Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત રાજ્યની ૩૫મી બાળ નાટય સ્પર્ધા ૨૦૧૭-૧૮

'અમે ઉકરડામાંજ જન્મ્યા, ઉકરડામાં જ જીવ્યા, ને ઉકરડામાં જ મરશું...!!'

આણંદ પ્રથમ : કચ્છ દ્વિતીય : અને મહેસાણા તથા રાજકોટ તૃતીય સ્થાને

લાંઘણજ (મહેસાણા), ઘંઘોડા (છોટા ઉદેપુર), ભદ્રેશ્વર (કચ્છ) અને ધાંગધ્રા જેવા અંતરીયાળ કેન્દ્રોના બાળકલાકારોની નેત્રદીપક કામગીરી

સૂરત, વડોદરા, અમદાવાદ જેવા મોટા અને હાથવગી સુવિધા અમે સંસાધનો ધરાવતા શહેરોની સ્પર્ધા પ્રત્યે ઉદાસીનતા કેમ ??


'અમે ઉકરડામાંજ જન્મ્યા, ઉકરડામાં જ જીવ્યા, ને ઉકરડામાં જ મરશું.. - શબ્દો હતા દસેક વર્ષના બાળકલાકાર કરણ સગપરાના, જે રેલ્વે પ્લેટફોર્મ પર જીવતા છૂટક ફેરીયાની ભૂમિકા ભજવી રહ્યો હતો. દ્રશ્ય હતું ટાંચા સાધનોથી તાદ્રશ ઉભા કરાએલા રેલ્વે પ્લેટફોર્મનું. અને પ્રસંગ હતો ગુજરાત રાજ્ય દ્વારા યોજાયેલી બાળ નાટય સ્પર્ધાની રાજ્યકક્ષાની ફાઇનલ્સનો.

'શું અનાથ હોવું એ આ દેશમાં ગુનો છે ?' મોહનના તે પછીના આ સવાલે તો ખીચોખીચ ભરાએલા હોલમાં સન્નાટો પ્રસરાવી દીધો. કારણ જવાબ કોઇની પાસે નહતો. હતો તો મનમાં સાંપ્રત પરિસ્થિતિ વિશે ગુસ્સો, લાચારી અને આક્રોશ. આણંદ જીલ્લાના ગામ ખંભાતની સંસ્થા 'સૂરવિહાર નાટય મંડળ'ના પંદરેક જેટલા બાળકલાકારોનું 'એક સળગતો પ્રશ્ન' નામનું આ નાટક હતું.

નહીવત્ સાધનો અને વિશેષ તો હ્યુમન પીરામીડસ અને મૂવમેન્ટસથી અહીં રેલ્વે પ્લેટફોર્મ અને ટ્રેઇન આબેહૂબ ઉભી થઇ. ટ્રેઇન પેસેન્જરો સાથે આવી, ઉભી રહી, ચાલી અને ગઈ પણ ખરી - એવું એક નહીં, ચચ્ચાર વાર, રેલ્વે પ્લેટફોર્મ પર ત્યજાએલી નવજાત બાળકીને ઉછેરીને મોટી કરીને, શિક્ષણ અપાવવા માટે દર દરની ઠોકરો ખાતા, પ્લેટફોર્મના જ અર્ધભૂખ્યા ફેરીયા દંપતિની આ વાત હતી. સુરેખ સ્ક્રીપ્ટ અને કલ્પનાશીલ નિર્દેશન વડે લેખક દિગ્દર્શક હિમસેતુ પટેલ અને એની બાળટીમે નાટક દીપાવ્યું.

ચૌદ વર્ષથી નીચેની ઉંમરનો કોઈ પણ બાળકલાકાર વ્યક્તિગત, શાળા કે શાળા બાર- પર્સનલ ગુ્રપ કે સંસ્થામાંથી તદ્દન નિ:શુલ્ક ભાગ લઈ શકે એવી રાજ્યની આ એકમાત્ર સ્પર્ધા છે. પહેલાં જીલ્લાવાર સ્પર્ધા થાય અને જીલ્લામાં પ્રથમ આવેલી કૃતિ રાજ્યકક્ષાએ ભજવાય એવી વ્યવસ્થા છે. આ અંગેનો લગભગ તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે એટલું જ નહીં, ભજવણી પેટે રૃ. ૧૫૦૦/-નો પુરસ્કાર પણ અપાય છે જેમાંથી રજૂઆતનો ખર્ચ-પૂરો કે આંશિક રીતે નીકળી શકે. આ વર્ષની રાજ્યકક્ષાની સ્પર્ધા તાજેતરમાં જ સૂરત ખાતે યોજાઈ ગઈ.

દ્વારિકા જીલ્લા વતી પી.વી.એમ. ગર્લ્સ હાઇસ્કૂલે રજૂ કરેલા નાટક 'સ્વચ્છતા અભિયાન'માં બાળકોને નાનપણથી સ્વચ્છતામાં રસ લેતા કરવાની વાત હતી તો પોરબંદર જીલ્લા વતી બાલુબા કન્યા વિદ્યાલયના નાટક 'વાતે વાતમાં વિરોધ' (લેખક : કિંજલ કીરી : દિગ્દર્શક : સતીશ સોલંકી) માં આજના રાજકારણમાં વિરોધ પક્ષની ભૂમિકા પર કટાક્ષ હતો.

છોટાઉદેપુર જીલ્લા વતી ઘંઘોડા ગામની આનંદ ફળીયા પ્રાથમિક શાળાના પંદરેક જેટલા બાળકલાકારો એ નાટકમાં ગામડામાં ચાલતું બોગસ ડૉક્ટરનું દવાખાનું વિગતે રજૂ કર્યું. કેસરીસીંહ રાઠવાના લેખન નિર્દેશનમાં ટ્રીટમેન્ટને નામે એક જ દવા, એક જ ઇન્જેકશન. ને ફરજીયાત બે રાત સૂઈ જવાનું જેવા પ્રસંગો લોકોને હસાવી ગયા.

સેન્ટ પોલ્સ સ્કૂલ રાજકોટનું હિન્દી નાટક 'કિસકો પતાથા ઐસા ભી હોગા' (લે. દિગ્દ. મહાવીરસિંહ ઝાલા) મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનની બાયોગ્રાફીક્સ વાત લઇને આવ્યું.

ચક્કર આવી જાય એવા સવાલો કરતો નાનકડો આલ્બર્ટ મોટો થઈ વૈજ્ઞાાનિક બને. એની રીસર્ચીસ (શોધખોળો) માનવ કલ્યાણ તેમજ માનવસંહાર બંને કરી શકે એમ હોઇ એ એને કોઇને વેચવાની ના કહે, પણ એને છેતરવામાં આવે. અને જ્યારે એને આ સમજાય ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય. ડાન્સ, કોશ્ચ્યુમ્સ, કોરીયોગ્રાફી, સ્ટાઇલાઇઝીંગ વિ.ની દ્રષ્ટિએ આ સાચેજ પોલીશ્ડ પ્રોડક્શન હતું...

સુરેન્દ્રનગર જીલ્લા વતી ધાંગધ્રાની શ્રેયસ માધ્યમિક શાળાએ 'ચાલો, નાટક નાટક રમીએ' (લે. દિગ્દ. રજનીશ ઉપાધ્યાય) માં ચાલુ ભવાઇવેશ ભજવી ભજવી કંટાળેલા કલાકારો નવા વેશની તલાશ કરે છે ને એમાંથી જન્મે છે મેળાનો વેશ, તોતડાનો વેશ, બુધ્ધનો વેશ.. વિગેરે. કથાનકમાં આમ સળંગસૂત્રતા ઓછી હોવા છતાં પંદરેપંદર બાળકલાકારોની અભિનય ક્ષમતા અને ટીમવર્કે પ્રેક્ષકોને પકડી રાખ્યા.

તો ખેડા જીલ્લાના સંતરામ પ્રાથમિક વિદ્યાલય, નડીયાદનું નાટક 'ગુટલી બાજો' (લે. જયેન્દ્ર શેખડીવાલા : દિગ્દ. : જૈમીનીબેન પટેલ)માં ભણવાથી કંટાળેલા વિદ્યાર્થીઓની બંને પ્રકારના આઉટીંગ- શારિરિક અને માનસિક બંનેની વાત હતી. વાત વાતમાં ગુસ્સો મા બાપો પર ઉતરવો અને એ સાંભળી ત્યાં હાજર નારદમુનિનું આ છોકરાઓમાંથી જ એક બેને ચમત્કારથી માબાપ બનાવી દેવું. અને એ રીતે માબાપની આપવીતી સાંભળી વિદ્યાર્થીઓની સાન ઠેકાણે આવવી. કંઇક અંશે લરબોઝ (બોલકું) આ નાટક કલાકારોના જોશ અને અલગ આઇડીયાને લીધે જુદું તરી આવ્યું.

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર 'ધૂમકેતુ'ની વાર્તા 'વિનીપાત' વિશ્વસાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. આપણા કલા અને સ્થાપ્યના ભવ્ય વારસાને સાચવવામાં કે એનું ગૌરવ કરવામાં પ્રજા તરીકે આપણે કેટલા નગુણા છીએ, અને બીજી પ્રજા જ્યારે એનું ગૌરવ કરે ત્યારે આપણે એ પ્રજા પર ઓળઘોળ થઇએ, પણ આપણા વારસા પર નહીં -જ સોંસરી વાત કરતી આ વાર્તા પોતેજ એક પૂર્ણકદનું એકાંકી છે.

મહેસાણા જીલ્લાના લાંઘણજ ગામની એમ.એન.આર.ટી. પટેલ પ્રાથમિક શાળાએ આ વાર્તાનું શ્રી દુર્ગેશ શુકલ એ કરેલું રૃપાંતર 'હીરાદ્વાર', શ્રી ગોવિંદ દેસાઇના નિર્દેશનમાં સરસ રીતે ભજવ્યું. આવા અંદરના ગામડાની પ્રાથમિક શાળા ભજવવા માટે આવી વાર્તાની પસંદગી કરે એ વાત જ કાબિલેદાદ હતી. આઝાદી પહેલાના સમયના સરસ કોસ્ચ્યુમ્સ સાથે પંદરેક કલાકારોની ટીમે નાના મોટા વીસ પચીસ જેટલા પાત્રો સરસ રીતે ભજવી બતાવ્યા.

ગોરા ફીરંગી - ફાર્બસ તરીકે સ્મિત જોશી સરસ રહ્યા.

પોતાના માબાપ જેનાં ચુસ્ત અનુયાયી છે એ ઢોંગી સ્વામીમાં, શાળામાં શિક્ષિકાએ શીખવાડેલા 'સાધુ' ના એકેય ગુણ ન જોતાં નાનકડો અજય વિદ્રોહ કરી ઉઠે છે.

આ વિરોધની સામે ઢોંગી સ્વામીનું અનુયાયી આખું ગામ ઉભુ થઇ જાય છે. તલવારો ખેંચાય છે ત્યારે શાળાની શિક્ષિકા અને એના વિદ્યાર્થીઓ મૂક સત્યાગ્રહનો માર્ગ અપનાવી, અજય સાથે ઉભા રહે છે. સ્વામીના પાખંડો પકડાય છે, ગામલોકોની આંખો ખુલે છે. પણ ત્યારે શિક્ષિકાની બદલી આવી પડતાં એ ગામ છોડીને જાય છે.

એક સુંદર હેતુલક્ષી ફીલ્મની ગરજ સારતું આ હીન્દી નાટક 'અંધેરી રાહ' કચ્છ જીલ્લાના ભદ્રેશ્વર ગામની સંસ્થા યૂસૂફ મેહરઅલી સેન્ટરે સરસ રીતે રજૂ કર્યું. શિક્ષિકા તરીકે જેનબ માંજવીયા અને અજય તરીકે હારૃન ભટ્ટી ખાસ્સા પ્રભાવશાળી રહ્યા.

નોંધપાત્ર વાત તો એ હતી કે શ્રી દેવેન્દ્ર કાંદોલકર લિખિત દિગ્દર્શિત આ નાટકના તમામ સંવાદો સંસ્કૃતમય હિન્દીમાં હતા અને પંદરેપંદર ઉર્દુભાષી બાળકલાકારો દ્વારા એક પણ ભૂલ કે ઉચ્ચારદોષ વગર અક્ષુમ્ણ રીતે રજૂ થયા. કોઈ મધ્યમકક્ષાની હિન્દી ફીલ્મ જોતા હોઇએ એ કલાની નાટકની સરસ રજૂઆત હતી.

રાજ્યના પછાત કે અંદરના કહેવાતા કેન્દ્રોની આવી સરસ કામગીરીની સામે મુખ્ય શહેરો જેવા કે સૂરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર જેવા કેન્દ્રોની અનુપસ્થિતિ ખૂંચે એવી હતી. સ્પર્ધાએ સફળ બનાવવા સૂરત ડીએસઓ શ્રી દિખેશ કદમ, હેમાંગ વ્યાસ તથા સહકાર્યકરોની જહેમત આંખે ઉડીને વળગે એવી હતી.

નિર્ણાયકો સર્વશ્રી વિહંગ મહેતા- વડોદરા (મુંબઇ- ગુજરાતના જાણીતા લેખક-દિગ્દર્શક અને નાટયકાર તથા આ લખનાર), પ્રકાશ વૈદ્ય - હિંમતનગર (ઉત્તર ગુજરાતના જાણીતા અભિનેતા-દિગ્દર્શક) તથા મયંક ત્રિવેદી - સૂરત (દક્ષિણ ગુજરાતના જાણીતા નાટયકર્મી અને શિક્ષણશાસ્ત્રી) એ, આણંદ જીલ્લાના નાટક 'એક સળગતો પ્રશ્ન' ને પ્રથમ, કચ્છ જીલ્લાના 'અંધેરી રાહ'ને દ્વિતીય તથા મહેસાણાના 'હીરાદ્વાર' તેમજ રાજકોટના એકાંકી 'કિસકો પતા થા ઐસા ભી હોગા'ને સરખે હિસ્સે તૃતીય પારિતોષિક ઘોષિત કર્યા.

ખરેખર તો પારિતોષિકો કરતાંય પોતાના ગામથી નીકળી, રાજ્યકક્ષાએ આવી ને કૃતિ રજૂ કરવાનો આનંદ આ કિશોર કલાકારોની આંખોમાં છલકાતો હતો.

- શ્રી વિહંગ મહેતા
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments