Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ભારત છોડો' ચળવળમાં જિલ્લાના નેતાઓની ધરપકડ થતા મહિલાઓએ આગેવાની લીધી હતી

- 'આંતરરાષ્ટ્રીય મહિલા દિન'ની ઉજવણી પ્રસંગે ઈતિહાસનું તાજું થયેલું સુવર્ણપૃષ્ઠ

- મહિલા આગેવાન માણેકબેન, વિલાસબેન, સરોજબેન, જયાબેન લડતની બાગડોર સંભાળી હતી

ભાવનગર, તા. 07 માર્ચ 2018, બુધવાર

અંગ્રેજો, ભારત છોડો'ના એલાન સાથે ઓગસ્ટ ૧૯૪૨માં મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલી ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટના રંગમાં ભાવનગર પણ રંગાયું હતું અને લડત દરમિયાન નેતાઓની ધરપકડ થઈ તો પણ મહિલા ક્રાંતિકારીઓએ લીધેલી આગેવાનીના કારણે ચળવળને ઉણીઆંચ આવી નહોતી.

હાલ હિન્દ છોડો ચળવળનું અમૃત પર્વ ચાલી રહ્યું છે અને આજે તા. ૮ માર્ચને ગુરૂવારે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થવાની છે ત્યારે સ્વાધિનતા ચળવળના ઈતિહાસનું આ સુવર્ણપૃષ્ઠ તાજું થાય તે સ્વાભાવિક છે.

'જનની જન્મભૂમિ શ્ચ સ્વર્ગ પિ ગરિયસી..' બસ્સો વર્ષથી અંગ્રેજોની ગુલામીની બેડીઓમાં ઝકડાયેલી માતૃભૂમિની સ્વતંત્રતા કાજે અનેક નામી અનામી ક્રાંતિકારીઓએ યાતનાઓ વેઠી બલિદાન આપ્યા હતા. દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ ઓગસ્ટ, ૧૯૪૨માં 'કવીટ ઈન્ડિયા'નું એલાન કરી અંગ્રેજોને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપી દીધું હતું. આ અલ્ટીમેટમના અનુસંધાને સમગ્ર દેશમાં માતૃભૂમિની મુક્તિના
આંદોલને આહલેક જગાવી હતી. જેમાં ભાવનગર રાજ્યના ચળવળકારો પણ જોડાયા હતા અને જાહેરસભા, સરઘસ, સત્યાગ્રહ સહિતના કાર્યક્રમો દ્વારા આઝાદીની ઝંખનાની જ્યોત જલતી રખાઈ હતી.

હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની કારોબારીના સભ્યો તથા મુખ્ય આગેવાનોની સરકારે ધરપકડ કરેલ હોવાના સમાચાર પ્રાપ્ત થતા જ ભાવનગર પ્રજા પરિષદના આગેવાનો કેશવલાલ ઠક્કરના નિવાસસ્થાને એકત્ર થયા હતા અને લડત આપવા નિર્ણય લેવાયો હતો. લડતના કાર્યક્રમ તરીકે સરકારના યુદ્ધ કાર્યક્રમને મદદરૂપ થાય તેવી જે પ્રવૃત્તિઓ ભાવનગરમાં થતી હોય તે તમામ બંધ કરાવવા તેની ઉપર પીકેટીંગ કરવા તથા રોજ દરબારગઢના ચોકમાં જાહેરસભા ભરી પ્રજાને લડતના સમાચારથી વાકેફ રાખવા નક્કી કરવામાં આવ્યું હતું.

આગેવાનોની ધરપકડના કારણે ભાવનગર અને બીજા શહેરોમાં હડતાલ પડી હતી. વજુભાઈ શાહ તથા તેના ભાઈના માર્ગદર્શન નીચે જંગે આઝાદી નામની પત્રિકા નાનુભાઈને ત્યાંથી બહાર પાડવામાં આવેલ હતી. રોજ સવારે નેતાઓ ગામના ગંગાજળિયા તળાવમાં એકત્ર થતા હતા. સ્વયંસેવકો બંદર વર્કશોપ તથા કારખાનાઓ પર પીકેટીંગ કરતા હતા.

૩૦ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ વર્કશોપ પર સત્યાગ્રહ જગુભાઈની આગેવાની નીચે કરવા વિચારણા થઈ હતી પણ તે અગાઉ ૧૯ ક્રાંતિકારીઓની ધરપકડ થઈ હતી. મુખ્ય નેતાઓ પકડાઈ ગયા હોવા છતાં સભા, સરઘસ, પીકેટીંગ વગેરે પ્રવૃત્તિ ચાલુ હતી. આમ, ઈ.સ.૧૯૪૨ની'હિંદ છોડો ચળવળ' દરમિયાન સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન ભાવનગર રાજ્યમાં ક્રાંતિકારીઓએ તેમની પ્રવૃત્તિઓ ધમધમતી રાખી હતી.

તેવામાં, તા. ૨ ઓક્ટોબર, ૧૯૪૨ના રોજ ભાવનગરના નવા બંદરે હથિયારો ભરેલી સ્ટીમર આવવાની જાણ થતા તે સામાન બંદરે ઉતરતો અટકાવવા બે હજાર આંદોલનકારીઓએ પ્રયાસ કર્યો હતો. જેમાં કુલ ૧૧૧ ચળવળકારોની ધરપકડ કરાઈ હતી. મુખ્ય નેતાઓને બે વર્ષની સખત મજૂરી સાથે કેદની સજા અને રૂા. બે હજાર દંડ કરાયો હતો. જો દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા ભોગવવાની હતી. ૫૧ વ્યક્તિઓને કોર્ટ ઉઠતા સુધીની આસાન કેદની સજા કરાઈ હતી. અન્યને નાની - મોટી સજા કરાઈ હતી અથવા તો જામીન લઈને પણ કેટલાક ચળવળકર્તાને છોડી મૂકાયા હતા.

જેલમાં પર્યાપ્ત જગ્યાના અભાવે ૧૯ મુખ્ય કાર્યકરોને પોર્ટ વિક્ટર લઈ જવાયા હતા. જ્યારે ૧૦૦ કાર્યકરોને ભાવનગર સેન્ટ્રલ જેલની બેરેકો અને ઓસરીમાં રાખવામાં આવ્યા હતા. મોટાભાગના નેતાઓ જેલમાં જતા રહેવા છતાં આંદોલનને આંચ આવી નહોતી અને માણેકબેન, વિલાસબેન, સરોજબેન, જયાબેન સહિતના મહિલા આગેવાનોએ લડતની બાગડોર સંભાળી હતી અને કાચી જેલ ભોગવી હતી.

Post Comments