Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમિતાભ : એટલે અભિનયનું આકાશ : નવી પેઢીના પ્રેરણાસ્રોત

બોલીવુડમાં ચાર દાયકાની યાત્રામાં અમિતાભ બચ્ચને એન્ગ્રી યંગ મેન,રોમાન્સ,  મોટી વયના સફળ બિઝનેસમેન,સિદ્ધાંતવાદી પ્રિન્સિપાલથી લઇને હાસ્યપ્રધાન ભૂમિકાઓ પણ ભજવી : સમયના પ્રવાહ સાથે અદભૂત તાલમેલ

બીગ બી. ત્રણ અક્ષરના આ શબ્દને ઓળખાણની કોઇ જ જરૃર નથી.  ફક્ત બોલીવુડ  જ નહીં, અસંખ્ય ફિલ્મ દર્શકો જેને મહાનાયક કહે છે. દંતકથાસમા અભિનેતા માને  છે.અવાજના જાદૂગરની ઉપમા આપે છે.

આ તમામ ઉપનામો એટલે અભિતાભ બચ્ચન.હિન્દી ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન ચાર દાયકાથી  વિવિધ પ્રકારની અને મજેદાર ભૂમિકાઓ ભજવે છે પરંતુ તેમની એન્ગ્રી યંગ મેનની ભૂમિકાઓ તો જાણે અમર બની ગઇ છે.રાજેશ ખન્ના બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર ગણાયા તેમ અભિતાભ બચ્ચન હિન્દી ફિલ્મ ઉદ્યોગના પહેલા એન્ગ્રી યંગ મેન કહેવાય છે.

આશ્ચર્યની બાબત તો એ છે કે આજે ૭૫ વર્ષની જૈફ વયે પણ આ બીગ બી એક યુવાનની સ્ફૂર્તિથી,પૂરી નિષ્ઠાથી અને આકાશી લોકપ્રિયતાથી એક પછી એક ફિલ્મોમાં મજેદાર પાત્રો ભજવી રહ્યા છે.આટલું જ નહીં, નેશનલ એવોર્ડનું સન્માન પણ મેળવે છે.સાથોસાથ વિવિધ પ્રકારની ટીવી જાહેરખબરોમાં પણ દેખાય છે.

ઉપરાંત,દર સપ્તાહે ટીવીના  લોકપ્રિય અને સામાન્ય જ્ઞાાનમાં વધારો કરતા કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમનું અદભૂત સંચાલન પણ કરીને કરોડો લોકોનું ભરપૂર મનોરંજન સુદ્ધાં કરે છે.કહેવાનો અર્થ એ છે કે અમિતાભ બચ્ચનના અભિનયનું અને તેમની લોકપ્રિયતાનું ગગન ખરેખર બહુ વિશાળ છે.

એક તરફ  બોલીવુડમાં દર શુક્રવારે નવી નવી પ્રતિભાઓ ચમકી રહી છે.નવા જમાનાની ફિલ્મોમાં ભરપૂર મનોરંજન પીરસાઇ રહ્યું છે.વળી,આજની ઉગતી પેઢીને બેઘડી ડાન્સ કરવાની ઇચ્છા થઇ જાય તેવાં થનગનતાં ગીત-સંગીતનો માહોલ પણ સર્જાય છે.તો બીજીબાજુ   આ જ યુવા પેઢીનાં સ્ટાર્સ સાથે અમિતાભ બચ્ચન  ભરપૂર ઉર્જા અને ઉત્સાહ સાથે કામ કરે છે.

બીગ બી એ  બોલીવુડના હી મેન ધર્મેન્દ્ર,શશિ કપૂર,શત્રુઘ્ન સિંહા, શાહરૃખ ખાન, ઐશ્વર્યા રાય,સલમાન ખાન,રાણી મુખરજીથી લઇને રોનિત રોય, દીપિકા પાદૂકોણ અને તાપસી પન્નુ જેવાં   બે-ત્રણ પેઢીનાં કલાકારો સાથે  કામ કર્યું છે. આમાંનાં આજની નવી પેઢીનાં કલાકારો    અમિતાભ બચ્ચનની પ્રશંસા તો  કરે છે પરંતુ તેમને પોતાનો આદર્શ પણ માને છે.

વળી, બહુ મહત્વનો મુદ્દો તો એ છે કે અમિતાભે ચાર દાયકાની દીર્ઘ કારકિર્દીમાં ફક્ત આકાશી સફળતા  પ્રાપ્ત નથી કરી પણ બહુ આકરો કહી શકાય તેવો સંઘર્ષ  સુદ્ધાં કર્યો છે.મોટા ઉતાર-ચડાવ જોયા અને અનુભવ્યા છે.વળી,આંતરિક  જીવનના તડકા-છાંયડા પણ અનુભવ્યા છે.

