Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

જુમાન્જી-૨ : જંગલમાં પંચના પરાક્રમ

જુમાન્જી નામની ગેમ રમવાનું શરૃ કર્યા પછી શું થાય..? ૧૯૯૫માં 'જુમાન્જી' નામે આવેલી ફિલ્મમાં એ વાતનો રસપ્રદ જવાબ અપાયો હતો. હવે બે દાયકે જુમાન્જીનો બીજો ભાગ આવ્યો છે.. ફરીથી ગેમ.. ફરીથી જંગલ... ફરીથી સંઘર્ષ..

ડિરેક્ટર : જેક કેસડન

લંબાઈ : ૧૧૯  મિનિટ

રિલિઝ : ડિસેમ્બર, ૨૦૧૭

કલાકારો :  ડ્વાયને જોન્સન, જેક બ્લેક, કેવિન હર્ટ, કેરન જિલિયન, બોબી કેનેવાલ


કોલેજમાં ડાંડાઈ કરતાં ચાર વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે બોલાવ્યા અને સજા આપી. સજા જોકે આકરી નથી, કાગળની સાફ-સફાઈની છે. ભંડકિયા જેવા ઓરડામાં કાગળના થપ્પામાંથી સ્ટેપલ પીન અલગ કરવાની છે. ચારમાંથી એક વિદ્યાર્થી વીડિયો ગેમ રમવાનો શોખીન છે, બીજો ફૂટબોલ પ્રેમી છે. બે કન્યા છે, જેમાંથી એકને સેલ્ફી લેવાનું ભારે વળગણ છે, જ્યારે બીજીને સ્કૂલની ભણાવાની પ્રથા જૂનવાણી લાગે છે. એટલે ચારેયને સજા થઈ છે.

જે ઓરડામાં કાગળની સફાઈ ચાલી રહી છે, ત્યાં એક ગેમ પણ છે. ગેમનું નામ છે, જુમાન્જી. એ શું છે એ કોલેજીયનોને ખબર નથી, રસ પણ નથી. પરંતુ કાગળથી કંટાળીને એ લોકો થોડીવાર પૂરતી ગેમ રમવાનું ચાલુ કરે છે. ગેમમાં કુલ પાંચ પાત્રના નામ સ્ક્રીન પર ચમક્યા, જ્યારે અહીં તો ચાર જ મિત્રો છે. એક પાત્રને બાજુ પર રાખીને ચારેયે પોતાને ગમે તેવા નામો પસંદ કરી ગેમ રમવાનું ચાલુ કરે છે. થોડી વારે ચારેય ગેમની ટીવી સ્ક્રીનમાં ખેંચાઈ જઈ અનોખા જંગલમાં પહોંચી જાય છે. એ જંગલનું નામ છે, જુમાન્જી!

હવે ચારેયના નામ અલગ છે. ડો.સ્મોલ્ડર બ્રેવસ્ટોન આર્કિયોલોજિસ્ટ, પ્રોફેસર શેલી ઓબરોન નકશા, સંકેત ઉકેલવામાં માસ્ટર છે, ફ્રેન્કલીન ફિનબર પ્રાણીશાસ્ત્રી છે, તો રૃબી રાઉન્ડહાઉસ ડાન્સ કરતી કરતી ફાઈટિંગ કરી શકે છે. ગેમ રમવાની શરૃ કરી ત્યારે બે યુવક, બેે યુવતી હતા. પણ જંગલમાં નવો અવતાર ધારણ કર્યા પછી એક યુવતી પણ પુરુષમાં કન્વર્ટ થઈ ગઈ છે. એટલે જંગલમાં કુલ ચાર વ્યક્તિ છે, જેમાં એક લેડી, બાકી જેન્ટ્સ.

જુમાન્જી નામના ભવ્ય જંગલમાં પ્રવેશ્યા એ સાથે જ તેમની મુલાકાત જુમાન્જીના ગાઈડ નાઈજેલ સાથે થઈ. તેણે આ ચારેયને માહિતી આપી : 'તમે હવે આ ગેમમાં છો. સામે એક કદાવર જેગુઆર (એક પ્રકારનો દીપડો)ના આકારનો પથ્થર દેખાય છે. એ જેગુઆર જંગલનું રક્ષણ કરે છે. તેના કપાળમાં એક કદાવર નીલમણિ હતો.

એ મણિ રસેલ નામના વિલને કાઢી લીધો છે. માટે આખુ જંગલ અને તેના પ્રાણી પણ રસેલ કહે એમ કરે છે. કેમ કે જેમની પાસે નીલા કલરનો હિરો, તેમનું જંગલ પર રાજ ચાલે. તમારે આ ગેમમાંથી બહાર નીકળવું હોય તો રસેલ પાસેથી હિરો મેળવીને જેગુઆરના માથા પર ચોંટાડવો પડશે.' માહિતી આપીને નાઈજેલ પોતાના રસ્તે પડયો.

અજાણ્યા જંગલમાં ચારેય મિત્રોએ પરસ્પરના વાંધા પડતા મુકી એક થઈને કામગીરી શરૃ કરી દીધી. ગેમના અંત સુધી પહોંચવા માટે વિવિધ ક્લુ મળે એ ઉકેલતા રહેવાના છે. જુમાન્જીમાં એક બજાર પણ છે. ચારેય ત્યાં પહોંચ્યા.

કોઈ બાળક તેમને એક ઓરડામાં લઈ ગયો. એ ઓરડામાં એક નકશો છે, જેના પર કાળોતરો સાપ બેઠો છે. સાહસ કરીને એ નકશો તો મેળવી લીધો પરંતુ પછી ખબર પડી કે ઉપરનો થોડો ભાગ ગુમ છે. નકશો વળી ગેમની માફક ચમત્કારીક છે. જેમ જેમ ઉકેલ મળતો જાય એમ નકશામાં નવી નવી વિગતો ઉકેલાઈ અને ચમકતી જાય છે.

આ જંગલ નવું છે, જંગલના પ્રાણી નવા છે અને વધુમાં રસેલના માણસો ચારેયની જાસૂસી કરી રહ્યાં છે. માત્ર માણસો જ નહીં, ગીધ સહિતના પક્ષી પણ તેમના પર નજર રાખી રહ્યાં છે, કેમ કે એ રસેલના કહ્યાગરા છે. જંગલમાં ગેંડા, હાથી

દીપડા, વગેરે પ્રાણી પણ આ આગંતુક મુસાફરો પર હુમલો કરતાં રહે છે. એ સંજોગોમાં કેમ બચી નીકળવું? તેનો ઉપાય પણ ગેમ દ્વારા આપવામાં આવ્યો છે. જુમાન્જીમાં આવ્યા પછી ચારેયના કાંડા પર ત્રણ લીટા થઈ ગયા છે. એ લીટા લાઈફલાઈન છે. એટલે કે દરેકને બે વખત મર્યા પછી જીવતદાન મળે, ત્રીજી વખત મરે તો વાત પૂરી. માટે ગેંડાના પગતળે કચડાય કે હિપ્પોના મોઢામાં સમાય.. એ ફરીથી જીવતા થઈને નીકળી શકે છે, લાઈફલાઈન છે ત્યાં સુધી.

રસેલના માણસો ચારેયની પાછળ છે, હવે ભાગીને ક્યાં જવું? એ સમયે એક અજાણ્યા યુવકે આવી ગુપ્ત રસ્તા દ્વારા બધાને બચાવી લીધા. પછી પોતાની ઓળખ આપી, એ પ્રમાણે એ યુવાન જેફરસન હતો, ગેમનો પાંચમો ખેલાડી.

એ તો વર્ષો પહેલા જ ભુલથી જુમાન્જીમાં આવી પહોંચ્યો હતો. તેની બે લાઈફલાઈન ખતમ થઈ ગઈ હતી. એટલે પછી એ બહાર નીકળવાનો પ્રયત્ન કરી શકે એમ ન હતો. પરંતુ હવે તેને ચાર સાથીદાર મળ્યાં એટલે તેનામાં થોડી હિંમત આવી અને પાંચેય મળીને ગેમની બહાર નીકળવાની દિશામાં આગળ વધ્યા.

રસેલના કબજાના એક ગોડાઉનમાં અનેક વાહન છે, એ મળી જાય તો? કેમ ન મળે? પાંચેય ભેગા થઈને એક હેલિકોપ્ટર તફડાવી લીધું. તેની મદદથી હવે તો કદાવર જેગુઆર પથ્થરના માથા સુધી પહોંચવામાં વાંધો આવે એમ નથી. પણ રસ્તામાં હેેલિકોપ્ટરમાંથી નીલમણિ પડી ગયો! પરંતુ આ તો સાહસિકોની ટોળી, મણિ મેળવ્યો અને જેગુઆરના કપાળે ફીટ પણ કરી દેખાડયો. એટલે છેવટે સફળતાપૂર્વક ગેમમાંથી બહાર નીકળી શક્યા.

ક્રિસ વાન એલ્સબર્ગ નામના અમેરિકન ચિત્રવાર્તા લેખકે લખેલી વાર્તા પરથી જ આ ફિલ્મ અને અગાઉ તેનો પહેલો ભાગ બન્યો હતો. વાનની વાર્તા પરથી વધુ એક વીડિયોગેમ આધારિત ફિલ્મ પણ બની હતી, એ ફિલ્મનું નામ 'જથુરા'. જુમાન્જીના ૨૨ વર્ષ પછી આવેલા બીજા ભાગમાં પણ ગેમ જ સૌથી મહત્ત્વનું પાત્ર છે. સાહસ, રહસ્ય, કોમેડી, મુશ્કેલી, ઉકેલ.. એવાં બધાં તત્ત્વોનું મિશ્રણ ફિલ્મને મનોરંજક બનાવે છે.

'જુમાન્જી : વેલકમ ટુ ધ જંગલ' એવું નામ ધરાવતી આ ફિલ્મમાં કેટલીક ચીજો 'ઈન્ડિયાના જોન્સ' સિરિઝમાંથી પ્રેરિત હોય એવુ સ્પષ્ટ લાગે છે. પોશાક, પુરાતત્ત્વશાસ્ત્રી, જંગલમાં મુશ્કેલી.. વગેરે વાતો હેરિસન ફોર્ડ જોન્સ સિરિઝમાં બહુ સારી રીતે કહી ગયા છે. સંગીત પણ ક્યાં ક્યાં જોન્સ જેવું લાગે છે. અમેરિકાના કેટલાક ફિલ્મ નિષ્ણાતોએ એટલે આ ફિલ્મને હેરિસન ફોર્ડ વગરની અને થોડી નબળી ઈન્ડિયાના જોન્સની સિકવલ પણ ગણાવી છે.

મોટરસાઈકલ ટોળકી પાછળ પડે ત્યારે થતી ભાગંભાગના દૃશ્યને ૨૦૧૫માં આવેલી 'જુરાસિક વર્લ્ડ' સાથે સામ્ય છે. કેમ કે જુરાસિકમાં પણ  એવુ જ ભાગાદોડીનું દૃશ્ય એ જ જગ્યાએ શૂટ થયું હતું, જ્યાં જુમાન્જીના ખેલાડી હવે ભાગે છે.

પહેલી ફિલ્મમાં રોબિન વિલિયમ્સ હતા. ૨૦૧૪માં તેમનું અવસાન થયું. માટે આ ફિલ્મમાં તેમના પાત્રને અંજલિ અપાઈ છે. જંગલમાં જે ઘર મળે છે, એ રોબિને ભજવેલા પાત્ર એલન પેરિશનું છે. ફિલ્મમાં દેખાતા ભવ્ય જંગલ અમેરિકાના હવાઈ ટાપુના છે. ક્રિસમસ ટાણે રજૂ થયેલી આ ફિલ્મ માત્ર મનોરંજક છે અને એટલે અઢળક કમાણી પણ કરી લીધી છે.

જુમાન્જી : બે દાયકા પહેલા શું હતું?

૧૯૯૫માં 'જુમાન્જી' ફિલ્મ આવી હતી. એ વખતે અત્યંત સફળ રહેલી એ ફિલ્મએ નવાઈ પેદા કરી હતી, કેમ કે વાત સાવ નવી હતી. બાળકો ગેમ રમતાં રમતાં ગેમની અંદર થઈ નવી દુનિયામાં પહોંચી જાય. એક પછી એક સ્ટેજ પાર કરે ત્યારે છેવટે બહાર નીકળી શકે. અમેરિકાના બાળકોમાં વીડિયોગેમનું વિશેષ મહત્ત્વ છે, માટે ત્યાં આ પ્રકારની ફિલ્મો પણ બની છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments