Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિલ્મ ઈંડિયા-અશોક દવે

ફિલ્મ:'નદીયા કે પાર' ('૪૮)

નિર્માતા    : ફિલ્મીસ્તાન સ્ટુડિયોઝ

દિગ્દર્શક    : કિશોર સાહુ

સંગીત    : સી. રામચંદ્ર

ગીતકાર    : મોતી (બી.એ.)

રનિંગ ટાઇમ: ૧૪ રીલ્સ

કલાકારો:    દિલીપકુમાર, કામિની કૌશલ, માયા બેનર્જી, હરિ શિવદાસાણી, ડેવિડ, રમેશ ગુપ્તા, રામાયણ તિવારી, સૅમસન, સુશીલ સાહુ, કાન્તા કુમારી, સત્યનારાયણ, રાની બાલા, એસ.એલ. પુરી, અનન્ત પ્રભુ.

નદીયા કે પાર

મોરે રાજા હો, લે ચલ નદીયા કે પાર .... દિલીપકુમાર - કામિની કૌશલની પ્રેમકથા આ ફિલ્મથી શરુ થઈ હતી

એ તો ધી ગ્રેટ દિલીપકુમારની પર્સનાલિટી કે એને સ્ક્રીન પર જોયે રાખવો એટલી હદે ગમે કે પ્રેક્ષકો ફિલ્મ કેવી છે એની માથાકૂટમાં ન પડતા. બસ, દિલીપકુમાર છે ને ? એ જમાનાના રાજ- દિલીપ- દેવ આનંદનો એ કરિશ્મા હતો કે, ફિલ્મ ગમે તે હો... ગમે તેવી હો, પર્દા પર આ લોકો જોવા મળે એટલે પૈસા વસૂલ.

નહિ તો, આવી એટલી આ ત્રણેની બધી ફિલ્મો કાંઈ સુપરહિટ નહોતી, કેટલીક તો ભારે કંટાળાજનક હતી, છતાં પ્રેક્ષકો એ કંટાળા- ફંટાળામાં ન પડતા. એમાં ય, દિલીપ દેખાવ જ નહિ, અભિનયમાં ય ક્લાસ વન હતો એટલે નબળી ફિલ્મને પણ એ ઉંચકી લેતો.. પોતાના કિરદાર પૂરતી !

જેમ કે, ફિલ્મ 'નદીયા કે પાર' ઘણી સામાન્ય ફિલ્મ હતી. (છતાં, ૧૯૪૮માં બનેલી તમામ ફિલ્મોમાં ટિકિટબારી પર વકરાની દ્રષ્ટિએ આ ફિલ્મ છઠ્ઠા નંબરે હતી.) ફિલ્મ તો ફિલ્મીસ્તાનની હતી પણ ટાઇટલ્સમાં નિર્માતા- દિગ્દર્શક તરીકે કિશોર સાહુએ નામ લખાવ્યું છે. એ ફિલ્મીસ્તાનનો પાર્ટનર પણ હતો.

કિશોર સાહુની શરુઆતની ફિલ્મો 'કુંવારાબાપ', 'રાજા' અને 'સાવન આયા રે' ટિકિટ બારી પર ખૂબ સફળ થઈ હતી, પણ એની સુંદર ફિલ્મ હતી. મીના કુમારી- રાજકુમારની 'દિલ અપના ઔર પ્રીત પરાઈ'. મીના કુમારીને પુરબહાર અભિનેત્રી ઘોષિત કરનાર આ ફિલ્મ હતી. કિશોર સાહુ દેવ આનંદનો ખૂબ માનીતો એક્ટર હોવાને કારણે દેવ અનેક ફિલ્મો નમૂના, ઝલઝલા, કાલાપાની, કાલા બાઝાર, ગાઇડ, ગેમ્બલર અને હરે રામા હરે ક્રિશ્નામાં એનો અભિનય કર્યો હતો.

અલબત્ત, ફિલ્મો કરતા કિશોરને વધુ (એન્ટી) પબ્લિસિટી એની ભૂતપૂર્વ પત્ની અને જાજરમાન એક્ટ્રેસ સ્નેહપ્રભા પ્રધાનને કારણે મળી હતી. બન્ને વચ્ચેના ડિવોર્સનો કેસ અદાલતમાં ગયો જ્યાં સ્નેહપ્રભાએ કિશોર નપુંસક હોવાનો આક્ષેપ કર્યો, એના જવાબમાં (બીજી પત્ની પ્રીતિ કુમાવની બ્રાહ્મણ હતી જેનાથી, કિશોરને ચાર સંતાનો થયા, વિમલ સાહુ (જે અમિતાભની ફિલ્મ 'સત્તે પે સત્તા'માં સાતમાંનો એક ભાઈ વિકી બને છે.), 'હરે કાંચ કી ચૂડિયાં'ની હીરોઇન પુત્રી નયના સાહુ, મમતા સાહુ અને સૌથી નાનો રોહિત સાહુ) કિશોર પોતે નપુંસક નથી,

એનું પ્રમાણ આપવા ભરી અદાલતમાં જે બયાન આપ્યું, તે લખવું અહીં શોભાસ્પદ ન હોવાથી લખતો નથી. કેસ તો એ જીતી ગયો પણ પછી એણે જાતે જ છૂટાછેડા આપીને પ્રીતિ સાથે લગ્ન કર્યા. છત્તીસગઢના રાયગઢના રાજાના ચીફ મિનિસ્ટરનો એ પુત્ર હતો અને ૧૯૮૦માં થાઇલેન્ડના બેંગકોકમાં મૃત્યુ પામ્યો.

'નદીયા કે પાર'ની વાર્તા પૂરી મહેનતથી ચીલાચાલુ બનાવાઈ હતી.

ગામડાના જમીનદારનો છોકરો (કુંવરજી) દિલીપકુમાર માછીમાર (સૅમસન)ની દીકરી ફૂલવા (કામિની કૌશલ)ના પ્રેમમાં છે. ફિલ્મોની રાબેતા મુજબની વાર્તાઓ મુજબ, ફૂલવાને એના ગામનો બાલા (સુશીલ સાહુ) પણ કોઈ પણ ભોગે એને પામવા માંગે છે. કુંવરજીનો દોસ્ત શેરસિંઘ (રમેશ ગુપ્તા) પોતાના ઇરાદા વગર કુંવરજી બની જાય છે,

એમાં ગાનો બીજો ધનપતિ ગુલાબસિંઘ (ડેવિડ અબ્રાહમ) અને તેની લાલચુ દીકરી ચંચલ (માયા બેનર્જી) શેરસિંઘને કુંવરજી માનીને જમીનદારની મિલ્કત હડપવા માંગે છે. વચ્ચે વચ્ચે બાલા હાંધાહલાડા કરતો રહે છે અને દિલીપનો મોટો ભાઈ અને ગામનો જમીનદાર (હરિ શિવદાસાણી) 'એક મછુઆરે કી બેટી કે સાથ જમીનદાર કે ભાઈ કી શાદી... ? યે નહી હો સકતાઆઆઆ...!' એ વાતવાતમાં બંદૂક જ કાઢવા માંડે છે. આમે ય, ફૂલવાના બાપને જમીનદાર સાથે બાપના માર્યા વેર હોય છે,

એટલે દુશ્મન સાથે પોતાનો ભાઈ કે દીકરી નહિ જ પરણાવવા બન્ને જાન પર આવી જાય છે. સ્વયંવરમાં વેષ બદલીને દિલીપકુમાર હોડી સ્પર્ધા જીતી જાય છે અને ફૂલવા સાથે એના લગ્ન થાય છે, પણ દીકરીના બાપને અસલી વાતની જાણ થઈ જતાં બાલા સાથે મળીને આ બન્ને પ્રેમીપંખીડાને મારી નાખવા માંગે છે અને 'ગાંવવાલો'ને ઓબ્લાઇઝ કરવા આ બન્ને નદીમાં તણાઈને પોતાનો જાન ન્યોચ્છાવર કરે છે.

આમે ય, અત્યાર સુધીની કોઈ પણ હિંદી ફિલ્મમાં જમીનદાર એટલે દુષ્ટ અને ગાંવવાલા ભોળા અને સીધા માણસો ! આ ખેડૂતોના દેવા માફ નહિ થવા પાછળ અમને તો 'મોદી' કરતાં તો દેેેશભરના જમીનદારોનો વાંક વધુ લાગે છે. અહીં તો પાછો 'કહાની મેં ટ્વિસ્ટ' લાવવા દિગ્દર્શક સદ્ગત હીરો- હીરોઇનને ભૂત બનાવી દે છે અને શહેરથી આવેલા ડોક્ટર (એસ.એલ. પુરી)ને એના કોઈ વાક ગૂન્હા વગર આ બન્ને ભૂતો મર્યા પછી ય કનડે છે.

મોટા ભાગની જુની હિંદી ફિલ્મોમાં બહુ ડાહી થતી 'ભાભી' (કાન્તાકુમારી) અહીં પણ દિલીપને બીજે પરણાવી દેવા ઉત્સાહી છે. દેશમાંથી અંગ્રેજો હજી તાજા તાજા જ ગયા હતા, એટલે એ વખતની મોટા ભાગની ફિલ્મોમાં કોઈને પણ શિક્ષિત બતાવવા શૂટ ફરજિયાત પહેરાવી દેવાતો- ભલે પછી કાચા લૂગડાંનો હોય !

રૃઆબ બતાવવા હીરો અને અન્યને માથે અંગ્રેજ અમલદારો પહેરત એવો ખાખી ટોપો (પિથ હૅટ) પહેરાવાતો. નવાઈ લાગે છે કે, ફિલ્મની શરુઆતમાં ફૂલવા માછીમારની 'કા કરી હો.. ઇહાં આવત નાંહિ' જેવી તળપદી ભાષા બોલે છે, પણ અડધી વાર્તા પછી બહેન સાહિત્યિક હિંદી બોલવા માંડે છે. આ પ્રોબ્લેમ દરેક હિંદી ફિલ્મનો છે. ગામઠી ભાષા પ્રારંભના થોડાક દ્રશ્યો પૂરતા જ હોય... પછી તો 'અસલી' પ્રેમની ભાષા બોલવા માંડે.

પણ ફિલ્મ જોતા જોતા ખિજાઈ જવાય એટલે સુધી હીરોઇનો વ્હી. શાંતારામની હીરોઇનોની જેમ સંવાદ બોલતી વખતે ડોકી હલાવતા, નેણોં ઊંચી નીચી કરવાની અને શ્રુંગારરસથી હીરોને જોવાનો હોય તો આડી આંખે જોઈ લેવાનો, એટલે પ્રેક્ષકોને સમજ પડી જાય કે, બેનને હવે સાચ્ચે જ પ્રેમ થઈ ગયો છે.

આ ફિલ્મમાં લતાનું એક જ (અને એ ય યુગલગીત) છે, પણ મોટા ભાગના ગીતો ગાનાર લલિતા દેઉલકર ફિલ્મ 'ભાભી કી ચૂડિયા' (જ્યોતિ કળશ છલકે...)ના સંગીતકાર સુધીર ફડકેની પત્ની હતી. આ બન્નેના પૂનાના સાહિત્ય પરિષદના હોલમાં થયેલા લગ્નની નોંધવા જેવી વાત એ હતી કે, એમાં 'મંગલાષ્ટક' ગાવા મુહમ્મદ રફી ખાસ પધાર્યા હતા અને એ પણ ઉચ્ચારોની પૂર્ણશુદ્ધિ માટે મહિના અગાઉથી રિહર્સલો કરીને !

આ ફિલ્મમાં કામિની કૌશલ (જન્મ તા. ૨૪ ફેબુ્રઆરી, ૧૯૨૭ - જન્મ : લાહોર પાકિસ્તાન)નું નામ 'ફૂલવા' હતું. ફૂલ-પૅકેજને હિસાબે, દિલીપકુમારે ફક્ત નામ જ નહિ નામવાળીને ય પ્રેમિકા બનાવી દીધી. આ ફૂલવા નામ એને એ હદે ગમી ગયું કે, કામિની પછીની પ્રેમિકા મધુબાલાને પણ એ ફૂલવા કહીને બોલાવતો અને પત્ની સાયરાબાનુને આજે પણ ક્યારેક એ ફૂલવા કહે છે.

પત્ની સાયરાબાનુને કામિની કે મધુબાલા જ નહિ, દિલીપકુમારની એક જમાનાની પાકિસ્તાની પત્ની 'અસ્મા' વિશે ય પૂરી જાણકારી હતી. પણ એક આદર્શ ભારતીય નારીની જેમ સાયરાએ કદી આ વિવાદોને જાહેર સ્વરૃપ નથી આપ્યું.

દિલીપકુમારને (જન્મ તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨, પેશાવર- પાકિસ્તાન.. પઠાણી ઉચ્ચાર 'પિશાવર') અસ્મા સાથે નિકાહ પઢવા હયાત પત્ની સાયરાને તલ્લાક આપવા પડે એમ હતા અને આપી દીધા. અસ્મા સાથે ગલતીથી લગ્ન થઈ ગયા અને થોડા વખતમાં અસ્માનો ભાંડો ફૂટયો અને એના ચરિત્ર વિશે દિલીપને ય વધુ જાણકારીની જરૃર ન પડી. દિલીપે એને તલ્લાક આપી દીધા અને સાયરા સાથે ફરી લગ્ન કર્યા. ઇશ્વર સહુને સુખી રાખે.

શંકરે (જયકિશન) એક ઇન્ટરવ્યૂમાં બહુ બિન્ધાસ્ત બયાન આપ્યું કે, હિંદી ફિલ્મ સંગીતમાં ઓરિજીનલ સંગીત કેવળ બે જ સંગીતકારોનું... અનિલ બિશ્વાસ અને સી. રામચંદ્ર બાકીના અમે બધા ક્યાંક ને ક્યાંકથી કશું ઉઠાવીએ છીએ (દરેક ગીતમાં નહિ! )ઇવન નૌશાદ પણ તૈયાર બંદિશો ગોઠવી દે છે.

અહીં 'ઓરિજીનલ' એટલે શું ? શું અનિલ દા કે અન્ના હાર્મોનિયમની પેટી લઈને આજ સુધી જગતમાં કોઈએ સર્જી ન હોય એવી ધૂનો ? આપણે નથી જાણતા. પણ જો આ બન્ને ગ્રેટ્સ આટલા શુદ્ધ હોય તો એ બન્નેની ફિલ્મોનો સ્ટ્રાઇક રેટ આટલો નીચો કેમ ?

શંકર- જયકિશન અને નૌશાદને (ઓ.પી. નૈયર પણ ખરા) બાદ કરતા એકે ય સંગીતકારની ઑલમોસ્ટ તમામ ફિલ્મોના તમામ ગીતો સુપરહિટ હતા, જ્યારે બાકીના તમામ સંગીતમાં આખી ફિલ્મમાંથી એકાદ-બે ગીત જ હિટ હોય...બાકીના આપણે સાંભળ્યા ન હોય કે મોઢે ચઢ્યા ન હોય ! દા.ત. મદનમોહનની કોઈ એક ફિલ્મ લઈએ, 'જેલર' તો એમાં 'હમ પ્યાર મેં જલનેવાલો કો ચૈન કહાં, હાય આરામ કહાં' બેશક શ્રેષ્ઠ ગીત, પણ બાકીના ગીતો કયા હતા ? 'દેખ કબીરા રોયા' કયા ગીતો તમને યાદ આવે છે ?

એવું રોશનનું, એવું રવિનું, એવું કલ્યાણજી- આણંદજીનું, થોડેઘણે અંશે એવું સલિલ ચૌધરીનું ! સચિનદેવ બર્મન પણ શરુઆતની અનેક ફિલ્મોમાં આખી ફિલ્મમાંથી એકાદું ગીતે ય માંડ હિટ કરાવી શકતા હતા. નૌશાદઅલી અને શંકર- જયકિશનની પૂરી ફિલ્મોગ્રાફીમાં માઇનસ પોઇન્ટ જવલ્લે જ આવે છે. આવે એટલી બધી ફિલ્મોનું સંગીત હિટ હોય અને દરેક ફિલ્મના મોટા ભાગના ગીતો લોકભોગ્ય બન્યા હોય !

આજની ફિલ્મ 'નદીયા કે પાર' સી.રામચંદ્ર માટે ('મોરે રાજા હો, લે ચલ નદીયા કે પાર'ના એક અપવાદને બાદ કરતાં) કોઈ ગૌરવ લઈ શકાય એવી નથી. લતાના સર્વોત્તમ ગીતો પૈકીના મોટા ભાગના સોલો અન્નાએ આપ્યા, પણ પૂરી કરિયરમાં એકમાત્ર લતા સાથે બંધાઈ જવાને કારણે ('નવરંગ'ને બાદ કરતા) અન્નાએ અન્ય ગાયિકાઓને ભાગ્યે જ બોલાવી. ગાયકોમાં મુહમ્મદ રફી સર્વોચ્ચ સ્થાને હતા, છતાં ન છૂટકે રફીને લેવા પડે ત્યાં એકાદુ અછડતું ગીત આપી દે, બાકીના પોતે ગાય કે એમના માનીતા તલત મેહમૂદને આપે !

