Last Update : 27-December-2012, Thursday

 

અત્યારે ચંદ્રની મુસાફરીનું ભાડું રૃપિયા ૧૪ અબજ ભલે હોય, પણ બહુ ઝડપથી તેમાં ઘટાડો થવાનો છે
હવે સાચે જ કહી શકાશે, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો!

વ્યવસાય અને વિજ્ઞાાન એ બંને ક્ષેત્રે એક નવા ઈતિહાસનો આ આરંભકાળ છે ઃ આવતીકાલે જો પ્રેમી કે પ્રેમિકા કહી દે કે, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો... તો હસી કાઢવાને બદલે ઉત્સુક આંખે, ગમતીલ અવાજમાં કહી જ દેજો, હમ હૈ તૈયાર ચલો!

સદીઓથી માનવજાતને ચંદ્રનું આકર્ષણ એટલું બધું છે કે પહેલી વખત નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો એ પછી તરત ચંદ્ર પર વસવાટની યોજનાઓ ઘડાવા લાગી હતી. પ્રથમ ચંદ્રયાત્રાના પાંચ દાયકા પછી હવે અવકાશવિજ્ઞાાનની ઝડપભેર બદલાઈ રહેલી સ્થિતિ જોતાં સરેરાશ માણસ માટે પણ ચંદ્રયાત્રા શક્ય બનવાની છે. એ માટે માનવજાત આડકતરી રીતે અમેરિકાની આર્થિક મંદીની ઋણી ગણાશે. કારણ કે, મંદીનો માર સહીને બેવડાં વળી રહેલાં અમેરિકાએ ખર્ચ પર કાપ મૂકવાની નીતિને અનુસરતાં નાસાની અવકાશી ઊડાન પર પણ કાપ મૂકી દીધો. પરિણામે, ગંજાવર ખર્ચ કરીને નાસાએ ઊભા કરેલા સ્પેસ સ્ટેશન સહિતના અદ્યતન ઉપકરણો અને સ્પેસ શટલ્સ નવરા પડી ગયા.
અત્યાર સુધી આ મોંઘોદાટ સરંજામ ધોળો હાથી ગણાતો હતો અને અમેરિકન સેનેટ સહિત પ્રસાર માધ્યમોમાં પણ નાસાના બેફામ ખર્ચની ટિકા થતી હતી. પરંતુ હવે એ જ સરંજામ અને એ જ સ્પેસ સ્ટેશન નાસા માટે કમાઉ દીકરા સાબિત થવાના અણસાર વર્તાય છે. તાજેતરમાં જ નાસામાંથી છૂટા પડેલાં કેટલાંક અવકાશ વિજ્ઞાાનીઓએ ગોલ્ડન સ્પાઈક નામની કંપનીની સ્થાપના કરીને નાસા સાથે આગામી સાત વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે. જેમાં પ્રતિ વર્ષ ૮૦ લાખ ડોલરના બદલામાં નાસા પોતાના અદ્યતન ઉપકરણો, અન્ય ટેકનિકલ માહિતીઓ તેમજ સ્પેસ શટલ્સનો ઉપયોગ ભાડા પટ્ટે કરવા આપશે અને બદલામાં નાસાની જગ્યાએ હવે ગોલ્ડન સ્પાઈક કંપની ખાનગી રાહે અવકાશ સંશોધન જારી રાખશે.
આ સમાચારના સુચિતાર્થો રસપ્રદ છે. કારણ કે, તેમાં વેપારના નવા ખૂલી રહેલાં ક્ષેત્રની સોડમ પણ છે અને ઝડપભેર નજીક આવી રહેલી આવતીકાલનો ચમકીલો ઉજાસ પણ છે. પહેલી વાત બિઝનેસની. વિચાર કરો, એક જમાનામાં ફક્ત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો જ સડકો પર દોડતી હતી. અમદાવાદથી રાજકોટ કે પોરબંદર જવું હોય તો એસટીની એ બસોનો જ ઉપયોગ કરવો પડતો. હવે તેમાં ખાનગી ટ્રાવેલ્સ કંપનીનો વિકલ્પ આપણને મળ્યો છે. ટ્રાવેલ્સની એ બસ પેસેન્જરને ય બેસાડે અને કેટલાંક અંશે કુરિયરનું ય કામ કરે.