ઝંજીર,દિવાર,ત્રિશુલ,કાલા પથ્થર,પરવરીશ,હેરાફેરી,શહેનશાહ થી લઇને શોલે અને અગ્નિપથ  વગેરે ફિલ્મોના  વિજય(લગભગ ૨૦ ફિલ્મોમાં અમિતાભનું નામ વિજય છે) ની વિજય યાત્રા આજે પણ અવિરતપણે ચાલુ છે.એક તબક્કે તો બીગ બી આખા બોલીવડના ફિલ્મ નિર્માણનું એક માત્ર કેન્દ્ર બની ગયા હતા.નિર્માતા અને દિગ્દર્શકો તેમની નવી ફિલ્મોમાં લેવા માટે આકાશપાતાળ એક કરતા.

જોકે મજેદાર બાબત એ પણ છે કે આ જ એન્ગ્રી યંગ મેને બોલીવુડના મોટાગજાના ફિલ્મ સર્જકો યશ ચોપરાની કભી કભી અને સીલસીલા અને  પ્રકાશ મેહરાની મુકદર કા સિકંદર અને શરાબી વગેરે ફિલ્મોમાં પ્રણયરંગી પાત્રો પણ ભજવ્યાં,  તો વળી, ઋષિકેશ મુખરજીની  અભિમાનમાં સંગીતકારની  અને ચૂપકે ચૂપકે ફિલ્મમાં હાસ્યપ્રધાનભૂમિકા ભજવીને પોતાની અભિનય પ્રતિભા પુરવાર કરી દીધી.

આ જ અમિતાભ બચ્ચનના જીવનમાં ન માની શકાય તેવો વળાંક તો એ આવ્યો કે ૧૯૮૪માં તેમણે તેમના બાળપણના દોસ્ત અને ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીના આગ્રહથી રાજકીય કારકિર્દીમાં પણ ઝંપલાવ્યું અને  લોક સભાની ચૂંટણીમાં અલ્લાહાબાદની બેઠક પરથી ઝળહળતો વિજય પણ મેળવ્યો હતો.

જોકે અમિતાભ માટે એ રાજકીય કારકિર્દી તેમના જીવનનો મોટો ભૂકંપ પુરવાર થઇ હોય તેમ તેમના પર બોફર્સ તોપ સંબંધિત કરાર વિશે તીખાતમતમતા આક્ષેપો થયા હતા.સરવાળે અમિતાભ બચ્ચને સદાય માટે રાજકારણને તિલાંજલી આપી દીધી અને પોતાની ફિલ્મ કારકિર્દી ફરીથી શરૃ કરી.

સમયના પ્રવાહ સાથે અમિતાભ બચ્ચને સફળ બિઝનેસમેન,કોલેજના સિદ્ધાંતવાદી પ્રિન્સિપાલ,પુત્રને શિસ્તના પાઠ ભણાવતા કડક પણ પ્રેમાળ પિતાથી લઇને પ્રતિભાશાળી વકીલતથા વિશિષ્ટ પ્રકારના રોગથી પીડાતા બાળક  જેવી વિવિધ પ્રકારની અને અસરકારક ભૂમિકાઓ પણ ભજવી અને હજી પણ ભજવી રહ્યા છે.

મોહબતેં, વક્ત : ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ, પીકુ,પીન્ક અને પા આવાં ઉજળાં ઉદાહરણ છે.સાથોસાથ તેમણે મુંબઇના રાજકારણના બાદશાહગણાતા સરકારનું અફલાતૂન પાત્ર પણ ભજવીને બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો.

બીજીબાજુ એક વિશેષ અખબારી મુલાકાતમાં બીગ બી એ એવો મુદ્દો પણ રજૂ કર્યો હતો કે બોલીવુડની નવી પેઢી કદાચ એવું પણ વિચારતી હશે કે  અમિતાભ બચ્ચન નામનો વૃદ્ધ અભિનેતા હવે ક્યારે ઘરે રહેશે ? આ ફિલ્મ જગતમાંથી  ક્યારે નિવૃત્તિ લેશે ?

જોકે સરકાર-૩માં અમિતાભ સાથે કામ કરનારો રોનીત રોય બહુ ઉત્સાહ સાથે કહે છે, મને ખબર પડી કે આ ફિલ્મમાં અમિતજી પણ બહુ મહત્વની ભૂમિકામાં છે ત્યારે મેં એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મારા પાત્રની હા કહી દીધી હતી.ખરેખર બીગ બી એવા આલા દરજ્જાના અદાકાર છે કે એક પણ અક્ષરબોલ્યા વગર પોતાના પાત્રની સંવેદના વ્યક્ત કરી શકે છે.

વળી, તેમની હિન્દી ભાષા પરનું પ્રભુત્વ અને ભાષા શુદ્ધિ,ઘૂંટાયેલો ઘેઘૂર અવાજ અને  ઊંચાઇ વગેરે પાસાં પણ અમારા જેવા ઉગતાં કલાકારોએ અપનાવવાં જેવાં છે.મેં એવો વિચાર પણ કર્યો હતો કે હું તેમને રૃબરૃ મળીશ ત્યારે મેં તેમની જોયેલી ફિલ્મોની યાદી બતાવીશ.સાથોસાથ કહીશ કે હું તો તમારો મોટો ભક્ત છું.જોકે હું બીગ બીને સેટ પર રૃબરૃ મળ્યો ત્યારે ખરેખર જીભ સિવાઇ ગઇ હતી.

મારી આવી મનોસ્થિતિની જાણ અમિતજીને થઇ કે તરત જ તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, દોસ્ત,આપણે બંનેએ આ ફિલ્મમાં સાથે કામ કરવાનું છે.મને તમારો અભિનય ગમે છે.મજા આવશે.ખરું કહું તો અમિતજીની આવી નમ્રતા મને સ્પર્શી ગઇ.

સરકાર -૩ની સાથી કલાકાર યામી ગૌતમ પણ કબૂલ કરે છે કે હા, અમિતજીનું સૌથી મજબૂત પાસું એ છે કે તેઓ તેમના સાથી કલાકાર કે કોઇપણ વ્યક્તિ સાથે નમ્રતાથી અને સીધી વાત કરે છે. આ જ સહજતાથી તેઓ પડદા પર અભિનય કરીને હજારો-લાખો દર્શકો સાથે પણ સીધો સંવાદ સાધી શકે છે.તેમનો આ ગુણ અમારે અપનાવવા જેવો છે.

પીન્ક ફિલ્મનો સાથી કલાકાર અંગદ બેદી પણ કહે છે, અમિતજી સાથે અભિનય કરવાનો અનુભવ મારી જિંદગીનો સૌથી યાદગાર પ્રસંગ છે.ખરું કહું તો મારું બાળપણનું એક સપનું સિદ્ધ થયું છે.હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મને આવી અમૂલ્ય તક વારંવાર મળે.

બીજીબાજુ રોનીત રોય તો અક કદમ આગલ વધીને એમ પણ કહે છે કે આ મહાનાયક વિશેએક સુંદર પાઠય પુસ્તક પણ હોવું જોઇએ.  આપણને  સહુને તોખબર છે કે અમિતજી એક મહાન અને દંતપથારૃપ અભિનેતા છે પરંતુ આ દેશનાં અસંખ્ય લોકોને જરા સરખી જાણ નથી કે બીગ બી એટલા જ ઊંચી કક્ષાના ઇન્સાન પણ છે.

જોકે ખુદ અમિતાભ બચ્ચન રોનીત રોયના પાઠય પુસ્તક વિશેના અભિપ્રાય  સાથે જરાય સંમત નથી.હિન્દીના મહાન કવિ હરીવંશ રાય બચ્ચનનો આ અભિનેતા પુત્ર કવિની ભાષામાં જ કહે છે, જુઓ, સાવ સાચું કહું તો તે પુસ્તકનાં બધાં પાનાં કોરાં હશે.હકીકત એ છે કે કોઇપણ માનવ તેનું કામ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરે તો તે કાર્ય જરૃર દીપી ઉઠે.તે કાર્યની મહેક ફેલાય.બસ, હું આ જ કુદરતી સિદ્ધાંતના પગલે ચાલું છું.

રહી વાત નવી પેઢીનાં પ્રતિભાશાળી કલાકારોની, તો તેઓ મને જે આદર અને પ્રેમ આપે છે તે માટે તેમનો આભારી છું.વળી,તેઓ બહુ પ્રતિભાશાળી અને ભરપૂર આત્મવિશ્વાસુ પણ છે.હું તેઓને મારી અને બીજાં કલાકારો સાથે કામ કરતાં જોઉં છું ત્યારે મને ખરેખર આનંદ થાય છે.આજની પેઢીનાં કલાકારો બહુ આનંદી અને પારદર્શક પણ છે તેનો મને આનંદ છે.

બોલીવુડના હી મેન અને શોલેનો વીરૃ એટલે કે ધર્મેન્દ્ર પણ તેના જૂના  દિવસો  યાદ કરતાં કહે છે,અમિત સાથે કામ કરવાનો આનંદ અનેરો હતો.અમે બહુ સારા મિત્રો પણ છીએ અને શોલેના શૂટિંગ સમયે તો ભરપૂર મજાક-મસ્તી પણ કરતા.અરે, આજે પણ અમે મળીએ ત્યારે હું તેની જબરી ટીખળ કરું છું.અમે બંને ફરીથી સાથે કામ કરીએ તેવી ઇચ્છા પણ છે.

દર્શકો રાજીનાં રેડ થઇ જશે.  તાપસી પન્નુ પણ કહે છે, પીન્કમાં  અમિતજી સાથે કામ કરીને મારા અભિનયમાં ઘણું ઘણું પરિવર્તન આવ્યું અને મને અભિનયના ઉપયોગી પાઠ પણ શીખવા મળ્યા.અમારા માટે તો અમિતજી ગુરુ અને પ્રેરણાસ્રોત છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments