Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

ઇરાન પરમાણું કરાર: ધાર્યું ધણીનું થાય

ટ્રમ્પે નાછૂટકે ત્રીજી વખત સહી કરીને ઇરાન સાથેની પરમાણું સમજૂતિ ફરી આગળ ધપાવી

બોલવું અને કરવું એ બેય વચ્ચે બાર ગાઉનું અંતર છે. ગમે તે બોલી શકાય છે, પરંતુ કરવાનું આવે ત્યારે સિસ્ટમને અનુસરવું પડે છે. પછી ભલે તમે અમેરિકાના પ્રમુખ હોવ તોય શું?  ઇરાન સાથેના પરમાણું કરાર તોડવાની વાત ડોનલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ની ચૂંટણી રેલીઓમાં કરી રહ્યા હતા.

તેઓ પ્રમુખ બન્યાને એક વર્ષ ઉપર વીતી ગયું છે તેમ છતાં બોલેલું પાળી શકતા નથી. ઇચ્છા નહોતી તોય તાજેતરમાં ત્રીજી વખત હસ્તાક્ષર કરીને સમજૂતી રીન્યુ કરી. એવું કેમ?

જે વાચકોને પરમાણું કરારની વિગતો યાદ નથી તેમના માટે એક નાનકડો રીકેપ. ઇરાન પર પશ્ચિમી દેશોએ અને યુએને અનેક પ્રકારના વેપારી પ્રતિબંધો લાદેલા હતા. તેનું કારણ એ હતું કે તે પરમાણું શસ્ત્રો વિકસાવી રહ્યું હતું. ૨૦૧૫માં યુએનની સુરક્ષા પરિષદના પાંચ દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયાએ તેની સાથે સમજૂતી કરી.

તે પરમાણું કાર્યક્રમ ધીમો પાડી દે તો તેના પરથી પ્રતિબંધો હટાવી લેવાની શરત. ઇરાન આ માટે તૈયાર થઈ ગયું. ભવિષ્યમાં ઇરાન સંધિની શરતોનો ભંગ ન કરે એ માટે દર ત્રણ મહિને કરાર અમેરિકાના પ્રમુખની સહીથી રીન્યુ કરવો એવી શરત રાખવામાં આવી હતી. ડોનલ્ડ ટ્રમ્પ ઇરાનને અવાર-નવાર કરાર રદ કરવાની ધમકી આપે છે, પરંતુ એમ કરી શકતા નથી તેના કેટલાક કારણો છે. હવે એ કારણોમાં ઊતરીએ.

અમેરિકી પ્રમુખનો દાવો છે કે ઇરાન તેને મળેલી પરમાણું સામગ્રીનો ઉપયોગ હથિયાર બનાવવા માટે કરી રહ્યું છે. તેનાથી વિમુખ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઇએઇએ) તથા યુરોપિયન સંઘ બંનેનું કહેવું છે કે ઇરાન પર તેમની ચાંપતી નજર છે અને તે કરારની એક પણ શરતનો ભંગ કરી રહ્યું નથી.

અમેરિકી પ્રમુખ કહે છે કે પરમાણું કરાર ઇરાન પ્રત્યે બેહદ ઉદાર છે. તેમાં તેમની તપાસ માટેના પૂરતા અધિકારો મળ્યા નથી. વળી, તે બેલિસ્ટિક મિસાઈલ બનાવી રહ્યું છે, જે લિબિયા, યમન, ઇરાકી શિયાઓ અને હિઝબુલ્લાને પૂરા પાડે છે. આ સમજૂતિ રદ કરી આકરી બનાવવી જોઈએ. અન્ય દેશોનું કહેવું છે કે કરાર ઘણું જ વિચારીને કરવામાં આવ્યા છે. તેમાં બેલિસ્ટિક મિસાઇલ બનાવવી નહીં કે અન્ય દેશને હથિયાર પૂરા પાડવા નહીં એવી શરતો ઉમેરાઈ નથી.

જાન્યુઆરી ૨૦૧૬થી ઇરાન પરથી આર્થિક પ્રતિબંધો હટયા છે. ત્યારથી આજ સુધીમાં યુરોપિય તથા અરબી દેશોએ અબજો ડોલરનું રોકાણ કરી દીધું છે. હજુ પણ ચાલુ છે. આવામાં જો પરમાણું કરાર રદ કરવામાં આવે તો પશ્ચિમી દેશોને જ નુકસાન થાય. ટ્રમ્પ તો બોલે. એટલે કંઈ પોતાના પગ પર કુહાડો થોડો મરાય છે?

ફ્રાન્સની તેલ કંપની ટોટલ સાથે ૪.૮ અબજ ડોલર (રૃા.૩૦,૦૦૦ કરોડ)નો કરાર કર્યો છે. આ કંપની ફારસની ખાડીમાં તેલ ક્ષેત્ર શોધવાનું કામ કરશે. ઇરાનની તેલ નિર્માતા કંપની રેનોલ્ટ સાથે ૭૭૮ મિલિયન ડોલર (રૃપિયા પાંચ હજાર કરોડ)ની ડીલ કરી છે.ઇરાને ભવન નિર્માણ અને ઉડ્ડયન ક્ષેત્રમાં કામ કરતી ફ્રાંસની કંપની સાથે અબજો ડોલરના કરાર કર્યા છે.

ફેડરેશન ઑફ જર્મન ઇન્ડસ્ટ્રીઝના રીપોર્ટ મુજબ ઇરાનને કરવામાં આવતી જર્મનીની નિકાસ ૩.૫ અબજ ડોલર પર પહોંચી ગઈ છે.  ચીન-ઇરાન વચ્ચેનો વેપાર ૧૮ અબજ ડોલર (લગભગ રૃા.એક લાખ કરોડ) પહોંચી ગયો છે. હવે તમે જ વિચારો. અમેરિકાનું શું ચાલે?

અમેરિકાએ વિશ્વ રાજનીતિમાં જ્યાં પણ ભૂલ કરી, જ્યાં પણ જગ્યા ખાલી કરી ત્યાં કાં તો ચીને લાભ ઉઠાવ્યો છે અથવા રશિયાએ. હવે જો અમેરિકા ઇરાન સાથેનો પરમાણું કરાર રદ કરે એટલે તુરંત જ રશિયા અને ચીન ખુલ્લમખુલ્લા ઇરાનની મદદે આવી જાય. અમેરિકાને તો નુકસાન થાય કે ન થાય એ પહેલા યુરોપને નુકસાન વેઠવાનો વારો આવે. સ્વાભાવિક છે કે યુરોપિય દેશો તેવું ન થવા દે.

એક જમાનો હતો કે અમેરિકા ઇચ્છે તે દેશમાં તખ્તાપલટ કરાવી દેતો. લિબિયા, ટયુનિશિયા, યુગોસ્લાવિયા, ઇરાક અને અફઘાનિસ્તાન તેના ઉદાહરણો છે. કિન્તુ સિરિયામાં લાખ પ્રયત્ન કરવા છતાં તે અસદને હટાવી શક્યું નહીં. કારણ કે તેને રશિયા, ઇરાન અને હિઝબુલ્લાહનું સમર્થન હતું.  આથી અમેરિકા ઇરાનને સબક શીખવવા માગે છે.

યુરોપિયન યુનિયનમાં મદી છે ત્યારે યુરોપના દેશો વેપારની શોધમાં છે. હવે એ વેપાર ઇરાન પાસેથી મળી રહ્યો છે, અથવા મળવાની આશા છે ત્યારે અમેરિકાના અહમ સંતોષ માટે તેઓ તેમના આર્થિક હિતોની બલિ ચડાવવા તૈયાર નથી.

રશિયાના વિદેશ મંત્રી સરગેઈ લાવરોવ ચેતવણી આપી ચૂક્યા છે કે અમેરિકા પરમાણું સમજૂતિમાંથી બહાર નીકળી જશે તોય રશિયા તેને તૂટવા નહીં દે. તો જર્મનીના વિદેશ મંત્રી જિગમાર ગેબ્રિયલે સ્થાનિક અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો હતો કે ડોનલ્ડ ટ્રમ્પ તેમની આંતરિક રાજનીતિ માટે ઇરાન સમજૂતિનો ભોગ લેવા માગે છે. પરંતુ દુનિયાની અન્ય પાંચ શક્તિઓ પણ તેની સાથે છે. અમે તેને અમેરિકાની આંતરિક રાજનીતિનું મહોરું નહીં બનવા દઈએ.

ટૂંકમાં ટ્રમ્પ/અમેરિકા વિરુદ્ધ ઓલરેડી ધુ્રવ રચાઈ ચૂક્યો છે. ડોનલ્ડ ટ્રમ્પ જો વિચાર્યા વિના કોઈ નિર્ણય લેશે તો તે બ્લન્ડર સાબિત થશે. જેના દૂરોગામી પરિણામ યુનાઇટેડ સ્ટેટ્સે ભોગવવાના આવશે. ઓબામાએ વિદેશનીતિમાં લીધેલા કેટલાક મોટા નિર્ણયોમાં એક ઇરાન સાથેની પરમાણું સમજૂતિનો નિર્ણય છે.

તેમને શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ તો બહુુ વહેલો મળી ગયો હતો, પરંતુ આ માટે તેમણે પોતાની જાતને પાછળથી પુરવાર કરી બતાવી આ કરાર કરીને. ઇરાન પરના પ્રતિબંધો હટવાથી દુનિયા પ્રમાણમાં શાંત બની છે. ધાર્યું ધણીનું થાય, ધાર્યું ઓબામાનું થાય, ધાર્યું ટ્રમ્પનું ન થાય.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- ફિદેલ કાસ્ત્રોના પુત્ર દિયાઝ બર્લાતે તાજેતરમાં આત્મહત્યા કરી લીધી. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનનો શિકાર હતા.  ૬૮ વર્ષના દિયાઝ ભૌતિક વિજ્ઞાાની હતા. તેઓ બિલકુલ તેમના પિતા ફિદેલ જેવા દેખાતા હોવાથી ક્યુબન પ્રજા તેને ફિદેલેતો કહીને બોલાવતી હતી. તેમણે રશિયામાં શિક્ષણ લીધું હતું.

- રશિયામાં એનર્જિયા નામની કંપનીએ ૧૯૬૧માં યૂરી ગેગરિનને અંતરિક્ષમાં મોકલ્યા હતા. વિશ્વના સૌથી પહેલા માનવીને અવકાશમાં મોકલનારી આ કંપની હવે સામાન્ય લોકોને અવકાશમાં લઈ જવાની તૈયારી કરી રહી છે. જોકે આ સામાન્ય માણસોય ખાસ જ હશે. કેમ કે અંતરિક્ષમાં જવાનો ખર્ચ ૫૦ મિલિયન ડોલર છે. (અંદાજે રૃા.૩૨૦ કરોડ). આ અવકાશયાત્રીઓને સ્પેસ વોક કરવાની તથા તેના વીડિયો રેકોર્ડિંગની પણ સુવિધા આપવામાં આવશે. બોલો, છે ઇચ્છા?

- લિબિયાના કાંઠાળ વિસ્તારમાં હોડી ડૂબી જવાથી ૯૦  લોકોનાં મોત થયાં હતાં. તેમાં સવાર મુસાફરોમાં લિબિયન ઉપરાંત મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ પણ હતા. તેઓ ગેરકાયદે રીતે ઇટલી અને ઉત્તર આફ્રિકા તરફ જઈ રહ્યા હતા.

- ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બને એમાં ભારતને વાંધો એટલા માટે છે કે તે પીઓકેમાંથી પસાર થાય છે. આ વિસ્તાર મામલે બે દેશ વચ્ચે વિવાદ ચાલે છે ત્યારે ચીન તેમાં કોરિડોર ઊભો કરે તે વાજબી નથી. ડ્રેગને આ મામલે વાતચીતની તૈયારી દેખાડી છે.

- મ્યાંમારના સ્ટેટ કાઉન્સલર (વિદેશ મંત્રી) ઓન્ગ સાન સૂ કી પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જોકે તે ત્યારે ઘરમાં ન હોવાથી બચી ગયાં હતાં. રોહિંગ્યા મુસ્લિમો પર મ્યાંમારમાં જે ત્રાસ ગુજારવામાં આવ્યો તેના પગલે આ અશાંતિ છે. યુએને ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી પ્રાદેશિક ઘર્ષણ વધશે.

- ઓક્લા નામની એક વેસબાઇટે કરેલા સર્વેમાં બહાર આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ડાઉનલોડિંગ સ્પીડમાં ૪૨.૪ ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં ૫૬.૨ ટકાના વધારા સાથે ૧૩.૦૮ એમબીપીએસ સ્પીડ નોંધાઈ છે. મતલબ ડિજિટલ ઇંડિયા ડાઉનલોડિંગ સ્પીડમાં પાકિસ્તાન કરતા પાછળ છે. હાસ્યાસ્પદ છે ને.
 

Post Comments