Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

ઈરાનમાં હિંસક પ્રદર્શનોઃ અમને મોકળાશ આપો

ઈંડાના ઊંચા ભાવના વિરોધ જેવી સામાન્ય બાબત સાથે શરૃ થયેલું આંદોલન રૃઢિચૂસ્ત શાસન ફગાવી દેવાની માગણી સુધી પહોંચ્યું

તહેરાન અને દિલ્હી વચ્ચે સામ્ય શું છે? બેય રાજધાની પ્રદૂષણથી ગ્રસિત છે. માત્ર આબોહવાત્મક નહીં, રાજકીય પણ. ઈરાન ફારસી શબ્દ છે અને તેનો અર્થ છે, આર્યોની ભૂમિ. ભારત અને ઇરાન વચ્ચે ત્રીજું સામ્ય એ છે કે બંને ધરતી પર વિશ્વની સૌથી જૂની સભ્યતા ધબકી રહી છે.

ત્યાં ઇસુ પૂર્વે ૪૦૦૦માં બનેલા મકાનો આજની તારીખે અસ્તિત્ત્વ ધરાવે છે. ચોથું, આપણી જેમ તેની પાસે પણ જબરું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. ત્યાંની ૭૦ ટકા વસ્તી ૩૦ વર્ષ કરતા નાની વયની છે. મતલબ તેમણે ૧૯૭૯માં ઇરાનમાં થયેલી ઇસ્લામિક ક્રાંતિ જોઈ નથી. આ પેઢી આજે સડકો પર ઊતરી આવી છે અને મોકળાશ ભર્યા વાતાવરણની માગણી કરી રહી છે.

બાત નિકલેગી તો દૂર તલક જાયેગી. એ નઝમ ન સાંભળી હોવા છતાં ઈરાનીઓ ઈંડાના ઊંચા ભાવથી શરૃ થયેલા આંદોલનને ક્યાંનું ક્યાં લઈ ગયા છે. શરૃઆત ૨૮મી ડિસેંબરે મસહદ શહેરથી થઈ હતી. મસહદ બીજા નંબરનું સૌથી મોટું ઇરાનિયન શહેર.

સુધારાવાદી પ્રમુખ હસન રોહાની ઇરાનિયનોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ ન લાવી શકતા હજારો લોકોએ રસ્તા પર ઊતરીને તેના રાજીનામાની માગણી કરી હતી. જોતજોતામાં દાવાનળ ૭૦ શહેરો અને કસબાઓમાં ફેલાઈ ગયો. જેમ વિરોધનો ભૌગોલિક વ્યાપ થયો તેમ વિષયગત વ્યાપ પણ વધ્યો. ઈરાનમાં લોકો ધાર્મિક રાજસત્તા (થિયોક્રસી)થી માનસિક રીતે દબાયેલા રહે છે. લોકો મુક્ત મને હરી, ફરી, વિચરી કે વ્યક્ત થઈ શકતા નથી.

મોંઘવારી જેવા સામાન્ય મુદ્દા સાથે શરૃ થયેલા આંદોલનમાં સામાજિક મુદ્દાઓ પણ ભળ્યા. સરકારે આપેલા પ્રત્યાઘાતમાં ૨૧નાં મોત થઈ ગયા અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા.  સરકારે મેસેજિંગ સર્વિસ અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી સૂરજને ધૂળ ઉડાડીને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.

ઈરાનમાં જેટલી સત્તા વર્તમાન પ્રમુખ હસન રુહાની પાસે છે તેના કરતા વધારે ઇસ્લામિક રેવલ્યૂશનરી ગાર્ડ અને સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખમૈનીના હાથમાં છે. ઇસ્લામિક રેવલ્યૂશનરી ગાર્ડ ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ વખતે રચાયેલી ધાર્મિક સેના છે. તે ધાર્મિક રાજસત્તાનું રક્ષણ કરે છે.  (સ્વાભાવિક છે કે તે આમ જનતાને દબાવીને રાખતી હોય.) પ્રદર્શનકારીઓ ત્રણેને પોતપોતાની સત્તા ત્યાગવાની વાત કરી રહ્યા છે. આપણે જેમ કોઈને તાડૂકીને મર કહી દઈએ તેવા શબ્દો ઇરાનના લોકો તેમના સર્વોચ્ચ ધાર્મિક નેતા અને પ્રમુખ માટે વાપરી રહ્યા છે.

લોકો મોંઘા થતા જતા જીવન, કચેરીઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, રાજકીય દબાણ તથા સામાજિક દબાણથી કંટાળી ગયા છે. મહિલાઓ બુુરખા અને સ્કાર્ફ ઉતારીને પ્રદર્શન કરી રહી છે. તેમને ખુલ્લી હવા જોઈએ છે. બંધિયારપણાથી મુંઝારો અનુભવી રહી છે.

તમારો પગાર રૃા.૨૦,૦૦૦ હોય તેમાંથી ૧૨૦૦૦ રૃપિયા તમે બીજાની પાછળ ઉડાડો અને ઘરમાં ખાલી પાંચ-સાત હજાર આપો તો ચાલે? રેવલ્યૂશનરી ગાર્ડ્સ ગાઝા, લેબેનોન, યમન અને સિરિયામાં બળવાખોરોને બળ આપવા પાછળ અબજો રૃપિયાનો ધુમાડો કરી રહ્યા છે.

ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો. સ્થાનિક લોકોમાં અસંતોષ વધ્યો છે. ગયા મહિને લીક થયેલા બજેટમાં ધડાકો થયો હતો કે ગરીબોની સબસિડી પર કાતર ફેરવી રેવલ્યુશનરી ગાર્ડ્સનું બજેટ વધારવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓ રાડો પાડી રહ્યા છે, સિરિયાને છોડો, અમારી તરફ જુઓ... ન ગાઝા માટે, ન લેબેનોન માટે, મારું જીવન ઈરાન માટે.

ઈરાન શિયા દેશોનું નેતા છે અને આક્રમક વિદેશનીતિ ધરાવે છે. તમારી પાસે વધારાના પૈસા હોય અને તમે બીજાને મદદ કરો તો વાજબી છે, પણ ઘરમાં મુશ્કેલી પડતી હોય અને તમે બીજે સખાવત કરો એનો શો અર્થ? છેલ્લા એક દશકામાં સરેરાશ ઈરાનિયન ૧૫ ટકા વધુ ગરીબ બન્યો છે.

રેવલ્યૂશનરી ગાર્ડ્સના સૈનિકો કાર ઉત્પાદકોથી માંડીને નિર્માણ એકમો સુધી ગમે ત્યાં ગમે ત્યારે દરોડા પાડે છે અને તેમાં પોતાના કમાન્ડરનો ભાગ રખાવી આમ ઇરાનિયનને બે પાંદડે થવા દેતા નથી. તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ ન તો વેરો ભરે છે ન તો હિસાબોની સરકારી તપાસ થવા દે છે.

રોહાની ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા રેવલ્યૂશનરી ગાર્ડ્સને કાબૂમાં લેવા માટે તો સક્ષમ નથી જ પરંતુ આર્થિક મોરચે તેમણે જે આશા જગાવી હતી તેના પર પણ પાણી ફેરવી દીધું છે. (રણમાં પાણીની બહુ કિંમત હોય છે!)

ભ્રષ્ટાચાર, બેરોજગારી અને તકોના અભાવને કારણે ૨૦૧૧માં આરબ રાષ્ટ્રોમાં આંદોલન થયાં હતાં, જેને આપણે આરબ સ્પ્રિંગ તરીકે ઓળખીએ છીએ. આજે એવા જ કોઈ કારણસર ઇરાનમાં લોકો હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે.

ધ ઇકોનોમિસ્ટ નિરીક્ષણ મૂકે છે કે ૨૦૦૯ની ગ્રીન મૂવમેન્ટ કરતા આ ચળવળનો વ્યાપ ઓછો છે, પરંતુ આક્રમકતા વધારે. સરકાર હિંસક દમન દ્વારા તે દબાવી દેશે તોય ઝાઝો સમય પ્રજાના આક્રોશને દબાવી શકાય એમ નથી. આઠ વર્ષ પહેલા રેવલ્યૂશનરી ગાર્ડે આંદોલનકારી પર ત્રાસ વર્તાવવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. લોકો તે ભૂલી જઈને ફરી રસ્તા ઊતરી આવ્યા છે. (જુલમગારોને રસ્તે લાવી દેવાની કટિબદ્ધતા સાથે!)

ડોનલ્ડ ટ્રમ્પ ભાગ્યે જ માનવતાનો પક્ષ લે છે. તેમણે ઇરાનના શાસનને ભ્રષ્ટ અને ક્રૂર ગણાવ્યું છે. અચરજની વાત એ છે કે ઈરાનની પ્રજા ખુલ્લા મનની અને નાજુક મિજાજની છે જ્યારે તેના શાસકો જડ અને જૂનવાણી.

ઇરાનનું કટ્ટર શત્રુ હોય તો તે સુન્ની રાષ્ટ્રોનું નેતા સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયામાં હમણા મોટાપાયે સામાજિક ઉદારીકરણ ચાલી રહ્યું છે. મહિલાઓને ચૂંટણી લડવાની છૂટ આપી, સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી, કાર ચલાવવાની પરવાનગી આપી. એક પછી એક બદલાવ ત્યાં આવી રહ્યા છે. આ જાણીને સામાન્ય ઈરાનવાસીઓના મનમાં પણ હવા-ઉજાસ મેળવવાનો સળવળાટ ઊપડયો છે. તેઓ જે માગી રહ્યા છે, તેને લાયક પણ છે. આશા કરીએ કે ક્યારેક તેમનાં સપનાં સાચા પડે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- પાકિસ્તાન ચપ્પલ-ચોરઃ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતાના ચંપલ પોતાની પાસે રાખી લેવાના મુદ્દે અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં પાકિસ્તાનની એમ્બેસી સામે ભારતીયો અને બલૂચિસ્તાનીઓએ પ્રદર્શન કર્યા હતા. પાકિસ્તાન ચંપલ ચોર લખેલા બેનર દર્શાવવામાં આવ્યા હતા.

- યુએસમાં ભારતીયોને રાહતઃ અમેરિકાના ઉદ્યોગ સંગઠન યુએસ ચેમ્બર ઑફ કોમર્સે જણાવ્યું હતું કે એચવન બી વિઝાનું એક્સ્ટેન્શન ન કરવાની નીતિ યોગ્ય નથી. તેનાથી અમેરિકાના કારોબાર અને અર્થવ્યવસ્થાને તથા દેશને નુકસાન થશે. સાત લાખ ભારતીયો પર તલવાર લટકી રહી હતી. હવે તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે.

- ટ્રમ્પની મનોદશાઃ ફાયર એન્ડ ફ્યુરીઃ ઇનસાઇડ ધ ટ્રમ્પ વાઇટ હાઉસ પુસ્તકમાં અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ માનસિક રીતે બીમાર હોવાની ટીપ્પણી કરવામાં આવી છે. જવાબમાં ટ્રમ્પે અને ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું હતું કે સફળ બિઝનેસમેન અને ટોપ ટીવી સ્ટારથી લઈ હું અમેરિકાના રાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યો. હું માત્ર સ્માર્ટ નહીં, પરંતુ જીનીયસ પણ છું. તેના લીધે જ આ સંભવ બન્યું છે.

- લગ્ને-લગ્ને કુંવારોઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઇમરાન ખાને ત્રીજી વખત લગ્ન કર્યા છે. લાહોરમાં અત્યંત ગોપનીય રીતે સમારોહ યોજવામાં આવ્યો હતો. તે જેની પાસે આધ્યાત્મિક માર્ગદર્શન લેવા જતો હતો એ જ મહિલા સાથે તેણે નિકાહ પઢી લીધા છે. પ્રથમ લગ્ન બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કર્યા હતા. બીજા ગત જાન્યુઆરીમાં ૪૨ વર્ષની મહિલા રેહમ ખાન સાથે કર્યા.

 

Post Comments