Last Update : 30-December-2012, Sunday

 

અમેરિકા જેવી મહાસત્તાને હંફાવતી ચીની સરકાર એક માણસ સામે હાંફી રહી છે
દમન સામે ન ઝૂકતા માણસની કથાઃ આઈ વેઈવેઈ... નેવર સોરી!

તેજસ્વી અને કલ્પનાશીલ આર્કિટેક્ટ, શિલ્પી તરીકે વિખ્યાત આઈ વેઈવેઈ ચીની સરકારના અમાનવીય અભિગમ સામે ડગ્યા વગર પ્રચંડ વિરોધ નોંધાવતા રહ્યા છે. ડરેલી સામ્યવાદી સરકારે છેવટે તેમની સામે રાષ્ટ્રદ્રોહનું હથિયાર તાક્યું છે

અમેરિકી પ્રમુખપદની ગત નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન બંને મુખ્ય ઉમેદવારોએ જેટલી પણ ડિબેટ કરી એ દરેકમાં તેમના વિચારો, ભવિષ્યની નીતિ અને દૃષ્ટિકોણ ભલે અલગ હતા પરંતુ વિષય તો એક જ હતો, આગામી સમયમાં અમેરિકા ચીનનો મુકાબલો કેવી રીતે કરશે! તદ્દન ચૂપકીદીથી અને છતાં ય સડસડાટ ગતિથી હરણફાળ ભરી રહેલું ચીન હવે વસ્તીવધારા સિવાયની બાબતોમાં ય સમગ્ર વિશ્વને મ્હાત આપી રહ્યું છે તેનો આ નમૂનો છે. મહાસત્તા તરીકેનું પોતાનું છેલ્લાં સાત દાયકાનું બિરુદ જાળવી રાખવા સામે અમેરિકાને એક જ દેશ પડકારજનક લાગે છે અને એ ચીન છે.
સામે, નિયતિની ગમ્મત પણ એટલી જ મજેદાર છે. અમેરિકા જેવા મહાશક્તિમાન દેશને પરસેવો લાવી દેતું ચીન પોતે એક એકલા અટૂલા માણસથી ફફડે છે. ભલભલાં વિરોધને લોખંડી પંજા વડે તહસનહસ કરી દેનારૃં ચીન, સામ્યવાદી શાસન સામે જરાક ઉંહકારો થાય તો પણ બેરહેમ સિતમ ગુજારીને તેને હંમેશને માટે ચૂપ કરી દેવા માટે કુખ્યાત ચીન એક માણસને ન તો મિટાવી શકે છે કે ન તો ચૂપ કરી શકે છે. ના તાજુબી ચીનના પરાભવમાં નથી. ખરી તાજુબી એ છે કે, ચીની શાસનની તાકાત અને ખંધાઈને જોયા, જાણ્યા અને અનુભવ્યા પછી પણ એ માણસ ન ડગ્યો છે, ન હટયો છે કે ન તો ચૂપ રહ્યો છે. તેનું નામ છે આઈ વેઈવેઈ (ચીની ઉચ્ચાર પ્રમાણે એ વેવે).
આઈ વેઈવેઈ શું છે એ સમજવા માટે એક નાનકડી ચોપડી ભરાય તેટલો બાયોડેટા વાંચવો પડે એટલી દિશાઓમાં એક કલાકાર તરીકે તેમનું માતબર પ્રદાન છે. એ એક આર્કિટેક્ટ પણ છે અને શિલ્પી પણ છે. કવિ પણ છે અને ચિત્રકાર પણ છે. ૨૦૦૮માં યોજાયેલા બેઈજિંગ ઓલિમ્પિકના બર્ડ્ઝ નેસ્ટ તરીકે જગતભરને અચંબિત કરી ગયેલા સ્ટેડિયમની ડિઝાઈનનું કલાત્મક પાસું આઈ વેઈવેઈનું સર્જન હતું. શાંઘાઈના મહાકાય ફ્લાયઓવર્સ પર નિયમિત અંતરે મૂકાયેલા હોર્ડિંગ્ઝ જોતાં જોતાં પસાર થાવ અને બ્રિજ પૂરો થાય ત્યાં સુધીમાં ચીનનો બે હજાર વર્ષનો ઈતિહાસ ભણાઈ જાય. એ વિચારનો જનક પણ આઈ વેઈવેઈ.
તાજુબીની વાત એ છે કે, આજે જગવિખ્યાત બની ચૂકેલા આ દરેક પ્રોજેક્ટ તેણે ચીનની લોખંડી, જિદ્દી અને જક્કી સામ્યવાદી સરકાર સામે શિંગડા ભરાવીને મેળવ્યા હતા અને પોતાની તાકાત પર એ પ્રોજેક્ટ પાર પણ પાડયા હતા. આજે એ પ્રોજેક્ટની સફળતા પર ઊભો રહીને આ કલાકાર હવે સામ્યવાદી તંત્રના ભ્રષ્ટાચાર, જોહુકમી, માનવ અધિકારના ભંગ અને મનમાની સામે મેદાને પડયો છે. બગાવત એ આઈ વેઈવેઈના લોહીમાં છે. ચીની વિદ્યાર્થીઓ, કલાકારોમાં આઈન્ગા તરીકે લોકપ્રિય આઈ વેઈવેઈના પિતા પણ કવિ હતા. તેમણે લુપ્ત થઈ રહેલી ચીની ભાષાના પ્રસાર માટે જીવન ખર્ચી નાંખ્યું હતું.
પચાસના દાયકામાં ચીને તિબ્બત પર હુમલો કરીને ત્યાંનો પ્રદેશ પડાવી લેવાની પેરવી કરી ત્યારે દરેક સરકારી સમિતિઓમાંથી રાજીનામા આપીને આઈ વેઈવેઈના પિતાએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધનો ઉંહકારો પણ સાંખી ન શકતી સામ્યવાદી સરકારે તેમને પત્ની સાથે જેલ ભેગા કરી દીધા ત્યારે આઈ વેઈવેઈની ઉંમર હતી માત્ર એક વર્ષ. જેલમાંથી પિતાએ લખેલા પત્રો વાંચી વાંચીને મોટા થયેલા આઈન્ગાએ પણ કલાકારીની દિશામાં કારકિર્દી બનાવી અને અભ્યાસના છેલ્લા વર્ષના ડિઝર્ટેશન તરીકે લાલ ઝંડાના ભારથી ઝૂકી ગયેલા ખેડૂતનું ચિત્ર સબમિટ કર્યું ત્યારે બિજિંગ અકાદમિએ એ ચિત્ર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. જવાબમાં આઈન્ગાએ મહિનાઓ સુધી લડત આપીને પોતાનું ચિત્ર મંજુર કરાવીને જ જંપ લીધો. ચીનની જક્કી સરકાર સામે એક કલાકારની જિદનો એ આરંભ હતો.
આઈ વેઈવેઈ અત્યાર સુધીમાં અલગ અલગ કારણોસર સોળ વખત જેલમાં જઈ આવ્યા છે અને દરેક વખતે સમગ્ર ચીનમાં તેમનાં સમર્થનમાં એવી તંગદીલી ઊભી થાય છે કે તેમની સામે અદાલતમાં ખટલો ચાલે એ પહેલાં જ તેમને મુક્ત કરી દેવા પડે છે. આઈ વેઈવેઈનું પોતાનું કોઈ સંગઠન નથી. એ પોતે કોઈ રાજકીય મંતવ્ય ધરાવતા નથી. એમનો મુદ્દો માત્ર સામ્યવાદી સરકારના અમાનવિય અભિગમ સામે છે. સામ્યવાદના પાયાના સિદ્ધાંતો સામે તેમને વાંધો નથી પરંતુ સામ્યવાદના નામે થતાં દમન અને લોકોનો અવાજ રૃંધવાના સરકારી પેંતરા સામે તેમનો વિરોધ છે. લડત આપવાની તેમની પદ્ધતિ અનોખી છે. ચીનમાં કલાકારોના મેળાવડા યોજાય ત્યાં આઈ વેઈવેઈ સરકારના કોઈ એક વલણ સામે પ્રતિક્રિયા આપે છે. પરંતુ પ્રતિક્રિયા આપીને અટકી જવાને બદલે વૈકલ્પિક મત પણ વ્યક્ત કરે છે.
ધરપકડ અને સજાના પરંપરાગત કિમિયા અજમાવ્યા પછી આઈ વેઈવેઈ વધુને વધુ લોકપ્રિય થતા જાય છે એ પછી ચીનની સરકારે તેમની સામે ભેદનું હથિયાર અજમાવ્યું અને નાણાકિય કૌભાંડોમાં વેઈવેઈને સંડોવીને તેમના પર ટેક્સ ચોરીનો આરોપ મૂકીને ૨૪ લાખ ડોલર (આશરે ૧૨ કરોડ રૃપિયા)નો દંડ ફટકાર્યો. સરકારનું આ પગલું સરાસર કિન્નાખોરી હોવાનું પ્રમાણ એ છે કે જો વેઈવેઈ મૂંગા થઈ જાય તો દંડ માફ કરવાની પણ સરકારે તૈયારી બતાવી અને બીજી શરત એવી મૂકી કે આઈ વેઈવેઈને જો સરકારના આ દંડ સામે અદાલતમાં જવું હોય તો પણ અમૂક રકમ તો ભરવી જ પડે.
