Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

ઓસ્ટ્રિયા: હિટલરના દેશમાં નાઝીવાદનો ઉદય?

ઈતિહાસ હરી ફરીને ત્યાં જ આવીને ઊભો રહે છે, પૃથ્વીને ગોળ સાબિત કરવાની આ કોઈ નવી તરકીબ છે કે શું?

૨૦મી સદીમાં આખી દુનિયાને ગાંડી કરનાર જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર ઓસ્ટ્રિયામાં જન્મ્યો હતો. તેના પક્ષ નાઝીના કાર્યકર એન્ટોન રીઇન્થોલરે ૧૯૫૬માં ફ્રીડમ પાર્ટી ઑફ ઓસ્ટ્રિયા(એફપીઓ)ની સ્થાપના કરી. તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ગણનાપાત્ર જનમત પ્રાપ્ત થતા આ અતિ દક્ષિણપંથી પક્ષ ગઠબંધન સાથે સત્તામાં આવી ગયો છે.

ઈતિહાસે એક ચક્ર પૂરું કર્યું કે રીવર્સ ચક્ર ફર્યું તે સંશોધનનો નહીં, તારણનો વિષય છે. ૨૦૧૭નું વર્ષ યુરોપમાં જમણેરીઓના અભૂતપૂર્વ વિકાસનું રહ્યું. તેમાં સૌથી જ્વલંત સફળતા ઓસ્ટ્રિયાના એફપીઓ પક્ષને સાંપડી છે.

મધ્ય યુરોપનો ક્રોસરોડ કહેવાતું ઓસ્ટ્રિયા રાષ્ટ્ર બદલાયેલી રાજકીય હવાનું પણ જંકશન બની ગયું છે. આમ તો આ હવા અગાઉ બહુધા યુરોપના અન્ય દેશોમાં ફુંકાઈ ચૂકી છે, પરંતુ હજુ જે દેશો તેનાથી અસ્પૃશ્ય છે તે પણ આ દિશામાંથી લિપ્ત થઈ શકે છે. ૧૯૧૮થી ગણતંત્ર બનેલું રાષ્ટ્ર ૧૯૩૮થી ૧૯૫૫ લગી નાઝીવાદીઓના કબજામાં હતું, હવે નાઝીવાદી વારસો ધરાવતા પક્ષના પંજામાં ફસાવા જઈ રહ્યું છે. જર્મન શબ્દ ઓસ્ટ્રો પરથી ઓસ્ટ્રિયા નામ પડયું છે.

ઓસ્ટ્રો એટલે ઇસ્ટ, પૂર્વ. એ વાત અલગ છે કે આજકાલ અહીં અપૂર્વ ઘટનાઓ આકાર લેતી જોવા મળી રહી છે. સીલાઈ મશીનની શોધ કરનાર જોસેફ મેડરસ્પર્જર ઓસ્ટ્રિયાનો હતો. હાલ અહીં જે શરણાર્થી વિરોધી, મુસ્લિમ વિરોધી અને વિદેશી વિરોધી રાજકીય પક્ષને સમર્થન મળ્યું છે તેણે ઉદારવાદીઓના મોઢા સીવી લીધા છે.

રાજધાની વિયેનામાં વિશ્વનું સૌથી જૂનું, ૧૭૫૨માં બનેલું પ્રાણી સંગ્રહાલય આવેલું છે. ભલેને માનવ મૂલ્યો જોખમમાં મુકાઈ રહ્યા હોય! હોલીવુડ એક્ટર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર ઓસ્ટ્રિયામાં મોટો થયો છે, પરંતુ ભવિષ્યમાં આ રીતે કોઈ વિદેશી મૂળની પ્રતિભા અહીં ઊછરી શકશે કે કેમ તે એક સવાલ છે.

વિશ્વમાં સૌથી પહેલા પોસ્ટકાર્ડ્સનો ઉપયોગ અહીં થયો હતો. કોમ્યુનિકેશનની દૃષ્ટિએ ઘણા નજીક આવી ગયેલા લોકો એકબીજાથી ભાવનાત્મક રીતે દૂર જઈ રહ્યા છે. ૬૮ ટકા ઓસ્ટ્રિયા દેશ આલ્પ્સની પર્વતમાળાથી ઘેરાયેલો છે, બાકીનો ૩૮ ટકા માનસિક દ્વિધાથી.

ગત ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણી બાદ રૃઢિવાદી પીપલ્સ પાર્ટી અને અતિ જમણેરી ફ્રીડમ પાર્ટીએ ગઠબંધન સરકાર રચી તે દર્શાવે છે કે બાકી રહેલા યુરોપિયન દેશોમાં મક્કમ ગતિએ લોકપ્રિય રાજનીતિ (પોપૂલિસ્ટ પોલિટિક્સ)નો ગંદર્ભ આગળ ધપી રહ્યો છે. યુરોપિયન યુનિયન તથા વસાહતીઓ (માઇગ્રન્ટ્સ)ની વિરોધી ફ્રીડમ પાર્ટીને બે દાયકામાં સૌથી વધુ મત મળ્યા છે.

આ પહેલા સોશિયલ ડેમોક્રેટ્સ અને રૃઢિવાદીઓ વચ્ચે ગઠબંધન હતું. સોશિયલ ડેમોક્રેટ્સ ત્રીજા સ્થાને  ફેંકાઈ જતા સત્તામાંથી નીકળી ગયા છે. રૃઢિવાદીઓનું નેતૃત્વ કરી રહેલા સેબ્સાટિયન કર્ઝે જન સમર્થન વધારવા માટે તેમના ભાષણોમાં બિલકુલ ઇસ્લામોફોબિક અને વસાહતી વિરોધી વલણ અપનાવ્યું હતું. યુરોપમાં આ સાથે મધ્યમ માર્ગી રાજનીતિ બિલકુલ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

નહીં તો એક સમયે તે તેનો ગઢ ગણાતું હતું. સેબાસ્ટિયન કર્ઝ ચાન્સેલર બન્યા છે અને વાઇસ ચાન્સેલરનું પદ ફ્રીડમ પાર્ટીના હેઇઝ ક્રિશ્ચિયન સ્ટ્રેશના આપવામાં આવ્યું છે. કેટલાક મહત્ત્વના મંત્રાલયો પણ આ પક્ષને મળ્યા છે. ખાસ કરીને આંતરિક બાબતોનું મંત્રાલય, જે ઇમિગ્રેશન પર નિયંત્રણ લાદશે. વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પણ તેમના ફાળે ગયું છે.

સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે તે હંગેરી અને પોલેન્ડના અતિ જમણેરી પક્ષો સાથે સારા સંબંધો ધરાવે છે. એટલું જ નહીં, પરંતુ રશિયા સાથે ખૂબજ સારા સંબંધો ધરાવે છે. યુરોપિયન યુનિયનનું રાજકારણ રશિયાની વિરુદ્ધમાં ચાલે છે. એવામાં એક સભ્ય દેશમાં રશિયા સમર્થક સરકાર બને તે ઓલરેડી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા યુરોપિયન યુનિયન માટે વધુ આફત ઊભી કરનારો બનાવ છે.

૨૦૦૦ની સાલમાં રૃઢિવાદીઓએ જ્યારે અતિ જમણેરી પક્ષ સાથે ગઠબંધન રચ્યું ત્યારે યુરોપિયન યુનિયનમાં ધમાલ મચી ગઈ હતી. ઓસ્ટ્રિયાનો રીતસરનો બહિષ્કાર થયો હતો. કેટલાક દેશોએ વ્યાપારી સંબંધો કાપી નાખ્યા હતા. ઇઝરાયલે ફ્રીડમ પાર્ટીને યહુદી વિરોધી ગણાવી પોતાના રાજદૂતને પાછો બોલાવી લીધો હતો, પરંતુ આજે સ્થિતિ પલટાઈ ચૂકી છે.

યુરોપિયન યુનિયનના અનેક દેશોમાં દક્ષિણપંથી સરકાર આવી ચૂકી છે અથવા તો પક્ષ મજબૂત બન્યા છે. ઇઝરાયલે પણ ચોખવટ પાડી છે કે તે તેના એલચીને પરત બોલાવશે નહીં. સમય સાથે બધું બદલાઈ જાય છે.

બ્રિટનમાં યુરોપિયન યુનિયન છોડવા માટે માગણી ઊઠી. બ્રેક્ઝિટ. જેરેમી કોર્બિન શક્તિશાળી નેતા તરીકે ઊપસી આવ્યા. જર્મનીમાં અલ્ટરનેટિવ ફોર જર્મની રાજકીય પક્ષને સંસંદમાં ૯૫ બેઠકો અને ૧૩ ટકા મત મળ્યા.  ફ્રાન્સમાં મેરી લી પેનને ૩૪ ટકા મત મળ્યા. તેના પિતા જ્યારે નશનલ ફ્રન્ટ સંભાળતા ત્યારે ૨૦૦૨ની સાલમાં આનાથી અડધું લોક સમર્થન પણ પ્રાપ્ત થતું નહોતું. નેધરલેન્ડ્સમાં પાર્ટી ફોર ફ્રીડમ બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બની ગયો. ઇટલી, ગ્રીસ, સ્વીડન, બલ્ગેરિયા, હંગેરી અને સ્લોવાકિયામાં પણ અતિ જમણેરી પક્ષો તાકતવર બની રહ્યા છે.

આ તમામ પક્ષોમાં એક સામ્ય છે. તેઓ હળાહળ રાષ્ટ્રવાદી છે. રાષ્ટ્રવાદ એટલે ગ્લોબલાઇઝેશનનો વિરોધ. બીજું, આ લોકો યુરોપિયન યુનિયન માટે પણ અવિશ્વાસ ધરાવે છે.  ત્રીજું, તેઓ મુસ્લિમ વિરોધી છે અને ચોથું, તેઓ વિદેશી વિરોધી છે.

૨૦૦૦ની સાલમાં હોબાળો મચાવી દેનારા યુરોપિયન યુનિયને આ વખતે ઓસ્ટ્રિયામાં રચાયેલી રૃઢિવાદી-અતિ જમણેરી સરકાર બાબતે ભેદી મૌન સેવ્યું છે. આ નવ રચિત સરકારે યુરોપિય સંઘને રામરામ કરી દેવાની શક્યતા નકારી દીધી છે, કિન્તુ તેમણે એન્ટી ઇમિગ્રન્ટ્સ વલણ યથાતથ રાખ્યું છે. આ બાબત એકરીતે વિરોધાભાસી છે. કારણ કે યુરોપિયન યુનિયનમાં હોવાનો મતલબ થયો, શ્રમિકો, પૈસા અને માલસામાનની મુક્ત હેરફેર.

એવામાં તેઓ જો શ્રમિકોની અવર-જવરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે એટલે તરત જ સમસ્યા ઊભી થવાની. ૨૦૧૮ના દ્વિતિય અર્ધ માસિકમાં યુરોપિયન યુનિયનનું અધ્યક્ષ પદ ઓસ્ટ્રિયાના હાથમાં આવશે. આ વિરોધાભાસોને નવી સરકાર કઈરીતે પહોંચી વળશે તે જોવું અગત્યનું બની રહેશે.

જમણેરી પક્ષોની વધી રહેલી શક્તિ યુરોપિયન યુનિયનની શક્તિને વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એકની શક્તિનો વધારો બીજાની શક્તિનો ઘટાડો સૂચવે છે. ઇતિહાસ ફરી-ફરીને ત્યાં જ આવીને ઊભો રહે છે. પૃથ્વીને ગોળ સાબિત કરવાની આ કોઈ નવી તરકીબ છે કે શું?

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- માનવ અધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વોચે મ્યાંમાર સેના પર આક્ષેપ મૂક્યો છે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં મ્યાંમાર સેનાએ રોહિંગ્યા મુસલમાનોના ૪૦ ગામને ખેદાન-મેદાન કર્યા. ૨૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૩૫૪ ગામોને પૂર્ણપણે અથવા આંશિક તબાહ કરવામાં આવ્યા છે.

- અમેરિકી સરકારે વન્નાકાઈ સાઈબર હુમલા માટે અમેરિકા ઉત્તર કોરિયાને જવાબદાર ઠરાવ્યું છે. વોલસ્ટ્રીટ જર્નલ ઓનલાઇનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં હોમલેન્ડ સિક્યોરિટીના સલાહકાર ટૉમ બોસર્ટે આ માહિતી આપી હતી. આ સાઇબર અટેક અંતર્ગત વિશ્વની અનેક હોસ્પિટલો, બેંકો અને બીજી કંપનીઓની કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરવામાં આવી હતી.

- જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તય્યબાના સ્થાપક હાફીઝ સઈદ ૨૦૧૮માં પાકિસ્તાનની ચૂંટણી લડે એવી સંભાવના છે. આ વિશે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હિદર નોર્ટે કહ્યું, હું એ યાદ અપાવી દઉં કે હાફિઝ સઈદ પર એક કરોડ અમેરિકન ડોલરનું ઇનામ છે. તેને નજરકેદમાંથી મુક્ત કરવા સામે અમેરિકામાં જોરદાર વિરોધ થયો છે.

- ભારતના બિઝનેસમેન અને હાલ પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાદવને મળવા માટે સોમવારે તેની માતા અને પત્ની પાકિસ્તાન પહોંચ્યા હતા. પાક સરકારે સ્પષ્ટતા કરી હતી કે હાલ તેને ફાંસીની કોઈ શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના જાસૂસોએ ઇરાનના ચાબહાર બંદર પરથી તેની ધરપકડ કરી હતી. તેના પર પાકિસ્તાન વિરુદ્ધ જાસૂસીનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
 

Post Comments