બીજા શબ્દોમાં કહીએ તો, રેલ્વેને બાદ કરતાં સડક અને હવાઈ ઉડ્ડયનના ક્ષેત્રે જેમ આપણે ત્યાં ખાનગી ઓપરેટર્સ પ્રવેશી ચૂક્યા છે અને તેને લીધે આવાગમન સરળ અને વધુ સુવિધાજનક બન્યું છે એવો જ તાયફો હવે અવકાશ ક્ષેત્રે સર્જાઈ રહ્યો છે. અવકાશયાત્રા અત્યાર સુધી ફક્ત નાસા અને તેના જેવી અન્ય દેશોની સત્તાવાર અવકાશ સંસ્થાનો (જેમ કે ભારતમાં ઈસરોનો) જ ઈજારો ગણાતી હતી. હવે એ ઈજારાશાહી ક્રમશઃ નાબૂદ થઈ રહી છે અને ખાનગી કંપનીઓ તેમાં પ્રવેશી રહી છે.
હાલમાં અમેરિકાની આઠ, ફ્રાન્સ અને જર્મનીની પાંચ-પાંચ અને રશિયાની ત્રણ કંપનીઓએ ખાનગી અવકાશ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે એ પૈકી તૈયારી અને કુશળતાની દૃષ્ટિએ હાલ અમેરિકન કંપનીઓ આગળ હોવાનું જણાય છે. જોકે હાલમાં આ કંપનીઓએ ખાનગી ધોરણે ચંદ્રયાત્રા માટે અડસટ્ટે તૈયાર કરેલું જે ભાવપત્રક બહાર પાડયું છે તેના આંકડા જોઈને આપણને તમ્મર આવી જ જાય. જેમ કે, હાલમાં બે વ્યક્તિ માટે ચંદ્ર પર બે દિવસના રોકાણ સહિત પૃથ્વી-ચંદ્રની રિટર્ન જર્ની માટે ગોલ્ડન સ્પાઈક કંપનીએ રૃપિયા ૧૪ અબજની ટિકિટ રાખી છે! સ્વાભાવિક રીતે જ, ચંદ્ર પર હવાફેર માટે જવું હોય ત્યારે મારી-તમારી વાત છોડો, આવો ટિન્ચર ભાવ હોય તો ટાટા-બિરલા-અંબાણીને ય એકવાર તો પરસેવો લૂછવો પડે.
જોકે આટલી તોતિંગ ટિકિટ પણ ક્રમશઃ અને બહુ જ ઝડપભેર ઘટી શકે તેવી ખાનગી સ્પેસ રિસર્ચ કંપનીઓની ધારણા છે. જેમ કે, આજથી બે દાયકા પહેલાં ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસના ભાડા એટલા મોંઘાદાટ હતા કે મધ્યમવર્ગ માટે એ 'લક્ઝરી બસ' હતી અને તેની સરખામણીએ આપણને એસટીની બસ જ પોસાતી હતી. હવે એવું રહ્યું નથી. આવકનું પ્રમાણ વધ્યું છે તેની સામે ટ્રાવેલ્સના ભાડાં ય ઘટયા છે. ડીઝલના ભાવો વધ્યા, મોંઘવારી વધી તેમ છતાં ટ્રાવેલ્સ કંપનીઓ ભાડા ઘટાડી શકી કારણ કે એ ક્ષેત્રમાં સ્પર્ધા વધી, પેસેન્જર સિવાયના આવકના બીજા સાધનો ય ઊભા થયા. પરિણામે એક ટ્રિપ દીઠ થતો ખર્ચ ઘટયો જે સરવાળે પેસેન્જર ભાડાંના ઘટાડા તરીકે ઓછા નફે વધુ વેપાર બન્યો.
ખાનગી અવકાશયાત્રાના ક્ષેત્રે પણ આવું જ થાય એવી શક્યતા હાલ ઉજળી જણાય છે. જેમ કે, હાલમાં કાર્યરત થયેલી દરેક કંપનીઓ વિવિધ દેશોના મુન મિશનનો કોન્ટ્રાક્ટ મેળવવા પ્રયત્નશીલ છે. અમેરિકાની ગોલ્ડન સ્પાઈક ઉપરાંત ફ્રાન્સની કોસ્મોનિકા કંપનીએ તો જાપાન, સ્વિડન, ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, દ. કોરિયા જેવા દેશો સાથે સઘન વાટાઘાટ ચલાવી રહી છે. જો આમ થાય તો આ દરેક કંપનીઓ ચંદ્રયાત્રા દરમિયાન જે-તે દેશના સેટેલાઈટનું વહન કરવાથી માંડીને સ્થાપિત સેટેલાઈટની મરમ્મત, વધારાના પૂર્જાઓનું જોડાણ પણ કરી શકે. આ સ્થિતિમાં જતે દિવસે ચંદ્રયાત્રાની કિંમત રૃપિયા ૧૪ અબજથી ઘટીને સીધી રૃપિયા ૨૫-૩૦ લાખ પર આવી શકે તેમ છે.
વિજ્ઞાાનીઓ પોતે જ જ્યારે બિઝનેસમેન બની રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યવસાય અને વિજ્ઞાાન એ બંને ક્ષેત્રે એક નવા ઈતિહાસનો આ આરંભકાળ છે. હાલમાં લગભગ દરેક કંપનીઓ અને દરેકના અવકાશ વિજ્ઞાાનીઓની પહેલી પસંદગી ચંદ્ર અને માત્ર ચંદ્ર છે. ચંદ્રને જ પ્રાથમિકતા આપવાના કારણો અનેક છે. સૌથી પહેલી વાત તો હવા-પાણીની સુવિધાને લગતી છે. ચંદ્ર પર જામેલા બરફને લીધે પાણી મેળવવું આસાન છે અને ત્યાંની ખડકાળ ચટ્ટાનોમાં ઓક્સિજન પણ છે. છેલ્લાં બે દાયકાથી ચંદ્ર પર હવા અને પાણીને મહત્તમ સરળતાથી અને ન્યુનતમ ખર્ચથી મળી શકે તે માટે અનેક પ્રયોગો સફળ રહ્યા છે તેમજ આગામી દિવસોમાં જેમ જેમ સંશોધનો આગળ ધપશે તેમ ચંદ્રના હવા-પાણી આપણને ખિસ્સાની દૃષ્ટિએ પણ માફક આવતાં જવાના છે.
આ ઉપરાંત વ્યવસાયની નવી તક ઊભી કરતું બીજું અને કદાચ વધુ મહત્વનું કારણ એ છે કે, ચંદ્રની ધરતીના પેટાળમાં અનેક મૂલ્યવાન ખનીજોનો જથ્થો અક્ષત, વણસ્પર્શ્યો ભંડારાયેલો છે. આ ઉપરાંત સૂર્ય ફરતી પ્રદક્ષિણા લગાવતા મંગળ અને ગુરુની વચ્ચેના પટ્ટામાં કરોડો ઉલ્કાપીંડ ઘૂમી રહ્યા છે, જેમનું સાધારણ કદ પણ ક્રિકેટના મેદાનથી મોટું છે. આ ઉલ્કાપીંડોમાં પણ મબલખ ખનીજ ધરબાયેલું છે. અવકાશયાત્રાના વ્યવસાયમાં કોર્પોરેટ જાયન્ટ્સને ય રસ પડે તેનું કારણ આ છે. સદીઓથી દોહીને ખોખલી કરી નાંખેલી ધરતીના પેટાળમાં હવે ભાગ્યે જ ખનીજ બચવાના છે અને જે છે એ પણ મેળવવા મોંઘા પડે એટલાં ઊંડા જતા રહેવાના છે. એ સંજોગોમાં નવા ક્ષેત્ર તરીકે આજથી જ ચંદ્ર પર નજર માંડી લેવામાં વ્યવસાયની દીર્ઘદૃષ્ટિ ગણાય છે.
એટલે જ આ ક્ષેત્રમાં નાસાના ટોચના વિજ્ઞાાનીઓ ઉપરાંત ગૂગલના સ્થાપક લેરી પેજ અને ફિલ્મ નિર્દેશક જેમ્સ કેમરૃન જેવા ધૂરંધરો ક્યારના ઝંપલાવી ચૂક્યા છે. કેમરૃને તો આ જ કલ્પનાને વધુ આગળ ધપાવીને અવતાર જેવી બેનમૂન ફિલ્મ પણ બનાવી નાંખી છે. વ્યવસાયની આ શક્યતાને લીધે જ ભવિષ્યમાં ચંદ્રની ટૂર સરળ બનવાના એંધાણ વર્તાય છે. 'દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી'ના ન્યાયે ખનીજ ઉલેચવા માટે મોકલાયેલા અવકાશયાન પેસેન્જરને ય લઈ જાય. ચંદ્ર પર કામચલાઉ કોલોની પણ બને અને એક નવા અને માનવ ઈતિહાસના સૌથી વધુ રોમાંચક ટુરિસ્ટ સ્પોટનો ય આવિષ્કાર થાય. આ તર્જ હાલ દુનિયાભરના કલ્પનાશીલો અને દીર્ઘદૃષ્ટા ચક્રમોની આંખો ચમકાવી રહી છે. આજે આ બધા હવાઈકિલ્લા ભલે લાગે પણ તેને સાવ હસી નાંખવા જેવું નથી કારણ કે, ઈતિહાસ ગવાહ છે કે ઈતિહાસ હંમેશા ચક્રમોએ જ સર્જ્યો છે.
- દરમિયાન,
આવતીકાલે જો પ્રેમી કે પ્રેમિકા કહી દે કે, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો... તો એને હસી કાઢવાને બદલે ઉત્સુક આંખે, ગમતીલ અવાજમાં કહી જ દેજો, હમ હૈ તૈયાર ચલો!

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved