Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરસાદના આગમનથી આનંદ પણ GST રડાવશે...

- ઈન્સ્પેકટર રાજ વધવાના એંધાણ

વેરાની અટપટી જોગવાઇઓના પગલે વેપાર-ઉદ્યોગો દ્વિધામાં

- મોબાઇલ ફોન, TV, AC, ફ્રીજ મોંઘા થશે
- વેરાની અટપટી જોગવાઇઓના પગલે વેપાર-ઉદ્યોગો દ્વિધામાં
- નાસ્તા/નમકીન, ઠંડા પીણા, સૂકા મેવા મોંઘા થશે
- મોંઘવારીમાં વધારો થવાના ભયથી પ્રજા ચિંતામાં
- કલર, વાર્નીશ તેમજ વોલપેપર, ફર્નીચર મોંઘુ થશે

જીએસટીના અમલ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ મુદ્દાને લઇને દેશભરમાં તમામ સ્તરે એક ઉચાટભર્યો માહોલ છવાયેલ છે. નવા જ પ્રકારના અમલી બનનાર કરમાળખાની અટપટી જોગવાઇઓ તેમજ ફરજીયાતપણે પેપરવર્કના બોજાના કારણે વેપાર-ઉદ્યોગ-ધંધાઓમાં દ્વિધા સાથે ગભરાટનો માહોલ છવાયેલ છે. તો બીજી તરફ આ નવા વેરાના કારણે રોજીંદા જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓમાં વેરાનું ભારણ વધવાના કારણે મોંઘવારીમાં વધારો થવાની દહેશતના પગલે દેશની પ્રજા ચિંતામાં મૂકાઇ ગઇ છે. તો ત્રીજી તરફ જીએસટીના અમલના કારણે ઉદભવનારી પ્રતિકૂળતાઓ સહિતની અન્ય નકારાત્મક ઘટનાને પગલે આગામી સમયમાં શેરબજારમાં પણ મોટા કરેકશનના એંધાણ સાંપડી રહ્યા છે.

આ ત્રણ મુદ્દા પર આપણે તબક્કાવાર નજર કરીએ તો જીએસટીના અમલને લઇને દેશભરના વેપાર-ઉદ્યોગ હાલ દ્વિધાભરી સ્થિતિમાં મૂકાઇ ગયો છે.

ઔદ્યોગિક મંદી, ઘટતી માંગ અને નાણાંકીય પ્રતિકૂળતાઓને લઇને વિવિધ ઉદ્યોગો કપરા કાળનો સામનો કરી જ રહ્યા હતા, ત્યાં હવે આગામી પહેલી જુલાઇથી અમલી બનનાર જીએસટીના પગલે ઉદ્યોગો પોતાની મુશ્કેલીઓમાં વધારો થશે તેવું માની રહ્યા છે. જીએસટીનો અમલ તો પહેલી જુલાઇથી થવાનો છે. પણ તેની અસર ચાલુ માસથી જ જોવા મળી રહી છે. નવા ઓર્ડર તો સાવ ઠપ જ થઇ ગયા છે. જેના કારણે વિવિધ ઉદ્યોગો ધંધા-રોજગારને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે.

સરકાર દ્વારા ૧૨૦૦થી પણ વધુ ચીજવસ્તુઓ અને ૫૦૦થી પણ વધુ સેવાઓ (સર્વિસ) પર ૫થી ૨૮ ટકા સુધીના ચાર અલગ અલગ ટેક્સ સ્લેબની જાહેરાત કરી દીધા બાદ હાલ તમામ ઈન્ડસ્ટ્રી તેના અમલના પળોજણમાં વ્યસ્ત થઇ ગઇ છે. વિવિધ ઈન્ડસ્ટ્રીના સુત્રોના જણાવ્યા મુજબ જીએસટીના નવા કરમાળખામાં ઊંચા દરના કારણે પ્રતિકૂળ માહોલ ઊભો થશે તે તો સ્વાભાવિક છે. પરંતુ, તેના અમલના કેટલાક ચોક્કસ તબક્કામાં વેરાની જોગવાઇઓ તેમજ ઈન્પુટ ક્રેડિટને લઇને વિવિધ ઉદ્યોગો ચિંતામાં મૂકાઇ જવા પામ્યા છે.

નીચા ટેક્સ રેટને લઇને કેટલાક ચોક્કસ ક્ષેત્રોને ફાયદો થશે પરંતુ, આવા ક્ષેત્રની હાલની ઈન્વેન્ટરી પર કોઇ ટેક્સ બેનિફીટ મળનાર ન હોઇ ત્રિમાસિક ગાળા દરમિયાન તેમના અર્નીંગ પર નેગેટિવ અસર થશે. આ ઉપરાંત આ નવા કાયદા માંહેની કેટલીક ચોક્કસ જોગવાઇઓ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ ન હોવાના કારણે ઉદ્યોગોની મુંઝવણમાં વધારો થયો છે.

અત્રે જાહેર જનતા સાથે રોજીંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ ઉદ્યોગો પર જીએસટીના પગલે શું અસર થશે તેની છણાવટ કરી છે. તેના પર એક નજર કરીએ તો,

રેડીમેડ ગાર્મેન્ટ : રૃના ભાવની ઊછળકૂદ તેમજ નોટબંધીના કારણે મુરઝાયેલા રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગને જીએસટીના અમલના પગલે મોટો ફટકો પડવાની સંભાવના છે. જીએસટીના કરમાળખામાં રૃા. ૧૦૦૦થી વધુની કિંમતના વસ્ત્ર પર ૧૨ ટકા ટેક્સ અમલી બનશે. જે હાલ ૭ ટકા છે.

આજે કોઇપણ બ્રાન્ડેડ રેડીમેડ સ્ટોરમાં ચાલુ રૃટીન એટલે કે ઓફિસ / ઘરમાં પહેરવાના કેઝ્યુઅલ વસ્ત્રની કિંમત પણ રૃા. ૧૦૦૦થી વધુ જ હોય છે. તેથી સ્વાભાવિક છે કે લોકો હવે બ્રાન્ડને છોડી અનઓર્ગેનાઇઝડ ક્ષેત્ર તરફ વળશે. આમ ઊંચા દરના પગલે ગ્રાહકો આ ક્ષેત્રથી દૂર થશે સાથોસાથ આ ક્ષેત્ર સાથે સંકળાયેલ કંપનીઓની નફાક્ષમતામાં પણ ઘટાડો થશે.

ઈલેક્ટ્રોનિક્સ ગુડઝ : ટેલિવિઝન, રેફ્રીજરેટર, એરકન્ડીશનર્સ સહિતના વિવિધ ઘરગથ્થુ, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની કિંમતમાં જીએસટીના અમલ બાદ ચારથી પાંચ ટકાનો વધારો થવાની સંભાવના છે. હાલ આ વિવિધ ઈલેક્ટ્રોનિક્સ ગુડ્ઝ પર ૨૩ ટકા આસપાસ ટેક્સ અમલી બને છે પરંતુ જીએસટી કાઉન્સીલે આ તમામ ચીજવસ્તુઓને ૨૮ ટકાના સ્લેબ હેઠળ આવરી લીધી છે.

આમ, એક તરફ ટેક્સ તો વધી જ ગયો છે. અને બીજી તરફ આ ઉપકરણના મેન્યુફેકચરીંગમાં વપરાશમાં લેવાના રો-મટીરીયલ્સના કરમાળખામાં પણ વધારો થયો હોવાના પગલે  આ ક્ષેત્રની કંપનીઓને બેઉ બાજુથી માર પડશે.

આમ, ઊંચા દરના પગલે આ ક્ષેત્રની કંપનીઓની નફાશક્તિ પર પ્રતિકૂળ અસર થશે. તો બીજી તરફ પ્રજાએ પણ આગામી પહેલી જુલાઇ પછી ટીવી, એસી, ફ્રિજ સહિતના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી માટે વધુ નાણાં ચૂકવવા પડશે.

હોટલ ઈન્ડસ્ટ્રી : જીએસટીના અમલ અગાઉ આ ઈન્ડસ્ટ્રીમાં ૧૮ ટકાથી માંડીને ૨૫ ટકા સુધીનું કરમાળખું ચાલતું હતું. પરંતુ જીએસટી કાઉન્સીલે આ ઈન્ડસ્ટ્રીને વેરાના ચાર અલગ અલગ બકેટ, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબ હેઠળ આવરી લેવાના કરાયેલ નિર્ણયની આ ઈન્ડસ્ટ્રી પર પ્રતિકૂળ અસર થશે.
આમ પણ ગળાકાપ સ્પર્ધા તેમજ નોટબંધી સહિતની અન્ય પ્રતિકૂળતાઓના પગલે આ ઈન્ડસ્ટ્રી ખોડંગાતી ચાલે ચાલી રહી હતી. ત્યાં હવે જીએસટીના ઊંચા દરના મામલે આ ઈન્ડસ્ટ્રીની નફાક્ષમતા પર અસર થશે. બીજી તરફ ઊંચા દરના પગલે હવે લોકોને હોટલમાં જમવા જવાનું પણ મોંઘું પડશે.

બ્યુટી પ્રોડક્ટ્સ : હેર એન્ડ ફેસ કેર ક્ષેત્રે વપરાતી સંખ્યાબંધ બ્યુટી પ્રોડક્ટ્સને જીએસટીમાં ૨૮ ટકાના ઊંચા દર હેઠળ આવરી લેવામાં આવી છે. જેના પગલે આગામી પહેલી જુલાઇ પછી આ ચીજવસ્તુઓનો વપરાશ મોંઘો પડવાની સાથોસાથ સલુનના બિલ પણ ઊંચા આવશે. તો બીજી તરફ આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓની નફાશક્તિ પર પણ પ્રતિકૂળ અસર થશે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતમાં હજુ પ્રત્યક્ષ વેરાઓમાં સુધારાની પ્રક્રિયા બાકી છે ત્યારે પ્રથમ તબક્કે પરોક્ષ વેરાઓમાં સુધારાની શરૃઆત થઇ ચૂકી છે. ત્યારે આ મુદ્દાને લઇને દેશના વિવિધ બજારો તથા  ઉદ્યોગોમાં અજંપો પ્રવર્તી રહ્યો છે.

હવે જીએસટીના અમલ અને શેરબજારમાં કરેકશનના એંધાણ મુદ્દાની ચર્ચા કરીએ તો આમ તો આ મુદ્દો જરા અટપટો લાગે છે. પરંતુ જીએસટીની શેરબજાર પર અસર થશે અમલ અંગેના સરકારના જક્કી વલણના કારણે વેરામાળખાના પરિવર્તન કાળના આરંભિક પરિણામો મોટાપાયે અંધાધૂંધી સર્જનારા નીવડશે.

જીએસટીના અમલ માટેની અટપટી જોગવાઇઓ સહિતની અન્ય પ્રતિકૂળતાઓના પગલે આગામી દિવસોમાં દેશભરના બજારોમાં નાણાં પ્રવાહિતાની ગંભીર ખેંચની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. તેની સાથોસાથ બજારમાં કેટલીક ચીજવસ્તુઓની અછતની સ્થિતિ સર્જાવાની પણ દહેશત પ્રવર્તી રહી છે.

આમ, નાણાં પ્રવાહિતાની કટોકટીભરી સ્થિતિ સહિતની અન્ય પ્રતિકૂળતાઓને લઇને આગામી બે ત્રિમાસિક ગાળા દરમિયાન કોર્પોરેટ ક્ષેત્રની કામગીરી કથળવાના એંધાણ છે. આ મુદ્દાની સીધી અસર શેરબજાર પર જોવા મળશે. આ ઉપરાંત, નાણાં ખેંચની સ્થિતિમાં બજારમાં તમામ સ્તરે રિડમ્પશન પ્રેશર આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે.

આમ, આ પ્રતિકૂળતાઓને જોતા આગામી સમયમાં મ્યુચ્યુઅલ ફંડો એક્ઝિટ મુડમાં જોવા મળશે તો બીજી તરફ રિડમ્પશન પ્રેશરને લઇને વિદેશી રોકાણકારો પણ સાવચેતીનું વલણ અપનાવશે. અને બજારમાં વેચવાલીનો મુડ પ્રબળ બનતો જશે. આમ, જીએસટીના અમલ બાદ ઉદભવનાર અંધાધૂંધીના માહોલમાં શેરબજારમાં ૨૦થી ૨૫ ટકાનો કડાકો બોલી જશે તેવી સંભાવના બજારના અભ્યાસી વર્તુળોએ વ્યક્ત કરી છે.

હવે ત્રીજો મુદ્દો એટલે કે મોંઘવારી વધવાની ચિંતાની વાત કરીએ તો, જીએસટીના અમલમાં ખાદ્ય ચીજવસ્તુઓને વેરામાંથી બાકાત રાખવામાં આવી છે તે વાત બરાબર પણ રોજીંદા જીવનજરૃરીયાતની કેટલીક ચીજવસ્તુઓમાં વેરાના દરમાં વધારો થયો છે. તો કેટલીક વસ્તુઓમાં સર્વિસ ટેક્સ વધી જશે જેના કારણે સંખ્યાબંધ  ચીજવસ્તુઓ મોંઘી જ થશે તેમ કહેવું અસ્થાને નથી.

વિવિધ ચીજવસ્તુઓના વેરાના સ્લેબની જાહેરાત બાદ સરકાર દ્વારા અખબારોમાં જાહેરાત થકી એવું જણાવાય છે કે ૮૧ ટકા વસ્તુઓ પર જીએસટીના દરો ૧૮ ટકા અથવા તેનાથી નીચે છે. પરંતુ હાલના અમલી વેરાના દરો કરતા તે ઊંચા હોઇ જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓ મોંઘી થશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

સરકારે બ્રાન્ડ વગરની ખાદ્યચીજોને વેરામાંથી મુક્તિ આપી છે. પરંતુ તે જ ચીજ જો બ્રાન્ડેડ હોય તો તેના પર ટેક્સ અમલી બનાવેલ છે. હાલના સમયમાં દેશની જનતા ખાદ્ય ચીજવસ્તુઓમાં બ્રાન્ડેડ ચીજ ખરીદવાને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે સરકારે તેને વેરાના બોજા હેઠળ આવરી લીધી છે. અને બ્રાન્ડ વિનાની વસ્તુઓને વેરાથી મુક્ત રાખી છે. આમ, સરકારની આ બેવડી નીતિ સમજમાં આવે તેમ નથી.

જીએસટીના અમલ બાદ ટીવી, ફ્રીજ, એસી, મોબાઇલ જેવી ચીજસ્તુઓ મોંઘી બની જશે. બીજી તરફ બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ પરનો ટેક્સ વધતા બ્યુટી પાર્લરમાં પણ ઊંચા બિલ ચૂકવવા પડશે.
આમ, પહેલી જુલાઇ પછી જીએસટીના અમલ સાથે જીવનજરૃરીયાતની સંખ્યાબંધ ચીજવસ્તુઓ મોંઘી થશે. જેના કારણે લોકોએ પોતાના ખિસ્સામાંથી વધુ નાણાં ચૂકવવા પડશે. આમ, જીએસટીના અમલને લઇને હાલ દેશભરમાં તમામ સ્તરે એક ઊચાટભર્યો માહોલ છવાયેલ છે...

દવાઓ, વેલનેસ પ્રોડક્ટ મોંઘી થશે
વિવિધ દવાઓ પર હાલ પાંચ ટકા વેટ અમલી છે તે જીએસટીના અમલ બાદ વધીને ૧૨ ટકા થશે. બીજી તરફ ફૂડ સપ્લીમેન્ટ્સ અને વિવિધ વેલનેસ પ્રોડક્ટ્સ હાલ ૧૫ ટકા વેટ હેઠળ છે તે જીએસટીના અમલ બાદ ૨૮ ટકા સ્લેબમાં આવશે.

એક તરફ સરકાર આરોગ્યનું સ્તર સુધારવા અને યોગ પર ભાર મૂકે છે અને બીજી તરફ આ બે મુદ્દાને આનુસંગિક ચીજવસ્તુઓને વેરાના ઊંચા સ્લેબ હેઠળ આવરી લેવાતા જીએસટીના અમલ બાદ તે મોંઘીદાટ બની જશે.

હોસ્પિટલમાં સારવાર મોંઘી થશે
જીએસટીમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રને બાકાત રખાયું હોવા છતાં તબીબી સાધનો પર ઈનપુટ ક્રેડિટ અંગેની અસ્પષ્ટતાના પગલે હોસ્પિટલાઇઝેશન પાછળના ખર્ચમાં ચારથી પાંચ ટકા વધારો થશે.
તબીબી સાધનો અને કેટલીક પ્રક્રિયાઓને જીએસટીના ઊંચા દરમાં આવરી લેવાતા જીએસટીના અમલ બાદ હોસ્પિટલમાં સારવાર મોંઘી બની શકે છે.

ઈન્સ્પેકટર રાજ વધવાના એંધાણ
જીએસટીમાં વેપારીઓ / ઉદ્યોગો સહિત અન્ય તમામ સ્તરે તેના અમલમાં ચૂક થવા સામે આકરા પગલાની જોગવાઇઓ કરાઇ છે. આ ઉપરાંત સરકાર પણ આ સંદર્ભે છાશવારે ચીમકીઓ ઊચ્ચારી રહી છે. આમ, પેનલ્ટી તથા પ્રોસીક્યુશનના નિયમો કડક બનવાની ભીતિ વચ્ચે વેપાર ઉદ્યોગમાં અંદરખાને ગભરાટ તથા રોષની લાગણી ફેલાયેલ છે. તેમાંય વળી ઈનપુટ ટેક્સ ક્રેડિટના અટપટા નિયમોના કારણે વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

જીએસટીના અમલ માટે સરકાર દ્વારા જોઇન્ટ કમિશનરની રેન્કના જીએસટી વિભાગના અધિકારીઓને સત્તા પાવર્સ પણ મોટાપાયે આપવામાં આવ્યા છે. આમ, આ સરકારી કવાયત જોતા જીએસટીના અમલ પછી દેશમાં ઈન્સ્પેકટર રાજ વધવાના એંધાણ છે તેમ વેપાર-ઉદ્યોગોનું માનવું છે.

Post Comments