Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં ઉમેરો નીચો રહેતા ઉદ્ભવેલો નવો પડકાર

-તળિયે ગયેલા દરો રોકાણકારોની મૂડીને જોખમમાં મૂકી શકે છે

તા.8 જાન્યુઆરી 2018 સોમવાર

સૌર ઊર્જા ક્ષેત્ર માટે ૨૦૧૭નું વર્ષ ધૂપછાંવ જેવું રહ્યું હતું. ટેરિફ દરમાં નવી નીચી સપાટી સાથે ક્ષેત્ર સામે અનેક નવા પડકારો પણ ગયા વર્ષમાં ઊભા થયા હતા. મે ૨૦૧૭માં રાજસ્થાનમાં ૫૦૦ મેવોના સોલાર પાર્ક માટેની બિડિંગમાં ટેરિફ દર પ્રતિ યુનિટ રૃપિયા ૨.૫૦થી નીચે જઈને રૃપિયા ૨.૪૪ જોવા મળ્યા હતા.

આમ છેલ્લા છ વર્ષમાં સોલાર ટેરિફમાં ૮૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. આજ ગાળામાં સૌર ઊર્જા ક્ષમતા  ૨ મેગો વોટથી વધીને ૧૪૭૫૦ મેવો પર પહોંચી છે. વિતેલા વર્ષમાં સૌર ઊર્જા ક્ષેત્રે નવા વૈશ્વિક ખેલાડીઓના આગમન થયા તો કેટલાકે વિદાય લીધી હતી. કેટલાક પ્રોજેકટસમાં હાથ બદલો પણ થયો છે અને ઊભરી રહેલા ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઝંપલાવવા માટે વૈશ્વિક ફન્ડોએ રોકાણ માટે કતાર લગાવી હતી.

વિતેલા વર્ષમાં રાજ્યો પાસે ભંડોળની અછતે પણ આ ક્ષેત્ર પર કાળાં વાદળો ઊભા કર્યા હતા. ટેરિફ ઘટી રહ્યા છે એવો દાવો કરીને રાજ્યો દ્વારા વીજ ખરીદ કરાર પર નવેસરથી ચર્ચા કરવા દબાણ કરાયું હતું જેને કારણે આ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ પર અસર પડી હતી. ક્ષમતામાં ઉમેરો પણ ૯૦૦૦ મેવોના ટાર્ગેટની સામે માત્ર ૩૧૦૦ મેવો રહ્યો હતો. કેટલાક રાજ્યોમાં તો ટેન્ડરિંગ અને પ્રોજેકટસ કરાર પ્રક્રિયા પણ ઢીલમાં પડી હતી.

આવી સ્થિતિમાં ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ગીગા વોટનો સોલાર પાવર ટાર્ગેટ કઈ રીતે સિદ્ધ થશે એ સવાલ થયા વગર રહેતો નથી. આ ટાર્ગેટને સિદ્ધ કરવા સરકારે એક જ સ્થળે ૫૦૦ મેવોથી વધુની ક્ષમતા સાથેના સોલાર પાર્કસની યોજના બનાવી છે. આવા ૩૦ જેટલા સ્થળ શોધી કઢાયા છે જેમાંથી પાંચ જેટલા સ્થળોએ તો ટેન્ડરિંગ પ્રક્રિયા સફળ રહી છે. પરંતુ બિહાર, ઝારખંડ, તામિલનાડૂ સહિતના મોટાભાગના રાજ્યોએ આ સોલાર પાવર પ્રોજેકટસ માટેની ડેડલાઈન લંબાવી છે. મંદ માગ અને નીચા ટેરિફ દર આ માટેના કારણો જણાવાયા છે.

ટેરિફમાં થયેલા જોરદાર ઘટાડાને કારણે વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ્સ) અને રાજ્યો જેમણે અગાઉ ઊંચા ભાવે વીજ ખરીદ કરાર કર્યા છે તે નવેસરથી કરવા આગ્રહ ધરાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ઝારખંડે જેણે બે વર્ષ અગાઉ પ્રતિ યુનિટ રૃપિયા ૬-૯ના ભાવે કરાર કર્યા હતા તેના પર નવેસરથી વાટાઘાટ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશે તો ૨૦૧૬માં રૃપિયા ૭થી ૯ના ભાવે સહી કરેલા દરેક સોલાર પ્રોજેકટસ રદ કરી નાખ્યા છે. આમ મોટા ભાગના રાજ્યોએ ૨૦૧૭માં પોતાના વીજ ખરીદ કરારનું પાલન કર્યું નથી, જેને કારણે સૌર ઊર્જા ક્ષમતામાં જે ઉમેરો થયો છે તેમાંથી વીજ ઉપાડ સામે પ્રશ્ન ઊભો થયો છે.

ભારતની સોલાર બજારની મર્યાદાઓની હાલમાં કસોટી થઈ રહી છે. જીએસટીને કારણે પ્રોેજેકટસ પૂરા કરવાના ખર્ચમાં વધારો થયો છે. મોડયૂલના ભાવમાં વધારો થયો છે જ્યારે બિડરો ૨૦૧૭ના અંત સુધીમાં ભાવમાં વીસ ટકા જેટલો ઘટાડો થવાની અપેક્ષા રાખતા હતા. ભારત સરકાર સામે હાલમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા કરતા મુખ્ય ચિંતા આ વીજના ઉપાડને લઈને છે. સોલાર પ્રોજેકટસ પર વળતરનો દર ૧૦થી ૧૨ ટકાની વચ્ચે સ્થિર થઈ રહ્યો છે ત્યારે વિશ્વમાંથી અનેક મોટા ધિરાણદારો ભારતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસમાં નાણાં પૂરા પાડવા તત્પર છે. જો કે આ નાણાંનો પ્રવાહ ત્યારે જ શકય બનશે જ્યારે વીજ ખરીદ કરારનું પાલન કરવાની તેમને ખાતરી મળશે.

માત્ર સૌર ઊર્જા જ નહીં પરંતુ રિન્યુએબલ એનર્જીના અન્ય એક પ્રકાર પવન ઊર્જા ક્ષેત્રે પણ આવું ચિત્ર વિતેલા વર્ષમાં જોવા મળ્યું છે. ૨૦૧૭માં પવન ઊર્જાનો ભાવ પ્રતિ યુનિટ ઘટીને રૃપિયા ૨.૪૩ જોવાયો હતો અને પ્રોજેકટ ઓકશન્સના ત્રણ રાઉન્ડ હાથ ધરાયા હોવા છતાં ઓકટોબરના અંત સુધીમાંં માત્ર ૪૩૫ મેવોનો જ ઉમેરો થઈ શકયો હતો. ક્ષમતામાં ઉમેરો મંદ પડતા ટરબાઈન ઉત્પાદકોએ પોતાના કર્મચારીબળની સંખ્યા ઘટાડવાની ફરજ પડી રહી છે.  ૨૦૧૭માં ઓક્શન્સ છતાં ટરબાઈન ઉત્પાદકો પાસે  રૃપિયા ૧૦૦થી ૧૨૫ અબજનો વેચાયા વગરનો સ્ટોકસ પડયો હોવાનું માનવામાં આવે છે. ટેરિફમાં ઘટાડાને કારણે પ્રોજેકટ હાથમાં લેનારી કંપની માટે ખર્ચ અને કાર્યક્ષમતા જાળવવાનું મુશકેલ બની રહ્યું છે. ઓછા ખર્ચમાં વધુને વધુ પરિણામ હાંસલ કરવાનું કંપનીઓ માટે આવશ્યક બની ગયું છે.

દેશનો પવન ઊર્જા ઉદ્યોગ ફીડ-ઈન ટેરિફમાંથી સ્પર્ધાત્મક બિડીંગ તરફ વળી રહ્યો છે ત્યારે ૨૦૧૭નું ચિત્ર કદાચ કામચલાઉ બની રહેવાની અને આગળ જતા સ્થિતિમાં સુધારો થવાની ઉદ્યોગ અપેક્ષા રાખી રહ્યું છે. કેન્દ્ર દર મહિને વિન્ડ એનર્જી પ્રોજેકટસના ઓકશન હાથ ધરવા ઈરાદો ધરાવે છે પરંતુ વીજ ઉપાડ એક મોટો પડકાર બની રહ્યો છે. વિન્ડ એનર્જી  સામેના પડકારોની વાત કરીએ તો ગ્લોબલ વાર્મિંગ પણ પવન ઊર્જા સામે એક નવા પ્રકારનો પડકાર ઊભો થઈ રહ્યાના અહેવાલો છે. ગ્લોબલ વાર્મિંગને કારણે પવનની શક્તિ હણાઈ જવાનો ભય સેવાઈ રહ્યો છે. એક વૈશ્વિક અભ્યાસમાં વધી રહેલા તાપમાનની વિન્ડ એનર્જી પર અસરનો ઉલ્લેખ કરાયો છે. મોટી સંખ્યામાં ટરબાઈન્સ બેસાડાયા છે તેવા અનેક સ્થળોએ સદીના અંત સુધીમાં હવામાનમાં વ્યાપક ફેરબદલની એક સંશોધનમાં આશંકા વ્યકત કરાઈ છે. છેલ્લા એક દાયકામાં વિશ્વમાં વિન્ડ ફાર્મ્સની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે.

૨૦૨૨ સુધીમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા ૧૦૦ ગીગાવોટ પર પહોંચાડવાનો ત્રણ વર્ષ અગાઉ લક્ષ્યાંક નક્કી કરાયો છે. ઊભી થયેલી તકને ઝડપી લેવા  પ્રાઈવેટ ઈક્વિટી ફન્ડસ, સોવેરિન વેલ્થ ફન્ડસ વગેરે જેવા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રોકાણકારોએ  ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જંગી રોકાણ કરવાનું શરૃ કર્યું છે. ઉત્પાદન ક્ષમતા વધારવા ખાનગી ક્ષેત્ર દ્વારા જે રીતે રસ દર્શાવાઈ રહ્યો છે તેને જોતા સરકારનો લક્ષ્યાંક હાંસલ થવાની શકયતા નકારી શકાતી નથી.

 પરંતુ સોલાર તથા વિન્ડ એનર્જી  માટે  હાલમાં જે રીતે આક્રમક બિડિંગ થઈ રહ્યા છે અને વીજ પૂરવઠા દરમાં જે  ગતિએ ઘટાડો થઈ રહ્યો છે તેને જોતા આ બે મુખ્ય રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન પાછળ થતાં ઈન્વેસ્ટમેન્ટની સ્થિતિ દેશમાં થર્મલ ક્ષેત્ર જેવી તો નહીૅ થઈ જાયને એવી ચિંતા થયા વગર રહેતી નથીઅવ્યવહારુ દરોને કારણે અનેક થર્મલ પાવર પ્રોજેકટસ અધવચ્ચે પડતા મૂકી દેવાયા અથવા બંધ કરી દેવાયાના ઉદાહરણો છે. રિન્યુએબલ ઊર્જાનું એકંદર ભાવિ ઉજળું જણાય છે પરંતુ હાલમાં પ્રોજેકટો ઊભા કરવા નીચા ભાવ પૂરા પાડવાની શરૃ થયેલી ગળાકાપ હરિફાઈ કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે તેને જોતાં  રિન્યુએબલ એનર્જી  ક્ષેત્રે  કાર્યરત કંપનીઓએ કાર્યક્ષમતા વધારી ઉત્પાદન ખર્ચ નીચે લાવવા સતત પ્રયાસ કરતા રહેવું પડશે, જો તેમણે ટકવું હશે તો.
 

Post Comments