Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

એસ્કેપ ફ્રોમ સોબિબોર: નાઝી નિષ્ફળતા, કેદીઓની સફળતાની પરાક્રમ કહાની

ડિરેક્ટર : જેક ગોલ્ડ

લંબાઈ : ૧૨૦  મિનિટ

રિલિઝ : એપ્રિલ ૧૯૮૭

કલાકારો : એલન એર્કિન, જોઆના પસુવા, રોટગર હાવર, હર્ટમટ બેકર, જેક શેફર્ડ

બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝી અધિકારીઓએ યહુદીઓની કત્લેઆમ કરી હતી. મોટી સંખ્યામાં યહુદીઓને કેમ્પમાં પુરી દેવાયા હતા. એવો જ એક કેમ્પ હતો સોબિબોર. એ કેમ્પ જોકે નાઝીઓને યાદ રહી ગયો કેમ કે કેદીઓ ત્યાંથી સફળતાપૂર્વક ભાગી નીકળ્યા હતા. નાલેશીની નિશાની બનેલો કેમ્પ નાઝીઓએ બંધ કરવો પડયો હતો. ૩૦ વર્ષ પહેલા આવેલી આ ફિલ્મ યુદ્ધની એ સત્યકથા રજૂ કરે છે.

ઈન ૧૯૪૨.. એવી પૂર્વભૂમિકા સાથે આ ફિલ્મ શરૃ થાય છે. ફિલ્મમાં પ્રવેશતા પહેલા એ માહિતી ઘણી ઉપયોગી થાય એમ છે. એટલે આપણે પણ જાણી લઈએ.

નાઝી સત્તાધિશોને યહુદી પ્રત્યે ભારે નફરત હતી. એ યહુદીઓનો કાયમી ઉકેલ લાવવા માટે હિટલરના ખાસ લશ્કરી અધિકારી હાઈનરિશ હિમલરે 'ઓપરેશન રાઈનહાર્ડ' લોન્ચ કર્યું હતું. ઓ ઓપરેશન દ્વારા હિમલરે લાખો નાઝીઓને મારી નાખવાની કામગીરી આરંભી દીધી હતી. મૃત્યુ સુધી પહોંચાડતા પહેલા તેમને 'ડેથ કેમ્પ'માં રાખવામાં આવતા હતાં.

ત્યાં જેટલા લોકો નાઝી માટે મજૂરી કરી શકે એમ હોય એટલાને જીવતા રખાતા હતા બાકી વૃદ્ધ-અશક્ત-મહિલા-બાળકોનો ખેલ ખતમ થઈ જતો.. એવો એક કેમ્પ પોલેન્ડમાં રશિયાની સરહદ પાસે આવેલા સોબિબોર ખાતે હતો. અહીંના કેદીઓએ નક્કી કર્યું કે ભાગવાનો પ્રયાસ કરીશું તો પણ મૃત્યુ પામીશું, નહીં કરીએ તો પણ મરીશું.. તો પછી શા માટે ખરાખરીનો ખેલ ખેલી ન લેવો...

હવે ફિલ્મની વાત.

સોબિબોર સ્ટેશને ઉભી રહેલી માલગાડીમાં ઠાંસીને ભરાયેલા યહુદીઓને ઉતારીને સોબિબોર કેમ્પ સુધી લવાયા. કેમ્પમાં પહેલેથી જ રહેલા યહુદીઓ જ આવીને ટ્રેન સ્ટેશને પોતાના યહુદી બાંધવોનું સ્વાગત કર્યું હતું. સ્વાગતમાં ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું હતું કે આવનારા યહુદીઓને ખબર ન પડે કે તેઓ મૃત્યુના મુખમાં જઈ રહ્યા છે. એક વખત કેમ્પમાં પહોંચ્યા પછી બચવાની વાત ભૂલી જવી રહી.

ટ્રેનમાંથી ઉતાર્યા ત્યારે જ સાથે રહેલા પરિવારજનો, મિત્રો વિખૂટા પડયાં. હવે તેઓ મળશે, ક્યારે મળશે, નહીં મળે.. તેમને ખબર નથી. કેમ કે બધાને એટલી ખબર છે કે નાઝી કેમ્પમાં આવ્યા પછી ભવિષ્ય શું હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી.

મોચી, દરજી, સુથાર વગેરે કામ કરી શકાય એવા કેદીઓને કેમ્પમાં પહેલેથી કામ કરતાં કેદીઓ સાથે રાખી દેવાયા. આ કેમ્પ મજુરો માટેનો કેમ્પ છે એવી આશા યહુદીઓને આપવામાં આવી છે. એટલે કે કેદીઓને મારી નાખવામાં નહીં આવે. કામ કરશે તેમને ખાવાનું મળશે.. સામે પક્ષે જર્મન અધિકારી પણ કેમ્પની ભવ્યતાનું વર્ણન કરતા માહિતી આપે છે કે સોબિબોરમાં કોઈને ટાઈફોઈડ નથી, માટે તમને ચેપ નહીં લાગે. છતાં પણ કોઈને રોગચાળો લાગુ ન પડે એટલા માટે સામુહીક સ્નાન કરવાનું રહેશે.

કેમ્પની ચાર દીવાલ વચ્ચે સાંજ પડયે કેદીઓને થોડી વાર છૂટા રહેવાની સગવડ મળે છે. જોકે ચો-તરફ કડક ચોકી-પહેરો ો છે જ એટલે રોમાન્સથી રમત સુધીની બધી પ્રવૃત્તિઓ દબાતા દબાતા થાય. જર્મનોમાં તો માનવતા નથી જ હોતી પણ, કામ કરતાં યહુદીઓ અને તેમની પાસેથી કામ લેતા યહુદીઓ પણ નિષ્ઠુર બની ચૂક્યા છે.

એક થાળી ભોજન માટે મારામારીની કેમ્પમાં કોઈ નવાઈ નથી હોતી. બીજાની મદદ કરે તો પોતે શુું ખાય એવી જ બધાની સ્થિતિ હોય. આવી નાની-નાની લડાઈ અટકાવી કેમ્પમાં પહેલેથી હાજર એક યહુદી સમજાવે કે લડવું જ હોય તો જર્મન સામે લડો, અંદરોઅંદર લડી શક્તિ વેડફવાનો કોઈ મતલબ નથી. એમની વાત પણ સાચી છે.

આજે નવા આવેલા કેદીઓ પૈકી કેટલાકને નહાવા માટે વિશાળ ખંડમાં લઈ જવાયા. તેમની સાથે હતા એ મિત્રોએ ઘણો સમય રાહ જોઈ.. સામુહીક બાથરૃમનો દરવાજો હજુ કેમ ખુલ્યો નહીં? પણ પછી ખબર પડી કે નહાવાનો હોલ હકીકતે મૃત્યુનો હોલ છે. ત્યાં ગયા એમણે કોઈએ ન્હાવાનું ન હતું, જીવનથી નાહી નાખવાનું હતું. એ રોજનો ક્રમ છે. રોજ ટ્રેન આવે, કેદી ઉતરે, એમાંથી ૮૦-૯૦ ટકા કેદી કોઈ કામના ન હોય એટલે એમને નહાવા મોકલી દેવાય. ખેલ ખતમ!

કોઈનું પણ મોત બાતલ ન જાય એટલે મૃત્યુ પહેલા સૌ કોઈના વસ્ત્રો કાઢી લેવામાં આવે. એ વસ્ત્રો બીજાને કામ આવે એટલા માટે.. મૃત્યુ આપવાની રીત પણ ક્રૂર કેમ કે તેમને જીવતા સળગાવી દેવામાં આવતા હતા. કોઈ ભાગવાનો પ્રયાસ કરે તો જર્મન શેફર્ડ પ્રકારના કૂતરાંની ફોજ તેમને ફાડી ખાય.

બળીને મરવું કે કૂતરાંના દાંત વચ્ચે કપાઈ જવું.. કેદી પોતાની રીતે વિકલ્પ પસંદ કરી શકે. કેમ્પમાં મહિલાઓ કામ કરતી હોય ત્યાં બાળકોને રાખવાની સદંતર મનાઈ. પણ એક માતાએ પોતાના ઘાવણા બાળકને સાથે રાખ્યું હતું, સંતાડી સંતાડીને. એક દિવસ નાઝી અધિકારીને ખબર પડી એટલે મા-સંતાન બન્નેને ગોળી મારી દીધી.

આવા જીવન વચ્ચે ભાગવાનો પ્રયાસ ન થાય એવુ તો કેમ બને? પણ કોઈ ભાગતા પકડાય તો તેને વિચિત્ર રીતે મોત આપવામાં આવે. જેટલા લોકો ભાગતા પકડાય એટલા જ બીજા કેમ્પમાંથી પસંદ કરી તેમને પણ મારી નાખવામાં આવે. વળી કેમ્પમાંથી કોણ મૃત્યુ પામશે એ ભાગનારા કેદી પોતે પસંદ કરી શકે. મૃત્યુનો સાથીદાર પસંદ કરવાની તેમને છૂટ! બધાને મોત ફાયરિંગ વડે આપવામાં આવે અને એ ફાયરિંગ બધા કેદીએ ફરજિયાત પણે જોવું પડે.

આવા ભયંકર કેમ્પમાં રેયોન નામના કેદીનું મગજ કામ કરતું બંધ નથી થયું. તેણે ભાગવા માટેનો લાર્જર ધેન લાઈફ આઈડિયા રજૂ કર્યો. એક-બે કેદીઓ ભાગે અને પકડાય તો બીજા નિર્દોષ કેદીઓએ પણ મરવાનું થાય. એટલે એક-બે નહીં એક સાથે ૬૦૦ કેદી ભાગશે. નાઝીઓએ ક્યારેય વિચાર્યું જ ન હોય એવુ રેયોનનું પ્લાનિંગ હતું. રેયોને ટીમ બનાવી, બધા મહત્ત્વના કેદીને અલગ અલગ કામ સોંપી દીધું. એક કામ હતું, કેદીઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જવાનું. કેમ કે બધા કેદી યહુદી ખરા પણ અલગ અલગ દેશના.

કેમ્પના રખોપાં કરવા માટે જર્મન પોલીસ પોલીસ શુઝસ્ટાફલ (એસ.એસ.)ના ૧૬ અધિકારીઓ અને લશ્કરના ૧૨૫ અધિકારીઓ હાજર છે. એમને થાપ આપીને કઈ રીતે ભાગવું? સુરંગ બનાવીએ તો ઘણો સમય જાય અને પછીય સફળતા મળે ન મળે.. તો શું કરવું. રેયોને બીજું અફલાતૂન આયોજન રજૂ કર્યું, જે જર્મનોએ ક્યારેય કલ્પ્યું પણ ન હોય.

એ આયોજન પ્રમાણે ફરી કામની વહેંચણી થઈ. એક દિવસે વિજય મૂહુર્ત નિકળ્યું, જ્યારે કેમ્પના બે સિનિયર અધિકારી બહાર ગયા. કેદીઓએ નક્કી કર્યા પ્રમાણે કામગીરી આરંભી. એ કામગીરી શું હતી અને કેવું હતું ભાગવાનું આયોજન એ રહસ્ય ફિલ્મ જોઈને સમજવા જેવું છે. માટે તેનો અહીં ખુલાસો રહેવા દઈએ.

જર્મન સરકારે તાળાબંધી કરી ત્યાં સુધીમાં ૩૦૦ કેદી ભાગી ચૂક્યા હતા. બીજા મૃત્યુ પામ્યા તો પણ ભાગતી વખતે મર્યાનો તેમને આનંદ હતો.

કેદ તોડીને ભાગવાના પ્રયાસોની કોઈ નવાઈ નથી, પણ આ એક અનોખો પ્રયાસ હતો. આ ફિલ્મ હકીકતે તો બ્રિટિશ ટેલિવિઝન માટે બની હતી. થોડી લાંબી ફિલ્મને પછી ટૂંકાવીને રજૂ કરવામાં આવી હતી. યુદ્ધના ઈતિહાસમાં કેવી કેવી કથા રચાતી હોય છે, તેનો આ ઉત્તમ નમૂનો છે.

જીવતા રહેલા કેદીઓએ પછી શું કર્યું?

મૂક્ત થયેલા ૩૦૦ પૈકી કેટલાકે પરસ્પર લગ્ન કર્યા, કેટલાક કાયમ મિત્ર બન્યા. ભાગવામાં સફળ થયેલા કેદી પૈકીના થોમસ બ્લાટ (બાજુનો ફોટો) નામના એક કેદી છેક ૨૦૧૫ સુધી જીવતા હતા. સોબિબોર ખાતે દર વર્ષે ૧૪મી ઓક્ટોબરે અંજલિ અપાતી હતી.

થોમસની માફક જીવતા કેદીઓ ત્યાં આવીને પોતાના સાથી મિત્રોને ભીની આંખે યાદ કરી પુષ્પાંજલિ આપતા હતા. સોબિબોરમાંથી કેદી ભાગ્યા પછી કેમ્પ તો બંધ કરી દેવો પડયો હતો. પણ કેમ્પનું સ્મારક આજેય જાળવી રખાયું છે. કેદીઓના શૌર્યની કથા ત્યાં જીવે છે.
 

Post Comments