Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

આ છે ટ્રમ્પની (અ)નીતિ: વ્યાપાર યુદ્ધ એ જ કલ્યાણ

સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ઊંચો વેરો લગાડવાની અમેરિકી પ્રમુખની કટાયેલી નીતિ તેના કટુ મતદારો સિવાય કોઈને રીઝવી શકે તેમ નથી

તંદુરસ્ત હરીફાઈ અપ્સરા જેવી જ કાલ્પનિક ઘટના છે. તેના સ્વપ્ન હોય છે, તેની ચર્ચા હોય છે, પણ તે ક્યારેય હોતી નથી. હરીફો ગુણવત્તા પર ઊતરવાને બદલે કાવાદાવા પર ઊતરી આવે છે. એવું જ મુક્ત વ્યાપારનું છે, જ્યાં સુધી સૌથી શક્તિશાળી વ્યક્તિનો ઘોડો જીતમાં હોય ત્યાં લગી બધી ડાહી-ડાહી વાતો ચાલે છે, પરંતુ જેવું ચિત્ર પલટાય એટલે નિયમો ડસ્ટબિનમાં હોમી દેવાય છે. પશ્ચિમી દેશોની નૈતિકતા, સકારાત્મકતા હંમેશા આકર્ષતી રહી છે, એવામાં ડોનલ્ડ ટ્રમ્પનો ઉદય મુક્ત વ્યાપાર નીતિ માટે ગ્રહણ સાબિત થઈ રહ્યો છે.

૨૦મી સદીએ બે વિશ્વયુદ્ધના ઘાવ આપ્યા તો સાથોસાથ મુક્ત વ્યાપાર અને વૈશ્વિકરણની પણ ભેટ આપી. ૨૧મી સદી આ બંને મહામૂલી સોગાદોને ગુમાવવા તત્પર બની છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી. ખાસ કરીને અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પના સત્તારૃઢ થયા પછી. મુક્ત વેપાર એને જ કહે છે જેમાં બધા વેપારીઓને મોકળું મેદાન મળે. કોઈ વધુ કમાય, કોઈ ઓછું કમાય, ઓછું કમાતાને પોતાનું પરફોર્મન્સ સુધારવાની તક મળે. પણ કોઈ વેપારી પોતે પરફોર્મ ન કરી શકતો હોય એટલે એ એમ કહી દે કે બંધ કરો મુક્ત વ્યાપાર. એ કેટલું વાજબી છે? હાલ એવું થઈ રહ્યું છે.

અમેરિકી પ્રમુખ નકારાત્મક નીતિઓનો ઉપયોગ કરી મુક્ત વ્યાપારનું ગળું દબાવવા કૂચ કરી રહ્યા છે. ત્યાંના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગને યુરોપ તથા ચીન તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી ટ્રમ્પે લોખંડ પર ૧૦ ટકા અને સ્ટીલ ઉપર ૨૫ ટકા આયાત શૂલ્ક લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ આર્ટીકલ છપાશે ત્યારે કદાચ તે કાયદામાં પરિવર્તિત પણ થઈ ચૂક્યો હશે. તેનાથી યુરોપિયન સંઘના દેશોના તેમજ ચીનના વ્યાપારી હિતો જોખમમાં મુકાયાં છે. વળતા પ્રહાર રૃપે તેમણે પણ તરેહવાર નિયંત્રણો અમલી બનાવી અમેરિકાનો ધંધો ખરાબ કરવાની ધમકી આપી છે.

હાલ અમેરિકા વિશ્વમાં સ્ટીલની જેટલી નિકાસ કરે છે તેના કરતા ચાર ગણી આયાત કરે છે. યુરોપિયન યુનિયન વિશ્વમાં વર્ષે દહાડે ચાર કરોડ ટન સ્ટીલની નિકાસ કરે છે. તેમાંથી ૪૦ લાખ ટન અમેરિકામાં વેચે છે. ૨૫ ટકા આયાત ટેરિફ લાગવાથી તેમનું સ્ટીલ મોંઘું થાય અને અમેરિકામાં વેપાર કરવામાં મુશ્કેલી પડે. આટલો મોટો ધંધો હાથમાંથી સરકે તે કોને પોસાય?

અમેરિકા ૧૦૦ કરતા વધુ દેશો પાસેથી સ્ટીલની આયાત કરે છે. કેમ કે તે તેને સ્વદેશી સ્ટીલ કરતા સસ્તું પડે છે. તેના લીધે ૨૦૦૦ની સાલથી યુએસના સ્ટીલ ઉદ્યોગમાં મંદી આવી છે. પેંસિલવેનિયા અને ઇંડિયાના રાજ્યોમાં સેંકડો કારખાના બંધ પડયા છે અને હજારો મજૂરોની નોકરી ગઈ છે.

આ કામદારો ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણાયક મતદારો છે. તેમની ખુશીને ડોનલ્ડ સત્તામાં પુનરાગમનની કૂચી માની રહ્યા છે. કોઈ એક ઇન્ડસ્ટ્રીને કેન્દ્રમાં રાખીને જોઈએ તો તેમનો નિર્ણય સાચો લાગે, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગત અથવા આંતરરાષ્ટ્રીય વ્યાપારના સાર્વત્રિક ચિત્રને જોઈએ તો તેમાં રહેલી ક્ષતિ કણાની જેમ ઊડીને આંખમાં પડશે. કેવીરીતે? જોઈએ.

શ્રીમાન ટ્રમ્પ એવી દલીલ કરે છે કે અમેરિકા વિવિધ દેશો સાથેના વેપારમાં ૮૦૦ બિલિયન ડોલર (રૃા.૫૨,૦૦૦ અબજ પૂરા)ની ખાધ ધરાવે છે. તેના લીધે તેના દેશના લોકો નોકરીથી વંચિત રહે છે અને અન્ય દેશોના લોકો ખાટી જાય છે. આ વ્યાપારી ખાધ ઘટાડવા માટે તેઓ ઊંચો આયાતી શૂલ્ક નાખી રહ્યા છે. ટ્રમ્પની આ ગણતરી કેટલી સંકુચિત છે તેનો પુરાવો આ રહ્યો.

જેવીરીતે  અમેરિકા ઇયુ પાસેથી સૂંડલા મોઢે સ્ટીલ ખરીદે છે એ પ્રમાણે તે તેને લીવાઇસ જીન્સ, હાર્લી ડેવિડ્સન મોટર સાઇકલ અને બર્બન વ્હીસ્કી વેચે છે. યુરોપિયન યુનિયને આના પર ઊંચો વેરો નાખી દેવાની ધમકી દાગી દીધી છે.

ચીને અને અમેરિકા વચ્ચે ૫૮૦ અબજ ડોલરનો વાર્ષિક વેપાર છે. તેણે પણ ધમકી ઉચ્ચારી છે કે નાના-મોટા વાદ-વિવાદ સાહજિક છે, પણ જો અમેરિકા અમારા હવનમાં હાડકાં નાખશે તો અમેય ખચકાશું નહીં.
યુનાઇટેડ સ્ટેટ્સે ટ્રેડ વોર માટે પણછ ખેંચતા ઇયુ અને ચાઈના પ્રતિ-ટંકાર કરી રહ્યા છે. હવે સમજો. અમેરિકા એક વસ્તુ પર ટેરિફ વધારશે તો હરીફ દેશો અમેરિકાને કમાવી આપતી વસ્તુઓ પર ટેરિફ વધારશે.

એટલે સ્ટીલના કામદારોનું ભલું કરવા જતા ટૂંકી દૃષ્ટિના ડોનલ્ડ બીજા ઉદ્યોગોના કર્મયોગીઓને ઠીકરાના બનાવી દેશે. ઊંચો આયાત શૂલ્ક લાદવાની હરીફાઈ વિશ્વ વ્યાપાર માટેનું વાતાવરણ ખોરવી નાખશે અને તેમાંથી જન્મ થશે વૈશ્વિક મંદીનો. ૧૯૨૯ની વૈશ્વિક મહામંદી આવી રીતે જ તો આવી હતી.

૨૦૦૮માં મંદી આવવા છતાં જગતના સમજુ નેતાઓ ટ્રેડ વૉરથી બચ્યા હતા. અમેરિકાનું અર્થતંત્ર મક્કમ ગતિએ પ્રગતિ કરી રહ્યું હોવા છતાંય ટ્રમ્પ કળણ તરફ વહાણ હંકારી રહ્યા છે.ટ્રેડ ડેફિસિટ અને વાસ્તવિક ખોટ વચ્ચે તફાવત છે. જો વ્યાપારની ખાધ એ ખરા અર્થમાં નુકસાન હોત તો અમેરિકાનું અર્થતંત્ર વિશ્વમાં નંબર વન હોત ખરા?

સરેરાશ અમેરિકી નાગરિક જે ધોરણો અનુસારનું જીવન જીવી રહ્યો છે તે જીવી શકત ખરા? તકનિકી બાબતોનું વધારે પડતું સરળીકરણ કરીને તેને જૂઠમાં રૃપાંતરિત કરી દઈ રાજકીય ફાયદો મેળવવાની રીતિ નવીસવી નથી, તોય મતદારોને બિનઅનુભવી પુરવાર કરતી આવે છે.

અમેરિકાના ઉત્પાદન ક્ષેત્રને ચીન તરફથી સ્પર્ધા મળી રહી છે તે વાત સાચી છે. આ હોડમાં ટકી રહેવા માટે તેમણે સર્જનાત્મક રસ્તા શોધવા જોઈશે. ઉન્નતિ તેમાં જ રહેલી છે. નકારાત્મક સાધનોનો ઉપયોગ કરી વેપાર વધારવા જતા તે તો નહીં જ વધે, ઉપરાંતમાં અશાંતિ વધશે. દુનિયાનું ભવિષ્ય અમેરિકાના સાંસદો, નિષ્ણાતો અને ચતુર-સુજાણ નાગરિકોના હાથમાં છે. તેઓ જો લપસી જશે તો બીજા દેશો તો બૌદ્ધિકથી માંડીને દરેક દૃષ્ટિએ તેમની પાછળ ચાલી રહ્યા છે, અસ્તુ.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- ઈરાકની અદાલતે ઇસ્લામિક સ્ટેટમાં જોડાયેલી તુર્કીની ૧૬ મહિલાઓને ફાંસીની સજા ફટકારી હતી. ૨૦થી ૫૦ વર્ષના વયજૂથમાં આવતી આ મહિલાઓએ આઇએસના આતંકીઓ સાથે લગ્ન કર્યા હતા અથવા/અને તેમને કોઈને કોઈ પ્રકારે મદદ કરી હતી.

- સાઉદી અરેબિયાએ લૈંગિક સમાનતાની દિશામાં  વધુ એક પ્રશંસ્નીય પગલું ભર્યું છે. મહિલાઓને સેનામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. શરૃઆતમાં તેમને લડાયક તરીકેની ભૂમિકા આપવાને બદલે સુરક્ષા સંબંધિત જવાબદારીઓ સોંપવામાં આવશે. ૨૫ વર્ષની વયમર્યાદા અને ૧૫૫ ફુટની લંબાઈ હોવી જરૃરી.

- અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘનીએ તાલિબાનને રાજકીય પક્ષ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં આ એક હરણફાળ પુરવાર થઈ શકે છે. કાબૂલ પ્રોસેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે તાલિબાનો ઇચ્છે તો જ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાઈ શકે છે. હવે જોવાનું એ છે કે તેમના આ પ્રયત્નોને સામા પક્ષેથી કેવીક દાદ મળે છે.

- ઘાના પશ્ચિમ આફ્રિકાનો અતિશય પછાત દેશ છે, પરંતુ સારું કામ કરવાવાળા ત્યાંય પડયા છે. રીચર્ડ એપિયા અકોતો નામના અધ્યાપકે તાજેતરમાં ફેસબુકમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જેના માટે તેમને દુનિયાભરમાંથી પ્રશંસા મળી રહી છે. તેઓ બ્લેકબોર્ડ પર આકૃતિ દોરીને બાળકોને એમએસ વર્ડ ભણાવે છે. બાળકો તે આકૃતિ નોટબુકમાં દોરી શીખે છે અને યાદ રાખે છે. શાળામાં કમ્પ્યુટર નથી. એ સ્થિતિમાં પણ તેઓ બાળકોને જ્ઞાાનથી વંચિત રહેવા દેવા માગતા નથી.

- ચીનને આંગળી આપો એટલે તે પોચો પકડી લે. મિત્ર રાષ્ટ્રના સાર્વભૌમત્વના છોતરાં કાઢી નાખે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરનું બાંધકામ કેદીઓ દ્વારા કરાવી રહ્યું છે. આ વાતની જાણ થતા પાકિસ્તાન ભડકી ગયું છે. સંસ્થાનવાદી યુગમાં સામ્રાજ્યો ગુલામ રાષ્ટ્રના કેદીઓ પાસે આવા બધા કામ કરાવતા.  એક સાંસદ એવી પણ વાત કરે છે કે પાક સરકારને ગુપ્ત રાહે આ વિશે જાણકારી હશે.
 

Keywords around,the,world,09,march,2018,

Post Comments