Breaking News
નકલી મૂર્તિઓ વેચવાના આરોપસર ભારતીયને અમેરિકામાં જેલ * * * * ભાજપ મહારાષ્ટ્રમાં ૧૦૦થી વધુ બેઠકો જીતનારો ૨૪ વર્ષમાં પહેલો પક્ષ * * * * મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાશે, જીત કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગેકૂચ ઃ અમિત શાહ * * * * મુંબઇમાં સિંગાપૌર એરલાઇન્સના વિમાનને ઉતરાણ વખતે અકસ્માતઃ ૨૨ ગાયલ

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

ઠંડકમાં પ્રવાસ નહિ કરો તો બપોરે હેરાન થશો....

આ લોકમાં સુકૃત નહિ કરો તો પરલોકમાં હેરાન થશો...

- આકર્ષણ- આવેગ કે અનુકરણના નાદે વ્યક્તિ વ્યસન-વેશ્યાગમન-ભ્રષ્ટાચાર- અનાચાર તરફ ખેંચાવા માંડે ત્યારે આ પરલોક પ્રધાન દ્રષ્ટિ 'રેડસીઅલ' આપીને યથાશક્ય રૃકાવટ કરશે કે આ બધાનો અંજામ આગામી જન્મમાં બહુ કાતિલ આવશે.

આર્ષદ્રષ્ટા ઋષિ- મુનિઓની વાણીમાં જીવનનાં શાશ્વત સત્યો એવાં સબળ- પ્રબળ પણે પ્રતિબિંબિત થતાં નિહાળાય છે. ઘણી વાર, કે એનાથી એ વાણીને અમૃતવાણીરૃપે પિછાણવી વધુ યોગ્ય ભાસે. ભલે ને હજારો- લાખો વર્ષો વ્યતીત થઇ ગયા હોય, છતાં ય એ વાણી આજે પણ એવી ને એવી જ પ્રસ્તુત- તરોતાજા લાગે. પ્રસિદ્ધ ભારતીય કથાનક 'મહાભારત' માં એક આવી અસરદાર આર્ષવાણી શ્લોકરૃપે આમ પ્રસ્તુત થઇ છે કે ઃ-
પૂર્વે વયસિ તત્કુર્યાદ્,
યેન વૃદ્ધઃ સુખં વસેત,
યાવજ્જીવં તુ તત્કુર્યાદ,
યેના મુત્ર સુખં વસેત.
આ મજેદાર શ્લોકનો પૂર્વાર્ધ એમ કહે છે કે 'વ્યક્તિએ યુવાવસ્થામાં કમાણી વગેરે એ હદે કરવા જોઇએ કે જેથી વૃદ્ધાવસ્થામાં વિના પરિશ્રમે- આરામથી જીવી શકાય ઃ ન કોઇ આર્થિક ચિંતા કે ન કોઇ બોજ, આજનો મોટા ભાગનો યુવાવર્ગ જાણતાં- અજાણતાં આ શ્લોકાર્ધનો બરાબર અમલ કરે છે અને ધનસંચય એ રીતે કરે છે. કરવા ચાહે છે કે જેથી વૃદ્ધાવસ્થા સુરક્ષિત રહે.
પણ... સબૂર ? એ શ્લોકાર્ધ માત્ર ભૂમિકારૃપ છે. ખરો સંદેશ તો એ આર્ષ શ્લોકના ઉત્તરાર્ધમાં છે કે  'બરાબર એ જ રીતે આ વર્તમાન જન્મમાં એવાં કૃત્યો-સત્કર્મ કરવા જોઇએ કે જેથી આગામી જન્મમાં- પરલોકમાં સુખ-ચેનથી જીવી શકાય !! યુવાવસ્થા જો વૃદ્ધાવસ્થાની દરકારનું કારણ બનવી જોઇએ, તો આ જન્મ આગામી જન્મની દરકારનું કારણ બનવો જોઇએ. એટલે જ 'યોગ્યપૂર્વ સેવા' ના સોળમાં સૂત્ર રૃપે આ રજૂઆત કરાઇ છે કે ''ભવિતવ્યં પરલોક પ્રધાનેન'' મતલબ કે પરલોકની પ્રધાનતાસભર વિચારધારા વિકસાવવી.
વિચારધારા બે પ્રકારની છે  ઃ એક નાસ્તિક અને બીજી આસ્તિક. નાસ્તિક વિચારધારા પરલોકનું અસ્તિત્વ સ્વીકારતી નથી. એથી એ માત્ર આ જન્મ પૂરતું જ વિચારીને વિરમી જાય છે. પરિણામ આનું એ આવે છે કે વ્યક્તિના વિચારજગતમાંથી પરોપકાર- દયા- કરુણાદિ દ્વારા પુણ્યનું ઉપાર્જન, આત્મકલ્યાણની સાધના, દુરાચરણોની પરલોકમાં થનાર હિસાબ વગેરે બાબતો ધરમૂળથી નીકળી જાય છે અને પાપનાં કોઇ પણ જાતના ભય વિનાની બેસુમાર સ્વાર્થભરી- મોજશોખ પ્રધાન વૃત્તિ-પ્રવૃત્તિ રહી જાય છે. એમની જીવન-શૈલી પર જાણે- અજાણે આ સૂત્રો પ્રભાવ પાથરતા હોય છે કે ઃ-
* 'આ લોક મીઠા, તો પરલોક કોણે દીઠા ?' મતલબ કે આ જન્મમાં જલસા કરી લેવા મળે છે તો પરલોકની કાંઇ ચિંતા ન કરવી. ત્યારે 'પડશે એવા દેવાશે.'
* ''યાવજ્જીવં સુખં જીવેત, ઋણં કૃત્વા ધૃતં પિબેત્'' ભાવાર્થ કે જીવો ત્યાં સુધી બધી રીતે લીલા લહેર કરો. સંપત્તિ ન હોય તો દેવું કરીને ય ઘી પીવું. પરલોક જેવું છે જ ક્યાં કે દેવું ચૂકવવાની ચિંતા કરવી પડે ? આ તો આપ મૂએ પીછું ડૂબ ગઇ દુનિયા જેવું છે.
* ''ઇટ, ડ્રીન્ક એન્ડ બી મેરી.'' આ ઇંગ્લીશ ઉક્તિ જાણે એમ કહે છે કે જે વાપરવું હોય તે વાપરો, જે પીવું હોય તે પીઓ અને ખુશમિજાજમાં રહો. ભક્ષ્ય-અભક્ષ્ય, કર્તવ્ય-અકર્તવ્ય, પેય-અપેયની કાંઇ જ ચિંતા ન કરો. ઉપરવાળાની યા કર્મની કોર્ટ છે  ક્યાં કે જેથી જવાબ દેવો પડે ?
આસ્તિક વિચારધારા આનાથી સાવ અલગ છે અને એ બિલકુલ વાસ્તવિક છે. પ્રત્યક્ષ જણાતાં ઉદાહરણોથી એ બરાબર સમજે છે કે આ વિશ્વમાં પુણ્ય-પાપ, ધર્મ-કર્મ, આત્મા-પરમાત્મા, પરલોક-પરમલોક વગેરે બાબતો છે જ. એટલે જ એક વ્યક્તિ જન્મથી જ શ્રીમંતાઇ વરે છે અને બીજી વ્યક્તિ જન્મથી જ કારમી ગરીબાઇ લઇને જન્મે છે. એક વ્યક્તિ જન્મથી મૃત્યુપર્યંત સાવ બેદરકાર છતાં નિરોગી રહે છે અને બીજી વ્યક્તિ જન્મતાની સાથે જ ડોકટરની ટીમ વચ્ચે રહીને રોગોની વણઝાર વેઠે છે, એક જીવ હાથી- ઘોડા જેવો અવતાર પામીને બેહદ પરતન્ત્રતા-પીડા ભોગવે છે અને બીજો જીવ એનો માલિક બનીને એના પર ઠાઠમાઠથી સવારી કરવાનું ઐશ્વર્ય ભોગવે છે. આવા આવા જે અગણિત તફાવતો નિહાળવા મળે છે એ જ પુરવાર કરે છે કે પૂર્વજન્મ અને પૂનર્જન્મનું અસ્તિત્વ છે જ. પૂર્વજન્મનાં કર્મના કારણે જેમ આ જન્મમાં ઉપરોક્ત વિષમતા યા વિશેષતા પ્રાપ્ત થાય છે, એમ આ જન્મનાં સારા- નરસા કર્મોના કારણે આગામી જન્મમાં-પરલોકમાં વિષમતા યા વિશેષતા પ્રાપ્ત થાય છે.
આ આસ્તિકતાની ભૂમિકા પર જ 'યોગપૂર્વસેવા'ના પૂર્વોક્ત સત્તરમાં સૂત્રમાં પરલોકની મુખ્યતા-પ્રધાનતા ધરાવતી જીવનદ્રષ્ટિ-જીવનશૈલી વિકસાવવાની પ્રેરણા કરાઇ છે. જ્યાં જવાનું છે ત્યાંની તૈયારી વર્તમાન તબક્કાથી કરવા માંડીએ તો પરિણામ કેવું સુખદ- શુભદ આવે એ જાણવું છે ? તો વાંચો આ મજાની કથા ઃ
સમુદ્રકિનારાનું એક નાનકડું છતાં રમણીય રાજ્ય. ત્યાંની પ્રજામાં પરાપૂર્વથી એક પરંપરા હતી કે રાજ્યધૂરાના સંચાલન માટે પાંચ વર્ષ માટે પ્રમુખની નિયુક્તિ થાય. એના આદેશને ઇશ્વરનો આદેશ સમજીને સમગ્ર પ્રજા આદેશનું અક્ષરશઃ પાલન કરે. તમામ ઐશ્વર્ય- સમૃદ્ધિ એ પ્રમુખનાં ચરણોમાં આળોટે. પરંતુ પાંચ વર્ષ બાદ એ પ્રમુખ ભૂતપૂર્વ બની જાય અને એને તરત રાજ્યથી દૂર સમુદ્રના એક જંગલી ટાપુ પર  એકાકી મૂકી દેવાય. ત્યાં માનવવસતિ જરાય ન હતી. હતા માત્ર જંગલી પશુઓ અને ભયાનક અડાબીડ ઝાડી. થોડા જ સમયમાં એ ત્યાં કાળનો કોળિયો બની જાય.
સૈકાઓથી ચાલી આવતી આ શૈલીથી બનતું એવું કે વ્યક્તિ પ્રમુખ બને ત્યારથી પાંચ વર્ષ સુધી સાતમા આસમાનમાં વિહરે, એના દોરદમામ- રૃપરૃઆબનો પાર ન રહે. પરંતુ પાંચ વર્ષના અંતે એને પેલા ટાપુ પર મોકલવા નાવમાં બેસાડાય ત્યારે એની રો-કકળનો પાર ન રહે. દરેક પ્રમુખ માટે આવું જ બનતું. નાવના વૃદ્ધ નાવિકે ખુદ દશ-બાર વાર પૂર્વપ્રમુખોની છેલ્લી સફર સમયના ધમપછાડા સગી આંખે નિહાળ્યા હતા.
પણ.... એક વાર એવી અલગ ઘટના બની કે જેમાં વૃદ્ધ નાવિકને જૂની આંખે નવા તમાશા જોવા જેવું થયું. બન્યું એવું કે છેલ્લા પ્રમુખની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં પરંપરા મુજબ એમને પેલા ટાપુ પર મોકલવા માટે નાવ સુધી લવાય. પ્રમુખ જરા પણ રો-કકળ વિના બિલકુલ સ્વસ્થતાથી સસ્મિત વદને સૌને 'આવજો' કરતા હતા. હવે પૂરી જિંદગી આ રાજ્યમાં આવવાનું નથી. એ તેઓ જાણતા હોવાથી તમામની સાથે આત્મીયતા દર્શાવતા હતા. અંતે એ જ ખુશખુશાલ ચહેરે પ્રમુખે નાવનો પ્રવાસ આરંભ્યો ત્યારે, વૃદ્ધ નાવિકે પૂર્વનાં ઉદાહરણોનું અને ટાપુની ભયાનકતાનું વર્ણન કરતા પૂછયું ઃ ''ત્યાં તમારે મોત માટે જ જવાનું છે, કોઇ સુવિધા કે સહારો ત્યાં નથી. તો પછી તમને ભય-ડર-ત્રાસની સંવેદના કેમ થતી નથી ?''
પ્રમુખે બહુ માર્મિક ઉત્તર આપ્યો કે ઃ ''વડીલ !'  પાંચ વર્ષના અંતે રમણીય રાજ્ય છોડીને મારે ટાપુ પર જવાનું છે. એ વાસ્તવિકતા મેં પ્રમુખ બન્યાની પ્રથમ ક્ષણથી લક્ષ્યમાં રાખી હતી. એથી મે  અડાબીડ જંગલ સંપૂર્ણ ખતમ કરાવીને તમામ નાગરિક સુવિધાથી સજ્જ નગરનું મેં ત્યાં ભવ્ય નિર્માણ કરાવ્યું છે. ત્યાં સંસ્કારી- સભ્ય પ્રજાજનો વસાવ્યા છે અને તમામ સુરક્ષાનો પ્રબંધ કરાવ્યો છે. હું ત્યાં પહોંચીશ ત્યારે એ નગરના સમસ્ત પ્રજાજનો મારા સ્વાગત માટે સજ્જ હશે. તેઓ વગરના આજીવન સમ્રાટરૃપે મારો રાજ્યાભિષેક  કરશે. હવે તમે જ કહો, વડીલ ! કે મારે રો-કકળ કરવાની જરૃર ખરી ? હું તો પાંચ વર્ષની કામ ચલાઉ સત્તાના બદલે કાયમી- આજીવન સત્તા પ્રાપ્ત કરી રહ્યો છું.'' વૃદ્ધ નાવિક આ અલગ મિજાજના પ્રમુખની દૂરંદેશી પર આફ્રીન પુકારી ગયો.
બસ, આ પ્રમુખની જે દૂરંદેશી હતી એ જ દૂરંદેશી પરલોક પ્રધાન દ્રષ્ટિમાં છે. આ દ્રષ્ટિ કહે છે કે, 'ભાવિમાં-પરલોકમાં આપણે જ્યાં જવાનું છે એની તૈયારી આ  જન્મમાં જ કરવી જોઇએ. જો આપણે પરલોકની- આગામી જન્મમાં સંસ્કારી કુલ-સશક્ત નિરોગી દેહ-બુદ્ધિમતા- સર્વ અનુકુળતા આદિ પ્રાપ્ત કરવા ઝંખતા હોઇએ તો તેને અનુરૃપ પુણ્યકાર્યો- સુકૃતો કરવા જોઇએ અને જો આગામી જન્મમાં કનિષ્ઠ કુલ-રોગિષ્ઠ દેહ-મુર્ખતા- દરિદ્રતા આદિ અનિષ્ટોથી મુક્ત રહેવા ચાહતા હોઇએ તો પાપો-હિંસા-ક્રૂરતાથી દૂર રહેવું જોઇએ.'
પરલોક પ્રધાન દ્રષ્ટિના બે મહત્વના લાભ છે. એ પૈકીનો પ્રથમ લાભ છે. બેફામ પાપો પર લગામ. આકર્ષણ- આવેગ કે અનુકરણના નાદે વ્યક્તિ વ્યસન-વેશ્યાગમન-ભ્રષ્ટાચાર- અનાચાર તરફ ખેંચાવા માંડે ત્યારે આ પરલોક પ્રધાન દ્રષ્ટિ 'રેડસીઅલ' આપીને યથાશક્ય રૃકાવટ કરશે કે આ બધાનો અંજામ આગામી જન્મમાં બહુ કાતિલ આવશે. માટે આ પાપોમાં ખેંચાવું ન જોઇએ. ખૂંપી જવું ન જોઇએ.
પરલોક પ્રધાન દ્રષ્ટિનો બીજો લાભ છે. દયા- દાન- પુણ્ય- સુકૃતોમાં પ્રવૃત્તિ. બીજનું વાવેતર કરીએ તો જ કાળાંતરે ઘેઘૂર વૃક્ષની ઘટાદાર છાયામાં મહાલવાનું મળે. એમ આ જન્મમાં અન્યને હિતકારી પ્રવૃત્તિઓ કરીશું તો જ આગામી જન્મમાં અનુકૂળતા મળશે. આવી વિચારધારા પરલોક પ્રધાન દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિની હોવાથી તક મળતાં જ અને થોડી પણ અનુકૂળતા મળતાં જ એ દયા-દાન- પુણ્યમાં બહુ આસાનીથી સામેલ થઇ જશે. એમાં પણ એ કેવી ચીવટ- ચોક્સાઇ દર્શાવશે એ જાણવું છે ? તો વાંચો આ મજાની કથા ઃ
તાજા લગ્ન પછી શ્વશૂરગૃહે આવેલી સંસ્કારી- શ્રીમંત ઘરની પુત્રવધૂએ મનોમન નોંધ્યું કે એના સસરા પરોપકાર માટે દાનશાળા ચલાવતા હતા. પરંતુ એમાં અનાજ સાવ રદ્દી-સડી ગયેલું વપરાતું હતું. મફતમાં ભોજન મળતું હતું. એથી કોઇ ફરિયાદ કરતું ન હતું. કિંતુ પુત્રવધૂને આ વાત ખટકી. બીજે દિવસે એણે દાનશાળાના જ રદ્દી  અનાજમાંથી રસોઇ બનાવીને સસરાને પીરસી. ચકિત થઇ ગયેલ સસરાએ પુત્ર-વધૂને પૂછયું ઃ '' બેટા ? અનાજ લેવામાં તારી કાંઇ ભૂલ થઇ ગઇ છે કે શું ?'' પૂત્રવધુએ પૂર્ણ નમ્રતાથી જડબેસલાખ ઉત્તર આપ્યો ઃ ''ના પિતાજી ! આપ દાનશાળામાં રદ્દી અનાજ આપો છો તેથી 'આપો તેવું પામો' નિયમ મુજબ આવતા જન્મમાં આપને એવું જ અનાજ મળવાનું છે. ત્યારે એનું ભોજન અકારું ન પડે એ માટે એની 'પ્રેકટીસ' અત્યારથી કરાવવા મે દાનશાળાનું અનાજ જાણી-બુઝીને રાંધ્યું છે !!'' સસરા આ તીક્ષ્ણ ઉત્તરનો સંકેત સમજી ગયા અને બીજા જ દિવસથી દાનશાળાનાં અનાજનું સ્તર એકદમ સરસ થઇ ગયું. પરલોક દ્રષ્ટિની આ કમાલ હતી.
છેલ્લે એક વાત ઃ ઠંડકમાં પ્રવાસ નહિ કરો તો બપોરે હેરાન થશો, એમ આ જન્મમાં સુકૃત નહિ કરો તો પરલોકમાં હેરાન થશો.

Keywords amrutni,anjali,

Post Comments