Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

વૅલેન્ટાઈન ડે: પૂણ્યતિથિ નહીં પ્રેમતિથિ

વેલેન્ટાઈન ડે  આવતાની સાથે પ્રેમ ઉભરાવા માંડે અને પ્રેમની નિશાનીઓથી જુવાનિયા અને જુવાનડીના ચહેરા, હાથ, પગ ભરાવા માંડે. આ તો ભાઈ વરસને વચલે દિવસે પ્રેમ અને બાકી જેમનું તેમ એવું જ કહેવાયને?

તિથિ તારીખ જોઈને પ્રેમ વરસાવવાની અને બાકી તરસાવવાની આ તે વળી કેવી રીત?  તારીખીઆ જોઈને પ્રેમ કરાય કે વહેમ ક્રાય?  આજના ધમાલિયા જીવનમાં ઘણાંને પ્રેમ કરવાનો સમય નથી રહેતો અને જ્યારે પછી સમય મળે છે ત્યારે પ્રેમ નથી રહેતો. એટલે જ હું તો કાયમ કહું છું કે આ દેશમાં વેલેન્ટાઈનનું નહીં વેલ-ઈન-ટાઈમનું જ મહત્ત્વ સમજવાની જરૃર છે.

વેલેન્ટાઈન ડેની ઉજવણી વખતે ભલે હૈશો... હૈશો કરી જુવાનિયાઓ વેલેન્ટાઈનના સંદેશાની  આપલે કરે પણ દિલ્હીમાં બેઠેલા સત્તાધીશો વસમાં પાડોશી દુશ્મનને કેમ વેલ-ઈન-ટાઈમ સણસણતો સંદેશ આપતાં નથી?

આ દેશના લોકોએ વેલેન્ટાઈન ડેને બદલે વેલ-ઈન-ટાઈમ ડે ઊજવવો જોઈએ એવું નથી લાગતું? કોઈ મોડા પડે, કોઈ બહુ મોડા પડે અને કોઈ સૌથી વધુ મોડા પડે એને જ અંગ્રેજીમાં  શું કહેવાય ખબર છે? લેટ, લેટર એન્ડ લેટેસ્ટ.

મારે ત્યાં ગુજરાતથી આવેલા મહેમાને મને સવાલ કર્યો કે, 'ફલાણા નેતાના નામની આગળ અવર લેટ લીડર એવું કેમ લખાયું છે? આ દેશના નેતાઓ કાયમ બધા કામમાં લેટ કરે છે એટલે  જ શું એમના નામની આગળ લેટ લખાય છે?'  મેં એને સમજાવ્યું કે, 'જો ભાઈ આપણે ગુજરાતીમાં કોઈ મૃત્યુ પામે ત્યારે એના  ન ામની આગળ ગુજરાતમાં સ્વ.લખીએ છીએ એમ અંગ્રેજીમાં નામની આગળ લેટ લખાય.'

મેં કહ્યું, 'રાજકારણવાળા નહીં ધર્મકારણવાળા ગુરૃજીઓ પણ મોડા પડવાની  જ સલાહ આપે છેને? કેમ? ઉપદેશ આપે છે ને કે લેટ-ગો કરતાં શીખો લેટ-ગો...'

મહેમાને કહ્યું કે, મોડા પડવાની આપણી ટેવનો  જ પડઘો  મારા ગામના નામમાં ઝિલાયો  છે.'  મેં પૂછ્યું શું નામ છે  તમારા ગામનું? મહેમાને જવાબ આપ્યો 'મોડા-સા.'

અમારી મોડાયણ ચાલતી હતી ત્યાં   પથુકાકા હાથમાં સાવ જ પીળું પડી ગયેલું   અને ઘસાઈ ગયેલું પોસ્ટકાર્ડ લઈને આવ્યા. આવતાંની   સાથે જ તાડૂક્યા, 'આ પોસ્ટકાર્ડ છે કે પોસ્ટમોર્ટમ કાર્ડ? જામનગરથી માંકડ સાહેબે ૧૫ વર્ષ પહેલાં લખ્યું હતું તે  છેક આજે  મળ્યું બોલો લેટ પહોંચે એને જ લેટર કહેવાય?

મે ંકાકાને કહ્યું કે ટપાલખાતાના પ્રતાપે  જ કદાચ દિવાળીબહેને ગાવું પડયું હશે કે, 'હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા  મનમાં  નથી... કાગળિયાં ટાઈમસર ન પહોંચે એમા ંબિચારો કાનુડો શું કરે?

સૂરના શહેનશાહ અને રમૂજના રાજા સંગીતકાર લેટ કલ્યાણજીભાઈએ એક વાર સમયનું મહત્ત્વ કેટલંય છે એ સમજાવતાં કહ્યું હતું  કે 'બાઝાર મેં ઘડા (પાણી ભરવાનો) પચાસ-સૌ રૃપિયે મેં મિલતા હૈ ઔર ઘડી પાંચસો રૃપિયે મેં...' પણ મુશ્કેલી એ છે કે  લોકો કાંડે ઘડી બાંધે છે, પણ આગળ વધતા સમયને બાંધી શક્તા નથી, એમાં કાયમ મોડા જ પડે છે.  પેલું ફિલ્મી ગીત છે ને કે 'ઘડી ઘડી મેરા દિલ ધડકે હાય ધડકે ક્યૂં ધડકે...' હવે દિલ ધડકવાનું એકાદ ઘડી પણ ચૂકે તો શું થાય? જેનું દિલ ધડકવામાં મોડું થાય એ જણ મડું થાય... પછી  નામની આગળ લખાય 'લેટ'.

હમણાં જ એક દિવસ અમારી સોસાયટીમાં  લેટ થઈ ગયેલા એક સજ્જનની પ્રાર્થનાસભામાં જવાનું હતું. પથુકાકાને  મોબાઈલમાં કહ્યું કે તૈયાર રહેજો તેડવા આવું છું. દસેક મિનિટ પછી  કાકાને તેડવા ગયો. કાકા ધૂંધવાતા ધૂંધવાતા પગથિયે ઊભા હતા. મેં પૂછયું, 'શું થયું? આમ કેમ ધૂંધવાઈને ઊભા છો? કાકી ક્યાં છે?'  કાકા  તાડૂક્યા, 'તારી કાકી જોને? ખરે ટાણે આમલેટ કેમ કરે છે?' કાકા લમારી ઉપર બગડયા,  'હુ શું કહું છું એ સાંભળ તો ખરો? ખરે વખતે તારી કાકી આમ-લેટ જ કરે છે, હું શું કરું?'

મહારાષ્ટ્રમાં સંત તુકારામ થઈ ગયા અને અમારા પથુકાકા રોજ નવાં નવાં  તુક્કા ગોત્યા કરે એટલે અમે એને કહીએ સ્ટંટ તુકારામ. સંત તુકારામની સંતવાણી અને કાકાની  સ્ટંટવાણી કાકા વળી વટથી કહે કે, 'સ્ટંટવાણી નહીં મારી   તો સચવાણી છે સચવાણી.' અમે પૂછીએ કે, 'તમારી વળી સચવાણી કેવી રીતે કહેવાય?' ત્યારે  કાકા જવાબ આપે કે, 'આ તારી કાકી  બધા કામમાં મોડું કરે, વાતે વાતે ટોણા મારે અને ટાઈમબોમ્બને બદલે ગમે ત્યારે ક-ટાઈમ બોમ્બની જેમ ફૂટયા કરે તોય આટલાં વર્ષોથી મારા ઘરમાં સચવાણી જ છે ને? એટલે સ્ટંટવાણી નહીં પણ મારી વાણીને તુક્કારામની સચવાણી કહો સચવાણી.'

કાકાએ આદત પ્રમાણે વળી નવો તુક્કો વહેતો મૂક્યો કે 'વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા... પંઢરપરની યાત્રાએ જતા ભક્તો આ ધૂન બોલાવે છેને?  આ ધૂનને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધૂનનો દરજજો આપવો જોઈએ.

મેં પૂછયું, 'વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા... આ ધૂનને શા માટે રાષ્ટ્રીય ધૂનનો દરજજો આપવો જોઈએ?' કાકા બોલ્યા, 'પંઢરપુરની યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓનો સંપ્રદાય ક્યો છે એની તને ખબર છે?' મેં કહ્યું, એ તો વારકરી સંપ્રદાય છે.' કાકા મને તાલી દઈને બોલ્યા, 'હવે સમજ્યો વારકરી સંપ્રદાય.

હવે જરા ભેજું દોડાવ કે આઝાદીને છસાડા  દાયકા વીત્યા   છતાં સરકારે આજ સુધીમાં ક્યાં કોઈ કામ ટાઈમસર કર્યું છે, કોઈ યોજના સંમયસર પાર પાડી છે? કોઈ પ્રોજેકટ વખતસર પૂરો કર્યો છે? બધામાં વાર જ કરી છેને? એટલે સરકાર પણ વાર-કરી જ કહેવાય ને? એટલે જ કહું છું કે સરકારી સમારંભોની શરૃઆત પણ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા... એ વાર-કરીની ધૂનથી જ થવી જોઈએ. કેમ બરાબર ને? આપણો તુક્કો કેવો છે?'

ખરેખર ટાઈમ ઈઝ મની અને કટાઈમ ઈઝ ફની એનો જાતઅનુભવ હમણાં જ  એક સાર્વજનિક શૌચાલયમાં થયો. સચિવાલયમાં ગમે તેટલુ દબાણ કરો તો પણ ટાઈમસર કામ ન થાય, પણ શૌચાલયમાં તો 'દબાણ'થી  જ કામ થાય. અંગ્રેજો  સ્વર્ગસ્થની આગળ લેટ લગાડે છે એમ જાજરૃના અંગ્રેજી શબ્દમાં પાછળ લેટ લાગે છે: 'ટોઈ-લેટ'.

મુંબઈના ભીડથી ધમધમતા એરિયામાં  આવેલા સાર્વજનિક  'ટોઈ-લેટ'માં ગયો ત્યારે સવારે  ધસારાના સમયે  ખુરશી નાખીને  દરવાજા પાસે પૈસા રાખવાનો ડબ્બો  લઈને બેઠેલો રખેવાળ હાથમાં લાકડી સાથે બૂમાબૂમ  કરતો હતો. 'અબે ઓય એક નંબરવાલે પાંચ મિનિટ હો ગયા જલ્દી કર... પીછું લાઈન લગી હૈ... અબે ઓ હમાલ કિતના માલ હૈ... ચાર નંબરવાળા કાકા બસ કરો બસ... થોડું બાકી રાખો... ધારાવાહિક નવલકથાની જેમ વધુ રસપ્રદ ભાગ આવતાં અંકે... ઝટ કરો...

હું તો આની રનિંગ કોમેન્ટરી  સાંભળવા જ એક બાજુ ઊભો રહીને ખેલ જોતો  હતો. એક... બે.... ત્રણ... ચાર... પાંચ... એમ પાંચ ટોઈલેટમાંથી એક પછી એક જણ નીકળતા જતા હતા. પણ પાંચ નંબરમાં એક ભાઈ ગયા એ ગયા. પેટમાં કોણ જાણે  બાદી થઈ હશે એટલે કેમેય કરીને ઝટ બહાર ન આવે. રખેવાળે બે-ચારવાર રાડ પાડી અને પછી છણકો કરીને બોલ્યો 'આ પેટની બાદીવાળા અને ગાદીવાળાએ જ નખ્ખોદ વાળ્યું છે.'

દસ મિનિટ થયા છતાં પેલો બહાર ન આવ્યો એટલે રખેવાળ ઊભો થયો અને  જઈને જોરથી દરવાજા પર ડંગોરો પછાડી ચિલ્લાયો: અબે બસ કર... દો રૃપિયા પૂરા વસૂલ હો ગયા... જલ્દી નિકલ... ત્યાં તો જાદુ થયો. દરવાજા નીચેથી બે-બે રૃપિયાના બે સિક્કા બહાર આવ્યા. રખેવાળ પાછો આવીને બેસી ગયો અને સિક્કા ડબ્બામાં નાખી દીધા.

બે-ચાર મિનિટ પછી વળી ઊભો થયો અને પાંચ નબંરના જાજરૃના બારણે જોરથી લાકડી ફટકારી બરાડયો અબે ઔર કિતના બૈઠેગા? ઓવરટાઈમ દેતા હૈ કે નહીં? થોડો ખખડાટ થયો અને ફરી બારણાની નીચેથી અંદરવાળાએ બે-ત્રણ સિક્કા  બહાર સેરવ્યા. રખેવાળે લઈ લીધા અને  પછી હરખાતો  હરખાતો પાછોે આવીને ખુરશીમાં  ગોઠવાઈ મારી સામે જોઈને બોલ્યો, 'સાહેબ આને કહેવાય ટાઈમ ઈઝ મની... અમારું આ દેશી એટીએમ કેવું લાગ્યું? એટીએમમાં કાર્ડ નાખો તો ઉપરથી પૈસા નીકળે અને આ અમારા દેશી એટીએમમાં વગર કાર્ડ નાખ્યે નીચેથી પૈસા નીકળે.

બોલો અમારું દેશી એટીએમ કેવું લેટેસ્ટ છે? જેમ વધુ ટાઈમ જાય એમ નીચેથી વધુ પૈસા નીકળે. ટાઈમ ઈઝ મની સમજ્યા?'
એકવાર જ્ઞાાતિના સમારંભમાં જવાનું થયું. તમે તો જાણો છો કે જ્ઞાાતિના  સમારંભ કેવા હોય છે?  મંચ પર ઓછામાં  ઓછા એકાવન જ્ઞાાતિશ્રેષ્ઠીઓ બેઠા હતા. વધુ ડોનેશન આપી ધરાર અતિથિવિશેષ બનેલા રોકડિયા 'પેઈંગ-ગેસ્ટ' વચ્ચોવચ ઊંચી ખુરશીએ ચડી બેઠા હતા.

ભાષણનો મૂઢમાર સહન કરી જ્ઞાાતિજનો  અકળાતા હતા. જ્ઞાાતિની આ વાડી બાંધવા જે દાતાઓેએ સ્વર્ગવાસી થતા ંપહેલાં દાનની મોટી મોટી રકમ આપી હતી, એમના નામની લાંબીલચક યાદી  વાંચવાની માનદ મંત્રીએ શરૃઆત કરી.  થોડું અંગ્રેજી જાણતા માનદ મંત્રી દાતાના  નામની આગળ લેટ લગાડે. 

એમણે જ્યાં  જ્યાં નજર મારી ઠેર યાદી ભરી ત્યાં  આપની... કહીને યાદી વાંચવાની શરૃઆત કરી એટલે લેટશ્રી પરમાણંદદાસજી, લેટશ્રી તનસુખભાઈ શેઠશ્રી, લેટશ્રી મનસુખભાઈ, લેટશ્રી લાલુભાઈ લીંબડીવાળા, લેટશ્રી ઘેલાભાઈ  ડભોઈવાળા, લેટશ્રી નેણશી કચ્છવાળા' આ બધા 'લેટ-લટીફો'ની લાંબીલચક યાદી સાંભળીને મારી બાજુની ખુરશીમાં બેઠેલા ભાઈથી ન રહેવાયું.

ખુરશીમાંથી ઊભા થઈને એ ભાઈ બરાડયા, 'માનદ મંત્રીજી તમે આ દાતાની યાદી વાંચો છો કે રેલવેનું ટાઈમટેબલ? બધાને લેટ... લેટ... કરો છો એના બદલે જે પ્લેટફોર્મ પર (મંચ પર) છે એના વિશે  કંઈક કહો ને? લેટ લેટ લેટ કરી કરીને ક્યા સુધી અમારા ભેજાનું ઘાસલેટ કરશો?' જોયું ને? માણસ હજી સુધી સમય સાચવતાં નથી શીખ્યો. ટાઈમસર જીવતાં તો શું, મરતાં પણ નથી આવડતું. એટલે જ અંગ્રેજીમાં મૃત વ્યક્તિના નામની આગળ 'લેટ' લખાતું હશે?

અંત-વાણી

જે આતંકી વારંવાર કરે છે
ઠેકઠેકાણે ખાનાખરાબી પારાવાર કરે છે.
એને જ ઢાળવામાં, સરકાર કેમ વાર કરે છે.
** ** **
વક્ત વક્ત કી બાત હૈ:
વક્તને કિયા ક્યા હસી સિતમ
હમ રહે ના હમ, વો રહે દો ટર્મ.
** ** **
જાગે નહીં જે 'એલા-રામ'થી
ઊંઘણશીને શી મતલબ ઓલા-રામથી
** ** **
એક અક્ષરી ગુજરાતી શબ્દનો એક અક્ષરી અંગ્રેજી તરજુમો જવાનો અને સાથે સાથે સમયસર જાગવાનો પણ અર્થ તારવી  શકાય એવો એક જ શબ્દ છે: જા ગો.
 

Keywords boj,viana,ni,moj,13,february,2018,

Post Comments