Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડમ્પર સાથે અથડાતાં સળગેલી કારમાં ત્રણ યુવક ભડથું

- અકસ્માતોની વણઝાર વચ્ચે ભાડજ સર્કલ પાસે વધુ એક જીવલેણ બનાવ

- બે યુવકને લોકોએ બહાર કાઢતા બચી ગયા : મૃતકોમાં ધારાસભ્યના ભત્રીજાનો સમાવેશ

અમદાવાદ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

શહેરમાં દરરોજ જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. ભાડજમાં બે દિવસમાં બે અકસ્માતમાં ચાર યુવકે જીવ ગુમાવવા પડયા છે. ભાડજ સર્કલ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી કાર આગળ જઈ રહેલા ડંમ્પર પાછળ ઘુસી જતા કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ યુવક ભડથુ થઈ ગયા હતા અને ઓળખી ન શકાય તેવી હાલત થઈ ગઈ હતી. જ્યારે આગ લાગે તે પહેલા સ્થાનિકોએ બે યુવકને બચાવી લીધા હતા. તેમન ેહાથે પગે અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે યુવકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ ગમખ્વાર બનાવમાં રાહુલ રામભાઈ બારડ (ઊ.વ.૨૧, રહે.સફલ પરિસર પ્રહલાદનગર, સેટેલાઈટ), રોમીલ હરમીતભાઈ પટવા (ઊ.વ.૨૩, રહે. દેવકીનંદન સોસાયટી, નવરંગપુરા) અને ધૈર્ય સ્નેહલભાઈ પટેલ ( ઊ.વ. ૨૩, રહે. સાથ બંગલો, થલતેજ) નો સમાવેશ થાય છે. જ્યારે મહર્ષિ નરેન્દ્રભાઈ ત્રિપાઠી (ઊ.વ. ૨૧, રહે. આમ્ર મંદીર, સાઊથ બોપલ) અને પાર્થ અનિલભાઈ પીપાવત (ઊ.વ. ૨૦, રહે.આશાવરી ટાવર,  સેટેલાઈટને ગંભીર ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવની વિગત મુજબ રાહુલ બારડ તેના કોઈ મિત્રની ફોક્સવેગન પોલો કાર લઈને તેના આ મિત્રો સાથે નીકળ્યો હતો. ૭મી માર્ચના રોજ રાત્રે તેઓ એસ.પી.રિંગરોડ પર વૈષ્ણોદેવી પાસે જમવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ ફિલ્મ જોઈને પરત જઈ રહ્યા હતા.

દરમિયાન રાહુલ બારડ કાર હંકારી રહ્યો હતો. તે સમયે રાત્રે અંદાજે ૨.૩૦ વાગ્યે તેઓ ભાડજ સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર આગળથી ડંમ્પર જઈ રહ્યું હતું. અચાનક કપચી ભરેલું ડંમ્પરે રોડ પરના કટ વચ્ચેથી નીકળવા માટે જમણી બાજુ ટર્ન લેતા પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ડંમ્પરની પાછળ ધડાકાભેર ટકરાઈને ઘુસી ગઈ હતી. ટ્રાફિકના એ ડિવીઝનના પી.એસ.આઈ.એ.એચ.નીનામાના જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ સીટ પર રાહુલ અને તેની પાછળની સીટમાં રોમીલ અને ધૈર્ય બેઠા હતા. જ્યારે રાહુલની બાજુમાં મહર્ષિ અને તેની પાછળ પાર્થ બેઠો હતો.

જોરદાર ધડાકો થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેમણે મહર્ષિ અને પાર્થને કાચ તોડીને બહાર કાઢી લીધા હતા. બીજીતરફ એન્જીનમાં સ્પાર્ક થતા બોનેટમાં ધુમાડા સાથે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. સેન્ટ્લ લોક થઈ જતા અન્ય ત્રણ અંદર ફસાઈ ગયા હતા. તે સિવાય કારમાં સીએનજી હોવાનું માનીને બ્લાસ્ટ થશે એવું લાગતા સ્થાનિકો પણ ગભરાયા હતા. જોકે તેમણે ફાયરબ્રિગેડને જાણ કરતા બે ગાડી સાથે ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે આગતો બુઝાવી નાંખી પણ ત્રણ યુવકો ભીષણ આગમાં ભડથુ થઈ ગયા હતા. તેમના મૃતદેહો પણ કટરથી પતરા કાપીને એક કલાકની જહેમત બાદ બહાર કાઢવા પડયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

મહર્ષિ અડાલજની એક કોલેજમાં અભ્યાસ કરે છે, જ્યારે પાર્થ તેના પિતાની રતનપોળ સ્થિત દુકાનમાં પિતાને મદદ કરતો હતો. મૃતક યુવકો પણ અભ્યાસ સાથે તેમના પિતાને ધંધામાં મદદ કરતા હોવાનું જાણવા મળ્યું છે, એ નીનામાએ વધુમાં કહ્યું હતું. પ્રાથમિક તપાસમાં કાર ૧૨૦થી વધુની સ્પીડમાં જતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઘટનાસ્થળે એફએસએલના અધિકારીઓ પણ આવી પહોચ્યા હતા. મૃતક રાહુલ બારડ કોગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડનો ભત્રીજો થતો હતો. જ્યારે ધૈર્ય રેવન્યુ મિનીસ્ટર કૌશિક પટેલના દિકરાના સાળાનો પુત્ર થતો હતો. બે દિવસ પહેલા જ આ બનાવથી ૫૦ મીટર દૂર એક કાર પલ્ટી ખાઈ જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે છ યુવક ઘાયલ થયા હતા. આઈ ડિવીઝન ટ્રાફિક આ અંગે વધુ તપાસ કરી રહી છે.

Post Comments