Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

જંગલના 'માદા દિવસ'ની ઉજવણીમાં નેતા વાંદરાભાઈ વટપાડુનું વટ પાડતું ભાષણ

વટ પાડવામાં માહેર નેતા વાંદરાભાઈ વટપાડુએ જંગલમાં માદા દિવસની સભા સંબોધીને ખરેખર વટ પાડી દીધો, પરંતુ મોડી રાતે ઘરે પહોંચેલા વાંદરાભાઈ વટપાડુની વાસ્તવિકતા કંઈક અલગ હતી...

નવા નવા નેતા બનેલા વાંદરાભાઈ વટપાડુએ ટ્વીટ કર્યું : 'હલ્લો ફ્રેન્ડ્સ! આજે જંગલમાં 'માદા દિવસ'ની ભવ્ય ઉજવણી થવાની છે. એ ઉજવણીના ભાગરૃપે હું આજે જંગલમાં 'માદાસભા'ને સંબોધિત કરીશ'. ટ્વીટ જોઈને વાંદરાભાઈ વટપાડુનાં પ્રશંસકોએ રીટ્વીટ કરીને પોતાના નેતાની પ્રશંસા કરી. જુદી જુદી માદામંડળની અધ્યક્ષાઓ પણ વાંદરાભાઈની ટ્વીટને લાઈક કરી ગઈ. વાંદરાભાઈ નવી નવી વાતો કરીને નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ટ્વિટર ઉપર ઠીક-ઠીક ફોલોઅર્સ ધરાવતા વાંદરાભાઈ વટપાડુ પોતાના મતવિસ્તારમાં પણ લોકપ્રિય હતા.

માદા દિવસની ઉજવણીનો આરંભ કરતા સ્થાનિક નેતા વાંદરાભાઈ વટપાડુએ ભાષણ શરૃ કર્યું...

'જંગલની તમામ માદામંડળની અગ્રણીઓ, સભ્યોનું હું સ્વાગત કરું છું. હું આ વિસ્તારમાં ચૂંટાયો એ પહેલાં આ વિસ્તારની માદાઓની સ્થિતિ ખૂબ દયનીય હતી. માદાઓ ઉપર અત્યાચાર થતો હતો....'

ભાષણમાં અત્યાચારની વાત સાંભળીને કેટલીક કટ્ટર માદાવાદી માદાઓએ ચિચિયારીઓ પાડીને વાંદરાભાઈના ભાષણને વધાવી લીધું. અવાજો સાંભળીને વાંદરાભાઈને વધુ પાનો ચડયો. તેણે આગળ ચલાવ્યું :

'..પણ હવે જંગલના નર પ્રાણી-પંખીઓ માદાઓ ઉપર અત્યાચાર નહીં કરી શકે. એ માટે મેં છેક આપણાં મહારાજા સિંહ સુધી રજૂઆત કરી છે. કડક કાયદાઓ બનશે અને પીડિત માદાઓને પૂરતું રક્ષણ મળશે'

વાંદરાભાઈનું ભાષણ સાંભળીને માદાસભામાંથી પ્રશંસાના ઉદ્ગારો આવ્યાં : 'વાહ! વાહ!', 'વાંદરાભાઈ વટપાડુ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેહેહેહે!'.

ભાષણની પ્રશંસા સાંભળીને વાંદરાભાઈને મજા પડી. માદા મતદારો સામે વટ પાડવા વાંદરાભાઈ વટપાડુએ ભાષણ આગળ વધાર્યું : '...અને માત્ર રક્ષણ જ નહીં, પીડિત માદાઓને મારા ફંડમાંથી વળતર આપીશ. અગાઉ ક્યારેય કોઈએ ન આપેલું વળતર હું જંગલની સરકાર પાસેથી ય અપાવીશ. જંગલના જે નર પ્રાણી-પંખીઓ માદાઓ ઉપર શારીરિક-માનસિક ત્રાસ આપશે એને આકરામાં આકરી સજા કરાવીશ.'
વાંદરાભાઈ વટપાડુની જાહેરાતો સાંભળીને વધુ એક વખત સભામાંથી ચકલીબેન, કાબરબેન, ઢેલબેન, બકરીબેન, ભેંસબેન, બિલાડીબેન કૂતરીબેન વગેરેએ કોરસમાં સૂત્રોચ્ચાર કર્યો : 'હમારા નેતા કૈસા હો?', 'વાનરરાજ વટપાડુ જૈસા હો'

'વાંદરાભાઈ'ને બદલે માનભર્યું 'વાનરરાજ' સંબોધન સાંભળ્યા પછી તો વાંદરાભાઈ વટપાડુએ સભામાં કેટલીય જાહેરાતો કરી. નવા નવા વાયદાઓ સાંભળીને લાગણીશીલ માદાઓની આંખો ભરાઈ ગઈ. જંગલમાં વર્ષોથી ઘણી માદાઓ ખરેખર પીડા સહન કરતી હતી. ચકલીબેનના પતિ ચક્રધર ચકલા બહુ ભલા નર, પણ ઘરમાં સાસુનો બહુ ત્રાસ. 'બાપના ઘરેથી કંઈ લાવી નહોતી' એ વાક્યથી ચકલીબેનના સાસુની વાત શરૃ થતી અને 'માએ કંઈ શીખવ્યું નહીં' એ વાતથી તેની વાત પૂરી થતી. ચકલીબેન માટે આ રોજનો ત્રાસ હતો.

બિલાડીબેનને આમ બધી વાતે સુખ. ઘરમાં ખાવા-પીવામાં દુધ-દહીં મળે, પણ ઘરની બહાર નીકળવું હોય તો આખા ઘરના વડીલોની પરવાનગી લેવી પડતી. બિલાડીબેન માટે માદાની સ્વતંત્રતા એટલે મુક્ત રીતે ઘરની બહાર નીકળવું. એ સિવાય તેમને માદાસંગઠનોની વાતમાં બહુ રસ નહોતો. બિલાડીબેન આવા સંગઠનોના સભ્ય પણ એટલે જ બન્યા હતા કે તેના કાર્યક્રમોના બહાને એક દિવસ બહાર જઈ શકાય. બિલાડીબેનને એક આશા ય હતી કે ક્યારેક એવો નિયમ આવી જશે કે તે ગમે ત્યારે ગમે ત્યાં કોઈને ય કહ્યા વગર ઘરની બહાર જઈ શકશે.

કૂતરીબેનને બિલાડીબેન જેવું નહોતું. આમ બધી રીતે ઘરમાં શાંતિ અને સ્વતંત્રતા હતી, પણ કૂતરીબેનના પતિનો સ્વભાવ બહુ કચકચિયો હતો. ઘણી વખત અકારણ એ ભસવા લાગતા અને કૂતરીબેનને મોડી રાત સુધી સાંભળવું પડતું.

આ બધી માદાઓ કોઈને કોઈ કારણથી ખરેખર પરેશાન હતી, પરંતુ સભામાં ઉપસ્થિત બધી જ માદાઓ પરેશાન હતી એવું ય નહોતું. ઘણી માદાઓ તો એના નરને પરેશાન કરી શકે એટલી સક્ષમ હતી! સભામાં ઉપસ્થિત ઘણી માદા સંગઠનની અધ્યક્ષાઓ એટલી સબળા હતી કે તેમને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું કોઈ સપનેય વિચારી શકે નહીં. ભેંસબેન અને બકરીબેનનો જ દાખલો લઈ લો!

બકુલાબેન બકરીના ડરથી બાબાલાલ બકરા થરથર ધુ્રજતા. 'બાબાલાલ પાણી ય બકુલાબેન કહે એટલું જ પીવે છે' એમ કહીને ઘણાં મિત્રો તો બાબાલાલ બકરાની મશ્કરી ય કરતા. બકુલાબેનનો સ્વભાવ એટલો કડક કે ક્યારેક એમનો મગજ જાય તો બાબાલાલને માત્ર રડવાનું જ બાકી રહેતું.

તો ભેંસબેનનું ય એવું જ. 'ભટકેલી ભેંસ'ના ઉપનામે આખા જંગલમાં જાણીતા ભેંસબેન તો તેના પતિ સહિતના આખાય સાસરિયાઓને લાઈનમાં ઉભા રાખીને રીતસર ક્લાસ લઈ લેતાં. ક્યારેક કોઈ માદામંડળની મદદથી ભેંસબેનના ત્રાસમાંથી છુટી શકાશે એ આશાએ તો ભેંસબેનના સાસુ, દેરાણી, જેઠાણી અને નણંદ ઘણી માદા સંગઠનોના સભ્ય પણ બન્યાં હતાં. ભટકેલી ભેંસબેનના પતિ પાડાભાઈ પંચાતિયા ખાનગીમાં ઘણી વખત ભેંસબેનની સામે હાથ જોડીને ઉભા હોય એ બનાવ નજરોનજર જોનારા સાક્ષી ય જંગલમાં ઘણાં હતા!

આ બધી વાસ્તવિકતા વચ્ચે વાંદરાભાઈ વટપાડુએ માદા દિનની ઉજવણીમાં જે ભાષણ આપ્યું તે બહુ લોકપ્રિય થયું. વાંદરાભાઈ વટપાડુના પ્રશંસકોએ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો. જંગલમાં જે ખરી પીડિત માદાઓ હતી તેમને તો વાંદરાભાઈ વટપાડુના રૃપમાં માદાઓના સાચા ઉદ્ધારક દેખાયા. એ બધી દુ:ખી માદાઓ વાંદરાભાઈ વટપાડુના વચનો સાચા પડે એવી આશાએ સભામાંથી ઘરે ગઈ.

ભેંસબેન અને બકરીબેન જેવી જે ખુંખાર માદાઓ હતી તે એ વિચારે ઘરે ગઈ કે વાંદરાભાઈ વટપાડુએ કાયદાઓમાં ફેરફારની જે વાતો કરી છે તે એકવાર સાચી પડી જાય તો ઘરમાં પોતાનો પાવર ઓર વધી જાય!

વાંદરાભાઈ વટપાડુ પણ ભાષણ પૂરું કરીને પ્રશંસા મેળવતા મેળવતા કાર્યાલય તરફ રવાના થયા.

*

'સર! આજે માદા દિવસ નિમિત્તે જ જંગલની સરકારે માદાકલ્યાણનું બજેટ મંજૂર કર્યું છે. એ બજેટ આપણે ક્યાં અને કઈ રીતે વાપરીશું?' વાંદરાભાઈ વટપાડુના સહાયકે ફાઈલ બતાવી.

'આજે સભામાં માદામંડળના સભ્યોને પહોંચાડવાના વાહનોનો અને નાસ્તા-પાણીનો જે ખર્ચ થયો એ એમાંથી ચૂકવી દે' વાંદરાભાઈ વટપાડુએ ફાઈલમાં નજરેય ન નાખી.

'પણ સર! એ ખર્ચ તો તમે તમારા ખાનગી બજેટમાંથી આપવાની જાહેરાત કરી છે. આ સરકારી બજેટ તો 'માદાકલ્યાણ' માટે વાપરવાનું છે. આમાંથી પીડિત અને બેઘર માદાઓને મદદ કરવાની ઉપરથી સૂચના છે. જે માદાઓ કોર્ટમાં લડત આપતી હોય એને આર્થિક સહાયની જરૃર હોય તો એ પણ આમાંથી આપવાની છે' સહાયકે વિનમ્ર અવાજે માહિતી આપી.

'તને ખબર નથી? જાહેરાતો તો કરવી પડે. બાકી બજેટ તો સરકાર મંજૂર કરે એમાંથી જ ફાળવવાનું હોય! હું કહું એટલે કરી નાખવાનું! ફંડ ક્યાંથી આવ્યું અને ક્યાં નાખવું તે તું મને શીખવીશ? મને? હું આ વિસ્તારનો લોકપ્રિય નેતા છું! સમજ્યો?' હજુ થોડીવાર પહેલાં મીઠા શબ્દોમાં ભાષણ આપતા વાંદરાભાઈ વટપાડુએ સહાયકને આકરા શબ્દોમાં ખખડાવી નાખ્યો.

'આ બીજી એક ફાઈલ છે. આપણાં સરકારી કાર્યાલયમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતી માદાઓનો છ માસનો બાકી પગાર માદા દિન નિમિત્તે સરકારે મંજૂર કરી દીધો છે. આપ સહી કરી દો તો આજે જ પગાર કરી દઈશ' સહાયકે સહી કરવા પેન વાંદરાભાઈ તરફ ધરી.

'કોઈ માદાએ પગાર માગ્યો છે?' વાંદરાભાઈ વટપાડુએ આંખો ઝીણી કરીને પૂછ્યું.

'એક-બે જરૃરિયાતમંદ માદાઓએ વિનંતી કરી હતી કે...' સહાયક વાત પૂરી કરે તે પહેલાં જ નેતા વાંદરાભાઈએ પંજો ઊંચો કરીને તેને અટકાવ્યો.

'પગારની માગણી કરી હોય એ માદાઓને ઓફિસમાંથી કાયમી માટે રજા આપી દે! સારું કામ કરતી નહોતી એટલે રજા આપી છે એવું કારણમાં લખી દેજે' એક મહિલા સંગઠનના ઉદ્ધાટનમાં જવા માટે વાંદરાભાઈ ઉભા થયા અને પાછા ફરીને સહાયક સામે જોઈને બોલ્યા : 'જે માદાઓએ પગારની માગણી કરી નથી એને આ પગાર નથી આપવાનો. એ માગણી કરે ત્યારે એને ય રજા આપી દઈશ. આ રકમ મારા ઘરે પહોંચાડી દે. આજે જ!'

*

આખો દિવસ માદા કલ્યાણોની સભાઓ અને માદા સંગઠનોના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી થાકીને વાંદરાભાઈ વટપાડુ ઘરે આવ્યા. વાંદરાભાઈ વટપાડુના પત્નીએ પતિને બહુ ભાવતા કેળાનો થાળ સજાવીને ભોજન માટે તૈયાર રાખ્યો હતો. એ સિવાયની વાનગીઓ પણ બનાવી હતી. વાંદરાભાઈ આખો દિવસની રઝળપાટ પછી થાક્યા હશે એવી ચિંતા કરતી પત્નીએ વાંદરાભાઈની સામે થાળ મૂક્યો : 'જમવાનું તૈયાર છે? જમી લેશો?'

'તને કેટલી વાર કહ્યું છે કે હું બહારથી આવું એટલે હું કહું ત્યાં સુધી કશું બોલવાનું નહીં?' વાંદરાભાઈનો મિજાજ ગયો.

'તમે મને અગાઉ સૂચના આપી હતી કે હું બહારથી આવું એટલે તરત જમવાનું આપી દેવાનું. એટલે મેં તમને પૂછ્યું હતું..' વાંદરાભાઈની પત્નીએ બચાવ કર્યો.

'સામી જીભ ચલાવે છે? ઉભી રહે?' કહેતા વાંદરાભાઈ વટપાડુએ પત્ની ઉપર થાળનો છુટો ઘા કર્યો. જે હાથમાં આવ્યું એનાથી માર માર્યો અને પછી તાડૂકીને ઘરની બહાર નીકળતી વખતે બોલ્યા : 'મારે હજુ એક માદા સંગઠનના રાત્રી કાર્યક્રમમાં માદાઓને પ્રેરણા પૂરી પાડે તેવા પુસ્તકનું વિમોચન કરવાનું છે અને તારા કારણે મોડું થઈ ગયું!'

અને એ રીતે જંગલની માદાઓનો 'માદા દિવસ' સામાન્ય દિવસોની જેમ; કોઈ જ મોટા પરિવર્તન વગર હતો એવો ને એવો પૂરો થઈ ગયો!
 

Post Comments