Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઉત્તરાયણનું પર્વ ઉલ્લાસપૂર્વક ઉજવાશે : પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામશે

- સવારથી મોડી રાત સુધી 'કાયપો છે...', 'ચલ લપેટ...'ના નાદથી માહોલ ગૂંજી ઉઠશે

- ઉંધીયું-જલેબીની જ્યાફત પણ માણવમાં આવશે : સાંજે સોસાયટી-એપાર્ટમેન્ટમાં 'ધાબા પાર્ટી'નું પણ આયોજન

અમદાવાદ, તા. 13 જાન્યુઆી 2018, શનિવાર

આસ્થા અને ઉલ્લાસના સરવાળા સમાન ઉત્તરાયણનું પર્વ આવતીકાલે ગુજરાતભરમાં ઉજવાશે. આવતીકાલે વહેલી સવારથી પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામશે અને 'એ કાયપો છે....' , 'ચલ ચલ લપેટ...' ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠશે. આ ઉપરાંત આવતીકાલે ઉંધીયું-જલેબીની જ્યાફત સોનામાં સુગંધ ઉમેરશે. અમદાવાદમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે. આમ, ભાગદોડ-તણાવભર્યા જીવન વચ્ચે આગામી બે દિવસ રણમાં મીઠી વીરડી સમાન રહેશે.

અમદાવાદમાં દિલ્હી ચકલા, કાલુપુર ટંકશાલ, રાયપુર,  પાલડી, મણીનગર, સેટેલાઇટ, એસજી હાઇ વે સહિતના વિસ્તારોમાં શનિવારે મોડી રાત સુધી પતંગ-ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આ વખતે બીજા શનિવારને લીધે સરકારી કાર્યાલયો, બેંકમાં રજા હોવાથી અનેક લોકોએ આજે સાંજે પણ પતંગ ચગાવવાનો લુત્ફ ઉઠાવ્યો હતો. અમદાવાદની પોળમાં ઉત્તરાયણનો રોમાંચ અનેરો જ હોય છે. જેના કારણે હવે પોળમાં ધાબું એક દિવસ માટે ભાડે આપવાના ચલણમાં પણ વધારો થયો છે. પૂર્વ વિસ્તારની કેટલીક હોટેલમાં લંચ-ડિનર સાથે ધાબામાં પતંગ ચગાવવાનાપેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદની અનેક ક્લબમાં પણ ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાના આયોજન કરવામાં આવ્યા છે.  

આ ઉપરાંત હવે અમદાવાદીઓ માટે કોઇ પણ તહેવાર ઉજવવા રીવરફ્રન્ટ નવું 'હોટ સ્પોટ' બની ગયું છે. આવતીકાલે શાહીબાગથી લઇને એનઆઇડી પાલડી સુધીના રીવરફ્રન્ટમાં મોટી સંખ્યામાં પતંગરસિયાઓ ઉમટી પડશે. આવતીકાલે ફક્ત અમદાવાદમાંથી હજારો કિલોગ્રામ ઉંધીયા-જલેબીનું વેચાણ થશે. જેના માટે અમદાવાદમાં ઠેકઠેકાણે કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે. ઉંધીયું-જલેબી ઉપરાંત, બોર, શેરડી, ચીકી, તલના લાડુનો સ્વાદ પણ લોકો માણશે. અનેક સોસાયટી, એપાર્ટમેન્ટમાં સાંજે 'ધાબા પાર્ટી'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંજે તુકલ ચગાવવા સાથે આતશબાજી પણ થશે. આમ, આવતીકાલે સવારે ઉત્તરાયણ અને સાંજે દિવાળી જેવો માહોલ જોવા મળશે.

ઉત્સવ છે પણ માહોલ જ નથી
એક જૂની ફિલ્મનું ગીત છે કે, 'એક વો ભી દિવાલી થી, એક યહ ભી દિવાલી હૈ...'. હવે ઉત્તરાયણના અગાઉના અને અત્યારના માહોલમાં જોવા મળી રહેલા વિરોધાભાસ માટે પણ કહી શકાય. ઉત્તરાયણ એટલે અમદાવાદની ઓળખ. થોડા વર્ષો અગાઉ ઉત્તરાયણના ત્રણ સપ્તાહ અગાઉ જ આકાશમાં પતંગો જોવા મળતા હતા. જેની સરખામણીએ હવે ઉત્તરાયણના બે દિવસ અગાઉ પણ આવો કોઇ ખાસ માહોલ જોવા મળતો નથી. બીજા શનિવાર અને રવિવારને લીધે અનેક લોકો બે દિવસની રજામાં આરામ કરવાના હેતુથી નજીકના સ્થળે ફરવા માટે પણ ઉપડી ગયા છે. આમ, ઉત્તરાયણમાં અગાઉની સરખામણીએ હવે ફિક્કો માહોલ જોવા મળી રહ્યો છે.

જીએસટી ઇફેક્ટ : પંતગ-ફિરકીની ઘરાકીમાં ઘટાડો
પાંચ ટકા જીએસટી લાદવામાં આવતા ગત વર્ષની સરખામણીએ આ વખતે પતંગ, ફિરકીની કિંમતમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. જેના કારણે ઉત્તરાયણના બે દિવસ અગાઉ પતંગ બજારમાં ખાસ ઘરાકી જોવા મળી નહોતી. શનિવારે રાત્રે લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટયા એટલે પતંગના વેપારીઓએ અગાઉની ખોટ ભરપાઇ કરવા પતંગ-ફિરકીની કિંમતમાં ઓર વધારો કરી દીધો હતો. મોંઘવારી અને તેમાં પણ પતંગની કિંમત વધારવામાં આવતા હવે લોકો ખપ પૂરતા પતંગની ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષે એક કોડી નાની ચીલનો ભાવ રૃ. ૬૦થી ૭૦ હતો, તેની કિંમત આ વર્ષે વધીને રૃ. ૯૦ થી રૃ. ૧૦૦ થઇ ગઇ છે. આ ઉપરાંત નવ તારની એક હજાર વાર તૈયાર ફિરકીની કિંમત હવે રૃ. ૨૫૦ થઇ ગઇ છે, જે ગયા વર્ષ સુધી રૃ. ૧૯૦ની આસપાસ હતી.

મકરસંક્રાંતિ નિમિત્તે દાન-દક્ષિણાનું મહત્ત્વ
આવતીકાલે મકરસંક્રાંતિ સાથે ધનુર્માસની પણ પૂર્ણાહૂતિ થશે. મકર સંક્રાંતિએ દાન-દક્ષિણાનું પણ વિશિષ્ટ મહત્વ છે. આ તહેવારમાં શેરડી, પીળા રંગના વસ્ત્રોને દાન આપવાનું મહત્વ છે. આ પ્રસંગે  અમદાવાદના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિત્તામહે ઉત્તરાયણની પ્રતિક્ષામાં જ મૃત્યુને રોકી રાખ્યું હોવાની કથા છે. સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, 'મકરસંક્રાંતિ પર્વ સૂર્ય આધારીત છે. સૂર્ય મકર સંક્રાંતિમાં પ્રવેશ કરે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. ઉત્તરાયણ એ ઉત્તર અને અયન એ બે શબ્દથી બનેલો છે. ઉત્તર એટલે ઉત્તર દિશા અર્થાત્ દેવોની દિશા અને અયન એટલે એટલે જવું. આમ, ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ જવું તેવો અર્થ થાય છે. સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.'

Post Comments