Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઝવેરચંદ મેઘાણીજીની પૂણ્યતિથિ: બોટાદ સાથે સંકળાયેલ છે તેમના જીવનની અનેક યાદો

- આજે બોટાદ-રાણપુરમાં તેઓની પ્રતિમાને પુષ્પાંજલિઃ રાત્રે પાળિયાદ રોડ પર મેઘાણી વંદના

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઇ મેઘાણીજીના જીવનની અનેક મહત્વની ઘટનાઓ અને યાદો બોટાદ સાથે સંકળાયેલી છે. તેમના અનેક પુસ્તકો અહીં લખાયા હતા. તા.૯-૩ને શુક્રવારે મેઘાણીજીની ૭૧મી પૂણ્યતિથિ છે ત્યારે તેઓના જીવનના સંસ્મરણો તાજા થાય તે સ્વાભાવિક છે.

બોટાદમાં તેઓનું રહેઠાણ અને રાણપુર કાર્યસ્થળ, બોટાદ અને રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા તેઓ આવ-જા કરતા. સવારે ૬ વાગ્યાના અરસામાં નિકળતી અને ત્યારે તે 'ફાસ્ટ' તરીકે ઓળખાતી. ગાડી પકડવા વહેલા ઉઠે. પત્ની-બાળકોની ઉંઘમાં ખલેલ ન પડે તેનો સતત ખ્યાલ રાખતા. પોતે વહેલા પરવારી જઇને જાતે ચા મૂકે. ચા પીને નીકળતા અગાઉનું છેલ્લુ કામ હોય માથે ફેંટો બાંધવાનું. ક્યારેક મોડું થઇ ગયું હોય તો ફેંટાના છેલ્લા આંટા લેતા લેતા જ ઘરની બહાર આવે અને ઘરની પડખેથી પસાર થતા રેલ-પાટાને અડીને સમાંતર ચાલતી સાંકડી કેડી પકડી લઇને ઉતાવળે સ્ટેશન ભણી ગતિ કરે. એ જ ફાસ્ટના વળતા ફેરામા રાતે પાછા ફરે. કલાકોને હિસાબે મોડી પડવા માટે નામચીન હતી.

આ ટ્રેન, એટલે બીજા બે-ત્રણ ઉતારૂઓ સાથે સહિયારી ઘોડાગાડીમાં બેસીને થાક્યા પાક્યા ઘેર પહોંચે ત્યારે દસ વાગી ચૂક્યો હોય. તોય, બાપુજીની વાટ જોતા ઝોલે ચડીને અંતે નીંદરમાં સરી ચૂકેલા બાળકોને માથે હેતભર્યો હાથ ફેરવવાનું એ પ્રેમાળ પિતા ન ચૂકે. શુક્ર-શનિ-રવિના ત્રણ દિવસ રાણપુર જવાનું ન હોય એમને. એ દિવસો દરમિયાન લોકસાહિત્યના સંશોધનાર્થે કે અન્ય કોઇ કારણસર બહારગામ ન હોય તો, સંતાનો સાથે બહાર નીકળવાની તક મળે એ દ્રષ્ટિએ બાળકોને લઇને નજીકની વાડીએ નહાવા-ધોવા જાય. કુંડીની પાળે બેસીને કપડા કેમ ધોવા તે પિતા બાળકોને શીખવે. સાબુનો ઉપયોગ કર્યા વિના પણ કેવી રીતે ડિલ ચોળીને સરસ નાહી શકાય, નાહી રહ્યે ટુવાલે ઘસી ઘસી લૂછીને ડિલ અને માથુ કેવા સાવ કોરા કરી નાખવા જોઇએ એવી એવી ઝીણીમોટી બાબતો પ્રયોગ કરીને બતાવે.

બોટાદમાં અંગત અને નિકટના કહી શકાય એવા જૂજ મિત્રોમાંના એક તે લખુભાઇ સેઠ, બેઉ કુટુંબો વચ્ચે પણ ખાસ્સો ધરોબો. ઝવેરચંદ મેઘાણી અવાર નવાર સહકુટુંબ એમને ઘેર જાય. લખુભાઇને વિશાળ એક વાડી બોટાદ સ્ટેશનને અડીને હતી. સહુ વાડીએ ફરવા જાય. ત્યાં કલાકો ગાળે. જાંબુડીના ઝાડ હેઠળ બુંગણ પાથરી આરામ પણ કરે. વાડીના કુદરતભર્યા વાતાવરણ વચ્ચે રહી ઝવેરચંદ મેઘાણી તરોતાજા થઇ જાય. સદાય સ્વચ્છ, સફાઇદાર વસ્ત્રો પહેરતા ઝવેરચંદ મેઘાણી પોતાના બુટ-ચંપલ પણ હંમેશા ચકચકિત હોય તે બાબતે ખાસ ધ્યાન રાખતા.

આજે બોટાદ અને રાણપુર ખાતે સ્થાપિત મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થશે. તેઓની ૭૧મી પૂણ્યતિથિ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને અમદાવાદ સ્થિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા તેઓની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સતત ૮માં વર્ષે તા.૯ના રોજ રાત્રીના ૯ વાગ્યે બોટાદમાં પાળિયાદ રોડ પર આવેલ જૂના માર્કેટ યાર્ડ ખાતે મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં તેઓ દ્વારા રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો રજૂ થશે.

Post Comments