પરિણામ એવું આવ્યું કે, '૬૦માં લતા સાથે ઝગડો થયા પછી અન્નાનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું. આ જ વાત, અનિલ બિશ્વાસને ય સરખે હિસ્સે લાગુ પડે છે. લતાના ગીતો પૂરતું આપ્યું છે, એટલું ઉત્તમોત્તમ કામ (અને ઓરિજીનલ) પણ આટલી લાંબી કારકિર્દીમાં ફિલ્મો સાવ આટલી જ કેમ ? પૂરતી સંખ્યામાં ગીતો જ ન મળતા હોય તો ઓરિજીનલ હોય કે ઉઠાંતરીકાર...શોખિનોને તો હિટ ગીતોથી મતલબ છે !

આમાં ય, નૌશાદ કરતાં શંકર જયકિશનને માર્કસ વધારે આપવા પડે કારણ કે, નૌશાદ એક વર્ષમાં સરેરાશ એક જ ફિલ્મ લેતા હતા, જ્યારે એસ.જે.ની વર્ષમાં ૪- ૫ ફિલ્મો તો ખરી જ અને બધી ફિલ્મોના બધા ગીતો હિટ ! '૭૦ પછી તો ઓપી અને દાદા બર્મનને બાદ કરતા બધા સંગીતકારો પડી ભાગ્યા હતા, એટલે એની ચર્ચા બિનજરૃરી છે. ફિલ્મના ગીતકાર મોતી હતા.. એ જમાનામાં ઘણાં કલાકારો પોતાના નામની પાછળ ડીગ્રી લગાવતા. આ મોતી, બી.એ. લખાવતા.

ફિલ્મના અન્ય કલાકારો સાવ અજાણ્યા હતા. સિવાય કે ડેવિડ, તિવારી, હરિ શિવદાસાણી અને મદન પૂરી એ વખતે એક્સ્ટ્રામાં કામ કરતા હોવાથી ટોળામાં ઊભેલો થોડો દેખાય છે અને તે પણ તમારે ઓળખી કાઢવો પડે. ફિલ્મના નૃત્ય ગીતોમાં ડાન્સ ડાયરેક્ટર સત્યનારાયણ છે, જેને તમે રાજકપૂરની શ્રી૪૨૦માં મુહમ્મદ રફીના કંઠે 'રમૈયા વસ્તાવૈયા' ગાતો જોયો છે, જેની સાથી ડાન્સર શીલા વાઝ હતી. આ શીલા તેના હૃષ્ટપુષ્ટ દેહલાલિત્યના કારણે રાજ કપૂરને બહુ ગમતી.

એકંદરે આ ફિલ્મ ન જુઓ તો સારું ! કાંઈ કમાવાનું નથી.

ગીતો

૧.કઠવા કે નઇયા બનઇહે રે  નદીયા કે પાર     લલિતા,ચિતલકર
               પી. ચંદર, એસ.એલ. પુરી

૨.નન્હી સી જાન મેં હૈ જવાની સિતમ કયું ?    શમશાદ બેગમ- મુહમ્મદ રફી

૩.દિલ લે કે ભાગા, દગા દે કે ભાગા    લલિતા દેઉલકર, કોરસ

૪.મોરે રાજા હો, લે ચલ નદીયા કે પાર    લલિતા દેઉલકર- મુહમ્મદ રફી

૫.દિલ કાહુ કો દેવ ના, આંખ કરો ના ચાર    શમશાદ બેગમ- ચિતલકર

૬.ઓ ગોરી, ઓ છોરી કહાં ચલી હો    લતા મંગેશકર - ચિતલકર

૭.અખીયાં મિલા કે અખીયાં રોવે દિનરાત       સુરિન્દર કૌર

૮.બજરીયા મેં અઇ હો, ડગરીયા મેં અઇ હો    લલિતા દેઉલકર- ચિતલકર
 

Post Comments