Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

ક્યા ખોયા ક્યા પાયા ક્યા છ-પાયા

ભક્તિ કી મસ્તી મેં ખુદકો ખોયા ઉસને સબ કુછ પાયા... ખુદને ખોશો તો પ્રભુને જોશો... સંસાર મેં રોના નહીં ખોના હૈ... સત્સંગ શિબિર સ્થળે ચારે તરફ બસ આવાં જ લખાણ સાથેના બેનર લગાડવામાં આવ્યા હતા. આયોજકની અટક પણ યોગાનુયોગ ખોના હતી. સન્યાસ દીક્ષા લીધા પછી ખમજી ખોના નામ બદલી સ્વામી ખુશહાલ ખોના બની ગયા.

હવે આ ખુશહાલ ખોનાએ જ અમારી મંડળીને  ભજન માટે બોલાવી હતી. જેવાં ભજન શરૃ થયા કે બધાં હાથ ઊંચા કરી ફેરફુદરડી ફરતાં ફરતાં નાચવા માંડયા. સ્ત્રી પુરૃષો બધા ઘૂમરી લઈ લઈને નાચે. ચણિયા અને નાચણિયાના નાચથી હોલ ગાજી ઊઠયો. ત્રણ-ત્રણ કલાક નાચી નાચી સહુ લોથપોથ થયા. કાર્યક્રમ પૂરો થયો એટલે બધા કલાકારો પેમેન્ટની ઉતાવળ કરવા લાગ્યા. પણ ઓર્ગેનાઈઝર ખુશહાલ ખોના ક્યાંય દેખાય નહીં.

હવે બધાં એક સરખા રંગનાં ચોગામાં હોય એટલે ઝટ ઓળખાય પણ નહીં. અઘૂરામાં પૂરૃં સહુ એકબીજાને ભેટી ભેટી દુનિયાદારી ભૂલી કોણ જાણે એવાં ખોવાઈ ગયેલા કે અમને તો ચિંતા થઇ કે કોણ જાણે ક્યારે આ 'મોહ-ચૂંબકો' છૂટા પડશે? લોહચુંબકમાં આકર્ષણ અને અપાકર્ષણ હોય છે એવું વિજ્ઞાાનમાં ભણ્યા હતા. પણ આમાં તો આકર્ષણનો જ નિયમ અમલમાં હોય એવું લાગ્યું.

મનમાં ફફડાટ હતો કે સ્વામી ખુશહાલ પોતે ખુશ થઈ અમને પેમેન્ટ દીધા વિના હાલ ન કરે તો સારૃં ત્યાં તો એકાદ કલાક પછી પોતાના ઓડિયા વાળ ઉપર દાંતિયો ફેરવતા અને દાઢી પસવારતા સ્વામી ખુશહાલ પ્રગટ થયા. સ્વામી હજીય ગણગણતા હતા ખોયા ખોયા ચાંદ ખુલા આસમાન આંખોને સારી રાત જાયેગી... મેં જરા ઊંચા અવાજે પૂછ્યું 'સ્વામી ક્યાં ખોવાઈ ગયા હતા? 

સ્વામીએ તોરમાંને તોરમાં જવાબ આપ્યો કે 'તમારા સંગીતમાં ખોવાઈ ગયો હતો. મેં કહ્યું  'ઠીક, અમે તો એમ માન્યું કે પેમેન્ટ  ચૂકવવાનું ટાણું આવ્યું એટલે ક્યાંક તમે ખોવાઈ ગયા હશો. ખેલદિલીપૂર્વક ખડખડાટ હસી સ્વામી ખુશહાલ  કહે અરે રૃપિયોં કો ક્યા રોના? યહાં તો મસ્તી મેં બસ ખોના હી ખોના હૈ... અરે સત્સંગ મેં આયે હો તો જરા મન કી બાત કરો... જરા ફન કી બાત કરો... ધન કી બાત ક્યોં કરતે હો?'

અમે માંડ માંડ ખોવાયેલા આ ખોનાને પેમેન્ટ  આપવા મનાવ્યો. સ્વામીએ થેલામાંથી ચેકબુક કાઢી ચેકથી પેમેન્ટ આપવાની તૈયારી કરી કલાકારોએ  કહ્યું રોકડા નહીં આપો? ત્યારે સ્વામીએ લુચ્ચું હસીને રોકડું પરખાવ્યું  કે 'પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે   જ તમે જ માઈકમાં ૩-૪ વાર બોલ્યા હતા ને કે હલ્લો... હલ્લો ચેક...  ચેક... ચેક વન...ટુ...થ્રી  ચેક ચેક... એ સાંભળી મને થયું કે ચેક લઈને જ તમે વન ટુ થ્રી થઈ જાવ... કેટલાક સાધુઓ પોતાના લખણે સંસારમાં  પાછા ફરે છે, પણ મારો આ ચેક પાછો નહીં ફરે એની ગેરેન્ટી...

ચેક લઈને નીકળ્યા ત્યારે સાથેની પારસી ગાયિકાએ તો ટકોર કરી કે આવાં સોજ્જા સોજ્જા માણસો બધા ખોવાઈ જવાની વાતો કરે છને એ સાંભળીને મુને ટો પહેલાં એવું લાગ્યું કે આપણે મિસિંગ પર્સન્સ બ્યુરોમાં આવી ગયા છીએ કે શું વારૃ?'

પથુકાકા તો કાયમ કહે છે કે માણસની અડધી જિંદગી  ખોવાયેલું ગોતવામાં જાય છે. એમાંય તમે જો જો કે કોઈ મહિલા રિક્ષામાંથી ઊતરી ભાડું ચૂકવવા માટે મોટી પર્સની અંદરથી ટચુકડું મનીપર્સ શોધવા જે ગોતાગોત કરતી હોય છેને એ જોઈને બિચ્ચારા રિક્ષાવાળાની ધીરજ ખૂટી જાય. પર્સમાં જાણે આખી દુનિયાનો પથારો   ભર્યો હોય. લેડીઝ રૃમાલ, બે-ત્રણ દાંતિયા, પાવડરની નાની ડબ્બી, નાનુ બાળક કાંખમાં હોય તો હગીસ, પેપર નેપકિન્સ, ગોગલ્સ કે વાંચવાના ચશ્મા અને ચાંદલાની ડબ્બી જેવી કૈંક ચીજોથી પર્સનું જોબ ફાટ ફાટ થતું હોય.

એમાં જ્યારે રિક્ષાવાળાને ભાડું ચૂકવવા મનીપર્સ  ગોતવાનો જોઈને એક વાક્ય યાદ આવે ઢૂંઢતે રહ જાઓગે... આમા ખરી મજા ક્યારે જોવા મળે ખબર છે? જ્યારે પર્સમાં રાખેલો ફોન રણકી ઊઠે... જેમ જેમ રિંગ વાગતી જાય એમ એમ લેડીનું ટેન્શન વધતું જાય. એમાં વળી ઘણીએ એવો રિંગ ટોન રાખ્યો હોય 'અરે મુઝે કોેઈ ઉઠાવ અરે મુઝે કોઈ ઉઠાવ...'

હમણાં મુંબઈની લોકલમાં પ્રવાસ કરતી વખતે આવી જ એક લેડીના પર્સમાં ઘરબાયેલો મોબાઈલ રણક્યો 'અરે મુઝે કોઈ ઊઠાવ.... અરે  મુઝે કોઈ ઉઠાવ... અરે મુઝે કોઈ ઉઠાવ... આ સાંભળીને ચાર-પાંચ જુવાનિયાઓ તો બહેનને ઉઠાવવા તૈયાર થઈ ગયા,

ઓલા કોઈ લાલ કપડાવાળા 'માં'ને ભક્તજનો ભાવથી તેડીને ઊઠાવે છેને એમ... એક તરફ મોંઘવારીમાં ભાવ ઊંચકાય અને બીજી તરફ ભાવથી આ 'માં' ઊંચકાય. લેડીની પર્સમાંથી સતત અરે  મુઝે કોઈ ઊઠાવ...નો  રિંગટોન પંદરેક વાર સંભળાયો પણ તેને મોબાઈલ ન મળ્યો તે ન જ મળ્યો, આ જોઈ પથુકાકાએ હિન્દીમા ફફડાવ્યું અરે બેટી ઈતની દેર મેં તો ભગવાન ભી ઊઠા લેતે હૈ... ઔર તુમ્હારા વજન દેખકે ઉઠાન ે કે લિયે ભગવાન કો ભી હમાલ બુલાના પડે...

આ સાંભળીને મારા દિમાગમાં ઝબકારો થયો કે ભગવાને જે આપ્યું છે એને જાળવવાની દરકાર કરવાને બદલે લોકો નક્કામી અને નજીવી  ચીજોની ગોતાગોતમાં જીવન ખર્ચી નાખે છે અને એમાં ક્યારે ભગવાન ઉપર ઉઠાવી લે છે એની ખબર નથી પડતી.

ખાવાયા છે... શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે એવી જાહેરાતો ફોટા સાથે અવારનવાર છપાતી હોય છે. મોટા મેળામાં  ઘણાં ખોવાઈ જતા હોય છે. અરે... નવરાત્રિમાં  રાસની રમઝટ બોલાવવામાં મમ્મી-પપ્પા એવાં ખોવાઈ જાય કે એમના બાળકો ક્યારે આડાઅવળા  થઈ જાય એનું પણ ભાન ન રહે. 

આવાં જાહેર કાર્યક્રમમાં તમે જોજો કે બાળક ખોવાયું છે એવી અવારનવાર જાહેરાતો થતી હોય છે. વિદર્ભના અકોલા શહેરમાં ગુજરાતીઓની નવરાત્રિ વખતે  પહેલે જ દિવસે મંચ ઉપર આ રીતે મમ્મી-પપ્પાથી છૂટા પડી ગયેલા ૩-૪ ટેણિયાને સ્વયંસેવકો લાવ્યા.   ઉદઘોષકે ભેજું દોડાવીને તત્કાળ માઈકમાં જાહેરાત કરી કે 'આ ત્રણ ટાબરિયા સ્ટેજ પર લાવવામાં આવ્યા છે એને જોઈ લો, આ ત્રણેયના મમ્મી-પપ્પા ખોવાઈ ગયા છે...'

આ કિસ્સો સાંભળી પથુકાકા બોલ્યા કે ભાઈ સંસારમાં આવું જ ચાલે છે. સંતાનો નાના હોય ત્યારે  મા-બાપ ધ્યાન નથી રાખતા અને એ જ મા-બાપનું  સંતાન મોટા થઈને ધ્યાન નથી રાખતા, મા-બાપનું ધ્યાન રાખવામાં કંઈ ધ્યાન શિબિરો થોડી જ કામ આવે?

મેળામાં ને કુંભમેળામાં  ખોવાયેલા વિશેનો ડાયરામાં સાંભળેલો કિસ્સો ઓચિંતો યાદ આવ્યો. નાશિકમાં  ગોદાવરી નદીના તટ ઉપર કુંભમેળો ભરાયો હતો. ભીડ કહે મારૃં કામ. હૈયેહૈયું દળાય  એટલું મનેખ માતું નહોતું. વ્યવસ્થા સંભાળવા ઠેકઠેકાણે પોલીસ ચોકીઓ ઊભી કરવામાં આવી હતી.  બાળકો ખોવાયા હોય એને ચોકીમાં લાવવામાં આવતા હતા અને લોેઉડ સ્પીકરમાં નામ જાહેર કરવામાં આવતા હતા.

અચાનક બે બૈરાં હાફળાફાફળા પોલીસ ચોકીમાં આવ્યા.  ફોજદારે  પૂછયું શું  ફરિયાદ છે? એક મહિલાએ ગળગળા સાદે કહ્યું કે 'સાહેબ આ ભીડમાં મારો એકનો એ ક ધણી ખોવાઈ ગયો છે છ કલાકથી એનો પત્તો નથી લાગતો, સાહેબ ગોતી આપો.' ફોજદારે પૂછ્યું કે 'તમારા પતિ હાઈટ-બોડીમાં કેવાં છે, રંગ કેવો છે? વાળ કેવાં ઓળે છે એ વિગતો લખાવો તો શોધવામાં અમને સારૃં પડે.'

મહિલા તો વર્ણન કરવા માંડી કે 'મારા ધણી છ હાથ પૂરા છે, કસાયેલું બદન છે, એકદમ તીણું નાક છે અને ઉજળે વાન છે.' આ સાંભળી મહિલાની  ભેગી આવેલી તેની બહેનપણી છણકો કરી મોઢું મચકોડી બોલી 'ખોટું શું કામ બોલે છે? તારો ધણી તો સાવ સૂકલકડી છે, સાવ બેઠીદડીનો ઠીંગણો  છે અને નોટબંધી પછી કેશલેસ વ્યવહારનો  પ્રચાર શરૃ થયો એ પહેલાથી તારા એકના એક ધણીને માથેથી કેશ ઉડી જવાથી કેશલેસ થઈ ગયો  છે. પોલીસને કેમ ખોટું ખોેટું કહે છે?'

આ સાંભળી મહિલા તેની બહેનપણી સામે ડોળા કાઢી તાડૂક્યા 'ચૂપ રહે... તને શેની અદેખાઈ આવે છે? પોલીસવાળા આટલી મહેનત કરીને ભલેને કોઈ સારો ગોતી લાવે? તને શું પેટમાં બળે છે? '

હું અને પથુકાકા ખોવાયાની અને મળી આવ્યાની વાતોએ વળગ્યા હતા ત્યાં (હો) બાળાકાકી વચ્ચે ટપકી પડયા અને બોલી ઉઠયા કે  'તમે છાપામાં વાંચ્યું કે નહીં? ચોથે માળે રહેતા  પારસી ફરામજી  અંકલનો ટોમી અને ગ્રાઉન્ડ ફલોરવાળા  જોશીકાકાની સ્માર્ટ પોમેરેનિયન પમ્મી વચ્ચે છેલ્લાં  કેટલાય  સમયથી ઈલુ ઈલુ ચાલતું હતું એ ખબર છેને? ગઈકાલે ટોમી અને પમ્પી રાતોરાત ભાગી ગયા.

' પથુકાકાએ સવાલ કર્યો કે 'તને આ બધી  ક્યાંથી ખબર પડી? અને છાપામાં શું આવ્યું છે?' કાકીએ તરત છાપું ટેબલ પર પાથરી ફરામજી અંકલ અને જોશીકાકાએ જાઈટન્લી છપાવેલી  જાહેરખબર દેખાડી. ટોમી અને પમ્મીના ફોેટા નીચે લખ્યું હતું : ઉપરના ફોટાવાળા ટોમી અને પમ્મી અમારી મરજી વિરુદ્ધ ઘરેથી ચાલ્યા ગયા છે,  બંને અમારા કહ્યામાં રહ્યાં નથી, બંનેએ એકબીજાને ગોતી લીધા છે, એટલે હવે  તમે ગોતવાની કોશિશ ન કરતા. લિ. ફરામજી અંકલ અને જોશીકાકા.

કૂતરા ખોવાય ત્યારે તેને શોધવા માટે ફોરેનમાં  તો તાલીમબદ્ધ કૂતરા રાખી એજન્સીઓે ચલાવવામાં આવે છે. ખોવાયેલા કૂતરાને શોધી કાઢવા માટે ટ્રેઈન્ડ ડોગ કામે લગાડાય છે, કેવી રીતે શોધે ખબર છે?નાના માણસોથી  માંડી મોટા નેતાઓ એકતાની કે એકીકરણની મોટી મોટી  વાતો જ  કરતા હોય છે. જ્યારે કૂતરા તો એકીકરણને માર્ગે જ આગળ વધે છે.  લોકશાહીમાં માણસોને મતાધિકાર મળે છે એમ માણસના વફાદાર મિત્રને મૂતાધિકાર મળે છે.  ચાલતા ચાલતા ગમે ત્યાં  થાંભલો ગોતી પગ ઊંચો કરી પ્રવાહી  સલાવી આપે છે.

હવે જ્યારે ફોરેનની કૂતરા શોધી આપતી એજન્સી પાસે કેસ આવે ત્યારે ખોવાયેલા કૂતરાએ  જ્યાં જ્યાં  એકીકરણનો સંદેશ આપી પોતાની કિર્તીની સુવાસ ફેલાવી હોય ત્યાં  ત્યાં ટ્રેઈન્ડ ડોગને  લઈ જવામાં આવે છે  અને સુંઘાડવામાં  આવે છે. બસ પછી આ ટ્રેઈન્ડ ડોગ નીકળી પડે  છે પોતાના જાતભાઈને  ગોતવા અને થોડા સમયમાં  ખોવાયેલા કૂતરાને  કુ-વાસને આધારે શોધી કાઢે છે.

બોલો આમ આજના જમાનામાં ખોવાયેલા કૂતરા શોધી કઢાય છે, પણ સાચા માણસ શોધ્યા  જડતા નથી. મને એક હિન્દી હાસ્યકવિની દો-લાઈના કાયમ યાદ આવે છેઃ

એક આદમી કહી ખો ગયા હૈ

સાલા નેતા તો નહીં હો ગયા હૈ

અખબારોમાં ગુમ થયા છે, ઘરેથી ચાલ્યા ગયા છે, ગુમશુદા કી તલાશ હૈ, શોધી આપનારને   યોગ્ય ઈનામ એની ફાટા સાથેના લખાણવાળી  જાહેરખબરો  અવારનવાર વાંચવા મળે છે.  પણ થોડા વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના એક છાપામાં વાંચેલી  જાહેરખબર  આજેય ભૂલાતી નથી.  મારકણી આંખો, ખીજાળ ચહેરાવાળી મહિલાના ફોટાની નીચે  લખ્યું હતું. ઉપરના ફોટાવાળી મારી ધર્મપત્ની  હંસા કે (હિંસા) ઘરેથી ઝઘડો કરીને ચાલી ગઈ છે.  ભૂલેચૂકેય એને શોધી આપનાર સામે અમે બરાબરનો  બદલો લઈશું. લિ. પીડિત પતિ.

અંત-વાણી

જ્યાં છે જડતા
ત્યાં પ્રભુ નથી જડતા.
 

Keywords Boj,Viana,ni,Moj,07,november,2017,

Post Comments