Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓનલાઈન રિટર્નમાં TDSને રિફંડની તકલીફોનો અધિકારીઓ પાસે ઉકેલ નથી

-ઓનલાઈન રિટર્ન ને ઇન્કમટેક્સના ચલણ ભરવાની વ્યવસ્થા આવી પણ

-આકારણીમાં ઊભી કરેલી ખોટી ડિમાન્ડને સુધરાવવા કરાતી ઓનલાઈન ફરિયાદ અર્થહીન

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.20 એપ્રિલ 2017, ગુરૂવાર

કરદાતાઓની સરળતા માટે ઓનલાઈન ઇન્કમટેક્સ રિટર્ન, ઓનલાઈન ટીડીએસ રિટર્ન અને ઓનલાઈન રેક્ટિફિકેશન અરજીની સિસ્ટમ દાખલ કર્યા પછી કરદાતાઓની સમસ્યાઓનો કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી. તેમ જ તે અંગે કરવામાં આવતી ઓનલાઈન ફરિયાદોનો મહિનાઓ અને કેટલાક કિસ્સાઓમાં એકથી દોઢ વર્ષ સુધી કોઈ જ જવાબ આવકવેરા અધિકારીઓ આપતા જ નથી.

આકારણીમાં આવકવેરાની કલમ ૧૪૩ (૧) હેઠળ આવકમાં ઉમેરો કરીને આવકવેરાની વધારાની ડિમાન્ડ કાઢવામાં આવે છે. આ એડિશન કરવા પાછળના કારણો ઓનલાઈન એસેસમેન્ટ કરનારાઓ દ્વારા આપવામાં આવતા નથી. તેમાં ડિપાર્ટમેન્ટની ભૂલ થઈ હોય તો પણ તેનો ખુલાસો ઓનલાઈન જ કરવાની વ્યવસ્થા આવી ગઈ છે. આ અંગે આવક વેરાના રિટર્નનું પ્રોસેસિંગ કરતાં સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર બેન્ગ્લુરુને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે તો પણ તેનો જવાબ મહિનાઓ સુધી મળતો નથી. આ ફરિયાદનો જવાબ તો મળતો નથી, પણ કરદાતાના રિફંડના નાણાં તેની સામે એડજસ્ટ કરી લેવામાં આવે છે.

તેવી જ રીતે રિટર્નમાં રેક્ટિફિકેશન (સુધારો કરવાની) ઓનલાઈન અરજી કરીને વિનંતી કરવામાં આવે તો પણ તેનો મહિનાઓ સુધી જવાબ જ મળતો નથી. પરિણામે કરદાતાઓ અને તેમના સલાહકારો સતત મૂંઝવણમાં અટવાયા કરે છે. તેવી જ રીતે આવકવેરા ખાતાએ ઊભી કરેલી ખોટી ડીમાન્ડમાં ઘટાડો કરવા માટેની વિનંતી કરવામાં આવે તો પણ સીપીસી બેન્ગ્લુરુ તરફથી તેનો કોઈ જ જવાબ મહિનાઓ સુધી મળતો નથી.
કરદાતા એપેલેટ ટ્રિબ્યુનલમાં જઈને તે અંગેનો ચુકાદો મેળવી લે અને ડિમાન્ડ ખોટી હોવાનું પ્રસ્થાપિત કરી દે તો પણ સીપીસી બેન્ગ્લુરુમાં તે ડિમાન્ડ ઊભી જ રહે છે અને કરદાતાના રિફંડની રકમ સામે તે ડિમાન્ડ એડજસ્ટ જ કરી લેવામાં આવે છે. તેથી કરદાતાઓને બમણો માર પડી રહ્યો હોવાની ફરિયાદ ઑલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સે કરી છે. રિફંડ મળતા નથી અને ખોટી ડિમાન્ડના નાણાં સામે સેટ ઑફ થઈ જાય છે. અમદાવાદના જ એક કરદાતાને સતત પાંચ વર્ષથી આ પ્રકારની તકલીફ પડી રહી છે. તેનો ઉકેલ અમદાવાદના આવકવેરા અધિકારીઓ લાવી જ શકતા નથી. સીપીસીના અધિકારીઓ ખોટી ડિમાન્ડ ઊભી કરવા ઉપરાંત અધિકારીઓ આવકવેરા ધારાની કલમ ૨૨૦ હેઠળ તેના પર વ્યાજ પણ ચઢાવી દઈને કરદાતાઓની પરેશાની વધારી રહ્યા છે. આમ સીપીસી બેન્ગ્લુરુમાં કરદાતાને નામે ડિમાન્ડ ઊભી રહે છે.

બીજી તરફ અમદાવાદની આવકવેરા કચેરીમાં આ અંગે રજૂઆત કરવા જાય તો તેઓ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર બેન્ગ્લુરુનો સંપર્ક કરવાની સૂચના આપીને હાથ ઊંચા કરી દે છે. પરિણામે કરદાતાઓ આ મુદ્દે સતત મૂંઝવણ અનુભવી રહ્યા છે, પરંતુ અમદાવાદ કે ગુજરાતના આવકવેરા અધિકારીઓ તે મુદ્દે વાત કરવા કે કોઈ ઉકેલ શોધી આપવા તૈયાર જ થતાં નથી. પરિણામે ઓલ ગુજરાત ટેક્સ કન્સલ્ટન્ટ્સ ફેડરેશને પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આગામી ૨૮મી એપ્રિલે પ્રિન્સિપાલ ડિરેક્ટર જનરલ ઑફ ઇન્કમટેક્સ (સિસ્ટમ્સ) એસ.એસ. રાઠોર, કમિશનર ઇન્કમટેક્સ (સીપીસી-ટીડીએસ-નવી દિલ્હી) સુનિલ ચંદ્ર શર્મા અને સીપીસી બેન્ગ્લુરુના સીઆઈટી આર.કે. મિશ્રાને આગામી ૨૮મી એપ્રિલે અમદાવાદ બોલાવીને કરદાતાઓની સમસ્યાઓનો ઉકેલ લાવી આપવા રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.

Post Comments