાં અઢળક ડ્રગ્સ ઠલવાય છે. અમેરિકાની એ બહુ મોટી સમસ્યા છે. સરહદની પેલે પાર રહીને વેપાર કરતાં એક ડ્રગ્સ લોર્ડને પકડવાનું કામ ૩ સભ્યોની એક ટુકડીએ માથે લીધું છે. સિકારીઓમાં એ રસપ્રદ ઓપરેશન રજૂ થયું છે..

અમેરિકાની દક્ષિણે મેક્સિકો નામનો નાનકડો દેશ છે. દેશ નાનો પણ અમેરિકા માટે માથાનો મોટો દુ:ખાવો છે. કેમ કે ત્યાંથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી બહુ મોટા પાયે થાય છે. બીજી જફા ડ્રગ્સની છે. સરહદ પારથી અમેરિકામાં પ્રચંડ માત્રામાં ડ્રગ્સ ઘુસાડાતું રહે છે.

એટલા માટે જ તો વર્તમાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મેક્સિકો સરહદે કાયમી ઉપાય તરીકે દીવાલ બાંધવી છે. દીવાલ બંધાય ત્યારે ખરી પણ અત્યારે તો અમેરિકાની વિવિધ સુરક્ષા એજન્સીઓ સરહદ સંભાળી રહી છે. તેની જ વાત આ ફિલ્મમાં છે.
    
'ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)'ની લેડી ઓફિસર કેટ મેસર અને તેના સાથીદાર રેગીએ એક દિવસ સરહદ પર આવેલા એક ગોડાઉન પર રેડ પાડી.

એ મકાન મેક્સિકોના ગુંડાઓ માટે આશ્રયસ્થાન હોવાની તેમને શંકા હતી. ત્યાં કદાચ ડ્રગ્સ પણ છૂપાવેલું હોય. રેડ પાડી ત્યારે મકાનમાં એકાદ યુવકને બાદ કરતાં ખાસ કંઈ દેખાયુ નહીં. પણ ગોળીબારીમાં તૂટેલી દીવાલ જોઈ ત્યારે ખબર પડી કે દીવાલમાં ઠેર ઠેર લાશો ભરી રખાયેલી છે.

અનારકલીની માફક જ લાશો પણ પ્લાસ્ટીકમાં બંધ કરી ચણી લેવાઈ હતી. એ બધી લાશો ગેરકાયદેસર રીતે મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશેલા ઈમિગ્રન્ટની હતી. અહીં તેમને પૈસાની લાલચમાં માફિયાઓએ કેદ કરી રાખ્યા હતા. કુલ મળીને ૩૫ લાશો હતી. એ મકાન વળી મેન્યુઅલ ડિઆઝ નામના ડ્રગ્સ માફિયા માટે કામ કરતાં વ્યક્તિ નામે હતું.

એ મિશન સફળતાપૂર્વક પાર પાડયા પછી ઉપરી અધિકારીએ બોલાવીને કેટ તથા રેગીને સૂચના આપી કે તમારે હવે વધારે મહત્ત્વનું કામ કરવાનું છે. ડ્રગ્સના દાણચોરને પકડવાના છે અને સરહદે જમીન નીચે તૈયાર કરવામાં આવેલી ટનલ શોધવાની છે.

અલબત્ત, એ કામ માત્ર આ બે વ્યક્તિએ નથી કરવાનું. આખી ટીમ છે, તેનો ભાગ બનીને એફબીઆઈના આ બે એજન્ટોએ કામ કરવાનું છે. મેક્સિકોની સરહદ પર કેટને અનેક કેસ સોલ્વ કરવાનો અનુભવ છે. માટે 'ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ'ને આ મિશન માટે તે વધારે યોગ્ય લાગી છે.

કેટની મુલાકાત નવી ટીમના ઈન્ચાર્જ મેટ ગ્રેવર સાથે થાય છે. પગમાં સાદા સ્લીપર અને નાઈટ ડ્રેસ જેવો પોશાક પહેરેલા એ ભાઈ ડ્રગ્સ માફિયાને પકડવાનું કામ કરશે એવું પહેલી નજરે કોઈને લાગે નહીં. પણ એ જ એમનું કામ છે. બીજા દિવસે મેટ, કેટ એક પ્રાઈવેટ વિમાનમાં સવાર થઈ સરહદ પાસે આવેલા અલ પાસો વિસ્તારમાં ઉપડયા છે. વિમાનમાં કેટની મુલાકાત એલજાન્દ્રો ગિલિક સાથે થાય છે. એ મેટનો પાર્ટનર છે.

સરહદ પર એક સ્થળે ઉતર્યા પછી તેમની સાથે બીજા કેટલાક લડવૈયાઓ જોડાયા. બધા ગાડીમાં સવાર થઈ નીકળી પડયાં. સરહદની ચેક પોસ્ટ પર ગાડીની તપાસ થઈ રહી છે. એ લાંબી લાઈનમાં જ કેટલાક ડ્રગ્સ માફિયાઓ સંતાયેલા છે. મેટ તેમની કશી પૂછપરછ કરવાને બદલે ગોળી ધરબી સૌની હત્યા કરી નાખે છે.

કેટ અને રેગી તો કાયેદસર કામ કરવા ટેવાયેલા છે. તેમને આ પ્રથા માફક નથી આવતી. કંઈ પૂછ્યા વગર સીધા મારી નાખવાના? સામે મેટ અને એલજાન્દ્રો તેમને એમ સમજાવે છે કે આ બધા ગુનેગારો છે. તેમની સાથે આ રીતે વર્તન કરીએ તો જ આપણું કામ થાય. સિદ્ધાંતોને વળગી રહીશું તો ગુનેગારોને ક્યારે પકડીશું? કેટને વાત જરા આકરી લાગે છે, પણ એ જ વાસ્તવિકતા પણ છે.

મેટના હાથમાં ગુલિએર્મો નામનો ડ્રગ કાર્ટેલનો મહત્ત્વપૂર્ણ માણસ આવ્યો છે. તેની સાથે આગવી પૂછપરછ કર્યા પછી હવે ટનલ શોધવાની છે. કેટને હજુ સુધી પૂરી ખબર નથી કે તેણે કામ શું કરવાનું છે. માટે એ જઈને મેટને પૂછે છે કે અમને સાચી માહિતી આપો. ડ્રગ્સની શોધ કઈ રીતે કરવાની છે. મેટ તેને સમજાવે છે કે આપણે સામેથી ચાલીને આવે તો પણ મેન્યુઅલને પકડવાનો નથી. પરંતુ ડ્રગ્સનો ધંધો ભાંગી પડે એવી કામગીરી કરવાની છે.

ધંધો ધીમો પડશે એટલે મેન્યુઅલને તેનો બોસ ફુસ્ટો અલર્કોન મેક્સિકો પરત બોલાવી લેશે. આપણે ત્યાં સુધી રાહ જોવાની. જેવો મેન્યુઅલ પરત જવા રવાના થાય, એવો તેનો પીછો કરવાનો અને અલર્કોનને શોધી તેને ભડાકે દેવાનો. પ્લાન અફલાતૂન છે, પણ એ પ્રમાણે કામ થઈ શકે તો..

થોડા સમય પછી ખરેખર એવું જ થયું. મેન્યુઅલને પરત મેક્સિકો ફરવાનો આદેશ મળ્યો. કેમ કે સરહદની આ તરફ મેટ-કેટ-એલજાન્દ્રોની ત્રિપુટીએ તરખરાટ મચાવ્યો હતો. ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતાં બેન્ક ખાતાઓને સિલ કરી દેવાયા હતા. બીજી એક મહત્ત્વની સફળતા કેટનો હનીટ્રેપ તરીકે ઉપયોગ કરીને મળી હતી.

સરહદ પરના એક બારમાં ટેડ નામના યુવાનની મુલાકાત કેટ સાથે થઈ. બન્ને અંગત પળો માટે એક તરફ સરક્યા.. એ વખતે જ એલજાન્દ્રો આવી પહોંચ્યો અને યુવાનને પકડી લીધો. કેમ કે ટેડ કેટની શોધ કરવા જ અહીં સુધી આવ્યો હતો. કેટની જાણ બહાર જ તેનો હનીટ્રેપ તરીકે ઉપયોગ થયો હતો. પણ એમાં સફળતા મળી. ટેડને કંઈ સમજાતું પણ ન હતું અને જાણે-અજાણે તેની મદદથી કેસ ઉકલી રહ્યો હતો.

પકડાયેલા ટેડે કેટલીક મહત્ત્વની બાતમી આપી. એ પછી એક રાતે આખી ટુકડી સરહદ પર પહોંચી. અંધારામાં ટનલ શોધી કાઢી. સામે છેડે પહોંચ્યા ત્યારે ડ્રગ્સના પાર્સલ ભરાઈ રહ્યાં હતા. એલજાન્દ્રો એકલો જ એ ગાડી સુધી પહોંચ્યો.

ડ્રાઈવરને ગાડી ચલાવવા મજબૂર કર્યો. આગળ એક બીજી ગાડીમાં મેન્યુઅલ જઈ રહ્યો હતો. ત્યાં સુધી પહોંચ્યો. અને પછી ત્યાંથી છેક ડ્રગ્સ માફિયા અલર્કોન સુધી પહોંચ્યો. એ પછી કાયદેસરની કાર્યવાહી થાય ત્યાં સુધી રાહ જોવાની એલઝાન્દ્રો કે મેટની તૈયારી ન હતી. માટે ખેલ ત્યાં જ ખતમ. લાશ ઢળી ત્યારે ડ્રગ માફિયા અલર્કોન ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો...
    
ડેનિસ વિલનાવે ઓછી પરંતુ, મહત્ત્વપૂર્ણ ફિલ્મો આપી છે. 'અરાઈવલ' નામની પરગ્રહવાસીઓ આવ્યા હોય એવી ડેનિસની ફિલ્મ ૨૦૧૬માં આવી હતી અને તેને ૮ ઑસ્કર નોમિનેશન પણ મળ્યાં હતા. ડ્રગ્સની આ ફિલ્મ પણ વાસ્તવિકતા રજૂ કરે છે અને રસપ્રદ રીતે રજૂ કરે છે.

ડ્રગ્સ માફિયાના જામી ચૂકેલા બિઝનેસમાં ઘૂસ મારવી હોય તો ધિરજ જોઈએ, પરફેક્ટ પ્લાનિંગ જોઈએ. એ બન્ને ચીજો અહીં જોવા મળે છે. અમેરિકા ઘણો સાધન સંપન્ન દેશ છે અને ગુનેગારોને પકડવા માટે કટિબદ્ધ પણ છે. અમેરિકાની એ કટિબદ્ધતા પણ આ ફિલ્મમાં દેખાય છે. આ ફિલ્મન ઑસ્કરમાં ૩ નોમિનેશન મળ્યાં હતા, એવોર્ડ મળી શક્યો ન હતો.

'સિકારીઓ' એટલે શું?

સિકારીઓ એટલે હિટમેન એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત હત્યા કરવાનું કામ કરતો માણસ. સિકારીઓ એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. ફિલ્મ અમેરિકા અને મેક્સિકોની સરહદની વાત કરે છે. પરંતુ મેક્સિકો (અને બીજા અનેક મધ્ય તથા દક્ષિણ અમેરિકા ખંડના દેશો) પર સ્પેનનું વર્ષો સુધી રાજ હતું. માટે ત્યાં સ્પેનિશ ભાષા અત્યંત વ્યાપક છે.
 

Post Comments