આઈ વેઈવેઈએ સરકારના આ પગલાનો પણ ભારે રચનાત્મક સામનો કર્યો. તેમણે પ્રથમ તો પોતે ઝુકી રહ્યા છે એવા સંકેતો આપીને એક જાહેરસભા સંબોધવાની મંજુરી માંગી.
સરકારે એ મંજુરી આપી એટલે તેમણે જાહેરસભામાં જ કાગળ પર ચિત્રો દોરીને તેની લિલામી શરૃ કરી દીધી. હવે જુઓ વેઈવેઈનો પ્રભાવ, માત્ર સાડા ત્રણ કલાકમાં લોકોએ ૧ લાખ ડોલર વરસાવી દીધા અને જેમ જેમ વેઈવેઈ આ રીતે દંડની રકમ એકઠી કરી રહ્યા છે એવી ખબર પ્રસરતી ગઈ તેમ તેમ લોકોનો ધસારો સભાસ્થળ તરફ વધવા લાગ્યો. સરકારે તાબડતોબ એ સભા બરખાસ્ત કરી દીધી તેમ છતાં વેઈવેઈના હસ્તાક્ષર ધરાવતા એ ચિત્રોની લોકોએ સ્વયંભૂ લિલામી કરીને એક જ અઠવાડિયામાં ૧૦ લાખ ડોલર એકઠા કરી વેઈવેઈને ધરી દીધાં હતાં.
વેઈવેઈએ પછી સરકારને દંડની રકમ ભરતી વખતે લખ્યું, સ્વતંત્રતાની કિંમત તરીકે તમે મને ઝુકાવવા ધાર્યો પરંતુ ચીનની પ્રજા નથી ઈચ્છતી કે મારૃં મસ્તક ઝૂકે. આ રકમ તેનું પ્રમાણ છે. હવે સરકારે આ એક-એક યાનનો જવાબ આપવો પડશે. આવા ખુદ્દાર આદમીને ઝૂકાવવા વધુ એકવાર ચીનની સરકાર મેદાને પડી છે. ગત ઓક્ટોબરમાં વેઈવેઈએ કોરિયાના પ્રસિધ્ધ ગંગનમ સ્ટાઈલ ડાન્સને આધાર બનાવીને સામ્યવાદી સરકારના અમાનવીય કરતૂતો ઊઘાડા પાડતો કલાત્મક વીડિયો તૈયાર કર્યો હતો. એ મુદ્દે તાજેતરમાં ચીનની સરકાર વેઈવેઈને સિકંજામાં લીધા છે.
વેઈવેઈને ચેષ્ટાને રાષ્ટ્રદ્રોહ ગણાવીને તેમની સામે પોલિટ બ્યુરોએ સુપ્રીમ ચેમ્બર (આપણે ત્યાં જેમ ગુ્રપ ઓફ મિનિસ્ટર છે એવી હાઈ ઓથોરિટી) સમક્ષ કેસ દાખલ કર્યો છે તેમજ આક્રમણના પહેલા તબક્કા તરીકે વેઈવેઈ સાથે વ્યવસાયિક સંબંધો ધરાવતી કંપનીઓને ટાંચમાં લીધી છે. વધુ એક વખત આર્થિક રીતે વેઈવેઈને પાયમાલ કરીને મિટાવી દેવા માટે ચીન કટિબધ્ધ બન્યું છે. જો સુપ્રીમ ચેમ્બર પોલિટ બ્યૂરોની દલીલ સ્વીકારીને વેઈવેઈની ચેષ્ટા રાષ્ટ્રદ્રોહ હોવાનું સ્વીકારે તો વેઈવેઈ માટે અજ્ઞાાત સ્થળે આજીવન કારાવાસથી માંડીને દેહાંતદંડ સુધીની સજા તૈયાર જ છે.
એક તરફ ચીનની તાકાતવાન અને આપખુદ સરકાર વેઈવેઈને ઝુકાવવા મરણિયા પ્રયાસો કરી રહી છે બીજી તરફ દુનિયાભરમાં આઈ વેઈવેઈના નામે સિક્કા પડી રહ્યા છે. એ માટે નિમિત્ત છે એક દસ્તાવેજી ફિલ્મ નામે 'આઈ વેઈવેઈઃ નેવર સોરી'. એલિસન લાયમેન (Alison Klayman) નામની ૨૮ વર્ષિય નવોદિત મહિલા ફિલ્મમેકરે બનાવેલી આ દસ્તાવેજી ફિલ્મને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે અને દુનિયાભરમાં તેની સરાહના થયા પછી હવે આ ફિલ્મ ઓસ્કારમાં પણ દસ્તાવેજી ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ રહી છે.

Share |
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved