Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

રંગપંચમી, વ્યંગપંચમી અને તંગપંચમી

હોળી-ધુળેટી આવવાની હોય એમાં એક અઠવાડિયા પહેલા અને એક અઠવાડિયા પછી પથુકાકા હોળીમય મૂડમાં હોય અને સતત  ગણગણતા હોય તું રંગાઈ જાને રંગમાં... તું રંગાઈ જાને રંગમાં... ઘરના ઓટલે  નાની ડબ્બીમાં ગુલાલ લઈને બેઠા હોય અને જે ઓળખીતા નીકળે એને ગુલાલનો ચાંદલો કરે અને રંગમાંને રંગમાં બોલે હેપ્પી હોલી-ડે હેપ્પી હોલી-ડે... હોળી જાય તોય હરખ ન જાય... કાકાની વાત થાય?
મેં કાકાને કહ્યું કે 'હોલી-ડે' એટલે રજા એવો અર્થ થાયને?કાકા કહે હોલી-ડે રજાનો નહીં મજાનો દિવસ છે.' મેં પૂછ્યું  આમ ઓટલે બેઠાં બેઠાં  કેમ બધાને રંગ્યા કરો છો?' હસીને કાકાએ જવાબ આપ્યો કે 'આખા દેશને ચૂનો લગાડવાવાળા ચૂનો લગાડીને દેશ છોડી જાય ત્યારે  ઘરઆંગણે બેસીને ગુલાલથી  રંગવાની આપણી જવાબદારી  વધી જાયને?'

મેં કહ્યું વાહ, કાકા તમે તો હોળી-ધૂળેટીના રંગમાં પણ કળા કરી ગયેલા કૌભાંડીઓના કાળા રંગને ભેળવી દીધો હો?' પથુકાકાએ વધુ એક ચોગ્ગો ફટકારતા કહ્યું કે કરોડોના કૌભાંડીઓ દેશમાંથી પગ કરી જાય અને દેશવાસીઓ હેરાન થાય,  એટલે જ કહું છું કે આપણી દશા હોળીના નાળિયેર જેવી છે. હોળીમાં ગવાય રસિયા અને હોળીનું નાળિયર બને એ ગાય મરસિયા...'

મેં કહ્યું કાકા આપ કા તો જવાબ નહીં... તમે તો રંગપંચમી, વ્યંગપંચમી અને તંગપંચમી  ત્રણેયની ખરી મીલાવટ કરી દીધી હો?' કાકા કહે કે 'આ દેશમાં ક્યાંકને ક્યાંક તંગદિલી ઊભી થતી હોય છે પણ હોળીમાં  રંગદિલી અને વ્યંગદિલીની જ મજા છેને? બુરા ન માનો હોલી હૈ ભાઈ હોલી હૈ...'

કાકાને કહ્યું તમારી વાત સાવ સાચી છે. હોળીમાં ગુલાલ ઉડે અને બાકીના દિવસોમાં   રાજકારણના જુદા જુદા  રંગ ઉડે... ઉડતા રંગ  જોઈને પારખી શકાય કે  આ કેસરી, લીલા કે લાલ રંગ કોણ ઊડાડે છે? મને તો ઉત્તર પ્રદેશને ભગવા રંગે  રંગવા લાગેલા  યોગીજીને  જોઈને થાય છે કે આવનારા દિવસોમાં આ બધા ભગળાભક્તો ભેગા થઈને ક્યાંક ગુલાલનો લા રંગ ફરજિયાત બદલીને ભગવો ન કરી નાખે... એટલે જ તો ગાવું પડે છેઃ

રંગતાળી રંગતાળી રંગતાળી
રંગમાં રંગ તાળી
આ ભેગા થઈ
નાખે નહીં ટાળી...
રે રંગમાં રંગ-તાળી

મેં પથુકાકાને ઘર તરફ વાળતા પૂછ્યું કે (હો) બાળાકાકીનો હોળી-ધુળેટીના દિવસોમાં  કેવોક રંગ છે? પથુકાકા હળવેકથી બોલ્યા કે 'કાકીનો શું રંગ છે... શું રંગ છે એમ પૂછ મા... તારી કાકી જ સૂ-રંગ છે... સૂ-રંગ છે...

ઘરવાળીને ના રંગો તો
ઘરમાં થાય દંગો

હોળીના દિવસોમાં  કોઈક કામસર નાશિક પાસેના ધુળે ગામે જવાનું થયું. બસ ઊભી રહી એટલે હજી ઉતરવાનું વિચારું એ પહેલાં જ નીચે ધકેલાયો. એસ.ટી.સ્ટેન્ડ પર એક ખુશમિજાજ ચા-વાળો ગળું ફાડીને અન ેપ્યાલા-રકાબી ખખડાવીને લહેકાથી કહેતો હતોઃ ધુળેટી... ધુળેટી... ધુળેટી. મેં પાછળ ફરીને કન્ડકટરને  પૂછ્યું, 'ધુળેટી તો આવતી કાલે છે, પછી આ ચા-વાળો અત્યારથી કેમ ધુળેટી, ધુળેટીના રાગડા તાણે છે?'

કન્ડકટર બોલ્યો, 'ધુળેટી એટલે ધુળેની  ચા, સમજો છો કે નહીં? આ ચા-વાળો કાયમ ધુળેટી, ધુળેટી બરાડીને સૌને બોલાવતો રહે છે.'

મને થયું કે જેનો મિજાજ રંગીન હોય એને માટે કાયમ ધુળેટી જ છે.

હોળી વખતે ધાણી-ખજૂર અને બાકી ઘણી હાજરાહજૂર. હોળી વખતે મારી વાઈફ  સવારથી ઓર્ડર છોડવા માંડે, 'હોળીનું નાળિયેર યાદ છેને?  (કાયમ જે હોળીનું  નાળિયેર બનતો હોય એ કંઈ ભૂલે?) ધાણી અને ખજૂર લાવજો, આખી સોસાયટીમાં  વહેંચીશું, આપણા બિલ્ડિંગની બહાર હોળી પ્રગટાવવા બધા બ્લોકવાળાએ ઝાડનું એક-એક થડ કોન્ટ્રિબ્યુટ કરવાનું નક્કી કર્યું છે. સમૂહ હોળીનો કેવો આઈડિયા. તમે ક્યાંકથી થડ લાવવાનું  ન ચૂકતા.  નહીંતર થર્ડ-ક્લાસમાં  પણ આપણી ગણતરી નહીં થાય.'

હું તો ઊપડયો થડ અને લાંકડાં ગોતવા.  મનમાં ફફડાટ હતો કે નહી ંલાવું તો થડ માટે વહુ થર્ડ ડિગ્રી અજમાવતા પણ નહીં અચકાય. મને તો સમજાતું જ નથી કે  લાકડાં બાળવામાં વળી ક્યો ધરમ  ધરબાયેલો હશે? બહુ ફર્યો પણ ક્યાંય   મેળ નહોતો પડતો.  હોળીના  છેલ્લાદિવસે  ક્યાંથી લાકડાં મળે? ફરતાં-ફરતાં શિવમંદિર પાસે પહોંચ્યો.  ત્યા ંકાળા બોર્ડ પર લખ્યું હતું, 'અહીં લાકડાં મળશે.'

હું તો રાજી થઈને અંદર ગયો અને કાળી ટોપી પહેરીને બેઠેલા  કાકાને  પૂછ્યું, 'લાકડાં મળશે?'

મહેતાજી બોલ્યા, 'કેમ નહીં મળે? બોલો, નાનું છે કે મોટું? મોટા માટે ત્રણસો કિલો અને નાના માટે દોઢસો કિલો લાકડાંનો ખપ પડશે.'

મેં કહ્યું, અમે બહુ મોટા પાયે નહીં, નાના પાયે હોળી પ્રગટાવવાના છીએ એટલે થોડાં જ લાકડાં જોઈએ છીએ.'

મહેતાજી તાડૂક્યા, 'તો અહીં શું આવ્યા છો? અમે હોળીનાં લાકડાં વેચવા નથી બેઠા.  બાજુમાં વૈકુંઠધામ સ્મશાનભૂમિ માટે  રાહતનાં  દરે લાકડાં આપીએ છીએ, સમજ્યા? પ્રસંગે આવજો, અટાણે માથાકૂટ કરો મા.'

મેં તો ચાલતી જ પકડી.  ગમે એમ કરીને ઓળખીતા લાતીવાળાને ત્યાંથી લાકડાનું  એક બેઠું થડ લીધું અન ે હાથલારીમાં  ચડાવી ઘરે લઈ ગયો  ત્યારે બહુ ખુશ થઈ. મારા ગાલે ટપલી મારીને તે બોલી, 'તમે જેવું બાળશો એવું તમને કોઈ બાળશે, ખરુંન ે વહાલા?'

શેરીના નાકે વર્ષોથી સાર્વજનિક હોળી પ્રગટાવવામાં આવે છે. બે દિવસથી મોટું બેનર લગાડી લખવામાં આવ્યું છે કે 'હોલીવૂડના સ્ટારની સંગાથે ઉજવણી.'

મને નવાઈ લાગી. નાકે રહેેતા ઓળખીતાને પૂછ્યું. 'હોલીવૂડના ક્યા સ્ટાર આવવાના છે? રોજર મૂર, ચાર્લ્સ બ્રોન્સન કે પછી સોફિયા લૉરેન આવશે?

સવાલ સાંભળીને ખડખડાટ હસીને ઓળખીતા ભાઈએ કહ્યું,  'વર્ષોથી હોળીનાં  લાકડાં ચોરવા માટે પંકાયેલા ચાર-પાંચ જુવાનિયા આવવાના છે.  હોલી-વુડ એટલે હોળીનું લાકડું એટલી ખબર નથી?  હોલી-વુડ ચોરીને નામના મેળવે એ હોલીવુડ સ્ટાર બીજું  શું?'

હોલીવુડની વાત નીકળી એટલે મને બોલીવુડ યાદ આવ્યું. કોણ જાણે કેમ મને બોલીવૂડની હિરોઈનો સાથે ધળેટીમાં રંગે રમવાની  ચાનક ચડી.  ડાયરીમાંથી  નબંર ગોતીને  પૂર્વાશ્રમની પોર્નસ્ટારને ફોન કર્યો. મેં કહ્યું, 'જૂના કપડાં  પહેરીને રેડી રહેજે, રંગવા આવીશ. શું એડ્રેસ છે?'

હેરોઈન જેવી નશીલી હિરોઈને હસીને કહ્યું, 'જૂનાની ક્યાં વાત કરો છો? હું તો નવાં કપડાંય પૂરાં નથી પહેરતી. રંગીને શું કરશો? મૂકોને  ડ્રેસ કે એડ્રેસની માથાકૂટ? ગુડ બાય.'

આટલું બોલી તેણે ફોન કટ કરી નાખ્યો. હવે ધુળેટી રમવા બીજી ગુડ બાઈ ક્યાં ગોતું?  મેં વિચાર્યું કે  નેપાલમાં હોળીનો તહેવાર રંગેચંગે ઊજવાય છે એટલે નેપાલી હિરોઈનને પૂછવામાં વાંધો નહીં. તેને મોબાઈલ કર્યો.  હલ્લો કાલે રંગપંચમી છે તો રંગવા આવું કે?'

નેપાળી નારીએ ઘસીને ના પાડતાં કહ્યું, 'નો નો... પ્લીઝ રહેવા દેજો. વગર ધુળેટીએ  મારા પર એટલા ડાઘા પડયા છે કે  આખેઆખી  વોશિંગ મશીનમાં બેસી જાઉં તોય નીકળે એમ નથી.'

તેણેય મોબાઈલ કટ કર્યો. એવું છે કે ફોન કટ થાય પછી વાઈફની કટ-કટ ચાલુ થાય. 'કોની હારે મધલાળ ટપકાવતા વાતો કરતા હતા? કોણ હતી એ સગલી? મેં પ્રેમથી રંગવાનું કહ્યું તો બાજુમાં નવા ચણાયેલા બિલ્ડિંગમાંથી બે કલરવાળાને બોલાવી લાવ્યા કેમ? યાદ રાખજો, મકાનની જુવાન છોકરીઓ  સાથે જરાય રંગે રમ્યા છો તો માથું રંગી નાખીશ, ધોઈ નાખીશ ધોઈ...'

ધાણીની જેમ ફૂટતી ધમકીથી ગભરાઈને  મે મનોમન ગાંઠ વાળી કે ધુળેટીમાં રંગે રમવું  જ નથી. રંગપંચમી એકાએક તંગપંચમીમાં  ફેરવાય તો ક્યા જવું? બહારની બાનુઓને રંગવાની વાત જવા દો, એકની એક ઘરવાળીનેય નહી રંગું. ભલે પછી એ રાડો પાડયા કરે, 'ના-રંગી... ના-રંગી... ના-રંગી.'
 

અંત-વાણી

તંગદિલીમાં ગોળીબાર
રંગદિલીમાં હોળી-બાર
**  **
દેશ માટે કરી છૂટે
એની કોઈને પડી નથી.
દેશનું કરી નાખે
એની કાંકરીય ખરી નથી.
**  **
એક બીજાને દિલથી રંગો
આ તો હરખની હોળી છે
પણ રંગને રાજકારણનો રંગ આપે
એવી ય કંઈક ટોળી છે
કૌભાંડીઓની શું કરવી વાત
એમણે હાથે કરી મોઢે શાહી ઢોળી છે.
**  **
મોંઘરતમાં ધન ખૂટે
એનો હાથ તંગ છે
જ્યારે જે ધન લૂંટે
એનાં મોઢે જાણે હોળીનો રંગ છે.
**  **
કરી કૌભાંડો ખુદના
મોઢે જ શાહી ઢોળે છે
એજ લોક-શાહીનું
નામ બોળે છે
**  **
આજે રાજ છે ભગવાનું
શું રાઝ છે ભાગવાનું?
**  **
હોળીમાં તોય પીવાય
ભલે ભાંગી નાંખે ભાંગ
પણ ચેતજો એવાં ભાંગફોડિયાથી
જે કાયમ કરે ભાંગ ભાંગ
**  **
ઘરવાળીને જો પ્રેમથી ન રંગો
તો પછી ઘરમાં થાય દંગો
 

Post Comments