Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

'દરબારીઓ આજકાલ મહારાજા સિંહના મેસેજનો ય જવાબ આપતા નથી!'

'મહારાજા સિંહના દરબારીઓની હિંમત એટલી વધી ગઈ છે કે ખુદ સિંહના મેસેજનો ય જવાબ આપતા નથી. મેં કાનોકાન સાંભળ્યું કે મહારાજાએ ખુદ એ મુદ્દે ભર્યા દરબારમાં ખુલાસો પૂછ્યો ત્યારે બધાય ગેંગેંફેંફેં થઈ ગયા હતા' : કબૂતરે આંખે દેખ્યો અહેવાલ કહી સંભળાવ્યો

'હા...હા...હા...હા...' કબૂતર અને મોર એક બીજાનાં પંજામાં તાલી મારીને જોર-જોરથી હસી રહ્યા હતા.

'બંને બધાથી વહેલા આવી ગયા છો એટલે જોક્સ-જોક્સ રમો છો કે શું?' ગાયે બેઠકમાં જગ્યા લીધી કે તરત મોર-કબૂતરને ખડખડાટ હસતા જોઈને પૂછી લીધું.

'ના ના. કબૂતરે જોયેલી ઘટના જ એટલી રમૂજી છે કે ન પૂછો વાત!' મોરે હસવાનું રોકી રાખીને વાક્ય પૂરું કર્યું.

'...પણ એવું તો શું જોયું? અમને ય કહો તો અમે ય થોડું હસીએ' માછલીએ મોબાઈલમાં રણકેલાં મેસેજનો રિપ્લાય કરતાં કરતાં હસીને વાતમાં ઝંપલાવ્યું.

'હંમેશા ગંભીર રહેતા કબૂતરને જો આટલું હસવું આવતું હોય તો તો કંઈક રમૂજી જ ઘટના હોવી જોઈએ!' પોપટે મોબાઈલમાં નજર રાખીને વાતમાં સૂર પૂરાવ્યો.

'તમે બંને અત્યારે ય બધાને મેસેજના જવાબો આપો છો તો પછી મારા મેસેજનાં રિપ્લાય કેમ આપતા નથી?' કાગડાએ માછલી અને પોપટ પાસે જવાબ માગ્યો.

'તને મેસેજનો જવાબ આપવો કે નહીં એ એની મરજી છે! તું ય મહારાજા સિંહ જેવું કેમ કરે છે?' પોપટ કે માછલી પોતાનો બચાવ કરે તે પહેલાં મોરે કાગડાને સંભળાવી દીધું.

'હું તો મોબાઈલ રાખતો જ નથી. રાખીએ તો કાગડાભાઈને જવાબ આપવાની ચિંતાને!' બળદે વિચિત્ર હરકત કરીને શિંગડાં હલાવ્યાં.

'તમે મોબાઈલ નથી રાખતા એનું કારણ તો મને ખબર છે બળદભાઈ!' બકરીએ બળદની હરકત નોંધીને પછી ધીમા અવાજે ઉમેર્યું : 'ક્યાંક ખેતરેથી ફોન આવી જાય ને કામ કરવું પડે તો...'

'હું કંઈ તમારા જેવો કામચોર કે કંજૂસ નથી!' બળદે બકરીની મશ્કરીમાં આગળ ચલાવ્યું : 'બકરીબેન કોઈને મિસકોલ પણ નથી કરતા. ખબર છે કેમ?'

'કેમ? કેમ?' ઘેટાએ બકરીની ટીખળમાં રસ લીધો.

'...કેમ કે ક્યાંક મિસકોલના પૈસા કપાઈ જાય તો? હાહાહા...' બળદે ઠેકડાં મારીને પોતાની જ વાતમાં જોરજોરથી હસી લીધું. ઘેટા અને પાડાએ પણ કૂદકાં મારવામાં બળદને સાથ આપ્યો.

'એ બધું મૂકો! આજે કબૂતર અને મોર કેમ એકલાં એકલાં હસે છે એ જાણીએ' પોપટે ઉપરની ડાળીએથી નીચેની ડાળીએ જગ્યા બદલતા ઉમેર્યું : 'મોર! તેં હમણાં કહ્યું કે કાગડો મહારાજા સિંહ જેવું કરે છે. કાગડો તો આપણાં મહારાજાનો ભક્ત છે, તે સિંહની નકલ કરે એમાં નવાઈ પામવા જેવું નથી'

'એ વાત ખરી હોં. કાગડાભાઈની ભક્તિ ક્યાં કોઈથી અજાણી છે? કાગડાભાઈ મેસેજના રિપ્લાય બાબતે ય અદ્લ મહારાજા સિંહ જેવું કરે છે!' કબૂતરને હસવું આવ્યું. કાગડા-હોલા-બગલાએ કબૂતર સામે ઘૂરકિયા કર્યાં.

'...આપણાં જંગલના મહારાજા પણ મેસેજનો જવાબ ન આવે તો ખુલાસો પૂછે છે?' હંસને કબૂતરનો કટાક્ષ સમજાયો હોય એમ એણે ઝીણી આંખ કરીને પૂછ્યું.

'તમે બંનેએ બહુ સસ્પેન્સ રાખ્યું. હવે બોલવું હોય તો બોલો નહીંતર....' માછલીની ધીરજ પૂરી થઈ ચૂકી હતી.

'કબૂતર! મહારાજા સિંહના મેસેજની અને તેં જોયેલી ઘટનાની વાત કરી જ દે ચલ હવે!' મોરે કબૂતર સામે જોઈને ઓલ ધ બેસ્ટની અદામાં કહ્યું. કબૂતરે ખોંખારો ખાઈને શરૃઆત કરી.

'હમણાં દિલ્હીના પ્રવાસ દરમિયાન મને મહારાજા સિંહના દરબારમાં હાજર રહેવાની તક મળી હતી. એ વખતે મેં થોડી રમૂજી ઘટના જોઈ. એ હું તમને કહી સંભળાવું છે...' કબૂતરે પ્રાણી-પંખીઓની સભામાં નજરોનજર જોયેલું દૃશ્ય કહી સંભળાવ્યું. જે કંઈક આવું હતું...

*

ઘાટી સફેદ દાઢી, ગડીદાર કેસરી ઝભ્ભો, સફેદ પાયજામો, કાળી મોજડી, સ્ટાઈલિશ ચશ્મા અને હાથમાં સ્માર્ટફોન લઈને મહારાજા સિંહ ઉતાવળા ડગલાં ભરતાં દરબારમાં હાજર થયા એટલે ક્લાસમાં શિક્ષકની હાજરીથી જેવી શાંતિ પથરાય એવી શાંતિ દરબારમાં પથરાઈ ગઈ. દરબારીઓ સવાર સવારમાં કોલાહલ કરતા હતા, પણ જેમ વરસાદની હાજરીથી રસ્તા ઉપર ડામર ગાયબ થઈ જાય એમ મહારાજા સિંહની હાજરીથી બધો કોલાહલ ગાયબ થઈ ગયો!

'ગુડ મોર્નિંગ! જય હિન્દ!' મહારાજા સિંહે પોતાના પક્ષના દરબારીઓ સામે નજર નાખી.

'ગુડ મોર્નિંગ સરરરર!' ડાહ્યા ડમરા વિદ્યાર્થીઓની અદાથી બધા દરબારીઓએ મહારાજા સિંહનું સ્વાગત કર્યું.

'મિત્રત્રોં! તમારા બધાના મોબાઈલો તમારી બાજુમાં ઉભા રહેલાં સ્વયં સેવકોને આપી દો!' અચાનક મહારાજ સિંહની જાહેરાતથી થોડી વાર તો દરબારમાં સોંપો પડી ગયો. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે સ્વયં સેવકોએ ફટાફટ મોબાઈલ લેવા માંડયાં. કેટલાક દરબારીઓ ઉતાવળે કંઈક ડિલિટ કરવાની પેરવીમાં હતા, પરંતુ સ્વયં સેવકોને ઉપરથી ઓર્ડર હતો એટલે એમણે રીતસર મોબાઈલ ઝૂંટવી લીધા.

'મહારાજા સિંહ જોવા ઈચ્છે છે કે...' મહારાજા સિંહના મુખ્ય સલાહકાર રીંછભાઈએ કરડી આંખે દરબારીઓ સામે જોયું અને પછી જરા અવાજ ઊંચો કરીને ઉમેર્યું : 'તમારા મોબાઈલમાં મહારાજની ગુણગાન કરતી એપ્સ છે કે નહીં. મહારાજાના ભાષણના વીડિયો જૂઓ છો કે નહીં. મહારાજાના વિદેશ પ્રવાસના કાર્યક્રમોનું ટાઈમટેબલ છે કે નહીં, મહારાજાની યોજનાઓનો ડેટા છે કે નહીં, વિપક્ષો ઉપર આક્ષેપ કરવાની સ્ક્રિપ્ટ છે કે નહીં..'

'મારા મોબાઈલમાં તો છે હોં.. મારામાં ય છે હોં... મેં તો હમણાં નવો મોબાઈલ લીધો એટલે આજે જ ડાઉનલોડ કરવાનો હતો' એવો ગણગણાટ શરૃ થયો.. રીંછભાઈની વાતથી દરબારીઓના ચહેરા ઉપર ચિંતાની લકીરો ઉપસી આવી.

'રીંછભાઈ કહે છે એ બધું તો ચેક થશે જ, આપણે એક ટીમ છીએ એટલે આ બધું તપાસવું આપણાં બધાના ભલાં માટે છે, રાષ્ટ્રના ભલા માટે છે' મોબાઈલ તપાસમાં રાષ્ટ્રનું શું ભલું છે એ દરબારીઓ બહુ સમજાયું નહીં. સિંહે આગળ ચલાવ્યું : 'મારે તમને એક બીજી ય વાત પૂછવાની છે!'

'સર! જવાબની ફાઈલ તો ઓફિસમાં પડી છે....' એવો ગણગણાટ થયો અને સિંહની નજર ફરી કે તરત શમી ગયો.

'તમે મારા ગુડ મોર્નિંગના મેસેજનો જવાબ કેમ નથી આપતા?' સિંહે ધારદાર નજરે સવાલ કર્યો એ સાથે જ આખી સભામાં શૂન્યવત શાંતિ છવાઈ ગઈ.

'મહારાજા સિંહ સમય કાઢીને તમને બધાને મેસેજ કરે છે અને તમારામાંથી...' રીંછે એક કાગળ હાથમાં લઈને યાદીમાં જોયું : 'માંડ પાંચ-સાતના જવાબો આવે છે. ૩૦૦માંથી પાંચ-સાતના જ જવાબો? આ તો રાષ્ટ્રનું અપમાન કહેવાય!'

'રાષ્ટ્રનું અપમાન? અમે તો મહારાજા સિંહનું કે તમારું ય અપમાન નથી કરતા સરર!' એક દરબારીએ ઉભા થઈને હાથ જોડયાં.

'ઠીક છે એ બધું! પણ તમે મારા ગુડ મોર્નિંગના મેસેજનો જવાબ કેમ નથી આપતા?' સિંહના સવાલથી દરબારમાં બધા જ ગેંગેંફેંફેં થઈ ગયા. કોઈને જવાબ સૂઝતો ન હતો.

'સર! મેસેજ કરીએ ને કદાચ તમને ન ગમે તો? એ ડરે અમે મેસેજ કરતા નથી. બાકી અમે તો ગુડ મોર્નિંગનો મેસેજ ટાઈપ કરીને રાખ્યો હતો!' એક પ્રદેશના બધા દરબારીઓ વતી આગેવાન જેવા લાગતા દરબારીએ સ્પષ્ટતા કરી.

'હું મેસેજના જવાબો ન આપું તો બરાબર છે, પણ તમે બધા ન આપો એ કેમ ચાલે? તમારી હિંમત વધતી જાય છે... તમે બધા કશું કામ કરતા નથી' મેસેજના જવાબ ન આપવાથી કઈ રીતે નકામા થઈ શકાય તે વિચારવાની સ્થિતિમાં દરબારીઓ ન હતા. સિંહે ગુસ્સાભર્યા અવાજમાં આગળ ચલાવ્યું : 'હમણાં તમને બધાને તમારા મોબાઈલ મળી જશે. એમાં મારી નવી બધી જ એપ્સ હશે અને ભાષણનાં વીડિયો પણ હશે.'

'ભાષણના વીડિયો તો અમારી પાસે છે... તમારા જેવું ભાષણ આજકાલ આપણાં જંગલમાં કોઈ નથી કરતું...' એક બે દરબારીઓએ મહારાજા સિંહની ખુશામત કરી..

'એ બધું તો મહારાજાને ખબર છે. પણ તમારે એ યાદ રાખવાનું છે કે મોબાઈલમાં એપ્સ જોઈને મહારાજાને રિપ્લાય કરતા રહેવાનું છે. મહારાજા એટલા સક્રિય છે તો તમે બધા કરો છો શું?' રીંછે પણ દરબારીઓને ધમકાવ્યાં.

'..અને આવતી બેઠકમાં એપ્સમાં શું છે અને શું નથી તેની ચર્ચા કરીશું. ગુડ મોર્નિંગના મેસેજના જવાબોની હું રાહ જોઈશ!' સિંહે રીંછ તરફ ઈશારો કર્યો અને બંને જે ઝડપે દરબારમાં આવ્યા હતા એટલી જ ઝડપે કોઈના ય તરફ નજર નાખ્યા વગર બહાર નીકળી ગયા...

*

'તો આમાં હસવા જેવું શું હતું?' કબૂતરની વાત પૂરી થઈ કે તુરંત જ બગલાએ સવાલ કર્યો.

'હસવું તો એ વાતે આવતું હતું કે આજકાલ સિંહ જેવા સિંહને ય કોઈ ગુડ મોર્નિંગ નથી કહેતું!' કબૂતરે હસીને ફરી મોરના પંજામાં પંજો માર્યો.

'અને હા... બિચારા દરબારીઓ તો મેસેજનો જવાબ ન આપવા માત્રથી નકામા સાબિત થઈ ગયા! નકામા સાબિત થવા માટે બીજાં કારણો હોવા છતાં ય..' મોરે દરબારીઓ ઉપર કટાક્ષ કર્યો.

'તું મહારાજાના દરબારમાં પહોંચ્યો કઈ રીતે?' હંસે કબૂતરને પૂછ્યું.

'હું તો સ્વયં સેવક હતો. મહારાજાને એવા સ્વયં સેવકોની જરૃર હતી, જે ઝડપથી દરબારીઓ પાસેથી મોબાઈલ ઉઘરાવી લે અને ઝડપથી પાછા આપી શકે. એમાં મને થયું કે દરબારમાં જવાની તક સારી છે તો હું ય સ્વયં સેવક બની ગયો' કબૂતરે મહારાજાના દરબારમાં પહોંચવા અંગે રહસ્ય છતું કર્યું.

'એ બધું તો ઠીક, પણ મહારાજાએ ગુડ મોર્નિંગના મેસેજ જેવી નજીવી બાબતે દરબારીઓને ખખડાવી નાખ્યા એ બહુ કહેવાય!' હંસે સિંહની કાર્યશૈલી અંગે નિરાશા વ્યક્ત કરી.

'મને જેટલું હસવું આવ્યું એટલું જ દુ:ખ પણ થયું' કબૂતરે જરા ગંભીર થઈને કહ્યું : 'મને તો એમ હતું કે મહારાજા સિંહ દરબારીઓ પાસે કામનો હિસાબ લેશે. કઈ યોજના કેટલી પૂરી થઈ તેનો અહેવાલ લેશે. એને બદલે ગુડ મોર્નિંગના મેસેજ ન કરવાને રાષ્ટ્રીય અપમાન ગણાવીને તેમણે દરબારીઓને ખખડાવ્યા તે ખૂબ નિરાશાજનક કહેવાય'

હંસે બેઠકમાંથી ઉઠીને ઉડવાની તૈયારી કરતા કરતા કહ્યું : 'આ ઘટના જેટલી રમૂજી છે એનાથી અનેકગણી હાસ્યાસ્પદ પણ છે. મહારાજા જેવા મહારાજા કામને બદલે દેખાડાને મહત્વ આપે તે પ્રજા માટે હાનિકારક કહેવાય! મારા મતે મેસેજના રિપ્લાયને બદલે દરબારીઓ જંગલવાસીઓને લગતાં કામ કરે એવું પ્રોત્સાહન આપવું જોઈએ'.
 

Post Comments