Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

દાદાઓની દાદાગીરી સામે મહિલાઓની માદાગીરી

નારી જો કભી ના હારી... નારી પડે ભારી... નર ભલે ગમે એટલાં ઠેકડાં  મારે બની  વા-નર પણ હવે બધે આગળ થ-નારી નારી. બહેનો શરમાતી અને કરમાતી એ દિવસો ગયા ભાઈ, હવે તો નર કરતાં માદા માઈલો આગળ નીકળવા માંડી છે એ જોઈને કોનો માહ્યલો ન હરખાય?

મર્દાનગીનાં ફડાકા મારનારા  મરદો  અને ફાંકા ફોજદારોએ હવે ચેતવા જેવું છે.  અત્યાર સુધી નડતરરૃપ બનતા આ નરોને કોઈએ ચેતવવાની જરૃર છે. હવે 'નરોવા કુંજરોવા'ને   બદલે કહેવું પડશે. નરો  હવે ન રોવ-ચૂપ રોવા... પ્રજાસત્તાક દિનની પરેડમાં  નારીશક્તિનો દબદબો જોયોને? લશ્કરમાં, હવાઈદળમાં અને અર્ધલશ્કરી દળમાં જ્યાં નજર પડે ત્યાં નારી નારી ને બસ નારી...

પથુકાકા નારીઓની આ નારાબાજી નહીં પણ 'નારી-બાજી' સાંભળી બોલી ઉઠયા 'વાહ... વાહ ક્યા બાત હૈ... નારીની આ પ્રગતી જોઈને મને થાય છે કે આપણાં જેવા વરૃનું શું થશે?  મેં પૂછયું 'કાકા તમે તમારી જાતને  જંગલના વરૃ સાથે કેમ સરખાવો છો?' પથુકાકા  ખડખડાટ  હસીને બોલ્યા 'અરે ડોબા મેં તો વરનું બહુવચન કર્યું  વરૃ. મેં કહ્યું બહુવચનની ક્યાં માંડો છો? ઘરવાળી સામે તો 'એક-વચન' પણ કાઢી નથી શક્તા.'

પથુકાકા રંગમાં આવી બોલ્યા આપણે વર્ષો પહેલાં મુંબઈના ધોબીતળાવમાં રહેતા ત્યાં આપણો મોજીલો પાડોશી ફર્નાન્ડીસ રહેતો હતો યાદ છે? ફર્નાન્ડીસ ગોવાનીઝ હિન્દીમાં બધાને કહેતો ફરે 'મેરી મરઝી... ઘરમેં મેરી મરઝી  ચલતી હૈ ક્યા સમજે'? એક વાર બપોરે એના ઘરે જઈ ચડયો, મને થયું જોઉં તો ખરો કે  ઘરમાં એનું કેટલું ઉપજે છે?

ડોરબેલ વગાડી,  ફર્નાન્ડીસે બારણું ખોલ્યું અને પહેલીવાર એના ઘરે ગયો એટલે હોંશે હોંશે સ્વાગત કર્યું. પછી બાલકનીની ખુરશીમાં  બેસી સ્વેટર ગુંથતી વાઈફને દિવાનખંડમાં બોલાવી  અને ઓળખાણ   કરાવી મીટ માય વાઈફ મેરી... મેરી ફર્નાન્ડીસ'... બસ હું તરત સમજી ગયો કે ફર્નાન્ડીસ બહાર કહેતો ફરે છે કે ઘરમેં મેરી મરઝી ચલતી હૈ એની પાછળનો ભેદ શું છે. આ મેરીની જ મરઝી ચાલતી હશેને?

મેં કહ્યું કાકા હવે ઘરમાં જ નહીં બહાર પણ મહિલાઓની મરજી ચાલવા માંડી છે ખબર છે?  ટ્રેનો દોડાવે છે, વિમાનો ઉડાડે છે, જહાજ તરાવે છે અને  તમને અમુક અપવાદ બાદ કરતા એવું કોઈ ક્ષેત્ર નહીં જડે જ્યાં નારીઓ ટોચ પર નહીં પહોંચી હોય. હું સાચું કહું છું કે નહીં?'

કાકા કહે 'એમ તો આ તારી કાકી પણ પાછી પડે એમ નથી હો? એ પણ 'કાકીસ્તાની' વાયુ-દળમાં સક્રિય છે.' મને ભારે નવાઈ લાગી,  મેં પૂછયું  '(હો) બાળાકાકી વાયુ-દળમાં  છે એનો મતલબ તો સમજાવો?' કાકા હસીને બોલ્યા કે આ તારી કાકી ખાવાની  કેવી શોખીન  છે ખબર છેને? એટલે ઈલેકિટ્રક ઘરઘંટીમાં આખો દિવસ ઢોકળા, હાંડવા અને લાપસીના  લોટ દળતી જાય અને પછી બનાવી  બનાવી ખાતી જાય. દળ દળ કરીને પેટ ફાટે એટલું ખાધું હોય પછી પેટમાં વાયુ થાય એટલે વાયુ-દળમાં   છે એમ જ કહેવાયને? પછી  વાયુ-દળના ટાઈમ-કટાઈમ હવાઈ હુમલા ચાલુ થાય.

મેં હસતા હસતા કાકાને કહ્યું કે '૨૬મી જાન્યુઆરીએ પરેડ વખતે જોયુંને? બીએસએફ  (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ની જાબાંઝ બાઈકર્સ મહિલાઓએ કેવાં દિલધડક સ્ટંટ કર્યા? કાકા તમે નહીં માનો પણ છૂટા હાથે ફરફરાટ બાઈક  દોડાવી બોલો.'

પથુકાકા છણકો કરીને બોલ્યા કે 'આ તારી  કાકીનો હાથ પહેલેથી છૂટો છે, એમાં જ સંસારની  ગાડી  ચલાવતા જે મહેનત કરવી પડે છેને? એને કારણે  મારો હાથ ખડી પડે છે બોલ. બાઈક પર છૂટાહાથ રાખી દોડાવે એમાં એને એકને જોખમ હોય પણ મારી જેમ ઘરની બાઈનો હાથ છૂટો  હોય (ખર્ચાળ હોય) તો મારી જેવાં વરૃ માટે વધુ પૈસા કમાવવાનું કેવું મોટું જોખમ હોય છે એની તારી જેવાં વાંઢાને  ક્યાંથી  કલ્પના હોય? છૂટો હાથ હોય એવી વહુના વરે સાચા-ખોટા કામ કરીને પૈસા કમાવા પડે. એટલે જ કહેવત છે ને  કે જેની આંગળીએ હિરો મોટો એમાં ધણીનો ધંધો ખોટો...'

પણ ખરેખર હમણાં રાજસ્થાન બોર્ડર ઉપર ગયો ત્યારે ત્યાં બોર્ડરની રખવાળી કરતી બહાદુર  બેટીઓને જોઈને કોઈને પણ ગર્વ થાય.  કાકાય ભેગા હતા, એટલે મેં  એને કહ્યું કે આ સૈનિક મહિલાઓ ભલભલા દુશ્મનોના દાંત ખાટા કરી નાખવા સજ્જ છે.કાકાએ ટાપશી પૂરી કે 'આ જવાનીઓ દુશ્મનના દાંત ખાંટા કરી નાંખેને? તારી કાકી જેવાં થોડા હોય કે ખાટ્ટી કઢી બનાવીને આપણાં દાંત ખાટા  કરે?'

મેં ડબકું મૂક્યું કે  'કાકા તમારી વાત સો ટકા  સાચી,  પણ તમે જવાની કોને કહો છે?' પથુકાકાએ મહિલા બટાલિયન  તરફ આંગળી ચિંધીને કહ્યું કે 'જો ભાઈ સેનામાં જે મરદો ફરજ બજાવે એને જવાન કહેવાય તો આ બહાદુર રણરાગિણીઓને 'જવાની' કેમ ન કહેવાય?  બોર્ડર ઉપર  જ્યારથી બેટીઓ  ધૂમધડાકા  કરવા માંડી છેને ત્યારથી મેં તો નવું પોકારસૂત્ર (સ્લોગન) બનાવ્યું છે:  'જય જવાન જય જવાની' મેં ઉમેર્યું કે કાકા હવે એમ પણ કહી શકાય:

જય જવાન જય જવાની
આ માદાગીરી સામે
દુશ્મનોની દાદાગીરી
ખતમ થઈ જવાની

પથુકાકા બોલ્યા વાહ ભાઈ વાહ બોર્ડરની  રખવાળી કરવા માટે પણ બહેન-દીકરીયું  આગળ આવી છે  એ તો  બહુ કહેવાય.  બાકી તો આજે શહેરની ફેશનબેલ  લેડીઓ  પણ બોર્ડરની ફિકર કરવામાં પાછી પડે એમ નથી હો?' મેં કહ્યું 'કાકા તમેય શું ટાઢાપોરના ગપ્પા ઠોકો છો? દેશનું માથું ઊંચું રહે એની ચિંતા કરવાને બદલે  જે મોબાઈલમાં માથું ઝૂકાવીને  મંડી પડી હોય,

દેશની હિફાઝત કરતા અને જાન હથેળીમાં  લઈ ઝઝૂમતા એક જવાનના આખા મહિનાના પગાર જેટલાં પૈસા જે ફેશનેબલ  લેડીઓ મેકઅપ  અને  પફ-પાઉડર પાછળ ફેંકી દેતી હોય અને કિટી-પાર્ટીમાં  એકબીજાની અદેખાઈ કરી જે લેડીઓ   દેશ-ભક્તિને બદલે દ્વેષ-ભક્તિ  દેખાણી હોય એને વળી કઈ બોર્ડરની ચિંતા હોય?'

પથુકાકા બોલ્યા 'અરે? એ બલાઓને  સાડીની  'બોર્ડર'ની કેટલી ચિંતા હોય છે  ખબર છે? ક્યાંક  કોઈ સ્ટોરના શો-વિન્ડોમાં નવી ડિઝાઈનની બોર્ડર નજરે પડતાની સાથે જ પર્સ  ખોલી પૈસાની થોકડી કાઢી  ઝટપટ ખરીદી જ  લે. આ બોર્ડરની ફિકર ન કહેવાય? પાર્ટી-એનિમલ જેવી પનોતી પુત્રીઓ (પનોતા પુત્ર હોય તો પનોતી પુત્રીઓ ન હોય?)ની શું વાત કરૃં? ઘરમાં એકલી રહે તો  બોર થઈ જાય અને બહાર એકલી નીકળે તો ડર લાગે, આને લીધે જ કહું છું આ બધીયુંને  'બોર-ડર'ની ફિકર હોય છે.'

એક જમાનો હતો જ્યારે મરદો રણમેદાનમાં  જતાં અને એમની જીવનસંગિની તિલક કરી હોંશે હોંશે વિદાય કરતી પણ વખત આવ્યે આ બહાદુરણો તલવાર વિંઝીને ખરેખરી બાકાઝીક   બોલાવી દુશ્મનોને હેડ-લેસ બનાવવામાં પાછી ન પડતી હો?

લડાઈ અને શૂરવીરતાનો મુદ્દો નીકળતા બીજા વિશ્વ યુદ્ધના વખતની વાત યાદ આવી એ વખતે મારા ફાધર મહેન્દ્રરાય અને પથુકાકાના સગા વસાવડા દાદા બર્માના  રંગૂનમાં મોટા થયા  હતા. વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું અને જાપાની સેના  ઠેઠ બર્મા સુધી  ધસી આવી ત્યારે  લોકો બર્મા છોડીને ભારત તરફ હિજરત કરવા માંડયા હતા.  એ જમાનામાં  બર્મામાં  બહારનું  કામકાજ,  દુકાન અને વ્યવસાય એ બધું બર્મીઝ મહિલાઓ સંભાળે અને પુરૃષ ઘર સાચવે.  કાકાની ભાષામાં  કહીએ તો  એ બધા 'વરૃ' હાઉસ-હસબન્ડ કે ગૃહિણી બનીને  રહેતા.  એ જમાનામાંય મહિલા કુસ્તીબાજો હતી રંગુનમાં.

બીજી વર્લ્ડ વોરની વાત યાદ આવતા પથુકાકા બોલ્યા 'તને ખબર છે? જર્મન પુરૃષનો વેશ પહેરીને ચાર-પાંચ યુવતીઓ  પણ લશ્કરમાં જોડાઈ ગઈ હતી. એવી જાંબાઝ કે પુરૃષનો વેશ પહેરીને ચાર-પાંચ  યુવતીઓ પણ લશ્કરમાં જોડાઈ ગઈ હતી. એવી  જાંબાઝ કે પુરૃષ સૈનિકોની ભેગી જ ધાંય.... ધાંય.... બંદૂકો  ફોડતી નીકળી પડે.'

મેં સવાલ કર્યો કે 'કાકા મોરચા ઉપર તો એ જર્મન સૈનિકોએ ખુલ્લામાં  ટોઈલેટ જવું પડતું હશે અને ભેગા ભેગા નહાવું પડતું હશે. તો તમે કહો છો એમ ચાર-પાંચ યુવતીઓ વેશપલ્ટો કરીને સેનામાં ભળી ગઈ છે એવી ખબર ન પડે? તમે કેવી વાત કરો છો?' કાકા લુચ્ચું હસીને બોલ્યા કે 'ખબર તો પડી, પણ ઉપરીને શું કામ કહે? તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, જલસા કરો ગૂપચૂપ.'

હમણાં લાલુજીના બિહારની વાત સાંભળી.   બિહારમાં મરદોની જેમ મોટી સંખ્યામાં મહિલાઓ પાસે લાયસન્સવાળી ગન છે. સેનામાં  મહિલા સોલ્જરો ગન રાખે એ તો સમજાય.પણ બિહારમાં તો મોટા મોટા રસુખદાર ઘરની મહિલાઓ ગન ધારણ કરીને નીકળવા માંડી છે.'

મારી વાત સાંભળી પથુકાકા બોલ્યા કેટલાંક  પુરૃષોની ગંધારી નજરનો સામનો કરવા માટે  સ્ત્રીઓ ગન-ધારી બને એમાં ખોટું શું છે? મહાભારતમાં હતી ગાંધારી અને ભારતમાંં ગન-ધારી... હવે તો એવો વખત આવશે કે:

અત્યાર સુધી અબળા ગણી
ભલે એને અબળા ગણી
પણ હવે ધણિયાણીથી
ધણ ધણી ઊઠશે ધણી.

અંત-વાણી

કોઈ ઠેકાણે ટોચના સ્થાને પુરૃષ હોય તો  કોઈ ઠેકાણે મહિલા હોય છે એટલે જ કહેવું પડે કે:

ક્યાંક વડા ક્યાંક વડી
ક્યાંક ઘડા ક્યાંક ઘડી
નરથી નારીનું ઊંચું મૂલ્ય સંસારમાં
સસ્તા મળે ઘડા, મોંઘી 'ઘડી'

**  **  **

રાજનીતિમાં (પદની) પડાપડી
સંસારમાં રોજની તડાતડી
આ બધી પળોજણથી દૂર
સીમા પર જવાનો કરે ધડાધડી.
 

Keywords boj,viana,ni,moj,06,february,2018,

Post Comments